રાસ ગરબા : કલા, સંગીત અને સંસ્કૃતિનો સમન્વય
મધ્યકાલીન સમય પહેલાનાં પુરાતનકાળમાં 'ગુજરાત' અનુક્રમે 'ગુર્જર પ્રદેશ' 'અનુપ' 'લાટ' 'શુપારક પ્રદેશ' અને 'ગુર્જરવામંડળ' વગેરે નામથી ઓળખાતું પરંતુ આજથી આશરે સાડા છસ્સો (૬૫૦) વર્ષ પૂર્વે સોલંકીવંશના કેટલાક રાજાઓએ 'ગુર્જરવામંડળ' અથવા ગુર્જરપ્રદેશમાં સુધારો કરી 'ગુજરાત' જેવા શબ્દથી નામકરણ કર્યું છે.
ગુજરાતી ભાષા-સાહિત્યનું સૌભાગ્ય એ છે કે તેની સાંસ્કૃતિક, સામાજિક, ઐતિહાસિક કે પૌરાણિક હસ્તલેખિત સામગ્રીઓ અથવા સાહિત્ય આજે પણ અસ્તિત્ત્વમાં છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પદ્યમાં લખવામાં આવ્યું છે. જો કે અધિકતર સાહિત્ય વિશ્વમાં પણ કાવ્ય સ્વરૂપ જ લખવામાં આવ્યું છે એવી જ રીતે ગુજરાતી ભાષાની પરંપરા કાવ્યથી જ થઈ છે. વર્ણનાત્મક વૃત્તોની માત્રિકવૃત્ત અથવા લયયુક્ત રચનાઓમાં ગુજરાતી સાહિત્ય લખાયું છે જો કે એ સમયકાળમાં જૈનધર્મના જીવનકાવ્ય જેવા પ્રકારનું પણ સર્જન થયું હતું. પરંતુ ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિને ઉત્કૃષ્ટ બનાવવા અને સંસ્કારોનું સિંચન કરવા માટે સંગીત- કવનના માધ્યમ દ્વારા વૈષ્ણવ સમુદાય અને જૈન સમુદાયોનો ફાળો ઉચ્ચસ્તરનોે રહ્યો છે. 'ફાગુ' - બારહમાસી ' ક ક્કા (મૂળાક્ષરો) વિવાહલા, પ્રબંધ', 'ધવલ', 'સ્તવનો', 'સજ્જાયુની' (સરજૂ)ર અને રાસ જેવી રચનાઓ પણ ઘણી માત્રામાં અસ્તિત્વમાં આવી. એ સમય પહેલાં પણ ભગવાન શ્રીકૃષ્ણની 'કૃષ્ણલીલા'ના પ્રસંગોમાં શ્રી કૃષ્ણની બંસીના નાદે વ્રજની ગોપીઓ રાસ રમતી હશે જ એવી કલ્પના થઈ શકે છે જ! એ રીતે રાસ રમવાની પ્રથા શ્રીકૃષ્ણ અવતારથી કલાત્મક સ્વરૂપે પ્રગટ થઈ હશે.
પરંતુ સંગીતની દ્રષ્ટિએ રાસ એટલે સુગેય કાવ્યપ્રબંધ. ઉર્મિકાવ્યનો પ્રકાર ગણી શકાય. સમય જતાં તેનું આખ્યાનમાં રૂપાંતર થયું. એક જ બંધમાં બધી જ રચના લખી 'કડવા' તથા ભાષાના નાના ખંડોમાં રાસ જુદા જુદા છંદોમાં લખવામાં આવ્યા. છંદનું વિશેષ નામ, માત્રામેળ, જાતિ વગેરેના સંકલનથી તાલ અને લયમાં રમી શકાય અને ગાઈ પણ શકાય એવા ઉપરૂપકને પણ 'રાસ' એવું નામ આપવામાં આવ્યું. ઉપરૂપકમાં શ્રીકૃષ્ણની રાસલીલાનું રૂપ તાલી અને દાંડિયાના તાલ સાથે ગુજરાતી ગરબા-ગરબીઓ પ્રકારના પૂર્વજ હોય એવું જણાય છે. 'ફાગ-ફાગુ' પણ રાસનો પ્રકાર છે જ્યારે 'બારહમાસી' એ પ્રણય ભક્તિ રસ રજૂ કરતું ઋતુકાવ્ય છે. સ્તવનો 'હવેલી સંગીતમાં આજે પણ ઘણાં પ્રચલિત છે, જ્યારે 'સજ્જાયોની' ( સરજૂ) એ જૂનાગઢ જિલ્લાનાં (હાલ પોરબંદર જિલ્લો) બરડાં ડુંગરની તળેટીમાં આવેલા રાણાવાવ ગામના સીમાડે રહેતા માલધારી-રબારી કોમનાં લોકોે વાર તહેવારે કે શુભપ્રસંગોએ સામ સામે વૃંદમાં બેસીને પખવાજના તાલ સાથે હો... હો..નાં લ્હેકાંઓથી ગાતાં ગાતાં જવાબ આપે છે નાચે છે ને ગોળ ગોળ ફરે છે જેનું અસ્તિત્વ પણ આજે છે જ. જ્યારે 'ક ક્કા' (બારાખડી- મૂળાક્ષરો) અક્ષરો પરથી ચોપાઈ, દોહા, છંદ, સુભાષિત જેવી પંક્તિઓ લખવામાં આવી તેનો જૈન સાધુઓએ ઘણો વિસ્તાર કર્યો. તે પરથી જૈન સાહિત્યમાં આખ્યાન પધ્ધતિના કાવ્યમાં આ રીતે 'રાસ' શબ્દ પ્રચલિત થયો.
