ગેરસમજણની ગૂંચ ઉકેલાય તો જ દિલની દોરી અકબંધ જોડાયેલી રહે
- સંબંધનો પતંગ વિશ્વાસ અને સ્નેહની દોરીથી ચગે છે. સમયાંતરે તેમાં ગુંચ પડતી જ હોય છે. આ સંજોગોમાં આપણે એવા જાણકાર, અનુભવી અને ખાસ કરીને ધૈર્યથી ભરપૂર વ્યક્તિની જરૂર પડે છે જે આ ગુંચ ઉકેલી શકે.
આજે ઉત્તરાયણ છે. ઉન્નત લક્ષ્ય અને ઉત્તરોત્તર ગતિનો સંકલ્પ લેવડાવતો અને બોધ કરાવતો આ પર્વ છે. ઉંચે આકાશમાં જોવું અને ઉંચાઈ સુધી ગતિ કરવાની વૃત્તિ જ આ તહેવારનો બોધપાઠ છે પણ તે સિવાય એવી ઘણી બાબતો છે જે આ તહેવાર સાથે સંકળાયેલી છે અને જીવનમાં સમજવા અને માણવા જેવી છે. આ તહેવાર ઉત્તરાયણ કે પછી મકરસંક્રાંતિ તેના નામ અનુસાર ઘણા અર્થ ધરાવે છે. આ બધા અર્થ સાથે જીવનનો સાચો મર્મ પણ સમજાવે છે. ઉત્તરાયણ સાથે સંકળાયેલા પતંગ, દોરી, ગુંદરપટ્ટી, ફિરકી અને અન્ય સિંગ કે તલની ચિકીને જીવન સાથે સાંકળીએ તો ઘણી બાબતો સામે આવે છે જેને એક વખત સમજી લઈએ અને જીવનમાં ઉતારી લઈએ તો ઘણું બધું સરળ અને સહજ થઈ જાય તેમ છે.
ભારત દેશ અને તેનું સાત્વિત તત્ત્વ આપણી સૌથી મોટી ગરિમા અને વારસો છે. અહીંયા જે તહેવારો ઉજવાય છે તેની સાથે પરંપરા અને ઉર્ધ્વગતિનો વારસો સંકળાયેલો છે. આપણે ઉત્તરાયણને મકરસંક્રાતિ કહીએ છીએ. આ નામ શા માટે આપવામાં આવ્યું તેની પાછળનું કારણ અથવા તો તારણ ઘણાને ખબર નહીં હોય. સામાન્ય સમજ એવી છે કે, સૂર્ય ઉત્તર દિશામાં પ્રયાણ કરે છે અને તેની ગતિમાં થતો ફેરફાર સંક્રાંતિકાળ કહેવાય છે. આ દેશ હંમેશા સંક્રાંતિનો દેશ રહ્યો છે.
ભારતમાં ક્યારેય કોઈ ક્રાંતિ થઈ નથી. આઝાદી માટે થયેલા આંદોલનો અને ચળવળોને ભલે ક્રાંતિનું નામ આપવામાં આવે પણ હકિકતે તે ક્રાંતિ નહોતી. દુનિયાના તમામ દેશોમાં આંતરિક યુદ્ધ જેવી ક્રાંતિ થઈ છે. સત્તા પરિવર્તન માટે ક્રાંતિ થઈ છે. આથક સુધારા માટે ક્રાંતિ થઈ છે. સદીઓથી દુનિયાના વિવિધ દેશોમાં ક્રાંતિ થતી આવી છે કારણ કે તેમને બાહ્ય વસ્તુઓ અને ભૌતિકતામાં સુધારો જોઈતો હતો. આ દેશમાં યુગોથી ચાલ્યા આવતા સંસ્કારો અને વારસો વ્યક્તિને પોતાની અંદર સુધારા કરવાનું શિખવે છે. માણસ પોતાની અંદર ઉતરે અને આંતરિક સુધારાની ક્રાંતિ કરીને ચૈતસિક ગતિને પામે ત્યારે સંક્રાંતિ થઈ કહેવાય. આવી સંક્રાંતી વ્યક્તિને અને સમાજને શ્રેષ્ઠતા તરફ લઈ જાય છે. ઉત્તરાયણ વ્યક્તિ અને સમાજને આ સંદેશ આપે છે.
