Get The App

દરેકને મનમીત મળતો નથી .

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
દરેકને મનમીત મળતો નથી                              . 1 - image


'કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા....' શાયરની આ પંક્તિઓ મોટાભાગે દરેકના જીવનમાં ખરી ઊતરતી હોય છે.

વધારે તો એ દંપતીઓ પર વધુ ફિટ બેસે છે જે સારું મેળવવાની ઇચ્છામાં જીવે છે તેને પણ ગુમાવી દેતા હોય છે. જ્યારે કેટલાંક તેને સારું બનાવવાની કોશિશ કરતાં હોય છે તો કેટલાંક એવા પણ હોય છે જે પોતાના જીવનસાથીની દરેક સારીખોટી આદતોને અપનાવીને તેના સહભાગી બની જાય છે.

સમજૂતી દરેકને કરવી પડતી હોય છે, આ સમજૂતી જો પોતાના દામ્પત્યજીવનને ટકાવી રાખવા માટે કરવામાં આવે તો તેનાથી રૂડું કશું ન હોઈ શકે.

આ સમજૂતી કેટલી હદ સુધી કરવામાં આવે તે ફક્ત પતિપત્નીની પોતાની ઇચ્છા પર આધાર રાખે છે છતાં કેટલીકવાર એવું બને છે કે દરેક સમજૂતીના વર્તુળમાંથી બહાર નીકળીને પતિપત્ની અલગ રહેવા લાગે છે. તેમને એકબીજાની સાથે રહેવું ફક્ત એટલા માટે નામંજૂર હોય છે કે તેમને એકબીજાની આદતો, વિચારસરણી અને રહેણીકરણીનો ઢંગ પોતાને અનુરૂપ લાગતો નથી હોતો. જ્યારે સેપરેશન તેમની સમસ્યાનો ઉકેલ નથી ઊલટું તેને ઉત્તેજન આપે છે.

સેપરેશનના મુદ્દા પર ડૉક્ટર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે ઘણુંખરું દંપતીઓની વચ્ચે સેપરેશનનું કારણ કેટલાંક એવા સંજોગોને લીધે હોય છે જેનાથી કંટાળી જઈ પતિપત્ની એકબીજાથી દૂર રહેવા લાગે છે.

સામાન્ય રીતે શારીરિક સંબંધો તરફ ઉદાસીનતા એ પતિપત્નીમાંથી કોઈ એકના લગ્ન  બહારના સંબંધોના કારણે હોઈ શકે છે. તેને લીધે દામ્પત્યજીવન પ્રત્યે ધ્યાન ન આપવું, એકબીજા પર દોષારોપણ કરવું, એકબીજાની ભાવના સમજવી નહીં, હંમેશા ઘરમાં ઝઘડા કરતા રહેવું વગેરે કારણો જ સેપરેશન માટે જવાબદાર બને છે.

કેટલીકવાર કેટલાંક એવાં કારણોને લીધે પણ પતિપત્ની દૂર થઈ જતાં હોય છે જેનું સમાધાન કરવું સરળ હોય છે.

એવા એક દંપતી વિશે ડૉક્ટર જણાવે છે કે સજની તેમની એક દર્દી છે જેને તેના પતિ રોશને છોડી દીધી કારણ કે ગામડાંમાંથી લગ્ન કરીને આવેલી સજની રોશનની સાથે શહેરીજીવનમાં તાલમેલ કરી શકી નહીં.

સજની ગૌર વર્ણની અને ઊંચા કદની છે છતાં તે પતિના દિલમાં જગ્યા બનાવી શકી નહીં. તેમ પૂછતાં ડૉક્ટર જણાવે છે કે રોશનને શિક્ષિત અને સ્માર્ટ પત્નીની ઇચ્છા હતી, પરંતુ ઘરના લોકોના દબાણમાં આવી તેણે સજની સાથે લગ્ન કરી લીધાં.

લગ્નના કેટલાંક મહિના સુધી બધું બરાબર રહ્યું ત્યાં અચાનક રોશને તેને પોતાનામાં થોડો બદલાવ લાવવાનું કહ્યું. તે સમજી શકી નહીં કે તેણે પોતાનામાં બદલાવ કેવી રીતે લાવવો જોઈએ. તે ગાયભેંસને ઘાસચારો-પાણી નીરીને આવે તો રોશન તેના હાથનું ભોજન પણ લેતો નહોતો. છાશ બનાવતા સમયે તેનાં વસ્ત્ર પર પડેલા-દહીંના છાંટાને જોતાં જ તે બૂમબરાડા પાડતો હતો.

