પાઇલેટસ ફીટનેસ : તન-મન માટે અનેક રીતે લાભદાયી
- બોલીવુડમાં સારા અલી ખાન, જાહ્નવી કપૂર, કંગના રનૌટ, અદિતી રાવ હૈદરી, ઇલિયાના ડીક્રૂઝ વગેરે પાઇલેટસ ફીટનેસની તાલીમ લઇ રહી છે
સમયના પ્રવાહ સાથે મનોરંજનના વિશ્વમાં પણ પરિવર્તન થઇ રહ્યું છે. ફક્ત ફિલ્મના સર્જનમાં જ નહીં પણ ફિલ્મમાં અભિનય કરતાં કલાકારો સહિત નિર્માતા, દિગ્દર્શક, મ્યુઝિક ડાયરેક્ટર, ગાયક-ગાયિકાના રોજબરોજના જીવનમાં પરિવર્તન જોવા મળે છે. ફોડ પાડીને કહીએ તો આજની એકવીસમી સદીનાં ફિલ્મ જગતનાં કલાકારોમાં આરોગ્યની જાળવણી માટે પૂરતી જાગૃતિ આવી રહી છે.
આજની ઉગતી પેઢીનાં અભિનેતા--અભિનેત્રીઓ તો દરરોજ વહેલી સવારે જાગીને નિત્યક્રમ પૂરો કરીને એકાદ જીમ્નેશિયમમાં જુદી જુદી કસરત કરવા જાય છે. તો વળી,કેટલાંક કલાકારો યોગ,ધ્યાન કરે છે. તો અમુક કલાકારો વહેલી સવારે સમુદ્ર કિનારા પર જઇને દોડે છે.
બીજીબાજુ અમુક અભિનેતા --અભિનેત્રીઓ ફીટનેસ ગુરુ દ્વારા શારીરિક --માનસિક આરોગ્ય લીલુંછમ રાખવાની તાલીમ પણ લેતાં હોય છે. ફિલ્મ જગતમાં ભલે અમીરી વૈભવ, ઝળહળાટ, પ્રસિદ્ધિ, લખલૂટ પૈસો હોય પણ ફિલ્મમાં કામ કરતાં કલાકારોએ ભરપૂર મહેનત પણ કરવી પડે છે. લીલાછમ બગીચામાં, અફાટ રણમાં, બરફીલા પહોડોમાં, નદી કે ઉછળતા સમુદ્રમાં અને ક્યારેક તો જોખમી પ્રાણીઓ સાથે પણ શૂટિંગ કરવું પડે છે. કલાકો સુધી કેમેરા સામે રહીને અભિનય કરવો પડે છે. કોઇ ગીતના શૂટિંગ દરમિયાન તો ઘણાં બધાં નૃત્ય કલાકારો સાથે તાલ મેળવીને નૃત્ય પણ કરવું પડે છે.
આ જ રીતે ફિલ્મના કોઇ એક ગીતના રેકોર્ડિંગ માટે મ્યુઝિક ડાયરેક્ટરોએ, ગાયક --ગાયિકાઓએ, સંગીતના સાજિંદાઓએ પણ કલાકો સુધી કામ કરવું પડે છે.
આવા સંજોગોમાં અભિનેતા, અભિનેત્રી, દિગ્દર્શક, મ્યુઝિક ડાયરેક્ટર, ગાયક-ગાયિકા,સાજિંદા વગેરેની શારીરિક -- માનસિક ક્ષમતાની જબરી કસોટી થતી હોય છે.
આજની નવી --ઉગતી પેઢીનાં અભિનેતા --અભિનેત્રીઓમાં તાપસી પન્નુ, સારા અલી ખાન, જાહ્નવી કપૂર, કંગના રનૌટ, આલિયા ભટ્ટ, વરુણ ધવન, રણબીર કપૂર, રણવીર સિંહ, યામી ગૌતમ, વીકી કૌશલ, શર્વરી વાઘ, દિગ્દર્શક આદિત્ય ધર(યામી ગૌતમનો પતિ), વગેરે તેમનાં આરોગ્ય બાબતમાં પૂરતાં સજાગ થઇ ગયાં છે.
હાલ આ બધાં કલાકારો એક કે બીજા ફીટનેસ ટ્રેનરના માર્ગદર્શમાં તાલીમ લે છે.આજકાલ બોલીવુડમાં ફિઝિકલ ફીટનેસ માટે પાઇલેટસ નામની વિશિષ્ટ તાલીમનો પ્રચાર વધી રહ્યો છે.
