રિયુનિયન : નોસ્ટાલજીયાથી નવપલ્લવિત થવાનો ઉત્સવ
- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ
- જે જીવન પસાર થઈ ગયું તે ખરેખર સાચું જીવન હતું તેવી લાગણી આપણને થતી હોય છે. સારું જીવવાની લ્હાયમાં સાચું જીવવાનું છોડી દીધું તે પણ આવા રિયુનિયન જ શીખવે છે. જે જીવન પસાર થઈ ગયું તે ખરેખર સાચું જીવન હતું તેવી લાગણી આપણને રિયુનિયનમાં જ થતી હોય છે.
ડિસેમ્બર અને જાન્યુઆરી એવા મહિના છે જેમાં વિદેશીઓ પોતાના વતન આવતા હોય છે અને ક્યારેક વિખુટા પડેલા પણ ભેગા થઈ જતા હોય છે. કોઈને કોઈ પ્રસંગો એકબીજાને મળવાનું થતું જ હોય છે. તેમાંય હાલમાં જિંદગીના મધ્યાને પહોંચેલા કે પછી ૭૦-૮૦ વર્ષના ઉંમર સુધી પહોંચેલા લોકો રિયુનિયન કરવા લાગ્યા છે. આ એવી અદભુત ઘટના ગણો કે પ્રસંગ ગણો જે જીવનને ફરી એકવાર તરબતર કરી દે છે. સ્કૂલના જૂના મિત્રો, કોલેજના જૂના મિત્રો, પહેલી ઓફિસમાં બનેલા મિત્રો અને બીજા ઘણા બેનર હેઠળ મેળવડા થઈ રહ્યા છે. સ્નેહમિલનના નામે પણ સમાજ અને વ્યવસ્થાના લોકો મળતા રહેતા હોય છે. આ મુલાકાત માણસ માટે ખૂબ જ જરૂરી છે. ગુમાવેલો સમય, ગુમાવેલી લાગણીઓ, વિતાવેલો સમય અને પસાર કરેલી જિંદગી આ બધું જ એક જ મુલાકાતમાં ફરી તાજા થઈ જાય છે. રિયુનિયન કે સ્નેહમિલન માત્ર મળવાનું કે સાથે ભોજન કરવાનું અથવા તો ગ્રૂપ ઊભું કરવાની ઘટના નથી. ઈશ્વરે આપેલી એક અનોખી તક છે, એક આશીર્વાદ છે કે જેમાં તમે પોતાની વિતેલી જિંદગીના સંસ્મરણોને તાજા કરી શકો છો. તમારી ભુલો, તમારા એચિવમેન્ટ, તમારા અધૂરા કમિટમેન્ટ, તમારી સંવેદનાઓ, કાચા અને અધૂરા સપનાં બધું જ ફરી તમારી સ્મૃતિમાં જાગ્રત થાય છે.
રિયુનિયનની વાત કરીએ તો તેનું સૌથી મોટું માધ્યમ બનનારા સ્માર્ટફોન, વોટ્સએપ, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમોની શોધ કરનારને જેટલા આશીર્વાદ આપીએ તેટલા ઓછા છે. દુનિયાને એક હથેળીમાં લાવીને મૂકી દીધી. એક સમયે લગોલગ ઊભી રહેનારી વ્યક્તિ ક્યાંક લાખો કિલોમીટર દૂર ચાલી ગઈ હતી અને ફેસબુકે તેનો ફેસ પણ બતાવી દીધો અને જિંદગીની જૂની બુક પણ ઊઘાડી કરી આપી. આવી જ લાગણીઓ હાલમાં અનેક પેઢી વચ્ચે જોવા મળી રહી છે. જેની સાથે બાળપણ પસાર કર્યું, જેની સાથે જિંદગીના સોનેરી દિવસો જીવ્યા અને જેની સાથે તોફાન, મસ્તી, ગુલાબી લાગણીઓ અને નાદાન ઈચ્છાઓ વ્યક્ત કરી હોય, જીવ્યા હોઈએ તેનાથી એકાએક વિખુટા પડી જવાનું. ઘણા વર્ષો પસાર થાય પછી અચાનક એ વ્યક્તિ તમારી સામે આવે ત્યારે સમજાય કે, હવે તમારા ગામ, શહેર, દેશ અને બીજું ઘણું જુદું થઈ ગયું છે. તમે ક્યાંક જિંદગીના મુકામે પહોંચી ગયા છો અને તે વ્યક્તિ પણ પોતાની લાઈફ જર્નીમાં બરાબર સેટ છે. સોશિયલ મીડિયાથી મળનારી આવી વ્યક્તિઓને જ્યારે વાસ્તવિકતામાં મળીએ છીએ ત્યારે સાચી સંવેદના પ્રગટ થાય છે. આ સંવેદના આપણા સબકોન્સિયસ માઈન્ડમાં સચવાયેલી અઢળક સ્મૃતિઓને એકાએક માનસપટલ ઉપર લાવી દે છે. તેનો જે આનંદ છે તે સ્વર્ગના સુખ કરતા વધારે હોય છે. બાળપણના મિત્રો, સ્કૂલના મિત્રો કે કોલેજના મિત્રોને મળવાની લાગણી નિર્દોષ હોય છે. તેમાં સ્વાર્થનું ચલણ ખાસ હોતું નથી.