થોડો સમય તો રોશને તેને અંગ્રેજી ભણાવવાનું શરૂ કર્યું, પરંતુ સજની અંગ્રેજીનો એક શબ્દ પણ સમજી શકતી નહોતી. રોશનની વારંવારની ધમકાવવાની ટેવને કારણે તેણે ધીમે ધીમે તેની સાથે જવાનું જ છોડી દીધું. જેનાથી કંટાળી જઈને એક દિવસ રોશન તેને છોડી બીજે ચાલ્યો ગયો. આ વાતને ચાર વર્ષ પૂરાં થયાં છે, પરંતુ રોશને એકવાર પણ સજનીના સમાચાર પૂછ્યા નથી.

સજનીની દર્દભરી વાત સાંભળી દુ:ખ તો થાય છે, પરંતુ તેના પર ગુસ્સો પણ આવે છે કે આટલી સુંદર દેખાવડી યુવતી પોતાની જાતને પતિના ઢાંચામાં ઢાળી શકી નહીં અને ન તો પોતાના રંગરૂપથી પતિને ખુશ કરીને જતાં રોકી શકી. જો તે ઇચ્છતી તો પોતાનામાં થોડોક ફેરફાર કરી પોતાના પતિની સાથે સુખી જીવન પસાર કરી શકી હોત.

આ ઘટનાને જોતાં અનુમાન કરી શકાય છે કે ક્યારેક ક્યારેક દામ્પત્યજીવન એટલા માટે પણ બોજારૂપ બની જતું હોય છે કે પતિપત્નીમાંથી કોઈપણ એકને એકબીજાની આદતો, રહેણીકરણીનો ઢંગ, વિચારસરણી વગેરે સારું લાગતું નથી અથવા તો પછી કોઈ એકમાં ઊણપ દેખાય છે જેની સાથે તેને સમજૂતી કરવાનું મુશ્કેલ લાગે છે. પરિણામે સંબંધવિચ્છેદ થઈ જાય છે.

આવી શારીરિક અને માનસિક ઊણપ કે જેનો કોઈ ઉપાય નથી અથવા જેને બદલી શકાય તેમ નથી તેને માટે જીવનસાથીથી દૂર રહેવાને બદલે તે મુશ્કેલ પરિસ્થિતિઓ સાથે સમજૂતી કરવી ઉચિત રહે છે. જેમકે પતિ અથવા પત્નીમાંથી કોઈ દુર્ઘટનાનો શિકાર બની જાય અને પોતાનો હાથ, પગ કે પછી કોઈ અંગ હંમેશા માટે ગુમાવી બેસે તો આવા સંજોગોમાં તેની સાથે છેડો ફાડવાને બદલે એકબીજાના આધાર બનવું એ જ સાચા અર્થમાં જીવનસાથી બનવાનું છે.

ફરિયાદો અને વિવાદ તો બધા દંપતીઓમાં થતો હોય છે. ઘણાં એવા પતિ પણ હોય છે જેને પોતાની પત્નીની આદતોથી ખૂબ પરેશાની થતી હોય છે. આ વાત પત્નીને પણ લાગુ પડતી હોય છે, પરંતુ તેનો અર્થ એવો ન થાય કે તમે એકબીજાથી કંટાળી જઈ અલગ અલગ રહેવા લાગો.

જો કે કેટલીક વખત આવી નાની નાની આદતો અથવા વિવાદ એટલું વિકરાળ રૂપ ધારણ કરી લેતા હોય છે કે બંને પાસે અલગ થયા સિવાય બીજો કોઈ રસ્તો જ બચતો નથી.

આ પ્રકારથી થતાં સેપરેશન માટે સુપ્રીમ કોર્ટના વકીલનું કહેવું છે કે આજકાલની ભૌતિકવાદી વિચારસરણી, ઉચ્ચ રહેણીકરણીની આકાંક્ષા અને સ્વનિર્ણયનું વધી રહેલું પ્રમાણ જ પતિપત્નીની વચ્ચે છૂટા પડવાનું મુખ્ય કારણ છે.

તેમના મત પ્રમાણે કાનૂન મુજબ છૂટાછેડા લેવા માટે આજે પણ દંપતીઓ કોર્ટકચેરી સુધી જલદી આવતાં નથી જ્યારે એકબીજાની સાથે રહેતાં તેમને વર્ષો વીતી જતાં હોય છે.