નમ્રતા પુરોહિત નામની ફીટનેસ ટ્રેનર-- પાઇલેટસ (શારીરિક--માનસિક આરોગ્યની જાળવણી માટેની તાલીમને પાઇલેટસ કહેવાય છે) પાસે સારા અલી ખાન, જાહ્નવી કપૂર, કંગના રનૌટ,અદિતી રાવ હૈદરી, દ્વનિ ભાનુશાળી, ઇલિયાના ડીક્રૂઝ વગેરે અભિનેત્રીઓ તાલીમ લઇ રહી હોવાના અખબારી અહેવાલ પ્રસિદ્ધ થયા છે.
નમ્રતા પુરોહિત કહે છે, મારી ઉંમર લગભગ ૧૫ વર્ષની હતી ત્યારે હું ઘોડેસવારી શીખતી હતી.ગમે તે થયું, હું અશ્વ પ૨થી પડી ગઇ. મારાં ઘૂંટણમાં ગંભીર ઇજા થઇ.ઓપરેશન થયું. મેં ઓપરેશન બાદ વિવિધ પ્રકારની કસરત કરી પણ હું જરાય સાજીનરવી ન થઇ. છેવટે મેં મારા પિતાના માર્ગદર્શનમાં પાઇલેટસ કોર્સ કર્યો.
જાણે કે ચમત્કાર થયો હોય તેમ હું ધીમે ધીમે સાજી થઇ. ગોઠણમાંની પીડા પણ ઘટી ગઇ.ચાલતી અને દોડતી પણ થઇ. મેં સ્કવોશ સહિત અન્ય રમત રમવાનું શરૂ કર્યું.
પાઇલેટસ વિશે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઝાઝી બધી ગેરસમજ છે. એટલે કે ઘણાં લોકો એવું માને છે કે પાઇલેટસ તો ફક્ત યુવતીઓ અને મોટી ઉંમરની મહિલાઓ માટે જ હોય છે. વળી, આ તાલીમમાં તો શરીરને જુદી જુદી રીતે ખેંચવાનું હોય છે. બસ, વધુ કાંઇ જ નહીં.
હકીકત તો એ છે કે પાઇલેટસની તાલીમ પાંચ સિદ્ધાંત પર આધારિત છે. ઉદાહરણરૂપે ઉંડા શ્વાસ લેવા, શરીર એક સરખી સીધી રેખામાં રાખવું, જુદાં જુદાં અંગના હલનચલન પર કાબૂ મેળવવો વગેરે. કોઇ નવા તાલીમાર્થી માટે શરૂઆતમાં આ બધું શીખવામાં થોડીક સમસ્યા થાય પણ ધીમે ધીમે આવડે અને આનંદ પણ થાય. તન-મનમાં ઉર્જાનો --ચેતનાનો સંચાર થાય. શરીરના જે કોઇ અંગમાં તકલીફ હોય તેમાં રાહત રહે. જે કોઇ કાર્ય કરતાં હો તેમાં પૂરતું ધ્યાન આપી શકો. એકાગ્રતા વધે. શારીરિક --માનસિક સમતુલન રહે અને વધે. શરીર જાણે કે કાગળ જેવું હળવુંફૂલ હોય તેવો ગમતીલો અનુભવ થાય.
હાલ સારા અલી ખાન, જાહ્નવી કપૂર, કંગના રનૌટ, અદિતી રાવ હૈદરી, ઇલિયાના ડીક્રૂઝ વગેરે પાઇલેટસની સઘન તાલીમ લઇ રહી છે. વળી, આ બધી અભિનેત્રીઓ બહુ મહેનતુ પાઇલેટસ છે. કસરતનો આનંદ માણી રહી છે. એક ખાસ બાબત. પાયલેટસ તાલીમ સાથોસાથ પૂરતો પોષણક્ષમ આહાર લેવો. પૂરતી ઉંઘ લેવી. જરૂર લાગે ત્યારે પૂરતો આરામ પણ કરવો. કહેવાનો અર્થ એ છે કે પાયલેટસ તાલીમથી તન-મનમાં ચેતનાનો મહાસાગર ઉમટે. શરીરનાં તમામ અંગોની કાર્યક્ષમતા વધે. મનની એકાગ્રતા વધે. જીવન એમ કહો કે આનંદમય બની જાય.
-જગદીશચંદ્ર ભટ્ટ