ઉત્તરાયણની વિગતે વાત કરીએ તો તે સૌથી પહેલાં તો ઉંચે જોવાનો તહેવાર છે. આખો દિવસ મોબાઈલ ફોન્સ અને ટેબલેટમાં વ્યસ્ત રહેતી આજની આધુનિક પેઢીને સતત ઉંચે જોવા મજબૂર કરતો આ તહેવાર છે. આ સેટાયર કરતા પણ આગળ વિચારીએ તો હંમેશા ઉન્નત મસ્તકે રહેવું અને ઉંચા લક્ષ્ય રાખવા તે આ તહેવારનો સાચો મર્મ છે. ઉંચે જવું છે તો લક્ષ્ય ઉંચું રાખવું. પતંગ આપણા લક્ષ્ય અને સંબંધો જેવો છે. યોગ્ય કમાન અને યોગ્ય બનાવટ હશે તો આગળ વધવામાં વાંધો નહીં આવે. પતંગમાં ક્યાંક કાણું પડે અથવા તો ક્યાંકથી ફાટી જાય તો પતંગ બરાબર ચગતો નથી. આપણે તેમાં સાંધા મારવા પડે છે. જિંદગી અને સંબંધોનું પણ એવું જ છે. પતંગ સાથે બીજી સંકળાયેલી અગત્યની વસ્તુ છે કિન્ના. પતંગની કિન્ના સરખી ન બંધાઈ હોય તો પણ પતંગ કાબુમાં રહેતો નથી, સરખો ચગતો નથી અને ઘણી મુશ્કેલી પડે છે. જીવનની પતંગનું પણ આવું જ છે. વ્યક્તિ જો જીવન અને સંબંધોને ઉંચે લઈ જવા માગતી હોય તો તેમાં સાથે રહેનારા કિન્ના જેવા કેટલાક મહત્ત્વના અને અગત્યના લોકોની આવશ્યકતા રહે જ છે. જ્યાં સુધી આવા માણસોનો સાથ નહીં મળે ત્યાં સુધી એકલા ઝઝુમી શકાશે નહીં. સરળવાળે શૂન્ય થવાય તો જ ગણતરીઓ સાચી પડે. સંબંધને લાંબો ચલાવવો હોય કે જિંદગીને આગળ વધારવી હોય તો શૂન્યનું મહત્ત્વ પણ સમજવું જ પડે.
ઉત્તરાયણ સાથે જોડાયેલું સૌથી અસરકારક પાસું એ છે કે, પતંગને ઉંચે જવામાં સાથ આપનાર છે દોરી. દોરીના સાથ વગર આપણે પતંગને ચગાવી શકતા જ નથી. પતંગને ઉંચે લઈ જાય છે અને છતાં કાબુમાં રાખે છે. ક્યારે ઉપર લઈ જવો ક્યારે નીચે લાવવો, ક્યારે ખેંચવો અને ક્યારે ઢીલ આપવી તે કાપનાર ઉપર ભલે આધારિત હોય પણ આ કામ તો દોરી જ કરે છે. જિંદગી ચાલે છે ઈશ્વરના ઈશારે પણ સંસારની અને મનુષ્યની પોતાની ગમા અણગમાની દોરીનો છેડો તે તેના અથવા તો તેના સાથીના હાથમાં હોય છે. વ્યક્તિ પોતાને ગમતી રીતે જીવનનો પતંગ ઉડાવી શકે પણ જ્યારે અન્ય વ્યક્તિના હાથમાં દોરી સોંપે ત્યારે વિશ્વાસ હોવો જોઈએ કે ગમે તે થાય પણ મારો પતંગ કપાવા નહીં દે. સાથ આપનારે પણ સમય આવ્યે ઢીલ આપવી, જરૂર જણાય ત્યાં ખેંચવું, ક્યારેક સ્થિર પકડી રાખવું વગેરે પણ કરવું જોઈએ જેથી સંબંધોની મજા આવ્યા કરે.
પતંગ ચગાવવાની પ્રક્રિયા પણ જીવનમાં ઘણું બધું શીખવી જાય છે. પતંગ ચગાવતી વખતે આપણે પહેલાં પતંગ ધાબા ઉપરથી નીચે લટકાવીએ છીએ અને પછી ઠુમકો મારીને પતંગ ઉંચે લઈ જઈએ છીએ. જીવનનું પણ આવું જ છે. જીવનને સફળતાના આકાશ સુધી લઈ જવા માટે સૌથી પહેલા પગતળેની જમીન ચકાસી લેવી જોઈએ. નીચે જોવાનું કારણ એટલું જ છે કે, નીચે જમીન છે તે વાસ્તવિકતા ભુલવી ન જોઈએ. ગમે ત્યારે ઉપરથી નીચે આવીશું ત્યારે જમીન જ આપણને સાચવશે તે ભાન હોવું જોઈએ. આકાશમાં ગમે ત્યાં, ગમે ત્યારે અને ગમે તેમ ઉડીશું પણ વિસામો તો જમીન ઉપર જ લેવાનો છે એ સત્યનું ભાન રહે એટલા માટે નીચે જોવાનું છે.
