ડુંગળી : ધોમધખતા ઉનાળામાં શરીરનું સુરક્ષાકવચ
- કાંદામાં સલ્ફર,પોટેશિયમ,કેલ્શિયમ, વિટામીન બી -- સી, ફાઇબર હોય છે : અસહ્ય ગરમીમાં લૂ ન લાગે : શરીરમાં ઠંડક રહે અને પ્રવાહી જળવાઇ રહે : રોગપ્રતિકાર શક્તિ વધે
ઉનાળાની ધગધગતી ગરમી અને ઉકળાટમાંથી રાહત મેળવવા લોકો છાશ,લસ્સી,કોકમનું શરબત પીએ.ઘણાં લોકો ઠંડાં પીણાં પણ પીએ. સવારે અને સાંજે ઠંડા પાણીથી સ્નાન કરે. હળવાં -સફેદ વસ્ત્રો પહેરે. માથા પર ટોપી પહેરે. ઘરમાં અને સરકારી તથા ખાનગી કંપનીઓની ઓફિસમાં એરકન્ડિશન્ડની ઠંડી ઠંડી કૂલ કૂલ વ્યવસ્થા હોય. આજે તો મોટાભાગની મોટરોમાં પણ એરકન્ડિશન્ડની સુવિધા હોય છે.
આ તો થઇ ગરમીમાંથી રાહત મેળવવાની આધુનિક સુવિધાઓ. જોકે ઉનાળાના આકરા તડકામાં અને બફારામાંથી રાહત મેળવવા કેટલાક કુદરતી ઉપાયો પણ બહુ કારગત નિવડે છે. ઉદાહરણરૂપે રોજબરોજના આહાર -વિહારમાં ડુંગળી --કાંદા બહુ રાહતરૂપ બની રહે છે. ઉનાળો શરૂ થાય એટલે ઘરમાં ડુંગળીનો મોટો જથ્થો આવી જાય. ઘણાં લોકો તો બપોરના ભોજનમાં ડુંગળી-કાંદાનો ઉપયોગ કરતાં હોય છે. ખાસ કરીને ગામડાંમાં ખુલ્લા ખેતરોમાં અને વાડીઓમાં ખેતીકામ કરતા કિસાનો ,ગાય, ભેંસ ,બકરી ચરાવતા ભરવાડો,મકાનોનું ચણતર કરતા મજૂરો વગેરે તેમના રોજબરોજના ભોજનમાં ડુંગળી અને છાશનો વધુ ઉપયોગ કરતા હોય છે.
આમ પણ બટાટાં,રીંગણાં, કારેલાં, ફ્લાવર,કોબી વગેરે શાકભાજીના ભાવની સરખામણીએ ડુંગળીના ભાવ ઓછા હોય છે. એટલે ડુંગળી સસ્તી અને આરોગ્યવર્ધક હોવાથી જ તેને ગરીબોની કસ્તુરી કહેવાય છે.
ગુજરાતના સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં તો ગરમાગરમ અને મસાલેદાર ગાંઠિયા સાથે ડુંગળી ખાવાની જાણે કે પરંપરા છે. ઉપરાંત, ઘણાં લાકો શિયાળામાં મસાલેદાર ચા સાથે કાંદાનાં ભજિયાંનો સ્વાદ પણ માણતાં હોય છે.
ભારતમાં ધોમધખતો ઉનાળો શરૂ થયો છે. હજી ૨૦૨૫નો એપ્રિલ મહિનો શરૂ થયો છે ત્યાં જ મહારાષ્ટ્ર, ગુજરાત,રાજસ્થાનમાં ગરમીનો પારો ૪૪.૦ અને ૪૫.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલો ધગધગતો નોંધાયો હોવાના અખબારી સમાચાર પ્રસિદ્ધ થયા છે.