સ્કૂલ રિયુનિયન, કોલેજ રિયુનિયન જેવા અનેક પાટિયા હેઠળ કેટલીય જિંદગીઓ ભેગી થતી હોય છે. આ એક સાંજ કે એક દિવસ સાથે પસાર કરે અને તેનાથી કદાચ આગામી એક દાયકા સુધીનો ઓક્સિજન લાગણીઓના ફેફસાંમાં ભરાઈ જતો હોય છે. કાળના કાર્બન ડાયોક્સાઈડ વચ્ચે અટવાયેલી જિંદગીમાં એકાએક પ્રાણ ફૂંકાય છે અને નવી કૂપળ ફુટી હોય તેવું જોમ આવી જાય છે. આવી અનોખી મુલાકાતોનું ખરેખર આયોજન થવું જોઈએ. માણસને વિતેલા સમયની યાદ આપવતા આ રિયુનિયન તેને ફરી એક વખત બાળક બનવાનો, યુવાન થવાનો અવસર આપે છે. ખાસ કરીને સ્કૂલના રિયુનિયન ખૂબ જ લાગણીસભર હોય છે.
માણસને જ્યારે કંઈક નથી મળતું ત્યારે તેનો આઘાત તેને વધારે પરેશાન કરે છે. તેને એમ થાય છે કે મારી પાસે જે નથી તે વધારે સારું હશે અથવા હતું. બાળપણમાં આવી લાગણીઓ વધારે થતી હોય છે. ખાસ કરીને કિશોરાવસ્થામાં પહોંચ્યા પછી હોર્મોનલ ચેન્જિસ પછી કોઈ એક વિજાતિય પાત્ર ગમતું થતું હોય છે. મોટાભાગે આકર્ષણ જ હોય છે છતાં તેની મીઠાસ કંઈક અલગ જ હોય છે. આવા રિયુનિયનમાં જ્યારે તે પાત્રને મળવાનું થાય ત્યારે ફરી એક વખત કંઈ જ બોલી શકાતું નથી. પહેલાં જેવું થતું હતું તેવું જ થતું હોય છે. ત્યારે પણ અટવાતી જીભ અત્યારે પણ સંકોચના આવરણને ભેદી શકતી નથી. માત્ર ઔપચારિકતા અને મૌન લાગણીઓથી બધું વ્યક્ત થઈ જતું હોય છે.
ઘણી વખત આવા રિયુનિયન અલગ લાગણી પણ ઊભી કરતા હોય છે. વધી ગયેલું પેટ, ઓછા વાળ, આંખે ચશ્મા ચડી ગયા હોય અને ત્યારે સામેની વ્યક્તિને જોઈને થાય સાલું આના માટે હું આટલું તડપતો હતો કે તડપતી હતી. સારું થયું ત્યારે પ્રેમ વ્યક્ત ન થયો. આવી લાગણીઓ વચ્ચે કેટલીક અધુરી રહી ગયેલી ઈચ્છાઓ પણ ક્યાંક આંખોમાંથી ડોકાતી હોય છે. પોતાના પતિ કે પત્ની સાથે ઊભેલી વ્યક્તિ સામે પણ તેવી જ રીતે ઊભા થવાનું આવે ત્યારે અંતર આપોઆપ વધી ગયું હોય તેવું લાગે છે. મનમાં ક્યાંક ઉંડાણમાં એવું લાગ્યા કરે છે કે, ખરેખર સમય પસાર થઈ ગયો છે પણ આપણે જાણીએ છીએ છતાં કશું કરી શકતા નથી. પહેલાનો ખાલિપો બસ ફરી એક વખત સપાટી ઉપર આવી જાય છે અને ચકરાવો લઈને ફરી સ્મૃતિઓના તળાવમાં ક્યાંય ઉંડે ડૂબકી મારી જાય છે.