સેપરેશન માટે કોઈ એક કારણને બધી રીતે જવાબદાર માની શકાય નહીં કારણ કે ક્યારેક શારીરિક સંબંધોમાં અસંતોષ હોય છે તો ક્યારેક ફક્ત પૈસા પાછળની દોડ. ક્યાંક લગ્ન પછીના બહારના સંબંધો તો ક્યાંક પહેલાંનો પ્રેમસંબંધ, ક્યારેક કેરિયર સંબંધી વિવાદ છે તો ક્યાંક ઘરેલુ પ્રશ્નો. પતિ જો મનપસંદ નથી હોતો તો તેના પર દહેજ માટેની સતામણી, શારીરિક શોષણ જેવા આરોપ લગાવી કેસ દાખલ કરી તેનાથી છુટકારો મેળવવાની સાથે સાથે આર્થિક મદદ પણ લેવામાં આવતી હોય છે.

એટલું જ નહીં, પોતાની દરેક ખરીખોટી માગણી પૂરી કરવા માટે રિસાઈને પિયર જતાં રહેવું અને પછી મહિનાઓ સુધી પાછા ન ફરવું એ સ્ત્રીઓનું એવું મનગમતું હથિયાર છે જેનો તે ગમે ત્યારે ઉપયોગ કરી શકે છે.

આ સંબંધમાં તુષાર અને અપલકનું ઉદાહરણ આપીને સુબીરા જણાવે છે કે તે બંને નવપરિણીત,  શિક્ષિત અને પોતપોતાની રીતે સંપૂર્ણ હતાં. લગ્નના થોડા સમય પછી તુષારને કંપની દ્વારા ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટ પર વિદેશ જવાની તક મળી. અપલક પણ તેની સાથે ગઈ. કેટલાંક સમય પછી ત્યાં આખો દિવસ ઘર પર ખાલી બેસી રહેવાનું અપલકને આકરું લાગ્યું. તેણે ત્યાં જ કોઈ શોર્ટ ટર્મ કોર્સ કરવાની ઇચ્છા જણાવી, પરંતુ તેની ચંચળતાને ધ્યાનમાં રાખી તુષારે તેને તેની મંજૂરી ન આપી. લડીઝઘડીને કોઈપણ રીતે અપલકે છ મહિનાનો એક કોર્સ જોઈન કર્યો અને વર્ષની અંદર નોકરી પણ મેળવી લીધી. નોકરી તેને એ શહેરમાં જ મળી, પરંતુ તેને પાંચ કલાકની મુસાફરી કરીને જવું પડતું હતું.

કેટલાંક મહિના સુધી બધું ઠીકઠાક રહ્યું. ધીમે ધીમે અપલકને સતત પાંચ કલાકની મુસાફરી ખૂંચવા લાગી અને તેણે ત્યાં જ એક ફ્લેટ ખરીદી રહેવાનું શરૂ કરી દીધું. એક જ શહેરમાં હોવા છતાં પણ તુષાર અને અપલક અલગ અલગ રહેવાં લાગ્યાં. જોતજોતામાં ત્રણ વર્ષ વીતી ગયાં અને તુષારનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો. તુષાર જ્યારે ભારત જવા તૈયાર થયો ત્યારે અપલકે એવું કહીને આવવાની ના પાડી દીધી કે વિદેશમાં સ્થાયી નોકરી છોડી પાછા ફરવું મૂર્ખતાભર્યું છે. આમ પણ તેને તુષાર વિના રહેવાની આદત પડી ગઈ હતી.

એકલા ભારત પાછા ફરેલા તુષારે જ્યારે ઘરે આવી વસ્તુસ્થિતિ સ્પષ્ટ કરી તો સૌકોઈએ તેને છૂટાછેડા લેવાનું કહ્યું, પરંતુ જ્યારે તુષારે અપલકને છૂટાછેડા માટે જણાવ્યું તો તેણે છૂટાછેડા લેવાનો ઈનકાર કર્યો સાથે તેના પર ગેરકાયદેસર સંબંધોનો આરોપ લગાવી બદનામ કરવાની ધમકી પણ આપી. તાણગ્રસ્ત તુષારને આજે પણ જબરજસ્તીના સેપરેશનનો ભોગ બનવું પડયું છે.

