Get The App

બાળકના નાક-નેણ- વર્ણ સાથે પગ પણ જુઓ

Updated: Jan 20th, 2025


Google NewsGoogle News
બાળકના નાક-નેણ- વર્ણ સાથે પગ પણ જુઓ 1 - image


- કેટલું જાણો છો તમારા વહાલસોયા શિશુના પગ વિશે

- વાસ્તવમાં નવજાત શિશુના શરીરમાં રહેલાં હાડકાં એકદમ કુણાં હોય છે. બાળકોના પગના આકારમાં ઘણી જાતના ફેરફાર જોવા મળે છે. આનું કારણ એ છે કે શિશુ માતાના ગર્ભમાં હોય ત્યારે તે જુદી જુદી સ્થિતિમાં હોય છે. પરંતુ બાળક જ્યારે ચાલતા શીખે ત્યારે તેના પગ અમુક ડિગ્રી સુધી બહાર નીકળે છે અને ધીમે ધીમે બંને પગ એકસમાન થઈ જાય છે.

શિશુનો જન્મ થાય ત્યારે આપણે તેની ત્વચાનો વર્ણ, નાક-નેણ જોઈએ છીએ. પણ તેના પગ તરફ આપણું ધ્યાન નથી જતું, પરંતુ આ આપણી મોટી ભૂલ છે. પગ પ્રત્યે બેધ્યાન રહેવાથી ઘણીવાર બાળક મોટી સમસ્યાનો શિકાર બની શકે છે. વાસ્તવમાં નવજાત શિશુના શરીરમાં રહેલાં હાડકાં એકદમ કુણાં હોય છે. પાંચ વર્ષની વય સુધી તે સારી રીતે વિકસિત થઈ જાય છે. બાળકોના પગના આકારમાં ઘણી જાતના ફેરફાર જોવા મળે છે. આનું કારણ એ છે કે શિશુ માતાના ગર્ભમાં હોય ત્યારે તે જુદી જુદી સ્થિતિમાં હોય છે. આવમાં જો ગર્ભમાં તેના પગ ખોટી રીતે દબાયેલાં કે મરડાયેલાં રહ્યાં હોય તો તેના પંજા અંદરની તરફ વળેલા હોય છે. પરંતુ બાળક જ્યારે ચાલતા શીખે ત્યારે તેના પગ અમુક ડિગ્રી સુધી બહાર નીકળે છે અને ધીમે ધીમે બંને પગ એકસમાન થઈ જાય છે.

પિજન ટોઝ :

 જો તમારું ભૂલકું ઊંધુ સુવા ટેવાયેલું હોય તો તેના પગની સ્થિતિ એકબીજા તરફ હોય છે. તેને પગ અંદર તરફ કરીને બેસવાની ટેવ હોય કે તે પંજા વડે વોકર ચલાવતો હોય તો પણ તેના પંજા અંદર તરફ વળેલા રહે છે. આવી સ્થિતિમાં ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. જેમ કે...

* તમે જ્યારે જ્યારે બાળકનું ડાયપર બદલો ત્યારે તેના પંજા પકડીને બહારની તરફ ખેંચો. તેને રમાડતી વખતે તેના પંજા અને પગમાં હળવાં હળવાં ગલગલિયાં કરો. તેના બંને પગ તમારી તરફ ખેંચો અને પહોળા પણ કરો. 

* ભૂલકું સુઈ જાય પછી તેના પગની સ્થિતિ ચકાસો. તેના પંજા બહારની તરફ રાખો.

* વોકર ચલાવતી વખતે બાળકનો એક પગ વારંવાર લપસી જાય કે પછી તે એક જ પગથી વોકરને ધક્કો આપે તો તે પિજન ટોઝનું લક્ષણ છે. 

* જો પાંચ વર્ષ સુધી બાળકની આવી ટેવ ન છૂટે તો તેને ઓર્થોપેડિક શૂઝની જરૂર પડી શકે છે.

