Get The App

વાર્તા-પોતીકાં પારકા થયાં

Updated: Nov 7th, 2017

GS TEAM


Google News
Google News

મગજમાં સવાલ ઉઠયો, જય ક્યાં છે? મેં બહુ મુશ્કેલીથી રજાઈ દૂર કરી. મેં જોયું, જય ભાભીની સોડમાં હતા. મેં અધારામાં, ન જોવા જેવું ઘણું બધું જોયું... જય ભાભી સાથે રજાઇમાં હતા.

વાર્તા-પોતીકાં પારકા થયાં 1 - imageહજુ હમણાં જ હું ક્લબમાંથી ઘરે આવી એટલામાં મારા નોકર રઘુએ કહ્યું, 'મેડમ, તમારો ફોન.'
'અરે, સેજલ તું? બોલ શું ચાલે છે?' સેજલનો અવાજ ઓળખી જતાં મેં કહ્યું?

'બીના, તારી ક્લબની મીટિંગ કેવી રહી?'
'બસ એ જ રોજની રામાયણ. તું કહે, તારું શું ચાલે છે? તારો અવાજ કેમ ઢીલો લાગે છે?'
'બીના, મારા પતિ આજે પણ નાસ્તો કર્યા વગર ઓફિસે જતા રહ્યાં.'
'મેઘાનું નામ લઇને તેં ચોક્કસ ઝઘડો કર્યો હશે.' હું તરત જ બોલી.
'તારી વાત સાચી છે. મેહુલ રોજેરોજ મેઘાના ઘરે જાય એ મને નથી ગમતું.'
'સેજલ, તું મારા ઘરે આવી પહોંચ, સાથે ચા-નાસ્તો કરીશું.'
'સારું, હું હમણાં જ આવું છું.' કહીને એણે ફોન મૂકી દીધો.

બીનાએ કપડાં બદલ્યાં અને હાથમોઢું ધોઈને ફ્રેશ થઇ. સેજલ આવતાં જ એણે રઘુને ચા બનાવવાનું અને સાથે નાસ્તો પણ લેતા આવવાનું કહ્યું.
'આવ સેજલ, આપણે બહાર લોનમાં બેસીએ.'

બહાર સરસ ઠંડક છે. આમ પણ તું બહુ ઉકળેલી છે અને દૂબળી પણ થઇ ગઈ છે. મને કહે, શું થયું છે?'
'બીના, મારા પતિ સવારસાંજ મેઘાના ઘરે કેમ બેસી રહે છે?'
'સેજલ, તું પણ ઓછી નથી. જ્યારે ને ત્યારે મેહુલ સાથે વગર કારણે ઝઘડતી રહે છે. એના પર ખોટેખોટી શંકાઓ કર્યા કરે છે.'

'તને ખબર નથી, એ વાતવાતમાં મેઘાનાં જ વખાણ કર્યા કરે છે. જ્યારે જુઓ ત્યારે બસ એક જ ઉપદેશ. 'તું મેઘા પાસે રસોઇ બનાવતા શીખ, ઘર સજાવીને રાખતા પણ એને સારું આવડે છે. તારે એની પાસેથી શીખવું જોઈએ.

એમને મારી કપડાં પહેરવાની રીત, મારો મેકઅપ... અરે એટલે સુધી કે મારા બોલવા-ચાલવાની રીત પણ ગમતી નથી. વારે-વારે મને એ એવો જ આગ્રહ કરે છે. 'સેજલ તું પણ મારી સાથે મેઘાના ઘરે આવતી હો તો.' મેં એમને પૂછ્યું તો એ એમ જ કહે છે કે એ મારી સારી મિત્ર છે અને હંમેશાં યોગ્ય સલાહ આપે છે. છેલ્લાં છ વર્ષથી આવું ચાલે છે. હવે તો અમારા લગનને ૧૫ વર્ષ પૂરાં થવાં આવ્યાં. હું શું કરું એ જ મને તો સમજાતું નથી.'