મધ્યકાલીન ભક્ત કવિગણમાં મુખ્યત્વે કવિશ્રી ભાલણ, નરસિંહ મહેતા, થોેભણ, પ્રેમસખી, માણભટ્ટ, ગિરધર અને દયારામે ગરબી પ્રકારના કાવ્યોની રચના કરી. તે સમયનાં કવિઓ લખતા અને ગાતા પણ ખરા. મૂળભૂત માહિતીના આધારે વલ્લભ મેવાડા નામના શક્તિના ઉપાસકે કાવ્યમય રચનાને ગાઈને લોકપ્રિય બનાવી એટલે રાસ-ગરબાનો વિશેષ સંબંધ શક્તિની ઉપાસનાનો ગણાય છે. શક્તિના ઉપાસકો નવદિવસ ઉપવાસ કરતા દૈવીપૂજા કરે છે અને ખાસ કરીને સાંજના સમયે અથવા રાત્રિના સમયે વર્તુળાકારે ગતિમાંમ ઘૂમીને નર-નારીઓ તેમ જ આબાલવૃદ્ધ ગાતાં ગાતાં રમતા જેનું અસ્તિત્વ સમયે પણ હતું ને આજે પણ છે જ.
પરંતુ નર્મદા નદીના તટ પર આવેલા ચાણોદ ગામનાં બ્રાહ્મણ દયારામ પ્રભુરામ ભટ્ટે અર્થાત્ કવિ શ્રી દયારામે ગરબી પ્રકારનાં ગીતોનું / કાવ્યોનું સર્જન કરવામાં વાસ્તવિક સિદ્ધિ પ્રાપ્ત કરેલી. સ્વરચિત કાવ્યો સંગીતના સહારે ગાતાં ગાતાં રજૂઆત કરતાં કવિ શ્રી દયારામ લોકપ્રિય હતા. એમના ગરબી- કાવ્યોમાં વાક્યપ્રયોગ, શબ્દ પ્રયોગ અને ઉચ્ચ પ્રકારનાં વાણીમાધુર્ય અને ભાષા પરનાં પ્રભુત્વને લીધે જ એમની લોકચાહના ઘણી હતી. ખાસ કરીને દયારામની ગરબી પ્રકારનાં કાવ્યોમાં રાગ-રાગિણીઓનાં મીઠા સૂરમાં કૃષ્ણલીલામાં વ્યક્ત થતી ભક્તિ અને શ્રૃંગારરસથી ભરપૂર કલ્પના શક્તિનાં પ્રતિભાવને લીધે જ લોકમાનસ પર છવાયેલા હતા. ત્યારબાદ અર્વાચીન યુગમાં '૪૭ સુધી લખેલાં કાવ્યો અને લેખનમાં વિવિધતા આવી. ને કંઈક અંશે કાવ્યોમાં શૌર્યતા પણ આવી. પ્રેમભક્તિ અને શોર્યતાના રંગોવાળા કાવ્યો લોકમાનસને લોકહૃદયને સ્પર્શી શક્યા.
'સહુ ચલો જીતવા જંગ જ્યાં બ્યુગલો વાગે', 'ધ્વજ પ્રકાશેે ઝળળ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત, તુ ભણવ-ભણવ નિજ સંતતિ સૌને પ્રેમ ભક્તિની રીત - જય જય ગરવી ગુજરાત (નર્મદ), 'આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈને આવ્યા બાળ રે', 'પીધો પીધોે કસુંબીનોે રંગ રે વ્હાલીડાં મેં તો' (ઝવેરચંદ મેઘાણી) ૪૭ પછી ફરી રાસ-ગરબા ક્ષેત્રે વિકાસ થતાં સંગીત અને ગાયકોને મંચ અને ખેલૈયાઓને તાલ અને સંગીતનો સથવારો મળ્યો.
