Get The App

પૂર્ણિમા એટલે પૂર્ણ કળાએ ખીલેલી રાષ્ટ્રભક્તિ

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
પૂર્ણિમા એટલે પૂર્ણ કળાએ ખીલેલી રાષ્ટ્રભક્તિ 1 - image


- અંતર - રક્ષા શુક્લ

અહિંસાના પ્રખર હિમાયતી ગાંધીબાપુને પોતાના એ સિદ્ધાંતોને ખાતર ઘણીવાર કસોટીની એરણ પર ચડવું પડયું હતું. હિંદુ-મુસ્લિમ હિંસક વિખવાદ વખતે પોતાના સ્વભાવ અને લોકોની માન્યતાવિરુદ્ધ ગાંધીજીએ બહાદુરીનો જ ઉપદેશ આપતા કહ્યું કે, 'મારી ઇચ્છા તો એ છે કે હિંદુ અને મુસલમાન બંનેએ માર્યા વગર મરવાનું સાત્વિક શૌર્ય કેળવવું જોઈએ, પણ જો કોઈનામાં તેટલું શૌર્ય ન આવે તો સંકટ જોઈ બાયલાની પેઠે નાસી જવા કરતાં મારીને મરવાની કળા તે કેળવે એમ હું જરૂર ઇચ્છું, કેમ કે નાસી જનાર બાયલો માનસિક હિંસા તો કરે જ છે.'

બાપુની આ વાત સાથે જાણીતા લેખક બીરેન કોઠારીએ લખેલ વાત પણ યાદ આવે. એકવાર સત્યાગ્રહ છાવણીમાં સૌ વચ્ચે પોતાની સાથે હિંસક શ રાખીને ફરતી સત્તરેક વરસની એક છોકરીએ કહ્યું,

'હું મારી સાથે હંમેશા કટારી રાખીને ફરું છું.' 

છાવણીનાઆગેવાનનો પુણ્યપ્રકોપ ફાટી નીકળ્યો. 

'તમારાથી આવી હિંમત જ શી રીતે થઈ શકે? આની રજૂઆત ખુદ બાપુ પાસે કરવામાં આવશે.'

છોકરીએ જરાય ખચકાટ વિના જવાબ આપતા કહ્યું, 

'સ્વરક્ષણ માટે ીઓએ હથિયાર રાખવામાં કંઇ જ ખોટું નથી. આપ બાપુને ફરિયાદ કરી શકો છો.'

પુષ્પા શેઠ નામની એ યુવતીની આવી 'ગુસ્તાખીદ જોઇ સૌને વધુ આઘાત લાગ્યો. ગાંધીજી રાજકોટ આવવાના છે એવા સમાચાર થોડા દિવસ પછી તેણે અખબારમાં વાંચ્યા અને યુવતી તો ઊપડી રાજકોટ. અનેક મુલાકાતીઓથી ઘેરાયેલા બાપુ ભોજન સમયે બાપુ એકલા પડયા એટલે પુષ્પાએ તક ઝડપી લીધી. પોતાની કમરમાં ખોસી રાખેલી કટાર પુષ્પાએ બાપુના ખોળામાં મૂકી એટલે બાપુ તો આશ્ચર્યચકિત ! 

બાપુએ પુષ્પાને પૂછયું, 'બેટા, આ શું ?'

આત્મવિશ્વાસથી ભરપૂર એ યુવતી પુષ્પાએ પોતે કેવાં કેવાં અંતરિયાળ અને અજાણ્યાં ગામોમાં, ખાસ કરીને ીઓને ગાંધીજીનો સંદેશ સમજાવવા માટે જાય છે તેનું બયાન કર્યું અને છેલ્લે પૂછયું, 

'બાપુ, કટોકટીના સમય માટે બહેનોએ સ્વરક્ષણ માટે હથિયાર રાખવું એ કંઇ ગુનો ગણાય ?'