'મને તો મેહુલનો કોઇ વાંક દેખાતો નથી. તું જ શંકાશીલ સ્વભાવની છે અને વહેમનું કોઇ ઓસડ નથી.'
'હજુ ગયા મહિનાની જ વાત કરું. મુશળધાર વરસાદ પડતો હતો. રાતના ૧૧ વાગ્યા આવ્યા તોય હજુ ઘરે નહોતા આવ્યા બન્ને બાળકો પણ સૂઈ ગયા હતા. કોને પૂછું? મેઘાને ફોન કરીને પૂછ ું તો એ વાંદરી એમ જ કહે કે એ તો અહીં આવ્યાં જ નથી.'

એટલા માટે હું આટલા વરસાદમાં, મોડી રાત્રે રિક્ષા કરીને એકલી મેઘાના ઘરે જ પહોંચી ગઈ. થોડી વાર સંકોચના લીધે બહાર ઊભી રહી, પછી મેં ડોરબેલ વગાડયો. મેઘાએ દરવાજો ખોલ્યો. મેં જોયું તો બન્ને ડ્રોઇંગરૃમમાં બેઠા-બેઠા વાતો કરતા હતા. મેં ગુસ્સામાં એમને કહ્યું, 'વિરેશભાઈ મોટે ભાગે ટૂર પર હોય છે અને આજે પણ અહીં નથી. તમે એક ફોન તો કરી શકો છો.' હું ગુસ્સામાં હતી, ખબર નહીે શુંનું શું બોલી ગઈ.

મેઘા હસી રહી હતી જાણે હું એવી નાદાન સ્ત્રી છું જેનો પતિ એનું સાંભળતો જ નથી. અમે બન્ને ઘરે તો આવી ગયા પણ રાતનો ઝઘડો બીજા દિવસ સુધી ચાલુ રહ્યો. મારા પતિ ઓફિસ ગયા પછી મેં મેઘાને ફોન કર્યો અને કહ્યું કે, તમે આ બરાબર નથી કરી રહ્યા. એણે બહુ શાંતિથી કહ્યું કે, 'સેજલ, તું ગાંડી છે. મેહુલ જેવા સમજદાર માણસ સાથે આટલો ઝઘડો અને ઉપરથી શંકા કરે છે? તું તારો સ્વભાવ તો સુધાર અને મેહુલની ભાવનાઓને સમજવાનો પ્રયત્ન કર.' મેં ગુસ્સામાં કહીં દીધું, 'મેઘા મને શિખામણ આપવાની જરૃર નથી. આખી સોસાયટીમાં તમે બદનામ થઇ ગયા છો.' અને મેં ફોન મૂકી દીધો.'

'સેજલ, મેહુલની જોડે તું પણ મેઘાના ઘરે જવાનું રાખ.'
'હું તો પહેલાં જતી જ હતી, પણ મને ત્યાં મૂંઝરો થતો હતો, વળી મેહુલની આંખો હંમેશાં મેઘાના ચહેરાને જ તાકતી રહેતી અને એ એનાં વખાણ કરતાં રહેતાં.'

'સેજલ, તું પ્રશંસાને સત્ય કેમ નથી ગણતી? બની શકે છે કે મેઘા એક સારી સ્ત્રી હોય. તારે એની સાથે હળવું ભળવું જોઈએ.'
'બીના, તું કાં તો ગાંડી છે અથવા બહુ ભોળી. કોણે તને મહિલા ક્લબની સેક્રેટરી બનાવી દીધી છે.'

'હું સેક્રેટરી છું એટલે જ તો ફરિયાદો સાંભળી-સાંભળીને હું હકીકત સમજી શકું છું. ખાસ તો હું મહિલાઓને સતર્ક રહીને ઘરની સંભાળ લેવાનું, સારી ગૃહિણી બનવાનું મહત્ત્વ સમજાવું છું. આપણે-આપણા કુટુંબ, પતિ અને બાળકોને બરાબર સમજવા જોઈએ. સેજલ હું પાંચ-છ વર્ષથી જોઉ છું કે તું તારા પતિ બાળકો સાથે હિલ સ્ટેશન કે બીજે ક્યાંય બહારગામ ફરવા નથી ગઈ. કેમ?'

