Get The App

ભારતના પ્રાંત પ્રાંતની નોખી-અનોખી દશેરા

Updated: Oct 4th, 2022


Google NewsGoogle News
ભારતના પ્રાંત પ્રાંતની નોખી-અનોખી દશેરા 1 - image


આપણા દેશમાં ઘણાં પર્વો એવા છે જે વિવિધ પ્રાંતોમાં અલગ અલગ રીતે ઉજવાય છે. દશેરા તેમાંનો એક છે. આ દિવસને નરસા પર સારપના વિજય તરીકે ઉજવવામાં આવતો હોવાથી તેને  વિજયા દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે.પરંતુ તેની સૌથી શાનદાર ઉજવણી મેસૂર ખાતે કરવામાં આવે છે. 

વાસ્તવમાં પંદરમી સદીમાં વિજયનગરના રાજાઓએ દશેરાની ભવ્ય ઉજવણી કરવાનો આરંભ કર્યો હતો.વિજયનગરના રાજાઓના પતન પછી શાસનકર્તા વાડયાર રાજાઓએ નોરતાંના દસમા દિવસે  (નવરાત્રિ પૂરી થયાના બીજા દિવસે)ચામુંડી ટેકરીઓ પર બિરાજતા ચામુંડેશ્વરી માતાની પૂજા કર્યા પછી દશેરાના પર્વની ઉજવણીનો આરંભ કર્યો હતો.તે દિવસે માતા ચામુંડેશ્વરીની મૂર્તિને હાથી પર શણગારેલી સુવર્ણ અંબાડી પર પધરાવીને નગરયાત્રા કરાવવામાં આવે છે. મૈસૂર મહેલથી શરૂ થયેલી આ શોભાયાત્રાપ્રાચીન ખીજડાના વૃક્ષની  પૂજા સાથે ે વિરામ પામે છે. અહીં એ વાતની નોંધ લેવી રહી કે મહાભારતની કથા મુજબ પાંડવોએ પોતાના અજ્ઞાાતવાસ દરમિયાન આ ખીજડાના વૃક્ષમાં પોતાના શસ્ત્રોઅસ્ત્રો સંતાડયા હતાં .દશેરાના દિવસે અજ્ઞાાતવાસ પૂરો થતાં તે બહાર કાઢીને તેની પૂજા કરી હતી. ત્યારથી લઇને  અત્યાર સુધી વિજયા દશમીના દિવસે હથિયારોની પૂજા કરવાની પરંપરા ચાલી આવે છે. દશેરાના દિવસે મૈસૂર મહેલને રોશનીથી ઝળાંહળાં કરવામાં આવે છે. 

દશેરાને લણણીનો ઉત્સવ પણ ગણવામાં આવે છે. આ દિવસે ધરતીપુત્રો ભગવાનને પોતાનો પાક   અર્પણ કરીને તેમનું ઋણ અદા કરે છે. ઘણાં ખ્રિસ્તી ખેડૂતો તેમનો પાક પોતાના ઘરના દરવાજા પાસે મૂકીને ઇશવરનો આભાર માને છે. 

વિજયા-દશમી શાસ્ત્રીય નૃત્યની તાલીમ લેનારાઓ માટે પણ ખાસ ગણાય છે. આ દિવસે શાસ્ત્રીય નૃત્યની તાલીમ લેવા ઇચ્છુકો તેમની વિદ્યાનો આરંભ કરે છે. (તેનાથી એક દિવસ પહેલા,એટલે કે નવમાં નોરતે વિદ્યાના દેવી ે સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.)નૃત્ય શીખવાનો આરંભ કરનારાઓ દશેરાના દિવસે નૃત્યના દેવતા નટરાજના આશિર્વાદ લઇને તાલીમ લેવાનું શરૂ કરે છે. 

ઉત્તર ભારતમાં દશેરાની ઉજવણીમાં રામલીલાનું સૌથી વધુ મહત્વ હોય છે.રાવણ પર વિજય પ્રાપ્ત કરીને સ્વગૃહે પરત ફરેલા રામની સ્મૃતિમાં ઠેર ઠેર આવેલા વિશાળ મેદાનોમાં રામલીલા ભજવાય છે. જે તે પાત્રના વેશમાં તૈયાર થયેલા કલાકારોને જોવા , તેમના સંવાદો સાંભળવા પણ એક લ્હાવો ગણાય છે. અલબત્ત,દેશના અન્ય ઘણાં ભાગોમાં પણ રામલીલા ભજવાય છે.તેવી જ રીતે રાવણના પુતળાનું દહન પણ દેશના મોટાભાગમાં કરવામાં આવે છે.પરંતુ વારાણસીમાં રાવણદહનનો નઝારો નોખો જ હોય છે. 

મહારાષ્ટ્રમાં અકબીજાને શમી વૃક્ષના પાંદડાને સોના તરીકે આપવાની પરંપરા ચાલી આવે છે. એમ કહેવાય છે ક ેપાંડવોએ તેમનો અજ્ઞાાતવાસ પૂરો કરીને ખીજડાના વૃક્ષમાં સંતાડેલા પોતાના આયુધો આ  દિવસે બહાર કાઢ્યાં હતાં અને તેની પૂજા કરી હતી.સાથે તેઓ પોતાના  રાજ્યમં પરત ફર્યાં હતાં તેની ખુશીમાં શમી વૃક્ષના પાંદડાને સોનું ગણીને એકમેકને આપવાનો રિવાજ ચાલ્યો આવે છે.

જોકે પશ્ચિમ બંગાળમાં મા દુર્ગાની પૂજાનું અનેરું માહાત્મ્ય છે. નવરાત્રિ દરમિયાન અહીંનો નઝારો જોવા જેવો હોય છે.આવું જ કાંઇક દશેરાના દિવસે પણ જોવા મળે છે.  હિમાચલ પ્રદેશ,કર્ણાટક ઇત્યાદિમાં પણ નવરાત્રિ અને દશેરાની ઉજવણી કાંઇક આવી જ રીતે થાય છે.જોકે  કુલ્લુમાં સ્થાનિક વાજિંત્રોના તાલે સ્થાનિક મંદિરોની મૂર્તિઓની શોભાયાત્રા કાઢવામાં આવે છે.તે વખતે સમગ્ર માહોલ રંગબેરંગી બની જાય છે.

ટૂંકમાં દેશના વિવિધ પ્રાંતોમાં આ એક જ તહેવાર નોખી નોખી રીતે ઉજવાય છે. પરંતુ તેની પાછળનો હેતૂ એક જ હોય છે, દુષ્ટતા પર ભલમનસાઇનો વિજય.દશેરા આપણને આપણી અંદર રહેલા દુષ્ટ તત્વો પર વિજય મેળવવાનો સંદેશો આપે છે.રાવણ દહનનો અર્થ જ આપણા મસ્તિષ્કમાં રહેલા નકારાત્મક  વિચારોનું દહન કરવું એવો થાય છે.

- વૈશાલી ઠક્કર


Google NewsGoogle News