સાયટીકા - સારવાર અને આયુર્વેદ
- આરોગ્ય સંજીવની- જહાનવીબેન ભટ્ટ
'સાયટીકા'ને સામાન્ય ભાષામાં 'રાંઝણ'નાં નામે ઓળખવામાં આવે છે. આ રોગમાં વાતદોષને કારણભૂત માનવામાં આવે છે.
વાયુથી ઉત્પન્ન આ નાડીરોગ આમ તો પુરુષ અને સ્ત્રી બંનેમાં જોવા મળતો રોગ છે. પરંતુ સ્ત્રીઓમાં અને તેમાં પણ ૩૫ વર્ષની ઉંમર પછી આ રોગ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.
મોર્ડન સાયન્સ પ્રમાણે કરોડરજ્જુનાં અંતિમભાગમાં આવેલા પાંચ મણકામાંથી તથા તેની નીચે આવેલા ભાગમાંથી નીકળતી નાડીઓ ભેગી મળીને સાયટીકા નાડી બનાવે છે, હવે જ્યારે કોઈ પણ કારણોસર અંતિમ પાંચમો મણકો પાછળની બાજુ ખસે છે, ત્યારે આ નાડી પર ખૂબ જ દબાણ આવે છે. તેનાથી આ સાયટીકા નાડીમાં તેમજ કમરના ભાગમાં ખૂબ જ દુ:ખાવો થાય છે. અને આ દુ:ખાવો પગની એડી સુધી જાય છે. ઘણીવાર દર્દીને પગ ખેંચાતો હોય તેવી તીવ્ર વેદના થાય છે.
ગૃધુસી તરીકે ઓળખાતા આ રોગમાં વેદના એટલી તીવ્ર હોય છે કે, રોગીની ચાલ ગીધ જેવી થઈ જાય છે. તેથી આ રોગને 'ગૃધુસી' તરીકે આયુર્વેદમાં ઓળખવામાં આવે છે. ઘણીવાર પીડા એટલી બધી તીવ્ર હોય છે કે, દર્દી જરા સરખો પણ પગ મૂકી આગળ વધી શકતો નથી. તેનો સમગ્ર પગ ખેંચાઈ જાય છે. આ રોગ સતત ઉભા રહેવાથી કે ઉંચી હીલના સેન્ડલ પહેરવાથી કે સતત ખૂબ ચાલવાથી વગેરે કારણોસર થતો જોવામાં આવ્યો છે. ઉપરોકત કારણોથી સાયટીકા નાડી પર દબાણ આવે છે, તથા રોગીને જાંઘ, ઘુંટણ પગની એડી અને આંગળીઓ સુધી જાણે વીજળીનો કરંટ પસાર થતો હોય તેવી વેદના થાય છે. તેમ છતાં આ રોગનાં મુખ્ય કારણોમાં વાયુનો પ્રકોપ જ મહત્વનો માનવામાં આવેલો છે.
આ ઉપરાંત કમરમાંથી આંચકો લાગવો, ખૂબ વજન ખસેડવું, મણકો ખસી જવો, વાયુનો પ્રકોપ થાય તેવા વાસી, વાયડા, તીખા, રૂક્ષ, લૂખા, આહાર-વિહારનું સેવન વગેરે મુખ્ય કારણો છે.
આ રોગનાં સામાન્ય લક્ષણોમાં કમરથી લઇને પગનાં તળિયા સુધી દુ:ખાવો થવો એ સામાન્ય લક્ષણ છે. આ દુ:ખાવો કેટલાક રોગીઓમાં એક પગમાં તો કેટલાક રોગીઓમાં બંને પગમાં જોવા મળે છે. સામાન્ય તંદુરસ્ત વ્યકિત સૂતાં-સૂતાં પોતાના પગને ઘૂંટણથી વાળ્યા વિના ૯૦ ડિગ્રીના ખૂણા સુધી ઊંચો કરી શકે છે, જ્યારે સાયટીકાના દર્દવાળા રોગીને આ રીતે પગ વાળવામાં તકલીફ થાય છે. આવા લક્ષણવાળા રોગીઓમાં ઘણીવાર પગમાં ઝણઝણાટી થવી, બળતરા થવી અને સાથે સાથે ઝાડા-પેશાબમાં પણ તકલીફ જોવા મળે છે. લાંબા સમય સુધી ઉભા-ઉભા કામ કરવું, વાસણ સાફ કરવા વગેરે કામ કરવાવાળી સ્ત્રીઓમાં પણ આ દર્દનો અનુભવ અચાનક જ થવા માંડે છે.