નિષ્ણાત આયુર્વેદાચાર્યો અને અનુભવી ડોક્ટરો પણ ઉનાળામાં બપોરના ભોજનમાં ડુંગળી ખાવાની સલાહ આપે છે. ગરમીના દિવસોમાં કાંદા ખાવાથી ઘણા ફાયદા થાય છે.ઉનાળાના બપોર ઉકળતા હોય. સાથોસાથ બફારો પણ થાય. આવા ઉના ઉના વાતાવરણમાં ઘર બહાર જવાથી કે લાંબા સમય સુધી ખુલ્લા વાતાવરણમાં ફરવાથી શરીરમાં પ્રવાહીનું પ્રમાણ ઘટી જવાની પૂરી શકયતા રહે. શરીરમાં પ્રવાહી એટલે કે પાણીનું પ્રમાણ ઘટી જવાથી વ્યક્તિને ચક્કર આવે.બેહોશ થઇ જાય. શરીરનું અંદરનું તાપમાન વધી જવાથી બ્લડપ્રેશર વધી જાય વગેરે સમસ્યા સર્જાય.
ક્યારેક તો અસહ્ય ગરમી સાથે ઉના ઉના પવન પણ ફૂંકાતા હોય છે. આવા સંજોગોમાં લૂ લાગવાનું જોખમ પણ સર્જાય છે.લૂ લાગવાથી વ્યક્તિ બેહોશ થઇ જાય.સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવી પડે. ક્યારેક તો અસહ્ય ગરમીથી શરીરમાં લાલ ફોડલીઓ પણ ઉપસી આવવાની સમસ્યા પણ સર્જાતી હોય છે.
* ડુંગળીમાં કયાં કયાં કુદરતી તત્વો હોય છે ?
નિષ્ણાત આયુર્વેદાચાર્યોના કહેવા મુજબ ડુંગળીમાં સલ્ફર,ફાઇબર,પોટેશિયમ, કેલ્શિયમ, વિટામીન -બી, વિટામીન - સી વગેરે કુદરતી તત્વો હોય છે.વળી, ડુંગળીનો ગોળ દડો ભાંગવાથી કે છરીથી સમારવાથી આંખમાંથી પાણી આવે છે. એટલે કે કાંદાનો કુદરતી ગુણ ગરમ નહીં પણ ઠંડો છે. એટલે જ તો ઉનાળાના ગરમ વાતાવરણમાં કાંદા શરીરને ટાઢું રાખે છે. ઉપરાંત, ડુંગળીમાં પ્રવાહી એટલે કે પાણીનું પ્રમાણ પણ વધુ હોવાથી શરીરનું અંદરનું તાપમાન સમતોલ રહે છે. પરસેવો ઓછો થવાથી શરીરમાંનું પ્રવાહી પણ ઓછું નથી થતું.
વળી, કાંદામાં અમુક ન્યુટ્રીશન્સ પણ હોવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ(શરીરમાંનો ચરબી જેવો ઘટક)નું પ્રમાણ પણ ઓછું થાય છે. પરિણામે ઉનાળામાં પોતાની નોકરી કે વ્યવસાય માટે ખુલ્લા વાતાવરણમાં ફરવા છતાં લૂ નથી લાગતી. ચક્કર નથી આવતાં.
કાંદામાં ફાઇબરનું પ્રમાણ પણ વધુ હોવાથી પાચનતંત્ર વ્યવસ્થિત રહે છે. આહારનું પાચન સરળ અને સારી રીતે થાય છે. ઉનાળામાં ગરમીને કારણે આહારનું પાચન બરાબર રીતે નહીં થવાથી પેટમાં દુ:ખાવો, વાયુ પ્રકોપ, અનિદ્રા વગેરે જેવી સમસ્યા થાય છે. જોકે કાંદા ખાવાથી આ બધી તકલીફ નથી થતી.
મહત્વનો ફાયદો તો એ થાય છે કે ડુંગળીમાં એન્ટિઓક્સિડન્ટ( શરીરમાંના સુક્ષ્મ કોષની રોગ - બીમારીથી રક્ષા કરતો ઘટક)
અને વિટામીન સી એમ બંને કુદરતી તત્વો પણ હોવાથી શરીરની રોગપ્રતિકાર શક્તિ વધે છે. વળી, આ બંને તત્વોથી ઉનાળામાં ગરમીને કારણે થતા રોગ કે બીમારીથી રક્ષા થાય છે.
* લાલ અને સફેદ ડુંગળીના ગુણ : તબીબી નિષ્ણાતોના અને આયુર્વેદચાર્યોના મત મુજબ ડુંગળી બે જાતની હોય છે. લાલ રંગની અને સફેદ રંગની. આમ તો લાલ અને સફેદ બંને કાંદા માનવ આરોગ્ય માટે બહુ ફાયદાકારક ગણાય છે.