'બધા અહીં આણંદમાં ને આણંદમાં તો રહે છે. મારું પિયર પણ અહીંયા જ છે. ક્યાંય જવાની જરૃર જ ક્યાં છે.'

'જો સેજલ, લગ્ન પછી સ્ત્રીએ પિયરનો બહુ મોહ ન રાખવો જોઈએ. તને તો એ લોકોની વચ્ચે ખુશી મળી જાય છે, પણ મેહુલને તો અહીં તારા સિવાય બીજું છે કોણ? એના ઘરના તો મુંબઈ રહે છે. તો પણ એ તને કશું નથી કહેતાં. એટલે એમણે જ તારાથી નાખુશ થઇને પોતાનું મનપસંદ સ્થળ પસંદ કર્યું છે?'
'બીના, તારા પતિ એટલા સારા છે કે તું મારી સમસ્યા સમજી જ નથી શકતી.'

'હા, સેજલ, જય બહુ સારા છે. મને બહુ પ્રેમ કરે છે. મારા બન્ને છોકરા પણ બહુ સમજુ છે. પાર્થને મેડિકલ કોલેજમાં એડ્મિશન મળી ગયું છે. અને નાનો તો હંમેશાં ફર્સ્ટક્લાસ લાવે છે. કહે છે સિવિલ સર્વિસની પરીક્ષા આપવી છે. મારા સાસુ-સસરા પણ મને બહુ પ્રેમ કરે છે. મારા સાસુ પણ ઘણી વાર મારી સાથે અમારી ક્લબમાં આવે છે.

બીનાના ઘરેથી નીકળતી વખતે સેજલે કહ્યું, 'બીના, તું બહુ નસીબદાર છે. તારામાં બધા ગુણો છે. હું વિચારું છું કે મારે તારી પાસેથી ઘણું બધું શીખવું જોઈએ.'

લગભગ રાતના ૮ વાગી ગયા હતા. જયે ડોરબેલ વગાડયો. હંમેશાંની જેમ આજે પણ એ ખુશ લાગતો હતો. આવતાની સાથે જ એ બોલ્યો, 'બીના, સુરતથી ભાભી કાલે આવવાના છે. બપોરે એમનો ફોન હતો.'

'મઝા આવશે, બહુ દિવસથી એ મળ્યા જ નથી. મને જ્યોતિભાભી બહુ ગમે છે. કેટલી સરસ-સરસ વાતો કરે છે. એમના આવવાથી ઘર ભર્યું-ભર્યું લાગશે. પાર્થ અને હર્ષને પણ એમની સાથે બહું ફાવે છે. ભાભી ભલે સગા નથી, માનેલા છે, પણ એ આપણને કેટલું બધું રાખે છે... અને તમારું તો બહુ જ ધ્યાન રાખે છે.'

'હા બીના, જ્યારે જ્યો હું સુરત ટૂર પર જઉં છું ત્યારે ભાભીના ઘરે જ રોકાઉં છું. રજનીભાઈનો બિઝનેસ સિંગાપુરમાં બરાબર જામી ગયો છે. ભાભીનો સમય બન્ને દીકરીઓ સાથે સારો પસાર થઇ જાય છે. બીના, જ્યોતિભાભીની મોટી દીકરી રીના બહુ સુંદર છે અને મળતાવડી પણ. હું વિચારું છું કે સમય આવ્યે આપણે પાર્થ માટે વાત નાખીશું.'

'જય, તમે હંમેશાં મારી જેમ જ વિચારો છો. હું પણ ઘણા વખતથી આવું વિચારતી હતી. ચાલો, આ વખતે જ સાથે એ વાત કરી લઇશ.'