આ રોગની ચોકસાઈ માટે એક્સ-રે, સીટી સ્કેન અને એમ.આર.આઈ. ઘણાં ઉપયોગી થઈ શકે છે.
સારવાર પ્રયોગ :
આ રોગમાં રોગીને સંપૂર્ણ આરામ કરાવવો. રોગીએ બને તો સમતળ જગ્યામાં પથારી પર પોચી ગાદી પાથરી સુવાની ટેવ રાખવી.
ઘરગથ્થુ પ્રયોગોમાં અડદ, લસણ, સૂંઠ વગેરેનો વધુ ઉપયોગ કરવો અને કબજિયાતથી દૂર રહેવું. જો કબજિયાત રહેતી જ હોય તો રાત્રે ૧ ચમચી એરંડાપૃષ્ટ હરડેનું ચૂર્ણ સુખોષણ પાણી સાથે લઈ લેવું હિતાવહ છે.
આ રોગમાં પંચકર્મ ચિકિત્સા પણ ખૂબ જ સારું પરિણામ આપે છે. રોગીને પંચગુણ તેલ કે દશમૂલ તેલથી માલિશ કરી નિર્ગુડી જેવા વાતઘ્ન ઔષધોથી સ્વેદન કરાવવું જોઈએ. 'કટિબસ્તિ' એ આ રોગમાં ચિકિત્સાનો સારો વિકલ્પ બની શકે છે. કટિબસ્તિમાં કરોડરજ્જુના છેલ્લા મણકા પાસે અડદનાં લોટની પાળી બાંધી તેમાં સુખોષ્ણ ઔષધ દ્રવ્યનો સ્વરસ અને વાતઘ્ન તેલ દ્વારા આ બસ્તિ આપવાથી પીડામાં તાત્કાલિક ઘણી જ રાહત થાય છે. કટિબસ્તિમાં કમરમાં મણકાઓમાં તૈલપૂરણ કરવાથી બે મણકાઓ વચ્ચેની ગાદી મજબૂત બને છે. આ ઉપરાંત ગુદબસ્તિ આપવાથી ગુદા માર્ગથી ગયેલ ઔષધસિદ્ધ તેલ વાયુના મુખ્ય સ્થાન પકવાશયમાં સ્નેહન કરી પ્રકુપિત વાયુનું સમગ્ર શરીરમાંથી શમન કરે છે, જેથી વાયુ શાંત થતાં દુ:ખાવો આપો-આપ ઓછો થઈ જાય છે.
આ ઉપરાંત, સાયટીકામાં અગ્નિકર્મ પણ ખૂબ ઝડપી રાહત આપે છે. એકાદ સીટીંગમાં દુ:ખાવો ૪૦ થી ૫૦% ઓછો થઈ જાય છે. અગ્નિકર્મ ડાયાબિટીસનાં હોય તેવા તમામ દર્દીઓ ઉપર ખૂબ જ અદ્ભુત પરિણામ આપે છે.
આ ઉપરાંત આભ્યાંતર ઔષધ પ્રયોગમાં મહાયોગરાજ ગુગળ ૨-૨ ગોળી સવાર-સાંજ ભૂકો કરીને લેવી. વાતાવિધ્વંસરસ વગેરેનો પ્રયોગ પણ વૈદ્યની સલાહ મુજબ કરી શકાય છે.
ઔષધ પ્રયોગની સાથે સાથે આહાર-વિહારની સાવધાની પણ અનિવાર્ય છે. વાયુ વધારે તેવો આહાર-વિહાર આ રોગમાં અપથ્ય બતાવ્યો છે.
જેમાં વાલ, વટાણા, ચોળા, મઠ, વાસી-ઠંડા ખોરાક તેમજ આથાવાળી વસ્તુઓથી પરેજી રાખવી. તેમજ લીલા શાકભાજી, દૂધી, તલ, મેથી, અજમો, સૂંઠનું પાણી વગેરે આ રોગમાં પથ્ય બતાવ્યું છે.
ઔષધ પ્રયોગ અને અગ્નિકર્મની સારવાર દર્દીને આ રોગમાંથી અવશ્ય મુકિત અપાવે છે.