હવે તો સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી માંડીને છેક ઈંગ્લેન્ડ અમેરિકા ને અન્ય દેશ કે ભારતનાં અન્ય પ્રાંતોમાં વિવિધતા સભર રાસ ગરબા કે દાંડિયા રાસ લોકો રમે છે! ફિલ્મ સંગીતકારો અને દિગ્દર્શકો પણ રાસ ગરબાના નજીકના પ્રકાર નૃત્યોમાં ક્યાંક ક્યાંક રાસ પ્રકારનાં તાલ રચના અને સંગીતના અનેક ગીતોની રચના કરી છે જે અનેક માધ્યમ દ્વારા જોઈ શકીએ છીએ કે સાંભળી શકાય છે. 'હોેં મેં તો ભૂલ ચલી બાબુલકા દેશ પિયાકા ઘર પ્યારા લગે' (સરસ્વતીચંદ્ર) એ રાસનાં ઢાળવાળું ગીત પરિણીત મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. ઉત્સુક લોકો નવદિવસનાં પર્વ દરમિયાન હોંશે હોંશે રમે પણ છે. ખાસ કરીને ભાવનગરની કલાવૃંદની ગરબીઓ, બરડા પંથકની આજુબાજુનાં ગામમાં રહેતા મેર જાતિના કલાકારોની ગરબીઓ અને વિવિધતા સભર દાંડિયારાસ દેશવિદેશમાં પણ જાણીતા થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં ઢોલ, શરણાઈ અને પખવાજનાં સુબુદ્ધ સંગીતના સથવારે અને ગાયકોનાં સુરીલા કંઠે રાસ ગરબા લોકો'ને રાસ કલાકારો રમે છે જેમાં પણ ભાતીગળ ઈતિહાસની ઝલક જોઈ શકાય છે. અનુભવી શકાય છે. રાસ ગરબાને દુહા-છંદની સાથે સુરીલા કંઠે રજૂઆત કરનાર સ્વ. હેમુ ગઢવી અને સાથીદારોનાં સૂરમાં અનેક રાસ ગરબા જાણીતા છે જ. કલા અને સંસ્કૃતિને આબેહૂબ ગાયકીમાં રજૂ કરવામાં ગઢવી સમુદાયનો ફાળો અમૂલ્ય છે. એટલે જ દેવીપૂત્ર (પુત્રો) તરીકે યાદ કરવામાં આવે છે. 'હે મારુ વનરાવન (વૃંદાવન) છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું' (કવિ દયારામ, ગાયક વૃંદ સ્વ. હેમુ ગઢવી) 'મન મોર બની થનગનાટ કરે' (સ્વ. ગઢવી - પુષ્પા છાયા) આપે સાંભળ્યા જ હશે. પરંતુ ગરવી ને નરવી (તંદુરસ્ત) ગુજરાતી નારીઓ રાસ ગરબા કે દાંડિયારાસ ના રમી શકે એવું ભાગ્યે જ બની શકે. સુર અને તાલમાં રાસ ગરબા કે દાંડિયારાસની રમઝટ ચાલુ હોય ત્યારે સ્હેજે છોેકરા-છૈયાને સાઈડમાં ઊભા રાખીને પણ રમવા દોડી જાય ત્યારે માનવું કે શક્તિનું સિંચન થયું છે! શરમાળ પ્રકૃતિના પ્રેક્ષકો પણ રાસ ગરબા કે દાંડિયા રાસની ઝલક જોઈને રમવામાં સામેલ થઈ જાય ત્યારે તેની આંતરિક શક્તિ બહાર આવે.
દર વર્ષે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જુદી જુદી સંસ્થાઓ અને કલાગુર્જરી 'રાસ-ગરબા' ની સ્પર્ધાઓ યોજે છે જેમાં કલાકારોની રાસ ગરબા કે દાંડિયાની રાસ રમવાની વિવિધ ઝલક જોવા મળે છે.
પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વરૂપે રાસ ગરબા પણ એક કલા છે સંસ્કૃતિનો વારસો છે જેમાં સાહિત્ય પણ છે. સંગીત પણ છે અને શક્તિ-ઉપાસનાનું પ્રતીક છે જે જીવનને સ્ફૂર્તિદાયક, ધબકતું, ખુશ રાખે છે એટલે તો સ્વ. કલાપીએ કહ્યું છે ને - 'કલા છે ભોેજય મીઠી ને ભોકતા વિણ કલા નહીં કલાવાન કલા સાથે ભોકતા વિણ મળે નહીં.'
'રાસ ગરબા' ની રચના અને ઢાળવામાં કાવ્ય-ગીતની મુખ્ય પંક્તિઓ (મુખડું- સ્થાયી) આ પ્રમાણે છે :
૧. હે મારુ વનરાવન છે રૂડું વૈકુંઠ નહીં રે આવું...
૨. અમે મહિયારા રેં ગોકુળ ગામના...
૩. શોભા સલૂણા શ્યામની રે...
૪. આશા ભર્યાને અમે આવીયા રે...
૫. આ જ રે સપનામાં તો અંબા ભવાનીમાં દીઠાં જો.
૬. ખમ્મા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી...
૭. લીલા છેડામાં ચણોઠી રે આઈ....
૯. ઘોર અંધારી રે રાતલડીમાં નિસર્યા ચાર અસવાર...
૧૦. ઓ રંગરસિયા ક્યાં રમી આવ્યા રાસ જો....
૧૧. મ્હેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત રે...
૧૨. કચ્છમાં અંજાર મોટા શહેર છે હોજી રે...
૧૩. મન મોર બની થનગાટ કરે....