બીજા દિવસે જયે બીનાને કહ્યું, 'હું સ્ટેશને જાઉં છું. તારે આવવું હોય તો ચાલ, નહીં તો કંઇક સરસ વાનગી બનાવ. સાથે બેસીને ખાઇશું. આમ પણ તારા હાથની વાનગી બહુ સ્વાદિષ્ટ હોય છે.
'હું ઘર સમું-નમું કરું છું, તમે જ લઇ આવો.'

થોડી વાર પછી પાર્થે રસોડામાં પ્રવેશતા કહ્યું, 'મમ્મી, સુરતવાળા આન્ટી આવ્યા.' ભાભીએ આવતાંવેંત બૂમ પાડી, અરે, બીના ક્યાં લપાઈ ગઈ? હું દોડીને ભાભીને વળગી પડી. જય પણ આ દ્રશ્ય જોઇને ખુશ થઇ ગયા. અમે બધાએ આખો દિવસ વાતો કરી. રાત્રે જોડે જ જમ્યા. જય હંમેશની જેમ જલદી સૂઈ ગયા.
'બીના, અહીં મને વધારે ઠંડી લાગે છે.'

'બને, ભાભી! પણ ભાભી, તમે રીના અને ઇશાને કેમ ના લઇ આવ્યા?'
'એમની પરીક્ષા આવે છે એટલે એ ક્યાંથી આવે? પણ પાર્થ અને હર્ષ કેમ દેખાતા નથી? સૂઈ ગયા?'
'એ બન્ને રાત્રે મોડે સુધી વાંચતા નથી. વહેલા સૂઈ જાય છે. આમેય અગિયાર વાગ્યા. તમે પણ થાકી ગયા હશો. રઘુને કહીને તમારા સૂવાની વ્યવસ્થા પણ અમારા રૃમમાં જ કરાવી દઉં છું.'

રઘુએ ભાભી માટે સૂવાની વ્યવસ્થા કરી દીધી. ભાભી તો સૂઈ ગયા પણ ઠંડીના લીધે ઊંઘ નહોતી આવતી.

મેં જય તરફ હાથ લંબાવ્યો, પણ એ ડબલબેડ પર નહોતા.

મગજમાં સવાલ ઉઠયો, જય ક્યાં છે? મેં બહુ મુશ્કેલીથી રજાઈ દૂર કરી. મેં જોયું, જય ભાભીની સોડમાં હતા. મેં અધારામાં, ન જોવા જેવું ઘણું બધું જોયું... જય ભાભી સાથે રજાઇમાં હતા. એક જ રજાઈમાંથી તીવ્ર હલન-ચલન અને બન્નેના હાંફતા શ્વાસનો અવાજ મેં સાંભળ્યો. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું.

મને મોટે-મોટેથી બૂમો પાડવાનું મન થઇ આવ્યું. પણ પછી ચૂપચાપ પડી રહેવાનું જ યોગ્ય લાગ્યું. મને ઉકળાટ થવા લાગ્યો... મને ગુસ્સો તો ન આવ્યો પણ જય સાથે વિતાવેલા પચીસ વર્ષ અને અગણિત ઘટનાઓ મારી નજર સામે તરવરી ઉઠયાં. આખરે જય વારે-વારે સુરત કેમ જતા હતા? ઘણો સમય વીતી ગયા પછી એમણે ડબલબેડ પર આવી મને અડી જોયું અને કદાચ માની લીધું કે બીના હંમેશાંની જેમ ઊંઘમાં છે.

હું આખી રાત સૂઇ ના શકી. સેજલ સાચું જ કહેતી હતી, બીના તું ભોળી છે અથવા નાદાન. મને મહિલા ક્લબની સ્ત્રીઓની ફરિયાદોમાં કેટલું દર્દ અને સચ્ચાઈ હશે એ સમજાવા લાગ્યું. હું મારી જાતને પૂછી રહી હતી કે મારાથી ક્યાં ભૂલ થઇ ગઈ? જય સાથે આ બાબતે ઝઘડો કરીશ તો એ પછી હું એક મિનિટ પણ એમની સાથે નહીં રહી શકું, જયને હું બહુ પ્રેમ કરું છું. હું કશું કરી શકું એમ જ નથી. મારી આંખમાંથી અવરિત આંસુ વહી રહ્યાં હતા. હું એકલી એ દર્દ સહન કરી રહી હતી જેની કોઇ દવા નહોતી.