બાપુએ અત્યંત રાજી થઇને હેતથી પુષ્પાના વાંસામાં ધબ્બો મારતાં કહ્યું, 

'જરાય નહીં, દીકરી.' અને વધુમાં કહ્યું,

'શાબાશ છોકરી!તારી વાત મને બહુ ગમી છે પણ તને મારી સાચી દીકરી ત્યારે જ માનું જયારે અત્યંત મહત્વની આ કળા તું બીજી બહેનોને પણ શીખવે અને તેમને નિર્ભય બનાવે. જા, મારા તને આશીર્વાદ છે.'

એ યુવતીએ બાપુની આજ્ઞાાને શિરોમાન્ય ગણીને તેમના આશીર્વાદ લીધા અને બહેનો માટેના આત્મરક્ષણના એ કામને પોતાના જીવનનું મિશન બનાવી દીધું. સમાજની બહેનોને સ્વરક્ષણની તાલીમ આપવાની બાપુની વાતથી પૂર્ણિમાબહેન નામનો રાજ્યમાં એ ક્ષણે જ મહિલા તાલીમ સંસ્થાનું ઊંડું બીજ રોપાયું જે પછીથી તંભરા વિશ્વ વિદ્યાપીઠ સ્વરૂપે પાંગર્યું એ આપણે જોઈ શકીએ છીએ. પૂર્ણિમાજી ગાંધીજીને ત્યારે મળ્યા ત્યારે સાત વર્ષની નાની બાળકી હોવા છતાં એ એક અત્યંત મહત્વની નિર્ણાયક ક્ષણ હતી, જેણે તેના બાકીના પૂરા જીવનને વ્યાખ્યાયિત કર્યું હતું. 

પુષ્પા શેઠ નામની એ યુવતીનો જુસ્સો અને મિજાજ આયુષ્યના અંતિમ વર્ષોમાં પણ એવો જ હતો અને આ પુષ્પા શેઠ એ જ પૂર્ણિમાબેન પકવાસા જેમણે 'બાપુની બેટી' એવું પોતાનું ઉપનામ સાર્થક ઠેરવ્યું. પૂર્ણિમાબેન પકવાસાના નામથી આજની પેઢી તો કદાચ સાવ અજાણ હશે, પરંતુ આઝાદીના જંગની કથાઓ જો કોઈ દાદા કે દાદી પાસે સાંભળવા મળે તો પૂર્ણિમાબહેન પકવાસાનું ઝળાહળા નામ તરત જ સામે આવશે. પૂર્ણિમાબહેન એટલે ગુજરાતના આદિવાસીઓ માટે કામ કરનાર એક અત્યંત નિાવાન મહિલા સેવિકા અને તંભરા વિશ્વ વિદ્યાપીઠનાં આદ્યસ્થાપક જેઓ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામ પાસે રાણપુરમાં મધ્યમ વગય કાઠિયાવાડી જૈન પરિવારના શેઠ કુટુંબમાં જન્મેલાં અને ઉછર્યા. ગાંધીયુગે દેશની મહિલાઓમાં અનન્ય ખુમારી પેદા કરેલી. તેમાંની એક સેવિકા એટલે નિરાડંબરી, નિભક અને સેવાની લગન ધરાવતાં પદ્મભૂષણ મહિલા પૂર્ણિમાબહેન પકવાસા. પૂર્ણિમાબેન અરવિંદભાઈ પકવાસા એક ભારતીય સામાજિક કાર્યકર પણ હતા. શતાબ્દીના સંદર્ભમાં જોઈએ તો શ્રીમતી પૂર્ણિમા પકવાસાએ સ્વતંત્રતા પૂર્વેનું અને સ્વતંત્રતા પછીનું ભારત પણ જોયું હતું.

