ફેશન જગતમાં આવી 'બ્રાલેટ'ની બહાર
છેલ્લા કેટલાંક સમયના ફિલ્મી સામયિકો, અખબારોમાં આવતી ફિલ્મી પૂર્તિઓ,ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશ્યલ મીડિયા સાઇટ્સ પર ઉડતી નજર નાખશો તોય તમનેે બ્રાલેટ ટોપ કે બ્લાઉઝ સૌથી વધુ દેખાશે. એ સમય વિતી ગયો જ્યારે માનુનીઓ દુપટ્ટા પહેરીને કે પછી ઊંચા ગળાના ટોપ-બ્લાઉઝ પહેરીને ફરતી. આજની તારીખમાં સેક્સી લુક માટે દેહનો આગળનો ભાગ જ વધારે ખુલ્લો દેખાય એવા પ્રયાસો કરવામાં આવે છે. અને બ્રાલેટ ટોપ તેમ જ બ્લાઉઝ તેને માટે બેસ્ટ વિકલ્પ ગણાય છે.
ફેશન ડિઝાઇનરો કહે છે કે હમણાં હમણાં બ્રાલેટ ટોપ કે બ્લાઉઝ ટ્રેન્ડમાં છે. જોકે તે ની નેકલાઇન પ્લંજિંગ હોવાથી માટેભાગની મહિલાઓને એમ લાગે છે કે તેમાં તેઓ વધારે પડતી બોલ્ડ દેખાશે. તેથી તેઓ ઇચ્છે તોય બ્રાલેટ ટૉપ પહેરવાનું ટાળે છે. પરંતુ જો બ્રાલેટ પેટર્નને યોગ્ય રીતે પહેરવામાં આવે તો તે એકદમ સ્ટાઇલિશ લાગે છે. આ પેટર્ન અલગ અલગ રીતે સ્ટાઇલ કરી શકાય છે. અને તે માત્ર પાર્ટીવેઅર તરીકે જ નહીં, ઑફિસમાં પણ પહેરી શકાય.એમ માની લેવાની ભૂલ પણ કરવા જેવી નથી કે તે માત્ર પાશ્ચાત્ય પોશાકમાં જ ચાલે. તમે ચાહો તો તે એથનિકવેઅર તરીકે પણ ધારણ કરી શકાય.જેમ કે...,
સાડી સાથે બ્રાલેટ બ્લાઉઝ પહેરી શકાય.તેમાંય ભરચક ભરતકામ કરેલા બ્રાલેટ બ્લાઉઝ સાથે પ્લેન અથવા સાવ નાની બોર્ડરવાળી પારદર્શક સાડી ખૂબ જચે છે. તેમાં તમારું બ્રાલેટ બ્લાઉઝ પણ સરસ રીતે દેખાશે. આમ છતાં તમને સંકોચ પણ નહીં થાય.આ પરિધાન સાથે સ્ટેટમેન્ટ જ્વેલરી પહેરો. ચાહે તે બુટ્ટી હોય કે પછી વીંટી.
તમે ઑફિસ કે પછી ઇવનિંગ પાર્ટીમાં બ્રાલેટ ટૉપ પહેરવા માગતા હો તો પેન્ટ-સુટ સાથે તે ધારણ કરો. સામાન્ય રીતે મહિલાઓ પેન્ટ-સુટ સાથે ટયુબ ટૉપ કે શર્ટ પહેરવાનું પસંદ કરે છે. પરંતુ તેના સ્થાને બ્રાલેટ પેટર્ન પણ અજમાવી શકાય.તમે ચાહો તો મેચિંગ બ્રાલેટ ટૉપ પહેરો કે પછી વિરોધાભાસી,બંને રંગ તેની સાથે જચશે. આ પોશાક સાથે ગળામાં સુંદર પેન્ડન્ટ સાથેની ઝીણી ચેન પહેરો. જો તમે ગળું ભરચક લાગે એમ ઇચ્છતા હો તો ત્રણ, પાંચ કે સાત ચેન ધરાવતું નેકલેસ પહેરો. હા, તે હાર જેવું ન દેખાવું જોઇએ એ વાત ખાસ ધ્યાનમાં લો.એકમેક સાથે જોડાયેલી ઝીણી ચેનનું નેકલેસ બ્રાલેટ બ્લાઉઝ કે ટૉપ સાથે સુંદર લાગશે. કેઝયુઅલવેઅર તરીકે બ્રાલેટ પહેરવું હોય તો તે ડેનિમ સાથે પહેરો. ડેનિમ અને બ્રાલેટ ટૉપ પર જેકેટ અથવા શર્ટ પણ પહેરી શકાય. તેની સાથે કેપ કે સનગ્લાસ જેવી એક્સેસરી પરફેક્ટ કેઝયુઅલ લુક આપશે.
-વૈશાલી ઠક્કર