સલમાનનો સ્કાર્ફ જેવા 'કાફિયા' ગળે બાંધવાની ફેશન
સલમાન જે કરે એ ટ્રેન્ડ બની જાય છે. પછી એ કંઈ પહેરવાનો હોય કે કાઢવાનો, પણ ટ્રેન્ડ તો બને જ છે. આજકાલ એક નવી ફેશન છે. ગળા ફરતે સલમાને તેની રિસન્ટ્લી રિલીઝ થયેલી ફિલ્મ 'એક થા ટાઈગર'માં પહેર્યા હતા એવા સ્કાર્ફ. મુસ્લિમોમાં કેફિયા તરીકે પ્રચલિત એવા ગળા ફરતે વીંટાળવાના આ લાંબા રૂમાલ પહેલાં આરબો પોતાના માથા પર બાંધતા તેમ જ પઠાણો પોતાના ખભા પર રાખતા, પરંતુ હવે હરકોઈ આ સ્કાર્ફને સલમાનની જેમ ગળા ફરતે વીંટાળવાનું પસંદ કરી રહ્યા છે.
ફિલ્મ રિલીઝ થયાની સાથે જ મોટા ભાગના મુસ્લિમ ક્રાઉડે આ ટ્રેન્ડને હરખભેર અપવાની લીધો હતો. પરંતુ આ ટ્રેન્ડ ફક્ત તેમના સુધી જ સીમિત નથી, બધા ફૅશનેબલ યંગસ્ટર્સ સ્કાર્ફ પહેરવાનું પસંદ કરી રહ્યા છે.
ગમછાની સ્ટાઈલ
આ સિવાય સલમાને ફિલ્મના એક ગીતમાં ગળા ફરતે લાલ ગમછો વીંટાળ્યો છે. આવા જ ગમછા થોડા સમય પહેલા રિલીઝ થએલી અનુરાગ કશ્યપની ફિલ્મ 'ગૅન્ગ્સ ઑફ વાસેપુર'માં પણ જોવા મળ્યા હતા. પરંતુ 'એક થા ટાઈગર'માં આ ગમછા થોડી જુદી પેટર્નમાં જોવા મળ્યા જેમાં બ્લેક એન્ડ વાઈટ તેમ જ રેડ એન્ડ વાઈટનું કૉમ્બિનેશન જોવા મળ્યું હતું. મોટા ભાગે આવા ગમછા પઠાણી સૂટ કે સલવાર-કુરતા પર શોભે છે, પરંતુ સલમાને કેઝ્યુઅલ શર્ટ અને કાર્ગો પર તેમ જ અનુરાગ કશ્યપે ફિલ્મના પ્રમોશન સમયે સૂટ પર પહેરીને એ સાબિત કર્યું છે કે ફેશનની દુનિયામાં કંઈ પણ ચાલી શકે છે. આ પહેલાં 'ટશન'માં અક્ષય કુમારે પણ આવા ગમછા માથા પર બાંધ્યા હતા. સૈફ અલી ખાન અને જૅકી શ્રોફ પણ અવારનવાર ગળા ફરતે સ્કાર્ફ વીંટાળેલા જોવા મળે છે.
કેવી રીતે થયો ઉદ્ભવ?
આ સ્કાર્ફ અને ગમછા જે સ્ટાઈલમાં બનાવવામાં આવે છે એને હાઉન્ડ્સ્ટૂથ કહેવાય છે. આ એક પેટર્ન છે જે સ્કૉટલેન્ડમાં ઉદ્ભવી હતી, પરંતુ ફૅશનમાં કોઈ દિવસ અપનાવાઈ નહોતી.
સલમાનનો લુક
ફિલ્મમાં સલમાનનો એક જાસૂસનો રોલ માટેનો લુક મૅચો મૅનમાં લોકપ્રિય બની રહ્યો છે. લોકો જો સ્કાર્ફ પહેરેલા જોવા મળે તો કહી પણ દે છે કે 'જો ભાઈ કા સ્ટાઈલ વહી હમારા સ્ટાઈલ'. આવી રફ ફૅશન કરવામાં માનતા પુરુષોને જો સલમાનનો આ લુક અપનાવવો હોય તો આટલી ચીજો છે જરૂરી:
કૉટન ટ્રાઉઝરસ કૅઝ્યુઅલ શર્ટ, ચેક્સવાળો સ્કાર્ફ અને અનશેવ્ડ રફ લુક.