રાષ્ટ્રીય ભાવના તો લોહીમાં જ ભળેલી હતી, કેમ કે આખું કુટુંબ ગાંધીરંગે રંગાયેલું. વળી કડક શિસ્ત અને રાષ્ટ્રપ્રેમની કેળવણી તથા સંસ્કાર તેઓ મોટા કાકા 'સૌરાષ્ટ્રના સિંહ' અમૃતલાલ શેઠ પાસેથી પામ્યા હતા જેમને ગાંધીજી સાથેનો ગાઢ પરિચય હતો. સ્વાતંત્રય સંગ્રામના મોટા ભાગના નેતાઓની અવરજવર શેઠ પરિવારને ત્યાં રહેતી એટલે રાષ્ટ્રીયતાનું વાતાવરણ ઘરમાં સદાય છવાયેલું રહેતું. આવા વાતાવરણમાં ઊછરેલી પુષ્પાએ રાષ્ટ્રભાવના સંસ્કાર તથા બહાદુર અને સ્વતંત્ર વિચારસરણી  બરાબર આત્મસાત્ કર્યા.

શેઠ પરિવારના આગમન પછી રાણપુર આઝાદીની ચળવળનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું. ગાંધીજી એક વખત રાણપુર આવ્યા. સ્વાભાવિકપણે જ તેમનો ઉતારો શેઠ પરિવારને ઘરે હતો. બાળવયની પુષ્પા કૂતુહલપૂર્વક ગાંધીજીની દિનચર્યા નિહાળ્યા કરતી. વિદાય લેતી વખતે ગાંધીજીએ તેને કહ્યું,'છોકરી, મને કાગળ લખીશ ને ?' બાપુના આ પ્રસ્તાવથી પુષ્પા તો રોમાંચિત થઇ ગઇ અને તેણે શરમાતાં, સંકોચાતાં 'હા' પાડી અને પુષ્પાની ગાંધીવાદી તરીકેની ઘડતર પ્રક્રિયા શરૂ થઈ. એ પછી ગાંધીબાપુની સાથે પુષ્પાનો જે પત્રવ્યવહાર શરૂ થયો, તે વાતે પૂર્ણિમાબેનના ઘડતરમાં મોટો ફાળો આપ્યો. પૂર્ણિમાબહેન કહેતા કે 'ગાંધી બાપુ સાથે પત્રની આપ-લેથી મારું ખરું જીવન-ઘડતર થયું હતું.' તેમણે બાળપણથી જ ઝવેરચંદ મેઘાણીને જોયા હતા, સાંભળ્યા હતા કારણ કે મેઘાણી એમના ઘરે વારંવાર આવતા. ગાંધીજી પણ વારંવાર તેમના ઘરે આવતા. અન્ય સેનાનીઓ પણ આવતા. આ સૌના સ્વાગત અને સરભરાની જવાબદારી પુષ્પાના શિરે રહેતી. 

ગાંધીજીએ ભારતની મહિલાઓને આઝાદીની લડતમાં જોડાવા માટે અપીલ કરી અને દેશભરમાંથી હજારો મહિલાઓ ગાંધીબાપુના સત્યાગ્રહ, આત્મનિર્ભરતા અને લોકો માટે સમપત સેવાના સંદેશને જીવનભર અપનાવ્યો અને એ પ્રમાણે જ જીવી બતાવ્યું. તેમાં હતી - પુષ્પા શેઠ. નાનકડી પુષ્પાએ તો ૧૩ વર્ષની નાની ઉંમરથી આઝાદીની ચળવળમાં આગેવાની ભર્યો ભાગ લેવા માંડયો હતો. મીઠાના સત્યાગ્રહમાં જોડાતા અગાઉ પુષ્પાએ અમરેલી વ્યાયામ શાળામાં ખાસ બહેનો માટે જ યોજાયેલો એક માસના વ્યાયામનો કોર્સ કર્યો હતો. પુષ્પાની સક્રિયતા એવી અને એટલી જુસ્સાભરી અને સાતત્યપૂર્ણ હતી કે ૧૭ વર્ષની ઉંમર થઇ ત્યાં સુધીમાં તેમણે કાચા કામના કેદી તરીકે મહિના બે મહિનામાં આઠ વખત જેલયાત્રા કરી લીધી હતી, પણ તેની ઉંમર અઢારની થઇ ન હતી. આથી કાચા કામના કેદી તરીકે વધુમાં વધુ ૧૫ દિવસના જેલવાસ પછી છોડી મૂકવામાં આવતી. જ્યારે ૧૯૩૦માં પૂર્ણિમાબહેન નવમી વખત પકડાયા ત્યારે અંગ્રેજોને તેઓ રીઢા સ્વાતંત્રય વીરાંગના લાગ્યા ! આથી અંગ્રેજ હકુમત હેઠળની કોર્ટે તેમને છ મહિના દરમિયાન એમને જુદી જુદી જેલોમાં રખડાવવામાં આવ્યા. 

