ફેશનેબલ ડ્રેસિસમાં ટ્રેડિશનલનો દબદબો
- તરુણીઓ આજે હોંશે હોંશે સિફોન સાડી અને ભરત ભરેલા લહેંગા-ચોલી તેમજ તરુણો બંધગળા કુર્તા અને પાયજામા પહેરવાં લાગ્યા છે
એકસમયે ઘરમાં રહેલી વીસી આસપાસની યુવતીને તહેવારો તથા સામાજીક પ્રસંગોમાં લઈ જતી વખતે સાડી કે અન્ય પારંપરિક પરિધાન પહેરાવીને સરસ રીતે તૈયાર કરવામાં આવતી હતી ત્યારે મોટાભાગની તરુણીઓ સાડી કે લ્હેંગા-ચોલી જોેઈને જ નાકનું ટીચકું ચડાવતી તથા 'સોરી, આ પહેરવું મને નહિ ફાવે. હું સાડીના છેડાને સંભાળી શકતી નથી,' એવી દલીલો કરતી સાંભળવા મળતી હતી. કિશોરીઓ જિન્સ પેન્ટ-શર્ટ કે સલવાર-કુર્તા પહેરવાનું જ પસંદ કરતી હતી. હવે તો જિન્સની સાથે સાથે સ્ટ્રેચ ટ્રાઉઝર્સ, લુઝ શર્ટ, સ્પેગિટી સ્ટ્રેપ્ડ ટેંક ટોપ્સ, સ્કર્ટ વગેરેની ફેશન પુરબહારમાં ખીલી છે. પરંતુ આ સાથે એક બીજું જબરજસ્ત પરિવર્તન એ આવ્યું છે કે આ તરુણીઓ હવે શિફોનની સાડી તથા બ્રોેકેડના એમ્બ્રોઈડરી કરેલા લ્હેંગા -ચોલી પણ વારે -પ્રસંગે પહેરતી થઈ ગઈ છે. હા, સાડી એકદમ લેટેસ્ટ ફેશનની અને બ્લાઉઝ ડિઝાઈનર હોય છે. ફિલ્મો અને સિરિયલની અભિનેત્રીઓની જેમ જ છૂટ્ટો પાલવ રાખેલી હળવા વજનની આકર્ષક ભરતકામ કરેલી સાડી પહેરવામાં આજની આધુનિકાઓ ગર્વ અનુભવતી થઈ છે.
જે પ્રમાણે પારંપરિક પરિધાનનું વળગણ યુવાપેઢીમાં વધતું જાય છે તે જ પ્રમાણે તેઓ તેની સાથે મેચ થતાં આભૂષણો, બંગડીઓ પહેરવાનું પણ ચૂકતી નથી. વળી, દિવાળી કે શુભ પ્રસંગે મહેંદી મૂકવા માટે પણ આ કામિનીઓ ઉત્સુક હોય છે.
આ જોતાં એવો પ્રશ્ન થાય છે કે શું આજની યુવા પેઢી પારંપરિક બની રહી છે? સેલફોન પર વાતોના ટોળટપ્પા કરતાં કે લેપટોપ પર ઈ-મેઈલની આપ-લેમાં વ્યસ્ત યંગસ્ટર્સના વિચારો બદલાઈ રહ્યા છે? આ વાતના ઉંડાણમાં જશો તો તમને જાણ થશે કે વડીલોએ ચીંધેલા માર્ગે આગળ વધવામાં કે વર્ષો જૂના સામાજીક નીતિ-નિયમો અને રિવાજોને વળગી રહેવામાં તેઓ માનતા નથી. હજી આજે પણ તરુણીઓ સરસ રીતે તૈયાર થઈને લગ્ન પ્રસંગે જવા તૈયાર થતી નથી. તે પોતાને શો-કેસમાં મૂકેલી વસ્તુ માનતી નથી. તેમ છતાં તેને સાડી પહેરવી, મહેંદી લગાડવી, ચાંદલો કરવો કે દાગીના પહેરવા ગમે છે. તેના મતે આ તમામ બાબતો ભારતીય સંસ્કૃતિ દર્શાવે છે. તે ખરું પણ તેને પરંપરા સાથે કાંઈ લેવાદેવા નથી. કારણ કે તેઓ આ બધું માત્ર 'લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ'ને કારણે કરે છે.
આગામી મહિનાઓમાં આવતાં રક્ષાબંધન ગણેશોત્સવ, નવરાત્રિ તથા દિવાળી જેવા તહેવારો અને ઉત્સવોમાં જુવાનિયાઓ કુર્તા પાયજામા કે બંધગલા જેવા પરિધાનમાં સજ્જ જોવા મળશે. તહેવારમાં ગર્લફ્રેન્ડના ઘરે જતી વખતે યુવાનો ખાસ પારંપરિક પરિધાન પહેરે છે. વર્ષો પૂર્વે યુવકો રક્ષાબંધન કે દિવાળીમાં કુર્તા -પાયજામા પહેરવામાં શરમ અનુભવતા હતા. પરંતુ આજે આ પોશાક યુવાનોમાં એકદમ હોટ ગણાય છે કારણ કે તે જ લેટેસ્ટ ફેશન છે.