* લાલ રંગની ડુંગળીમાં એન્ટિઓક્સિડન્ટ તત્વની માત્રા વધુ હોવાથી રોગ કે બીમારીથી શરીરમાંના સુક્ષ્મ કોષની રક્ષા થાય છે.સાથોસાથ હૃદયનું આરોગ્ય પણ સારું રહે છે.ઉપરાંત, કેન્સર જેવા ગંભીર રોગથી પણ રક્ષા થાય છે. ભોજનમાં લાલ કાંદા ખાવાથી પાચનશક્તિ વધે છે. આહારનું પાચન સારી રીતે થાય છે.એટલે પેટમાં ગેસ થવો કે દુ:ખાવો થવો વગેરે જેવી સમસ્યા નથી થતી.
માથાના વાળ મોટી ઉંમર સુધી પણ કાળા અને મુલાયમ રહે છે. આજના આધુનિક યુગમાં તો ઘણી મહિલાઓ તેમના માથાના વાળ લાંબા-કાળા-ઘટાદાર રહે તે માટે માથામાં કાંદાનો રસથી ભરે છે. થોડો સમય રાખ્યા બાદ માથાના વાળ સ્વચ્છ પાણીથી ધોઇ નાખે છે.
* સફેદ કાંદામાં એન્ટિબાયોટિક તત્વની માત્રા વધુ હોવાથી શરીરમાં સોજા નથી ચડતા. વળી, ધોળી ડુંગળીમાં કેન્સરના કોષનો પ્રતિકાર કરવાની શક્તિ વધુ હોય છે. સાથોસાથ ગોળ દડા જેવી સફેદ ડુંગળીમાં સેલેનિયમ નામનું વિશિષ્ટ કુદરતી તત્વ હોવાથી રોગપ્રતિકારશક્તિ વધે છે. આ જ ગુણથી ઉનાળામાં ભોજનમાં સફેદ કાંદાનો સ્વાદ માણવાની સલાહ પણ અપાય છે.
આમ તો બંને પ્રકારની ડુંગળીની કુદરતી પ્રકૃતિ એટલે કે ઠંડો ગુણ હોવાથી ઉનાળાના ગરમીના દિવસોમાં ખાવાથી શરીરમાં ઠંડક રહે છે. લૂ નથી લાગતી.ઉપરાંત, સફેદ કાંદામાં એન્ટિબેક્ટેરિયાનો પણ ગુણ હોવાથી કોઇપણ પ્રકારના હાનીકારક બેક્ટેરિયાથી રક્ષા થાય છે.
* ડુંગળી સમારવાથી આંખમાંથી પાણી કેમ આવે છે ? ડુંગળીમાં સિન-પ્રોપેહથિયલ - એસ -- ઓક્સાઇડ નામનું કુદરતી રસાયણ હોય છે.કાંદાનો દડો સમારીએ ત્યારે આ રસાયણ એન્ઝાઇમ(એક પ્રકારનું પ્રોટીન) સાથે મળીને ગેસ બને. આ ગેસ જ્વલનશીલ હોવાથી ડુંગળી સમારીએ ત્યારે ઉડીને આંખ નજીક આવે. પરિણામે આંખમાંથી પાણી આવે છે. જોકે આયુર્વેદાચાર્યોના કહેવા મુજબ કાંદા સમારવાથી આંખમાંથી પાણી નીકળે એટલે ખરેખર તો આંખની ગરમી બહાર નીકળી જાય. આંખમાં ટાઢક વળે છે.
ડુંગળી કે કાંદા, છેવટે તો કુદરતી સર્જન હોવાથી તેમાં પ્રાકૃતિક ગુણ હોય તે સ્વાભાવિક છે. હા, કાંદાની તીવ્ર ગંધને કારણે અમુક લોકો તેનો આહારમાં ઉપયોગ નથી કરતા. આમ છતાં આ જ ડુંગળીમાં ઘણા બધા સ્વાથ્યપ્રદ ગુણો હોવાથી ભારતભરનાં લોકો રોજબરોજના ભોજનમાં હોંશે હોંશે આરોગે છે.
- જગદીશચંદ્ર ભટ્ટ