એક પ્રસંગે મૃદુલાબેન સારાભાઈના નેતૃત્વ નીચે યોજાયેલ કોન્ફરન્સમાં ભાષણ કરતા પૂર્ણિમાબહેન પકડાયા અને સાબરમતી જેલના અતિથિ બન્યા. પૂર્ણિમાને રાજકોટની એ જ જેલ કોટડીમાં કેદ કરવામાં આવી હતી જ્યાં કસ્તુરબા ગાંધી, મણિબહેન પટેલ અને મૃદુલાસારાભાઈ પણ કેદ હતા જેઓ પછીથી તેમના વાસ્તવિક જીવનમાં પ્રેરણા અને રોલ મોડેલ બન્યા હતા. કસ્તુરબાએ સૌનું સ્વાગત કરીને ધરપત આપતાં કહ્યું, 'તમે જરાય ગભરાતાં નહીં. અહીં હું તમારી મા જેવી બેઠી છું.' પૂર્ણિમાએ ૧૬ વર્ષના હતા ત્યારે માતા ગુમાવી હતી. કસ્તુરબા તેની સાથે માતાની જેમ વર્તતા હોવાથી તેમની પાસેથી પૂર્ણિમાજીને એવા માતૃતુલ્ય પ્રેમ, માયા અને સંભાળ મળ્યા કે જે દરેક પુત્રી ઈચ્છે. પુષ્પા પણ કસ્તુરબાના કપડાં ધોવા, તેમને નવરાવવા, પગ દબાવવા, મસાજ કરવો કે માથામાં તેલ નાખવું વગેરે કામ દ્વારા તેમની સેવા કરી ધન્યતા અનુભવતી. કસ્તુરબા પાસે રહીને તેમણે રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીતાના શ્લોક કંઠસ્થ કર્યા. જેલમાં પૂર્ણિમાબહેને ગાંધીબાપુની સાથે તદ્દન નિરક્ષર કસ્તુરબાને અક્ષરજ્ઞાાન આપ્યુ.

મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા પૂર્ણિમાબેનના વિવાહ મુંબઈના અતિ શ્રીમંત પકવાસા પરિવારમાં થયા એની પાછળની રસપ્રદ વાત બહુ ઓછા લોકો જાણતા હશે. જેલવાસમાંથી બહાર આવ્યા બાદ પૂર્ણિમાબહેને સ્વતંત્રતાની ચળવળમાં સક્રિયપણે ભાગ લેવાનું ચાલુ રાખ્યું. પૂર્ણિમા પકવાસાની રાજકીય સંડોવણી ૧૯૩૮માં હરિપુરા ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૫૧મા અધિવેશન દરમિયાન પ્રગટ થઈ હતી.પૂર્ણિમાજીની નિા અને જવાબદારીથી કોઈ પણ કામ પાર પાડવાની ક્ષમતાને લીધે તેને કોંગ્રેસના મુખ્ય મંચની પાછળ સ્વયંસેવક તરીકેની ભૂમિકા સોંપવામાં આવી હતી હતી. સત્રમાં જાણીતા આગેવાન મંગળદાસ પકવાસા ઓળખપત્ર લીધા વિના આવ્યા. પુષ્પાએ ઓળખપત્ર માગતા તેમણે જણાવ્યું કે પોતે બપોરના સત્ર વખતે લેતા આવશે પણ ફરજનિ પુષ્પાએ તેમને વિનયપૂર્વક બહાર બેસવા જણાવ્યું અને તેમના ઉતારાનો તંબૂ નંબર પૂછીને એક સ્વયંસેવિકાને મોકલીને ઓળખપત્ર મગાવી લીધું. મંગળદાસ પકવાસા આ તેજસ્વી અને નિર્ભય યુવતીથી પ્રભાવિત થયા. પોતાના એકના એક  દિકરા અરવિંદ માટે તેમને આ કન્યા યોગ્ય જણાઇ. સાહિત્યકાર ચં. ચી. મહેતાના પ્રયાસથી૧૯૩૮માં તેમનાં રજિસ્ટર્ડ લગ્ન થયાં. ઘરમાં મોટા કાકાજી સસરાની પુત્રવધૂનું નામ પણ પુષ્પા હોવાથી આ પુષ્પાનું નામકરણ થયું 'પૂર્ણિમા'.

પૂર્ણિમાજી રાજભવનમાં ફર્સ્ટ લેડી-ઓફિશિયલ હોસ્ટેસ હતા જેઓ કૂકિંગ એક્ષ્પર્ટ પણ ગણાતા. પૂર્ણિમાબહેન લોકોને બ્રિટિશ પદ્ધતિઓ, અંગ્રેજી ફેસ્ટીવલ્સ અને બીજી બધી અંગ્રેજી રીતભાતમાંથી બહાર લાવ્યા અને તેમના હૃદયમાં ફરી ભારતીય પ્રણાલીઓ, ઉત્સવો અને સંસ્કાર સ્થાપિત કરી ભારતીય સંસ્કૃતિ માટેનું સન્માન અને ગૌરવ વધાર્યું.

બાપુના આદેશથી તેમણે પછી પંચમઢીમાં આર્મી એજ્યુકેશન પણ મેળવ્યું. મિલિટરી ટ્રેનિંગ કોલેજમાં વિવિધ શોનું નિદર્શન જોયા પછી પૂર્ણિમાબેનને લાગ્યું કે શો ચલાવતાં શીખવા જેવું છે. પછી પોતાના કૌશલ્ય અને તીવ્ર ગ્રહણશક્તિથી તેમણે રિવોલ્વર, મશીનગન, બ્રેનગન અને સ્ટેનગન તો ઠીક, પણ ભારેખમ એવી પોઇન્ટ ૨૦૨ અને ૩૦૩ રાઇફલ ચલાવવામાં પણ પૂર્ણિમાબહેને નિપુણતા પ્રાપ્ત કરી અને એક અચ્છા શૂટર પણ બન્યાં. તેઓ મિલિટરીના બધા કાયદા, મેપ રીડીંગ, વ્હીસલિંગ, સિગ્નલીંગ, જીપ તથા ટ્રક ડ્રાઈવિંગ, રીપેરીંગ અને લાઈટ તથા ફ્લેગ દ્વારા અપાતી સંજ્ઞાાઓ પણ શીખ્યા અને બધી જ કસોટીઓમાં પરીક્ષા આપી સારી ગુણવત્તા સાથે ઉત્તીર્ણ થયા. જીપ, મોટર અને ટ્રક ડ્રાઈવિંગ પણ તેઓ શીખ્યા. તો ઘોડેસ્વારી તો બાકાત ક્યાંથી હોય ! તારાદર્શન તેમનો ગમતીલો વિષય હતો. આ બધા માટેની તાલીમ તેઓએ એક સ્વયંશિસ્ત સાથે હાંસિલ કરી. તેમની કેળવણી, વાણી-વર્તન કે તાલીમમાં એક શિષ્ટાચાર, એક ઊંચાઈ કે ગાંભીર્ય વણાયેલા હતા. પ્રવૃતિના પાવર હાઉસ જેવા પૂર્ણિમાબહેન નાગપુર એરપોર્ટના નિયામક પાસે તેઓ નાનું પ્લેન ઉડાડતાં પણ શીખ્યાં હતાં. 

