શિયાળામાં તડકાને વધાવો .

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
શિયાળામાં તડકાને વધાવો                                       . 1 - image


- તડકાને મોટાભાગના લોકો હાનિકારક માનીને  તેનાથી દૂર ભાગે છે, પણ વાસ્તવિકતા કંઈક બીજી પણ છે. કૂણા તડકાનો આનંદ મન અને સ્વાસ્થ્ય બંને માટે જરૂરી છે...

રુમાને સાસુમાના એ વખાણ બહુ ગમતાં કે તેમની વહુ પડદા વગર પણ પડદામાં રહે છે. તેને ઘરમાં રહીને કામ કરવું બહુ ગમે છે. તે સાંજે કે રાત્રે પતિની સાથે ફરે પણ છે, પરંતુ ખુશ રહેવા છતાં તે બીમાર જેવી લાગવા લાગી. કોઈ કારણ ન મળતા લોકો ઉપરનું ચક્કર કહેવા લાગ્યા.

નિશા ખૂબ જ બ્યૂટિ કોન્શિયસ છે. સ્કિનની તો તે ખૂબ જ કાળજી રાખે છે. પરંતુ તેમ છતાં થોડા દિવસોથી તેની સ્કિનમાં એ તાજગી નહોતી દેખાતી, જેના લીધે તે ઓળખાતી હતી. લોકો આનું કારણ તેની સ્કિન ફિક્કી અને નિસ્તેજ થઈ ગઈ છે તેવું ગણાવતા અને તેને ચિંતા ઓછી કરવાની સલાહ આપવા લાગતા.

આવા કેટલાંય ઉદાહરણ આપણને આપણી આસપાસ મળી જશે. વાસ્તવમાં આ ઉદાહરણો વિન્ટર બ્લૂઝ નામનો એક મનોરોગ છે.  મનોચિકિત્સક ડૉક્ટર જણાવે છે, ''તે મોટેભાગે સ્ત્રીઓને અસર કરે છે. આ રોગ પુરુષોમાં ઓછો થાય છે. વાસ્તવમાં લાંબા સમય સુધી તડકો ન  લેવાને કારણે મેલાટોનિન ન્યૂરો હોર્મોનની ઊણપ થઈ જાય છે. આ રોગ મહિલાઓમાં એટલા માટે વધારે થાય છે. કારણ કે તે તડકામાં જવાનું ખાસ પસંદ નથી કરતી, જ્યારે પુરુષોને તડકામાં આવવાજવાનું થતું રહે છે. આથી તેમને આ રોગ ઓછો થાય છે.''

એક ડૉક્ટર (મનોચિકિત્સક) જણાવે છે,  ''વિન્ટર બ્લૂઝને મોટેભાગે લોકો સીઝનલ ડિસઓર્ડર સમજે છે. એટલે એવા સમયે સીઝન પ્રમાણે જ ખાનપાન અને રહેણીકરણી રાખવા જોઈએ.''

તડકો સૌંદર્યનો દુશ્મન નથી

તડકાને મોટેભાગે લોકો નુકસાનકારક માનીને તેનાથી દૂર ભાગે છે. જ્યારે  હકીકત એ છે કે વહેલી સવારના તડકામાં ભરપૂર માત્રામાં વિટામિન ડી હોય છે. એટલે આ તડકો ખાવાથી હાડકાં મજબૂત બને છે, સ્કિન પણ ચમકતી રહે છે. તડકામાં વિટામિન ડી હોવાને કારણે કેલ્શિયમનું અવશેષણ પણ સારી રીતે થાય છે. એટલે સવારનો તડકો બહુ જ ફાયદાકારક છે.

'ધૂપ મેં નિકલા ન કરો રૂપ કી રાની...' ગીતની આ પંકતિઓ ફિલ્મો સુધી જ ઠીક છે. વાસ્તવમાં તો દ્રષ્ટિકોણ વાસ્તવિક્તા દર્શાવતો જ રાખવો પડશે. ગીતકારે આ પંક્તિઓ દિવસના આકરા તાપ માટે લખી છે. એટલે એ વાત ધ્યાનમાં રાખો કે સવાર-સાંજના કૂણા તડકાનો આનંદ લેવામાં આવે તો તે તન અને મન માટે અત્યંત સુખદ બની રહે છે.

તડકામાં અજવાળું અને ચમક હોય છે. તેનાથી મન પણ ખુશ અને પ્રફુલ્લિત રહે છે. પહેલાં લોકો ચોકમાં સાથે બેસીને ઘરનું કામ કરતા હતા અને ગપ્પા મારતા તડકાનો આનંદ લેતા હતા. આજકાલ આ પ્રવૃત્તિ ઓછી થઈ રહી છે. એટલે તે ફરીથી અપનાવવી પડશે. નવા સંશોધન પ્રમાણે તડકો ખાવાથી તો હાર્ટ ડિસીઝ થઈ કાબૂમાં રહે છે.