ફલેટ ફૂટ : 

જન્મ પછી લગભગ બે વર્ષ સુધી બધા બાળકોના પગ ફલેટ હોય છે. આના બે કારણ છે, પગમાં સરખી રીતે ખાડો ન બનવો અને શિશુના પગ થોડાં સ્થૂળ હોવાં. વાસ્તવમાં બાળકના પગના હાડકાં તેમજ સાંધા એકદમ ફલેકિઝબલ હોય છે. પરિણામે બાળક ઊભું થાય ત્યારે દબાઈને ફલેટ થઈ જાય છે. જો બાળકને પંજા પર ઊભું રાખવામાં આવે તો ખાડો નજરે પડે છે. જો તેનો પગ સપાટ હશે તો ફરસ પર તેના આખા પંજાની નિશાની આવી જશે. જોકે આ સમસ્યા આપોઆપ ઠીક થઈ જાય છે. પરંતુ જો બાળક ઊભા રહેતી વખતે પીડા થતી હોવાની ફરિયાદ કરે તો તબીબનો સંપર્ક સાધીને તેને કરેક્ટિવ શૂઝ અને એકસસાઈઝ વિશે પૂછો.

કલબ ફૂટ : 

બાળકના પગ અંદરની તરફ વળેલા હોય તેને કલબ ફૂટ કહેવાય છે. આનું એક કારણ કરોડરજ્જુમાં કોઈ પ્રકારની ખામી પણ હોઈ શકે. આ સમસ્યા દૂર કરવા શિશુ એક મહિનાનું થાય પછી તેના પગને પ્લાસ્ટર કરવામાં આવે છે. ત્યાં સુધી માતાને શિશુના પગ ખેંચતા રહેવાનું કહેવામાં આવે છે. વાસ્તવમાં કલબ ફૂટમાં પગમાં એક તરફ  સ્નાયુઓ વધારે હોય છે. પરિણામે એડી પણ ઉપર તરફ ચાલી જાય છે. પ્લાસ્ટર કરીને આ સ્નાયુઓને ખેંચીને યોગ્ય સ્થિતિમાં ગોઠવવામાં આવે છે. સંબંધિત પ્લાસ્ટરને ત્રણ વખત બદલવામાં આવે છે. પ્લાસ્ટર ખોલ્યા પછી ખાસ પ્રકારના શૂઝ પહેરાવવામાં આવે છે.

બો લેગ્સ : 

સામાન્ય રીતે બધા બાળકોના ઘુંટણ બહારની તરફ વળેલાં હોય છે. આનું કારણ એ છે કે માતાના ગર્ભમાં તેનો પૂર્ણ વિકાસ થઈ જાય ત્યારે શિશુના પગ ગર્ભમાં ગોઠવાઈ રહેવા આપોઆપ વળી જાય છે. બાળકના જન્મ પછી તે આપોઆપ સામાન્ય સ્થિતિમાં આવી જાય છે. આમ છતાં ચોક્કસ બાબતોની કાળજી કરવી આવશ્યક છે. જેમ કે...,

* બાળક બે વર્ષનું થાય ત્યાં સુધી તેના પગના ઘુંટણ સીધાં ન થાય તો તબીબનો સંપર્ક કરવો.

* જો એક જ ઘુંટણ વળેલો હોય તોય તુરંત ડોકટરને બતાવવું.

બાળકના પગ સીધા ન થવા પાછળનું એક કારણ વિટામીન 'ડી'ની ઉણપને કારણે થતી બીમારી રિકેટ્સ પણ હોય છે. તેથી જરૂર પડયે વિટામીન 'ડી'ની તપાસ કરાવી લેવી.

વળેલાં પગ : 

તબીબી ભાષામાં ઘુંટણ અને ઘુંટી વચ્ચેના ભાગને શીનબોન કહેવામાં આવે છે. જો બાળકનું શીનબોન અંદર અથવા બહાર, કોઈ તરફ પણ વળેલું હોય તો તેને તિબિયલ ટોર્શન કહેવાય છે. મોટાભાગે તો બાળક ચાલવાનું શરૂ કરે ત્યારે આ ભાગ પર ધ્યાન જાય છે. જો શીનબોન વળેલાં હોય તોય બે-ત્રણ વર્ષમાં તે સામાન્ય થઈ જાય છે. પરંતુ જો આમ ન થાય તો તે તેને ખાસ પ્રકારના બ્રેસેસ પહેરાવવાં પડે છે.

કાર્ડ થાઈ બોન : 

આ સમસ્યાને તબીબી ભાષામાં ફેમોરલ ટોર્શન  કહેવામાં આવે છે. આમાં બાળકના થાપા, ઘુંટણ અને પંજા અંદર અથવા બહારની તરફ વળી જાય છે. જોકે આ સમસ્યા ભાગ્યે જ જોવા મળે છે. આમ છતાં એ વાતનું ધ્યાન રાખો કે બાળક ટટ્ટાર બેસે. બાળક જ્યારે ચાલવા લાગે ત્યારે આ હાડકાં આપોઆપ સીધાં થઈ જાય છે. બાળક ૧૦ વર્ષનું થાય ત્યાં સુધી જો થાઈ બોન સીધાં ન થાય તો તેને શસ્ત્રક્રિયાની મદદથી સીધાં કરી શકાય છે.

