Get The App

પાર્કિન્ઝન્સ - અપસ્માર અને આયુર્વેદ .

Updated: Jan 20th, 2025


Google NewsGoogle News
પાર્કિન્ઝન્સ - અપસ્માર અને આયુર્વેદ                               . 1 - image


- આરોગ્ય સંજીવની

આજે એક એવા રોગ ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ, જેને ''પાર્કિન્ઝન્સ'' તરીકે એલોપેથીનાં ડૉક્ટરો ઓળખે છે. આયુર્વેદમાં આ જ રોગનું વર્ણન કંપવાતના રૂપમાં કરવામાં આવ્યું છે. જે વાતદોષનાં પ્રકોપનાં કારણે થતો જોવા મળે છે. આમ પણ વૃદ્ધાવસ્થામાં વાતદોષનો પ્રકોપ વધારે જોવા મળે છે. કંપવાતમાં ધુ્રજારી ઉત્પન્ન થતી જોવા મળે છે, જે મોટાભાગે વૃદ્ધાવસ્થામાં વધારે થતી જોવા મળે છે.

કંપવાતનાં રોગમાં રોગીને ચાલવામાં, વાતચીત કરવામાં વગેરેમાં ખૂબ તકલીફ પડતી હોય છે. અનિયમિત જીવનશૈલી અને વિપરિત આહાર-વિહારનાં કારણે વાતદોષ પ્રકુપિત થાય છે. અને આ પ્રકુપિત થયેલો વાયુ સમગ્ર શરીરમાં પ્રસરીને ધુ્રજારી ઉત્પન્ન કરી દે છે.

આધુનિક વિજ્ઞાાનમાં પાર્કિન્ઝન્સને ન્યુરોલોજીકલ ડીસઓર્ડર એટલે કે, મસ્તિષ્ક સંબંધી વિકાર માનવામાં આવે છે. પાર્કિન્ઝન્સ જેવો જ બીજો એક રોગ આયુર્વેદમાં વર્ણવેલો છે. જેને અપસ્માર તરીકે ઓળખવામાં આવે છે, તથા સાદી ભાષામાં આ રોગને ''વાઈ'' તરીકે ઓળખવામાં આવે છે. આ રોગમાં દર્દીની આંખો સામે અંધકાર છવાઈ જતો હોય તેવું તેને લાગે છે. રોગી ઘણીવાર હાથ-પગ પછાડે છે, તેની આંખો ઉપર ચઢી જાય છે તેનાં દાંત બંધાઈ જાય છે અને મોઢામાં ફીણ આવી જાય છે. ઘણીવાર રોગી ઊંઘમાં હોય ત્યારે પણ ખેંચનાં હુમલા આવી શકે છે.

આ ભયંકર રોગનું આજ દિન સુધી કોઈ નિશ્ચિત કારણ જાણી શકાયું નથી, પરંતુ ચિંતા, શોક, ક્રોધ વગેરે જેવા કારણોથી પ્રકુપિત થયેલાં વાતાદિ દોષો મનોવાહી સ્ત્રોતોમાં વ્યાપ્ત થઈ સ્મૃતિભ્રંશ કરીને આ રોગ ઉત્પન્ન કરે છે. આયુર્વેદમાં આ અપસ્માર વ્યાધિનાં ચાર પ્રકાર બતાવવામાં આવ્યાં છે. વાતજ, પિત્તજ, કફજ અને સન્નિપાતજ આધુનિક વિજ્ઞાાનમાં આ રોગ થવાનું મુખ્ય કારણ મસ્તિષ્કનાં બાહ્યસ્તર  (ર્ભિાીટ) ની રક્તવાહિનીઓમાં સંકોચ થતાં રક્તની અલ્પતાના કારણે આ રોગ ઉત્પન્ન થતો માનવામાં આવે છે.

આ રોગ દર્દીને થાય તે પહેલા કેટલાંક લક્ષણો તેનામાં જોવા મળતા હોય છે, જેને આયુર્વેદમાં ''પૂર્વરૂપ'' તરીકે ઓળખવામાં આવે છે. આ પૂર્ણરૂપ તરીકે રોગીના હૃદયમાં કંપન અને શૂન્યતા, પરસેવો થવો, ચિંતા, અનિંદ્રા અને ઘણી વખત રોગીમાં બેભાનાવસ્થા પણ જોવા મળતી હોય છે. રોગીને મોટાભાગે સીધા જ વેગ શરૂ થઈ જતા જોવા મળે છે. 

આ રોગમાં દર્દી ઘણીવાર પડી જતાં શરીરમાં આડું-અવળું વાગી જવાની પણ શક્યતા રહે છે. તો ઘણી વખત દાંતથી જીભ કપાઈ જતા મુખમાંથી લોહી પણ નીકળે છે. ઘણીવખત (રોગીમાં અનૈચ્છિક રીતે મળ-મૂત્રનો ત્યાગ થઈ જાય છે. જેથી, આવા દર્દીઓએ ખૂબ સાવધાની રાખવી પડે છે. કારણ કે વેગનાં સમયે તેમને સંભાળનાર કોઈ ન હોય તો, શરીરને હાનિ પહોંચી શકે છે.

આ રોગમાં ખેંચ આવવાનો કોઈ નિશ્ચિત સમય બતાવેલો નથી. આયુર્વેદમાં બતાવ્યા મુજબ વાતજ અપસ્માર હોય તો રોગના હુમલા ૧૨ દિવસે, પિત્તજ અપસ્મારમા ૧૫ દિવસે અને કકડ અપસ્મારનાં રોગીને ૧ મહિને આ રોગનાં હુમલાં આવતા હોય છે. ઘણી વખત નાના બાળકોમાં પણ આ રોગ જોવા મળતો હોય છે. આયુર્વેદમાં તેને ''શિશુ અપસ્માર'' કહે છે જેમાં ૧ દિવસમાં પાંચથી પચાસ વેગ આવી શકે છે. પરંતુ આ વેગ સૌમ્ય હોય છે, અને મસ્તિષ્કનાં કાર્યમાં વિકૃતિ થતી નથી અને શિશુ યુવાસ્થામાં પ્રવેશ કરતાં ધીરે ધીરે આ રોગ પોતાની જાતે શાંત થઈ જાય છે.

આ રોગ માટે નિષ્ણાંતની સલાહ મુજબ બ્રાહ્મીવટી, સ્મૃતિસાગર રસ, મુક્તાપિષ્ટી વગેરેનું સેવન ખૂબ લાભપ્રદ છે.

આવાં રોગના રોગીઓએ મન શાંત રાખવું જોઈએ. ચિંતા, ક્રોધ, ઉદ્વેગ, ઇર્ષા જેવા મનોગત ભાવોથી હંમેશાં બચવું જોઈએ, કારણ કે ઉપરોક્ત મનોભાવો આ રોગને વધારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

અનુભવી વૈદ્યનાં માર્ગદર્શનમાં કરાતો ઔષધપ્રયોગ અને જરૂરી સાવધાની આવાં રોગોમાં નિ:સંદેહ લાભપ્રદ પરિણામ આપે છે

-  જ્હાનવીબેન ભટ્ટ


Google NewsGoogle News