ગમે તે હોય પણ આ રિયુનિયન જીવાયેલી જિંદગીને ફરીથી જીવવાનો એક અવસર ચોક્કસ આપે છે. ઘણા પોતાની સફળતાના અહંકાર લઈને ફરતા હોય છે તો કોઈ પોતાની નિષ્ફળતાના કારણો શોધતા હોય છે, કોઈ વિતેલી વાતે હજી દુ:ખી હોય છે તો કોઈ કરેલી ભુલનો સ્વીકાર કરતું હોય છે. મોટાભાગના લોકો પોતાની સફળતા, સ્ટેટસ, મકાન, ગાડીઓ, ઘર, ફેક્ટરિઓ, બિઝનેસ, પ્રોપર્ટી એવું બધું ગણાવતા હોય છે. બીજી તરફ કેટલાક લોકો વરસાદી માહોલમાં પીધેલા એકાદ પેગ જેવી મસ્તી આંખોમાં ચડાવીને વિતેલા સમયની યાદોને વાગોળતા હોય છે. તેમની ચહેરા પર તે સમયનું હાસ્ય, વિસ્મય, અકળામણ બધું જ તરવરતું હોય છે. વિતેલા સમયમાં તેઓ પહોંચી ગયા હોય છે અને ત્યાં લટાર મારીને તમામ ક્ષણોને ફરીથી જીવી લેતા હોય છે. રિયુનિયન પાર્ટી ખરેખર આ માટે જ હોય છે. વિતેલી ક્ષણોને તમારે ફરીથી જીવંત કરવાની છે.
આવી પાર્ટીઓનું આયોજન કરવું અઘરું છે. તેમ છતાં જ્યારે આયોજન થાય છે ને ત્યારે તેની રંગત જ કંઈક અલગ હોય છે. અહીંયા સફળતાના સટફિકેટ વહેંચાતા નથી. અહીંયા લાગણીઓનું ઘોડાપૂર વહેતું હોય છે જે વિતેલા સમયને પોતાની સાથે ઢસડી લાવે છે. કોઈકના માટે સાઈકલ પરાણે બગડી હોવાથી માંડીને કોઈને જોઈને જ આનંદ આવી જતો હોવાની લાગણી ફરીથી તાજી થાય છે. ક્યારેક કોઈની સાથે આકસ્મિક દરરોજ અથડાઈ જવાની ઘટનાઓ પણ ફરી ઉભરી આવતી હોય છે. કોઈને જોવા માટે રાહ જોઈને ઉભા રહેવાની યાદો પણ અહીંયાથી જ મળી જતી હોય છે. અધૂરી વાતો, અધૂરી ઈચ્છા, સંકોચ, આક્રોશ અને ક્યારેક જતી વેળાની ભીની આંખો આવી યાદોને વારંવાર તાજી કરવા માટે આમંત્રણ આપતી હોય છે. દેશ-વિદેશમાંથી આવેલા લોકો પોતાની સફળતા સિવાયની વાતો કરતા હોય છે. ત્યારે ફરી એક વખત જીવનમાં નિર્દોષતા અને નિખાલસતાનો અનુભવ થાય છે. એકબીજાની ભુલો, એકબીજાના રહસ્યો, એકબીજાની મસ્તી યાદ કરીને આનંદ લેવાનું આ માધ્યમ જ જીવનની સાચી જડીબુટ્ટી છે. જે જીવન પસાર થઈ ગયું તે ખરેખર સાચું જીવન હતું તેવી લાગણી આપણને થતી હોય છે. સારું જીવવાની લ્હાયમાં સાચું જીવવાનું છોડી દીધું તે પણ આવા રિયુનિયન જ શીખવે છે. જીવનમાં ખરેખર નોસ્ટાલ્જિયાનો આવો એકાદ અનુભવ કરવા જેવો તો ખરો.