મેં પરિસ્થિતિ સાથે સમાધાન કરી લેવાનું જ યોગ્ય માન્યુ. હું બહુ અસ્વસ્થ હતી. મને થયું કે થોડા દિવસ માટે મમ્મી પાસે વડોદરા જતી રહું.

સવારે ઊઠીને જય હંમેશની જેમ. હસી-હસીને વાતો કરી રહ્યા હતા. એ મને મારી સામે બાળક લાગતા હતા. મેં જયને કંઇ ના કહ્યું અને ભાભીને પણ હંમેશાંની જેમ સલુકાઈથી વિદાય કરી દીધા.

જયે ઘરે આવીને કહ્યું, 'બીના ચાલ ક્યાંક ફરી આવીએ. તું આજે ઉદાસ લાગે છે.'
જવાબમાં મેં કહી દીધું, 'વડોદરા જાઉં છું. મમ્મીની બહુ યાદ આવે છે.'
'સારું જઇ આવ. પણ તારો આ પ્રોગ્રામ અચાનક ઘડાઈ ગયો?
'હા, હું અઠવાડિયામાં આવી જઈશ. મમ્મી હવે બહુ ઘરડા થઇ ગયા છે, મળી લેવું જોઈએ.'

હું મમ્મી પાસે સાત દિવસ રહી અને સાતેય રાત મેં જાગતાં જ વિતાવી. રોજ મમ્મી એક જ સવાલ કરતી, 'બીના, આ વખતે તું ઉદાસ લાગે છે.'

હું મારું દુ:ખ મમ્મીને કઇ રીતે કહું. મમ્મી સહન નહીં કરી શકે અથવા મારો અવિશ્વાસ કરીને, મને જ મૂર્ખ કહેશે, પચીસ વર્ષથી મેં મમ્મી આગળ જયનાં વખાણ જ તો કર્યાં છે!

મેં મમ્મી આગળ, ભાઈભાભી આગળ, બધાની આગળ જયના વખાણ જ કર્યાં છે અને એમના પર ગર્વ કરતી આવી છું. હું ભાભી પાસે મારો પતિ આદર્શ પતિ હોવાનો ગૌરવથી દાવો કરતી... આ બધું ખોટું પડશે.

હું પચીસ વર્ષના લગ્નજીવનને કઇ રીતે છિન્ન-છિન્ન થવા દઉં? મને વારે વારે સેજલયાદ આવતી હતી. શું મારે સેજલને આ કહી દેવું જોઈએ? નહીં. એટલે સુધી કે બાળકોને પણ નહીં. જય સાથે એ વાતની ચર્ચા કર્યાં પછી અમે સાથે નહીં રહી શકીએ. જો હું મારી સાસુને કહીશ તો એ પણ વિશ્વાસ નહીં.

મેં વિતાવેલાં વર્ષો મારી િંજદગીનાં સુવર્ણ વર્ષો હતા, પરંતુ સાથે-સાથે એમ પણ લાગે છે કે હું ભ્રમમાં જ જીવતી રહી. હું સાત દિવસ મમ્મીની પાસે રહીને મારા ઘરે આવી ગઈ. જય મારી રાહ જોતાં હતાં. નીકળતી વખતે મમ્મીએ કહ્યું હતું, 'આ વખતે, બીના, મેં તને હસતી જોઈ જ નથી.'

પોતાના પારકાં થાય એ વાતનો રંજ બહુ થાય. શૂળીની સેજમાં સૂનારા કદી હસી ન શકે એ મમ્મી નહીં જાણતી હોય...?
 


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Tags :