આવા પ્રકારની ઘટના માટે આધુનિક મૂલ્યોને જવાબદાર ગણાવી સુબીરા જણાવે છે કે સંયુક્ત પરિવારો તૂટવાને કારણે જે ખરાબ પરિણામો આવે છે તેમાં પતિપત્નીનું અલગ થવું પણ એક છે. પત્ની, પતિ અને એક અથવા બે બાળકોને જ પોતાનો પરિવાર સમજી અલગ જનારા આ એકલ દંપતી આઝાદીનું જીવન પસંદ કરી ક્યારેક વાતવાત પર એકબીજા સાથે લડતાંઝઘડતાં હોય છે તો ક્યારેક તેમનો અહં ટકરાતો હોય છે જેનું પરિણામ આવે છે છૂટાં પડી જવું.

અપલક અને તુષાર જેવા લોકોની દુનિયામાં અછત નથી જેણે ફક્ત પોતપોતાના સ્વાર્થ માટે લગ્ન જેવા પવિત્ર બંધનને નિશાના પર રાખી પોતાના જીવનસાથીને એકલા જીવન જીવવા પર મજબૂર કરી દીધો.

ડૉક્ટરના જણાવ્યા મુજબ તેમની પાસે લગભગ એવા દંપતી આવે છે જેમને જાતીય સંબંધ અંગેની પૂરી જાણકારી હોતી નથી. તેથી તે પોતાના સાથીથી છૂટવા માટે તેના પર વિચિત્ર શારીરિક ઊણપોનો આક્ષેપ કરતાં હોય છે. દસમાંથી નવ પતિપત્ની એવાં હોય છે જે યોગ્ય જાતીય જ્ઞાનના અભાવને કારણે ઉદ્ભવેલા સંજોગોને કારણે જબરજ.સ્તીથી એકબીજાથી અલગ થતાં હોય છે.

તેમની સમસ્યાનું સમાધાન હોય છે સાચી સમજદારી અને જાણકારી નહીં કે સેપરેશન, પરંતુ ૩૫થી ૪૦ની ઉંમર પછી દંપતીઓમાં સેપરેશનનું મુખ્ય કારણ શારીરિક સંબંધો તરફ ઉદાસીનતા, પત્નીની અનિચ્છા, પતિ દ્વારા અન્યત્ર આકર્ષિત થવું એ મુખ્ય કારણ હોય છે જેનાથી પણ સરળતાથી બચી શકાય છે. બસ, જરૂરી છે સંયમ સાથે પોતાના સંબંધોને ઓળખવાની.

ધ્યાનમાં રાખો કે મનગમતું પાત્ર કોઈને મળતું નથી હોતું, જે તમારી પાસે છે તેનાથી સંતોષ રાખો અને કોશિશ કરો તેને જ મનગમતું બનાવી લેવાની ત્યારે જ તમે સાચા અર્થમાં એકબીજાના પૂરક જીવનસાથી બની જીવી શકો છો.

પત્નીની કેટલીક આદતો જે પતિને નાપસંદ હોય છે

* પતિને ઘરે આવેલા જોઈને પણ પાડોશણ સાથે વાતોમાં મશગૂલ રહેવું.

* પોતાની શારીરિક સ્વચ્છતા પર ધ્યાન ન આપવું.

* પતિના ઘરના લોકોનું માન ન જાળવવું.

* પતિની નબળાઈઓની મજાક ઉડાવવી.

* પતિની ઇચ્છાને નજરઅંદાજ કરવી.

* શારીરિક સંબંધો પ્રત્યે અરુચિ બતાવવી.

* પતિને વાત વાત પર ટોકતા રહેવું.

* પોતાના શણગાર પ્રત્યે સજાગ ન રહેવું.

* પગારનો પૂરેપૂરો હિસાબ માગવો.

* કિટી પાર્ટીઓનો ક્રેઝ.

* ઘરની સાફસફાઈ પર ધ્યાન ન આપવું.

* બાળકોની દેખભાળ પર ધ્યાન ન આપવું.

* પતિને સમયસર લંચનાસ્તો ન આપવો.

* વારંવાર પિયર જવાની જિદ કરવી.

* સાસુ અને નણંદની બૂરાઈ કરવી.

* મહિલા સહકર્મચારીઓ વિશે શંકા કરવી.

* નાની નાની વાતો પર મોં ચઢાવી બેસી જવું.

* બહારના લોકોની સામે પતિની ઊણપો લઈ બેસી જવું.

* પતિના મિત્રો અથવા અન્ય પુરુષોમાં દિલચસ્પી લેવી.