પતંગ-દોરી હોય કે જીવન હોય તેમાં ગુંચ પડતી જ હોય છે. આ ગુંચ પણ આપણને જીવનમાં ઘણું બધું શીખવી જાય છે. આપણે હંમેશા શું કરીએ છીએ કે જ્યારે પણ ગુંચ પડે ત્યારે બીજાને બોલાવીએ છીએ. સંબંધોમાં ગુંચ પડે ત્યારે કદાચ બીજાની સલાહ કામ લાગે, બીજાની મદદ કામ લાગે પણ એ મદદ કરનાર વ્યક્તિમાં ખરેખર ગુંચ ઉકેલવાની આવડત છે કે નહીં તેનું ભાન આપણને હોવું તો જોઈએ. પતંગ ચગાવતા હોઈએ ત્યારે પણ દોરી છોડી અને પાછી ખેંચીએ ત્યારે ગુંચ ન પડે તેનું ધ્યાન રાખીએ છીએ. તેમ છતાં ફિરકી વિંટવા દરમિયાન ગુંચ પડે તો આપણે બીજાને મદદ માટે બોલાવીએ છીએ.
હવે સ્થિતિ એ આવે છે કે, આપણે જે વ્યક્તિને બોલાવી તે ખરેખર ગુંચ ઉકેલી આપશે કે કેમ. આપણને વિશ્વાસ છે કે, આ વ્યક્તિથી ગુંચ ઉકેલાઈ જશે પણ આખરે બને છે એવું કે સામાન્ય મથામણ પછી તે વ્યક્તિ સલાહ આપે છે કે, ગુંચ પડેલો ભાગ તોડી નાખ અને ફરીથી ગાંઠ મારી દે. આપણે પણ સમય બચાવવા તેની સલાહ માની લઈએ છીએ અને ગાંઠ મારી દઈએ છીએ. ત્યારપછી ફરીથી પતંગ ચગાવવા લાગીએ ત્યારે જો આપણી પતંગ કપાય અથવા તો તૂટી જાય ત્યારે સમજાય છે કે જ્યાં ગાંઠ મારી હતી ત્યાંથી જ પતંગ કપાયો કે તૂટયો. રાંડયા પછી આપણને ડાહપણ સુઝે છે કે ખરેખર આવું નહોતું કરવા જેવું. થોડી ધીરજ રાખી હોત તો ગુંચ ઉકેલાઈ ગઈ હોત.
સંબંધોમાં પણ એવું જ છે. સંબંધનો પતંગ વિશ્વાસ અને સ્નેહની દોરીથી ચગે છે. જેમ જેમ વિશ્વાસ અને સ્નેહ વધતા જાય તેમ તેમ સંબંધ પણ ઉંચે ચડતો જાય. સમયાંતરે તેમાં ગુંચ પડતી જ હોય છે. આ સંજોગોમાં આપણે એવા જાણકાર, અનુભવી અને ખાસ કરીને ધૈર્યથી ભરપૂર વ્યક્તિની જરૂર પડે છે જે આ ગુંચ ઉકેલી શકે. ઘણી વખત આપણે જાતે પણ આપણી પોતાની ગુંચ ઉકેલવા સક્ષમ હોઈએ છીએ તેમ છતાં જાણકારની મદદથી વધારે સરળતાથી ગુંચ ઉકેલી શકાય છે. સમાજમાં આપણને ઉંચે ચડાવનારા, ગમે ત્યારે અને ગમે તે રીતે કાપનારા, ગમે તેવી છૂટછાટ આપનારા, તુક્કલ બનાવીને લટકાવી દેનારા અને તોડીને ગાંઠો મારનારા હજારો લોકો મળશે પણ નસીબ સાથે આપતું હશે તો ગુંચ ઉકેલનારા મૂલ્યવાન લોકો પણ આપણને આ જ સમાજમાંથી મળી જશે.