Get The App

આયુર્વેદનું અમૃતફળ : 'આમળા' .

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
આયુર્વેદનું અમૃતફળ : 'આમળા'                                      . 1 - image


- આરોગ્ય સંજીવની- જહાનવીબેન ભટ્ટ

આજે એક એવા ફળ વિશે વાત કરવાની છું કે તેનાં વિશે ભાગ્યે જ કોઈ આયુર્વેદ પ્રશંસક અજાણ હશે ! આવા ફળનું નામ છે 'આમળા'. આયુર્વેદમાં આમળાને ખૂબ ઉપયોગી અને ઉત્તમફળ માનવામાં આવે છે. સ્વાસ્થય રક્ષા માટે તો આમળા ઉપયોગી છે જ, સાથે સાથે સૌંદર્ય નિખારવા, યૌવન ટકાવી રાખવા, બુધ્ધિ વધારવા તેમજ આંખો અને મગજ માટે પણ તેને ઉત્તમ માનવામાં આવે છે.

'આમળા'ને 'ત્રિદોષહર' કહેવામાં આવેલા છે એટલેકે આમળા એ ત્રણેય દોષોનું સમન કરવાની શક્તિ ધરાવે છે. આમળામાં ખારારસ સિવાયનાં પાંચેય રસો આવેલા છે. પણ મુખ્યત્વે તે અમ્લરસ (ખાટો) પ્રધાન ગણાય છે. અને આ અમલરસનું પ્રાધાન્ય હોવાથી તે શરીરમાં વાતદોષનું શમન કરે છે. 'આમળા'નો વિપાક 'મધુર' છે. એટલે કે હોજરીમાં પચ્યાબાદ તેનો રસ 'મધુર' બને છે. જેનાં કારણે તે પિત્તદોષને શાંત કરે છે. તથા આમળાં સ્વાદમાં રૂક્ષ અને તુરા હોવાથી તે કફદોષને પણ મટાડે છે. આમ, ત્રણેય દોષોનું શમન કરતાં હોવાથી તે શરીરને તંદુરસ્ત અને રોગમુક્ત રાખવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત આમળા એ ઉત્તમ રસાયન પણ છે. એટલે કે શરીરનાં માટે બલ્ય અને શક્તિવર્ધક હોવાની સાથે સાથે તેમા નિત્યસેવનથી ત્વચા હંમેશા તરો તાજા રહે છે. જલદીથી તેમાં કરચલીઓ પડતી નથી. ઉપરાંત નિત્ય આમળાનું સેવન કરતી વ્યક્તિનાં વાળ પણ લાંબા સમય સુધી કાળા અને ઘટ્ટ રહે છે. ઉપરાંત 'આમળા'ને આયુર્વેદમાં 'ચક્ષુષ્ય' ગણ્યા છે. એટલે કે તે આંખોની જ્યોતિ પણ વધારે છે. તથા બુધ્ધિશક્તિ અને યાદશક્તિ પણ વધારે છે.

શિયાળામાં 'આમળા'નાં રૂપે ચ્યવનઋષિએ આપેલું. 'ચ્યવનપ્રાશ'એ આયુર્વેદની ઉત્તમ ભેટ છે. આમળામાંથી બનાવવામાં આવેલું ચ્યવનપ્રાશ શિયાળામાં ઉત્તમ વસાણાની ગરજ સારે છે. પ્રાચીન માન્યતા મુજબ 'ચ્યવનપ્રાશ'નું સેવન કરી 'ચ્યવનક્ષકષિ એ પુન: યૌવન પ્રાપ્ત કર્યું હતું, તેથી જ 'આમળા'' યુવાની ટકાવી રાખવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેથી જ તે વય: સ્થાપન પણ ગણાય છે.

આમળા નાં રસમાં નારંગીના રસ કરતા ૨૦ ગણું વિટામિન-સી રહેલું હોય છે. જે શરીરમાં પ્રત્યેક કોષ અને ધાતુ માટે ઘણું ફાયદાકારક છે.

વાળ માટે તો આમળાં ખૂબ જ ઉપકારક સિદ્ધ થઈ શકે છે. જો વાળ ખૂબ ખરતાં હોય તો આમળાનાં ચૂર્ણની અંદર સપ્તામૃતલૌહ અને ઘાત્રી રસાયન મેળવી ૧-૧ ચમચી સવાર-સાંજ દૂધીનાં સ્વરસ સાથે લેવામાં આવે તો, વાળ ખરવાની સમસ્યામાંથી તો છૂટકારો મળે જ છે. પણ સાથે સાથે વાળનો જથ્થો અને વિકાસ પણ ખૂબ વધે છે.