તહેવારોમાં જે પ્રમાણે વસ્ત્ર પરિધાન કરવામાં આવે છે તે જ રીતે તે સમયે કરવામાં આવતી કેટલીક ક્રિયાઓ જેમ કે વડીલોને પગે લાગવાને, પણ તેઓ અહોભાવને બદલે અન્યોથી અનોખા દેખાવા કરે છે. ૨૨-૨૫ વર્ષની પરિણીત યુવતીઓ પણ જ્યારે કરવા ચોથ, વટ સાવિત્રી પૂર્ણિમા કે અન્ય વ્રત કરે છે ત્યારે પતિ પોતાની સાથે રહે અને શક્ય હોય તો 'કંપની' આપવા ઉપવાસ પણ કરે એમ ઈચ્છે છે.
કેટલાક જુવાનિયાંઓ માને છે કે જે વસ્તુ જેમ કરવાની હોય તેમ જ કરવી જોઈએ. જુના રિતીરિવાજને યથાવત્ આગળ વધારવા જોઈએ તેની સામે કોઈ પ્રશ્નો કે દલીલો ન કરવી જોઈએ. આ જ કારણે લગ્નપ્રસંગે તેઓ અદ્લ ભારતીય પોશાકમાં સજ્જ થઈને તમામ વિધિઓને રસપૂર્વક કરતાં હોય છે. અહીં એક મહત્ત્વની વાત એ છે કે ફેશનેબલ દેખાવા સાડી કે કુર્તા-પાયજામાને પહેરનારી યુવાપેઢી કોલેજમાં સલવાર-કમીઝ પહેરીને આવેલી છોેકરીઓને 'બહેનજી' કે 'મણિબેન' માને છે. ત્યારે તેઓ ભૂલી જાય છે કે સાડી અને સલવાર-કમીઝ તો અત્યંત સુરુચિપૂર્ણ ભારતીય પરિધાન છે. તેનાથી દેહ ઢંકાઈ જવા છતાં અત્યંત મોહક લાગે છે,.
ઘણી તરુણીઓ કંઈક નવા પ્રયોગ કરવા ખાતર પ્રસંગોપાત તૈયાર થવાનું પસંદ કરે છે. તેમના મતે તેમનો ઉછેર વસ્ત્રોની પસંદગીની સ્વતંત્રતા સાથે કરવામાં આવ્યોે છે. આથી તેમને જુની ફેશનના અને પારંપરિક ડિઝાઈનના પોશાક 'નૉવેલ' લાગે છે અને તેઓ પ્રસંગોચિત તેને પહેરવામાં નવી ફેશન કર્યાનો સંતોષ માને છે.
જો કે, આજકાલ ભણવા સાથે નોકરી કરતી આધુનિકાઓ માટે કેઝ્યુઅલવેર તરીકે તો જિન્સ અને ટી-શર્ટ જ ઉચિત ગણાય. રોજેરોજ સાડી કે સલવાર કમીઝના દુપટ્ટાને સાચવવાનો કે બિંદી કરવાનો સમય તેમને મળતો નથી. આથી જ તેઓ એવી દલીલ કરે છે કે કોઈપણ પ્રકારના દબાણ વગર તેઓ જે પણ કરે છે તેનો તે જ રીતે સહુએ સ્વીકાર કરવો જોઈએ. ફેશન ડિઝાઈનરોના મતે થોડા વર્ષો પૂર્વે સુધી ભારતીયો પાશ્ચાત્ય વિચારોના રંગે રંગાયેલા હતા. પણ હવે વળી તેઓ ભારતીય પરંપરા તરફ વળ્યા છે તે કોઈ મોટા વિચાર પરિવર્તનની નિશાની નથી પણ ફેશન છે. વડીલોએ નિભાવેલી પરંપરાને આગળ ધપાવવા તેઓ તૈયાર છે. પણ તેમાં વર્તમાન સમયની માગ પ્રમાણે ફેરફાર કરવાનો આગ્રહ રાખે છે.
સામાન્ય રીતે પેન્ટ-શર્ટ કે ટી-શર્ટમાં સજ્જ જોવા મળતાં યુવાનો લગ્ન પ્રસંગે બંધ ગલા કે કુર્તા પાયજામામાં સજ્જ જોવા મળે છે જ્યારે કોર્પોરેટ ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દા ધરાવતી યુવતીઓ ખાસ સાડી પહેરે છે. તેઓ સાડી સાથે યોેગ્ય મેચ થતી હળવી જ્વેલરી પહેરવાનું પણ પસંદ કરે છે.
યુવાપેઢીને પારંપરીક વસ્ત્રોમાં સજ્જ જોઈને આંખોને ઠંડક થાય છે. પણ તેઓની ભાવના પરંપરા નિભાવવાની નહિ ફેશન કરવાની હોય છે તે જાણીને દુ:ખ થાય છે. તે જ પ્રમાણે તહેવારોનું જે હદે વેપારીકરણ થઈ રહ્યું છે તથા મિડિયા પણ તેમાં જે રીતે સાથ આપે છે તે ખેદજનક બાબત છે. છેલ્લા થોેડા વર્ષોમાં વેલેન્ટાઈન ડે અને કરવા ચોથને ફિલ્મો તથા સિરિયલો દ્વારા એટલી પબ્લિસિટી આપવામાં આવી છે કે હવે ગામડાની પ્રજા પણ આનાથી વાકેફ થઈ ગઈ છે.
અત્યારે તો આ બાબત માત્ર એટલું જ કહી શકાય કે કદાચ હવે ભારતમાં પાશ્ચાત્ય વિચારોની અવધિ આવી ગઈ છે. આજે ફેશનના નામે આપણી પરંપરા તરફ વળેલી પેઢી કદાચ કાલે તેને દિલથી માનતી પણ થઈ જશે.