નિષ્ણાતો કહે છે કે માતાપિતાને બાળકના જૂતાં ખરીદવાની સમજ હોવી જોઈએ. જોકે તેઓ એમ પણ કહે છે કે આજે બજારમાં કલરફુલ, મ્યુઝિકલ અને કાર્ટુન ડિઝાઈનવાળાં અનેક પ્રકારના શૂઝ જોવા મળે છે. પરંતુ બાળક જેટલું ઉઘાડા પગે ચાલે એટલું વધુ સારું. ખુલ્લા પગે ચાલવાથી તેના પંજાનો આકાર વ્યવસ્થિત થઈ જાય છે અને એડી તેમ જ સ્નાયુ મજબૂત બને છે. બાકી બાળક જો માત્ર સપાટ ફરસ અને સોફટ બૂટ પહેરીને ફરશે તો તેના પંજા સપાટ થઈ જશે. શૂઝ લેતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો.

* બાળકના શૂઝ સેમી સોફટ હોવાં જોઈએ. તેના તળિયામાં બાળકના પગ લપસવા ન જોઈએ પણ તેને મજબૂત પકડ મળવી જોઈએ.

* બાળકના પંજા અને શૂઝના આગળના ભાગમાં ઓછામાં ઓછી એકથી બે સે.મી.ની ખાલી જગ્યા હોવી જોઈએ.

* જૂતાંનો આગળનો ભાગ એટલો પહોળો હોવો જોઈએ કે તેનો પંજો તેમાં દબાય નહીં. જો ભૂલકાનો પંજો બૂટના આગળના ભાગમાં દબાતો હશે તો તેને આંગળીઓમાં ફોલ્લાં થવાની અને ચેપ લાગવાની ભીતિ રહે છે.

* ભૂલકાના પગનું માપ ઝડપથી બદલાતું હોવાથી બે-અઢી મહિનામાં તેના પગનું માપ તપાસતાં રહો. જો તેને બૂટ ટાઈટ થતાં હોય તો ન પહેરાવો.

* બાળક બહાર રમતું થાય પછી તેના પગરખાંની ખરીદી સાંજે કરો.

* પગનું માપ મોટું થઈ જાય પછી પણ એ જ શૂઝ ચાલશે એમ વિચારીને એક સાઈઝ મોટા બૂટ ખરીદવાની ભૂલ ન કરો. માપ કરતાં મોટા પગરખાં પહેરવાથી બાળકના પડી જવાનો ભય રહે છે.

* બાળક માટે બેકલેસ સેંડલ, સ્ટાઇલિશ સ્લીપ ઓન્સ કે હિલવાળા પગરખાં ન ખરીદો. તેમના માટે ફલેટ છતાં શોક એબ્ઝર્પ કરી શકે એવાં જૂતાં અચ્છો  વિકલ્પ છે.

આ સિવાય પણ કેટલીક બાબતોની કાળજી આવશ્યક બની રહે છે. જેમ કે...,

* બાળકને પહેલેથી જ પોતાના પંજા સીધાં રાખવાનું શીખવો. જો પંજા અંદર અથવા બહારની તરફ વળેલાં હશે તો આખા શરીરનું સંતુલન ખોરવાઈ જશે.

* ભૂલકાના મોજાં પગની સૌથી મોટી આંગળી કરતાં ઓછામાં ઓછા એક સે.મી. જેટલાં મોટા હોવા જોઈએ.

* બાળકના બૂટમાંથી વાસ આવતી હોય તો રાત્રે તેમાં બેકિંગ પાવડર નાખીને મૂકી રાખો. સવારના પહેરાવવાથી પહેલા તે સારી રીતે લૂછી નાખો.

* ભૂલકું સ્વીમિંગ કરવા, તળાવ અથવા નદી કિનારે જાય તો તરત જ તેના પગ સાબુથી સાફ કરો. નહીં તો એથલીટ ફૂટ, ડંખ, ત્વચામાં ચેપ લાગવો જેવી સમસ્યા સર્જાઈ શકે છે.

બાળકના પગ પર નિયમિત રીતે નજર રાખતાં રહો. જો કોઈપણ સમસ્યા જણાય તો તરત જ તબીબનો સંપર્ક સાધો.


Google NewsGoogle News