* પતિ દ્વારા કરવામાં આવેલી ખરીદીમાં ખોટ કાઢવી.

* સામાન અને પતિનાં કપડાં યોગ્ય જગ્યાએથી ન મળવાં.

* નાની નાની વાતોની કિંમત આંકીને વિવાદ શરૂ કરવો.

* પારસ્પારિક અણબનાવમાં પણ પિયરના લોકોને ખેંચવા.

* પિયરના લોકો સાથે લાંબો સમય ફોન પર વાતચીત કરવી.

* પતિના મિત્રો અને સંબંધીઓનું ઉચિત સન્માન ન કરવું.

* દરરોજ બીમારીનું બહાનું કાઢી કમ કરવાથી દૂર ભાગવું.

* ઘરે આવતાંજતાં લોકોની સામે પતિની સાચીખોટી ફરિયાદો કરવી.

* બેડરૂમમાં પહોંચતાં જ પોતાના દિવસભરનાં કામોની ગણતરી કરવી.

* પતિની વાતોમાંથી ભૂલો કાઢી પોતાની વાતને મહત્ત્વ આપવું.

* પતિ ઘરનાં કામોમાં મદદ કરે તેવી આપેક્ષા રાખવી.

* પોતાના પિયર અને સાસરિયાંની તુલના કરીને પતિના ઘ્રના લોકોનું નીચું દેખાડવું.

પતિની કેટલીક એવી આદતો જે પત્નીને નાપસંદ હોય છે

* ઘરે આવેલા મહેમાનની જોડે પત્ની દ્વારા હસીને વાત કરવા પર વિવાદ ઊભો કરવો.

* પત્નીની સાહેલીઓમાં વધારે રસ લેવો.

* ભોજન કરતી વખતે બુચકારા બોલાવવા.

* ગાળાગાળી કરવી.

* સ્મોકિંગ કરવું.

* ખરાબ મિત્રોની સોબત કરવી.

* અપટુડેટ રહેવાનું પસંદ ન હોય.

* ઢંગથી વસ્ત્રો પહેરવાં નહીં.

* પત્નીનો જન્મદિવસ ભૂલી જવો.

* વાતવાત પર બાળકોને મારઝૂડ કરવી.

* ઊંઘમાં બબડાટ કરવો અને નસકોરાં બોલાવવાં.

* દરેક વાત પર ટોક ટોક કરવું.

* કારણ વગર ઘરમાં બૂમાબૂમ કરી મૂકવી.

* ફોન પર મોટા અવાજથી વાતો કરવી.

* વસ્ત્રો ઉતારી પલંગ પર નાખી દેવાં.

* વાળમાં જરૂર કરતાં વધારે તેલ લગાવવું.

* દરેક બાબતમાં વહેમ કરવો.

* હંમેશા રસોઈમાં ભૂલ શોધવી.

* શારીરિક સ્વચ્છતા તરફ બેજવાબદાર રહેવું.

* પોતાની કોઈ વસ્તુ સંભાળીને મૂકવી નહીં.

* ઘરની કોઈપણ બાબતમાં પત્નીને બોલવા પણ ન દેવી.

* પરસેવાથી રેબઝેબ હોવા છતાં નાહ્યા વગર પત્નીને આલિંગનમાં લેવી.

* પત્નીનો પ્રેમાલાપ કરવો બિલકુલ પસંદ ન પડે.

* રસોઈ સારી ન બને તો થાળી ફેંકી દેવી.

* તહેવારના દિવસે પણ લડાઈઝઘડા કરવામાંથી ઊંચા આવવું નહીં.

* પત્નીના પુરુષ સહકર્મચારીઓનાં નામ સાંભળવાનું પસંદ ન હોય.

* નજીવી વાતને લઈ પત્નીના પરિવારના લોકો અને સંબંધીઓને ભલુંબૂરું કહેવું.

* પરિવારના લોકો અને દોસ્તોની વચ્ચે પત્નીનું અપમાન કરવાની કોઈ તક છોડવી નહીં.

* ઘરની બહાર નીકળતી વખતે પત્નીને હંમેશા પોતાની પસંદગીની સાડી પહેરવા માટે મજબૂર કરવી.

* આવેલા અપરિચિતને શકભરી નજરથી જોઈ પત્નીને આડાઅવળા સવાલો કરવા.

* રતિક્રીડા પછી તરત મોં ફેરવી સૂઈ જવું જાણે કે પત્ની સાથે હવે કોઈ મતલબ જ ન હોય.


Google NewsGoogle News