અકાળે વાળ સફેદ થઈ જવાની સમસ્યા હોય તો, આમળા ચૂર્ણ, સપ્તામૃતલૌહ અને ર્ભૃગરાજચૂર્ણ તથા મહેંદી આ બધું જ સમાનભાગે લઈ આમળાના રસમાં પલાળવું. આ દરેક ચૂર્ણને લોખંડનાં પાત્રમાં રાત્રે રાખી સવારે માથામાં લગાવવું. અને બે કલાક પછી વાળ ધોઈ લેવા જેનાથી વાળ સુંવાળા અને મુલાયમ તો થશે જ. સાથે-સાથે અકાળે આવતાં સફેદવાળની સમસ્યામાંથી પણ છૂટકારો મળશે.

આ ઉપરાંત શિયાળામાં આમળાં પુષ્કળ આવે છે. તો સીઝનમાં આમળાનો રસ કાઢી લઈ આ રસને વાળનાં મૂળથી લઈ છેડા સુધી ૧૫ દિવસમાં ૧ વાર લગાવવો. જેનાથી બરછટવાળ બે મોઢાનાં વાળ તથા અકાળે સફેદવાળ થયેલ હોય તો તુરંત છુટકારો મળે છે.

આ ઉપરાંત વાળમાં જો ખોડો થઈ ગયો હોય તો આમળાનાં તેલથી નિયમિત વાળમાં માલિશ કરવી. તથા આમલકી ચૂર્ણમાં કેરીની ગોટલીનો પાઉડર સમાનભાગે મિક્સ કરી તેને દહીંમા પલાળીને માથામાં લગાવવું. તેનાથી ધીમે-ધીમે ખોડાની સમસ્યા દૂર થઈ જશે.

આ ઉપરાંત આમલકી રસાયન નામનો આમળામાંથી બનાવેલ યોગ જેની સાથે કાળા તલનું ચૂર્ણ મેળવીને જો નિયમિત ખાવામાં આવે અને આ પ્રયોગ યુવાવસ્થાથી શરૂ કરવામાં આવે તો, આ પ્રયોગથી લાંબા સમય સુધી વાળ સફેદ થતાં નથી અથવા તો લાંબા સમય સુધી કાળા રહે છે.

આમળાને 'રસાયન' અને 'ચક્ષુષ્ય' પણ કહ્યાં છે. આમળાનાં ચૂર્ણમાં આમળાનોં રસ ઘૂંટી જે વ્યક્તિ તેનું નિત્ય સેવન કરે તો તેને આંખોના નંબર આવતા નથી. તથા આંખોનું તેજ લાંબા સમય સુધી જળવાઈ રહે છે. જે વ્યક્તિને આંખોમાંથી પાણી પડતું હોય કે, આંખો લાલ રહેતી હોય તેવી વ્યક્તિએ હરડે-બહેડા અને આમળાનું ચૂર્ણ સમાન ભાગે મિક્સ કરીને રાત્રે હુંફાળા પાણીમાં પલાળી સવારે તેને ગાળી લઈને તે પાણીથી આંખો ધોવાથી આંખોનું તેજ ખૂબ વધે છે, તથા આંખોમાંથી પાણી પડતું તુરંત બંધ થઈ જાય છે, તેમજ ચશ્માનાં નંબર પણ વધતાં અટકી જાય છે.

જે વ્યક્તિનું શરીર કૃશ હોય તથા વજન વધતું ન હોય તેનાં માટે આમળાનાં ચૂર્ણની સાથે અશ્વગંધાચૂર્ણ, શતાવરી ચૂર્ણ અને સાકર આટલું મિક્સ કરી રોજ ૧-૧ ચમચી લેવામાં આવે તો અવશ્ય ફાયદો જણાશે.

આયુર્વેદમાં 'આમળા'નેં અમૃતફળ માનવામાં આવે છે. આમળાને તડકામાં સૂકવીને મુખવાસ તરીકે પણ તેનો ઉપયોગ પ્રચુરમાત્રામાં થાય છે. આ ઉપરાંત, આમળાનું અથાણું, મુરબ્બો : વગેરે બનાવીને તેનાં સ્વાદની સાથે સાથે તેનાં ઔષધીય લાભ પણ મેળવી શકાય છે.


Google NewsGoogle News