એક તબીબ જણાવે છે, ''આપણે ત્યાં તડકો બહુ જ સરળતાથી ઉપલબ્ધ છે. એટલે લોકો તેની ગણના નથી કરતા. તેનું મહત્ત્વ જાણવા છતાં તેનાથી દૂર રહે છે. વિન્ટર બ્લુઝના પેશન્ટ જ્યારે અમારી પાસે આવે ત્યારે તેમને તડકાનું મહત્ત્વ સમજાવવું બહુ મુશ્કેલ પડે છે. તેમના મતે તડકામાં ન બેસવા જેવી નાનકડી બાબતથી કંઈ આટલો મોટો રોગ થઈ શકે?'' ''કેટલાક તો સ્પષ્ટ કહી દે છે કે તેમને સન એલર્જી છે. એટલે તાપ સહન નથી થતો. આવા પેશન્ટ્સને તડકા વિશે વિસ્તારથી સમજાવવું પડે છે. સન એલર્જીથી બચવા માટે સન ક્રીમના ઉપયોગની સલાહ આપવામાં આવે છે, ત્યારે કંઈક એમની સમજમાં આવે છે.''

''વિન્ટર બ્લૂઝના પેશન્ટ્સ વધારે કામ ન કરવા છતાં થાકેલા રહે છે. વધારે સૂવા છતાં  તેમનો થાક નથી ઊતરતો. ધીમેધીમે તેમનું લોકો સાથે  હળવામળવાનું પણ ઓછું પસંદ કરે છે. જીવનમાં નિરાશા અને ડિપ્રેશન વધવા લાગે છે. વિન્ટર બ્લૂઝના ચક્કરમાં ફસાતા લોકોને સ્ટ્રેસ વધારે હોય છે, પરંતુ તેમનામાં સ્ટ્રેસ મેનેજ કરવાની ક્ષમતા બહુ ઓછી હોય છે.'' વિન્ટર બ્લૂઝની ફરિયાદ એ ઠંડા પ્રદેશોમાં વધારે છે જ્યાં તડકો બહુ ઓછો નીકળે છે. લંડન, નોર્વેમાં લોકો તેના સકંજામાં વધારે આવે છે. ત્યાં જ્યારે પણ તડકો નીકળે છે, ત્યારે લોકો તેની મજા માણે છે. જયાં તડકો આવતો જ નથી ત્યાં ૧૦ હજાર વોટના લેમ્પના અજવાળામાં બેસીને તડકાની કમી પૂરી કરે છે.

તડકાનું પ્રકૃતિ પણ મનથી સ્વાગત કરે છે, ફૂલો ખીલી ઊઠે છે, ફળો વધવા લાગે છે. પાક લહેરાવા લાગે છે, જીવન ચાલતું હોય તેવું લાગે છે. તડકો કીટાણુઓનો પણ નાશ કરે છે.

કેટલાક વિદેશી સહેલાણીઓ તો ભારત તડકાનો આનંદ લેવાના હેતુથી જ આવે છે. મનોચિકિત્સક વિન્ટર બ્લૂઝના પેશન્ટ્સને તડકાવાળા દેશોમાં જઈને આરોગ્ય લાભ મેળવવાનું પણ સૂચવે છે. એટલે જ તો વિદેશી સહેલાણીઓ સનબાથ લેવા માટે ઓછાં કપડાંમાં દરિયાકિનારે પડયા રહે છે. આ તેમનું અંગપ્રદર્શન નથી હોતું. અમુક હોટલ માલિકો કહે છે કે વધારે પડતી ગરમીમાં પણ કેટલાક વિદેશી સહેલાણીઓ પંખો સુધ્ધાં નથી ચલાવતા. તેઓ કહે છે કે ગરમી એન્જોય કરી રહ્યા છે. પરસેવો કાઢીને શરીરની સફાઈ કરી રહ્યાં છે.

*  આજની ભાગદોડવાળી જિંદગીમાં લોકો બહુ વ્યસ્ત થઈ ગયા છે. સુખસુવિધાનાં સાધનો ખરીદીને તેઓ જીવનમાં અલગઅલગ પ્રકારના શોર્ટકટ્સ શોધી રહ્યાં છે. એસી, હીટર, વોર્મર વગેરે તડકાનો વિકલ્પ નથી, ભલે તે ઠંડીથી બચાવતા હોય.

*  ખાનપાન જ નહીં, આખી જીવનશૈલી સારી હોવી જોઈએ. અતિ કોઈપણ ચીજનું નુકસાનકારક હોય છે.

*  તડકામાં બેસવું જેને સમયની બરબાદી લાગતું હોય તેઓ ૧૦-૨૦ મિનિટ ઓફિક કે કામ માટે વહેલા નીકળીને હરતાંફરતાં તડકાનો આનંદ લઈ શકે છે. તડકામાં ગરમ કપડાં કાઢીને પણ થોડીવાર બેસી શકે છે.

*  દિવસના આકરા તડકામાં અલ્ટ્રાવાયોલેટ કિરણો નીકળે છે, એટલે તેનાથી બચો. સવાર કે સાંજનો તડકો લેવો સારો રહે છે.

*  વ્યસ્ત જીવનશૈલીમાંથી થોડો સમય  પોતાને આપો, જેથી રોગનો શિકાર બની વધારે સમય ન બગાડવો પડે. તો પછી કેમ તડકાનો આનંદ લઈ વિન્ટર બ્લૂઝને દૂર ન ભગાડીએ? પોતાનું રૂટિન એ રીતે બનાવો કે થોડો સમય તડકાનો   આનંદ પણ લઈ શકાય અને ગરમીઠંડીનો શિકાર પણ ન બનાય.

- કેતકી


Google NewsGoogle News