જો કે અહીં ૧૯૫૧માં પ્રેમ માથુર ડેક્કન એરવેઝના પ્રથમ ભારતીય વ્યવસાયી વિમાનચાલક બન્યાં. તેઓ એક લેખિકા પણ હતા. 

બાપુ ચીંધ્યા માર્ગમાં મહિલા શિક્ષણ અનિવાર્ય લાગતા મેટ્રિક થયાના દસ વર્ષ પછી પૂર્ણિમાબહેન ભાવનગરમાં એસ. એન. ડી. ટી. યુનિવસટીમાં જોડાયા. ૧૯૪૭માં શાીય સંગીતમાં ગ્રેજયુએશન - સ્નાતક પૂર્ણ કર્યું. એ પછી રિયાઝ કરતા રહીને યુનિવર્સિટીમાં સંગીત વિષયમાં પ્રથમ ક્રમ મેળવ્યો. અલાહાબાદ સાહિત્ય સંમેલનનાં 'હિંદી વિશારદ' પણ બન્યાં. એક કુશળ મણિપુરી નૃત્યાંગના અને શાીય ગાયિકાપૂર્ણિમાએ પણ શાીય કલા પરંપરાઓના વિકાસને સમર્થન આપવાનું શરૂ કર્યું. બોમ્બેમાં ૧૯૫૩માં પૂર્ણિમાબેને 'શક્તિદળ' નામના સંગઠનની મુંબઈમાં સ્થાપના કરી. તેણે શાળાએ જતી છોકરીઓથી લઈને આધેડ વયની મહિલાઓને 'શક્તિ દળ'માં દાખલ કરી અને તેમને શિબિરો યોજી 'લાઠી', 'રાઇફલ શૂટિંગ', યોગાસન અને સંરક્ષણ પ્રશિક્ષણ (સ્વ-બચાવની) તાલીમ આપી. વર્ષોના વીતતા 'શક્તિ દળ' પર્વતારોહણ અને અન્ય જુદી જુદી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને લીધે મુંબઈમાં ખૂબ લોકપ્રિય અને પ્રખ્યાત બન્યું. જે પછીથી 'તંભરા વિશ્વવિદ્યાલય' રૂપે ઉદય પામી.

પદ્મભૂષણ માતાની જેમ જ ભારત સરકાર તરફથી પદ્મભૂષણ અને પદ્મવિભુષણ સન્માનિત સુપ્રસિદ્ધ નૃત્યાંગના સોનલ માનસિંહ તેમના સુપુત્રી છે જેઓ એક ઉત્તમમાં શાીય નૃત્યાંગના છે. પૂર્ણિમાબહેન ૨૫મી એપ્રિલ, ૨૦૧૬ના દિવસે તેઓ ૧૦૩ વર્ષની વયે અવસાન પામ્યા જે   મીડિયાનાં ઘોંઘાટથી અને કેમેરાની લાઈટ્સથી દૂર બનેલી એક શાંત ઘટના હતી. 

અપાર વશીકરણ અને ચુંબકીય શક્તિ ધરાવતા પૂર્ણિમાબેનમાં અદભુત નિા, દ્રઢનિશ્ચયપણું અને નિર્ણયશક્તિ હતા જેના કારણે દાયકાઓ સુધી ડાંગ ખાતે તેઓ વધુ પ્રાબલ્ય, વિપુલતા, ભરપુર સક્રિયતા અને સંતોષપૂર્વક જીવ્યા.


Google NewsGoogle News