ખુલ્લું ખુલ્લું - ખુલાસાવાર રસોડું
પ્રત્યેક મહિલા માટે રસોડું તેના જીવનનું સૌથી મહત્વનું સ્થાન ગણાય છે. ચાહે તે ગૃહિણી હોય કે પછી નોકરી-વ્યવસાય કરતી મહિલા. આ કારણે જ દરેક સ્ત્રી સરસ મઝાનું, સહેજ મોટું દેખાય એવું, હવા-ઉજાસ ધરાવતું રસોડું ઇચ્છતી હોય છે. પરંતુ જરૂરી નથી કે તેમને પોતાની ઇચ્છા મુજબનું રસોડું મળી રહે. જોકે ઇન્ટિરિયર ડિઝાઈનરો કહે છે કે આજની તારીખમાં નાના નગરોમાં તમને વિશાળ કિચન મળી રહેશે. પણ મહાનગરોમાં મોટું રસોડું તો સ્વપ્ન સમાન ગણાય. આમ છતાં તમે ચાહો તો તમારા કિચનનો સહેજ મોટું, ખુલાસાવાર દેખાય તે રીતે ગોઠવી અને જાળવી શકો. તેઓ રસોડું વધારે હવા-ઉજાસવાળું અને મોટું શી રીતે દેખાય તેના વિશે સમજ આપતાં કહે છે..,
* તમે તમારા રસોડાની દિવાલો પર કેવો રંગ લગાવો છો એ મહત્વનું છે. રસોઇઘરની ભીંતો હળવા રંગે રંગાવવાથી બહારનો પ્રકાશ દિવાલો પર પરાવર્તિત થાય છે જેને પગલે રસોડું હોય તેના કરતાં મોટું દેખાય છે.
કિચન કેબિનેટ નજીક નજીક બનાવડાવો. આમ કરવાથી રસોડાની જગ્યા બરબાદ નહીં થાય. તમે કિચન કેબિનેટ બનાવડાવો ત્યારે સંપૂર્ણ રસોડાની એકેએક ઇંચ જગ્યાનો ઉપયોગ સમજી-વિચારીને, આયોજનપૂર્વક કરો.
રસોડાની ફરસ કિચનના દેખાવમાં મહત્વની ભૂમિકા ભજવે છે. બહેતર છે કે કિચનની ફ્લોરિંગ પણ તેની દિવાલોની જેમ હળવા રંગની પસંદ કરવામાં આવે. અલબત્ત, રસોડાની ફરસ લાઇટ કલરની હોય, પણ તેના ઉપર ગમે ત્યાં સામાન મૂકી દેવામાં આવે તો રસોડાની ખુલ્લી જગ્યા દેખાય જ ક્યાંથી? બહેતર છે કે રસોડાની ફરસ પર કોઈ વસ્તુ મૂકવામાં ન આવે.
કિચનમાં દરેક વસ્તુ વ્યવસ્થિત ગોઠવીને રાખો. રસોડામાં વધારાનો સામાન ઠાંસીને ભરવાથી તે ખીચોખીચ દેખાશે. તમારા રોજિંદા વપરાશની વસ્તુઓ સિવાય બીજું કાંઈ કિચનમાં ન રાખો.
રસોડામાં લગાવેલી ટાઈલ્સ પણ હળવા રંગની હોય તે આવશ્યક છે. ઘેરા રંગની અથવા મોટી મોટી ડિઝાઈનવાળી ટાઇલ્સ લગાવવાથી રસોઈઘર નાનું-અંધારિયું લાગશે.
કિચનમાં આખો વખત એંઠા વાસણ પડયાં રહે, ખાવાપીવાની વસ્તુઓ કે અનાજ ગમે તેમ મૂકી દેવામાં આવે તોય રસોડું સાવ નાનું દેખાય. કિચનને મોટું-ખુલાસાવાળું બતાવવા એંઠા વાસણ તરત જ ધોઈ-લૂછીને કિચનકબાટમાં મૂકી દો. રસોઈ બનાવતી વખતે પણ જે વસ્તુઓની જરૂર ન હોય તે પ્લેટફોર્મ પરથી ખસેડી લો. કામ પૂરું થતાં જ દરેક વસ્તુ ઝપાટાભેર યથાસ્થાને ગોઠવી દો.
કેટલાંક લોકો રસોડાને પણ બેઠક ખંડની જેમ સજાવવાનો આગ્રહ રાખે છે જે બિલકુલ જરૂરી નથી. હા, આંખ ઠરે એવો એકાદ શો-પીસ રસોડાને આકર્ષક દેખાડવા માટે પૂરતો થઈ પડે.
કિચનમાં શુધ્ધ હવા આવે એટલા માટે તેની ગ્રીલમાં તમે એલોવેરા, તુલસી, તમને ગમતા ફૂલોના કુંડા ગોઠવી શકો છો. આવા છોડ તમારી આંખોને પણ ટાઢક આપશે. તમે ચાહો તો ગ્રીલમાં કોઈક વેલ પણ ઉગાડી શકો છો.
કિચનમાં રસોઈના ધુમાડામાં વઘારનો ધુમાડો સૌથી વધુ હોય છે. મોટાભાગની ગૃહિણીઓ વઘારમાં લીમડો, કાંદા, ટામેટાં કે ધોયેલા શાક છમ્મ કરીને નાખતી હોય છે, જેને કારણે સમગ્ર રસોડામાં ચીકાશવાળો ધુમાડો ફેલાય છે. આ ધુમાડો આખા રસોડાની ટાઇલ્સ અને કેબિનેટને પણ ચીકણી બનાવે છે. બહેતર છે કે વઘારમાં કોઈપણ ભીની-પાણીવાળી વસ્તુ નાખીને તરત જ તેને ઢાંકી દેવામાં આવે. આમ કરવાથી જે તે વસ્તુની સુગંધ પણ વઘારમાં જ જળવાઈ રહેશે.
- વૈશાલી ઠક્કર