વર્ષામાં વકરતો રોગ : ''મેલેરિયા'' .

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
વર્ષામાં વકરતો રોગ : ''મેલેરિયા''                               . 1 - image


- આરોગ્ય સંજીવની- જહાનવીબેન ભટ્ટ

'મેલેરીયા' નામક તાવથી અબાલ-વૃદ્ધ સૌ કોઈ વાકેફ છે. કારણ કે તેનું પ્રમાણ ખૂબ જોવા મળે છે. આપણે આઝાદ થયા ત્યારે આપણાં દેશમાં દર વર્ષે સાડા સાત કરોડ દર્દી મેલેરીયાના જોવા મળતા હતા. જેમાંથી આઠ લાખ દર્દીઓ આ રોગથી મૃત્યુ પામતા હતા. આ રોગે ૧૯૮૮ના જુલાઈ માસથી ફરી દેશમાં ભયાનક રૂપ ધારણ કર્યું હતું, જે ઘણી મોટી સંખ્યામાં અબાલ-વૃદ્ધને ભરખી ગયો હતો. આવા રૌદ્રરૂપી મેલેરિયાને જો નાના-મોટા સહુ જાણે તો જ તેના નિવારણ માટે સઘન પગલાં ભરી શકાય. સર્વવ્યાપક આ રોગને આયુર્વેદીક ઔષધો અને ઘરગથ્થું પ્રયોગો પણ મહાત કરી શકે છે, પણ આપણે આ રોગ અને તેના ઉપરનાં પ્રયોગો વિશે જાણતા હોઈએ તો જ તેને દૂર કરી શકાયને !તેથી આજે આ રોગ વિશે લખવાનું વિચાર્યું છે, જે માહિતી વાંચક મિત્રોને ઘણી જ ઉપયોગી સિદ્ધ થશે.

'મેલેરીયા' રોગ એ 'મેલેરિયા પેરાસાઈટ્સ' નામના સૂક્ષ્મ જંતુઓથી થાય છે. આ જંતુ નરી આંખે જોઈ શકાતા નથી. આ જંતુઓનું નામ 'પ્લાઝમોડિયમ' છે. જે ચાર પ્રકારના હોય છે. પ્લાઝમોડિયમ વાઈવેક્સ, પ્લાઝમોડિયમ ઓવેલ, પ્લાઝમોડિયમ મેલેરી, પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ ઉપર જણાવેલ મેલેરિયાના જીવાણુની ચાર જાતિમાંથી પ્રથમ ત્રણ જાતિની વૃદ્ધિ માણસના લીવરમાં થાય છે, પણ ચોથી ફાલ્સીપેરમની વૃદ્ધિ લીવરમાં થતી નથી. આ ચારેય જાતિનાં જંતુઓ લોહીમાં જ મુસાફરી કરે છે. તેમાંથી ટ્રોફોઝોઈકસ થાય છે કે જે લોહીનાં રક્તકણોને તોડીને તેમાં પેસી જાય છે. આવા અસંખ્ય રક્તકણોનો નાશ થવાથી દર્દીમાં ફીકાશ આવી જાય છે. તેનું લોહી ઓછું થઈ જાય છે. આ જીવાણુઓ પાકટ થઈ 'શીઝોન્ટ' બને છે તે ફાટે છે, અને પાછા તેમાંથી અસંખ્ય મેરોઝાઈટ નીકળે છે, જે લોહીનાં કણોને ચોંટે છે. આ જંતુઓ જ્યારે નીકળે છે, ત્યારે દર્દીને ઠંડીના ઉકળાટા આવે છે. આ જીવાણુઓ જુદી જુદી જાતિના હોય છે, તે પ્રમાણે તેઓ જુદા જુદા પ્રકારનાં તાવ લાવે છે. તે પરથી દરરોજ આવતો તાવ, એકાંતરે આવતો તાવ, તૃત્તીયક, ચતુર્થક એવાં તેનાં જુદા જુદા પ્રકારો પડેલાં છે.

'મેલેરીયા'નાં લક્ષણો ત્રણ તબક્કામાં જોવા મળે છે. (૧) ઠંડી લાગવી (૨) તાવનું ચઢવું (૩) પરસેવો થવો.

(૧) દર્દીને અચાનક ઠંડી ચઢે ને તે ધુ્રજવા લાગે, તેના દાંત ખખડે અને એક પછી એક ધાબળા કે રજાઈઓ ઓઢવા માંગે અને છતાં પણ તેની ઠંડી ઉંડે નહીં.

(૨) ઠંડી ચાલુ હોય ત્યાં તાવ ચઢવા માંડે અને એકદમ ૧૦૪ ડીગ્રી કે તેથી વધુ પણ થઈ જાય, માથું સતત દુ:ખે અને શરીર ખૂબ તપે.

(૩) તાવ ઉતરવા માંડે ત્યારે શરીરમાંથી પરસેવો છુટવા માંડે દર્દી એક એક કરીને બધું ઓઢવાનું કાઢતો જાય અને તાવ ઝડપથી ઉતરવા માંડે. આ બધું જ ૩ થી ૪ કલાકમાં પતી જાય. પછી ફરી તાવ તેની મુદત પ્રમાણે આ જ ક્રમમાં ફરી ચઢે.

કેટલીક વાર તાવ ચઢે, ઉંઘ ન આવે, બરોળ વધે, લીવર પણ વધે. બાળકોનાં લીવર વધુ વધે છે. મેલેરિયા કોઈ પણ ઉંમરે થઈ શકે છે. નાના બાળકથી માંડી મૃત્યુને કિનારે બેઠેલા વૃદ્ધ માણસ સુધી કોઈ પણ વ્યક્તિ મેલેરિયાનો ભોગ બની શકે છે. તાવ આવતાં પહેલાં અજીર્ણ, ભૂખ ન લાગવી, હાથ-પગ દુ:ખવા, ફીકાશ આવવી વગેરે લક્ષણો અગાઉથી દેખાય છે. કોઈકવાર ઝાડા-ઉલટી પણ થાય છે.

વરસાદ અને બફારાવાળું હવામાન મચ્છરોની ઉત્પત્તિ માટે અનુકૂળ બની રહે છે. તેથી આવી સીઝનમાં આ રોગ વધારે જોવા મળે છે. મેલેરિયાના તાવ માટે કેટલાંક ઘરગથ્થુ અને આયુર્વેદીય ઔષધોપચાર અહીં સૂચવું છું.

(૧) તુલસી-મરીનો ઉકાળો ગરમ ગરમ પીવાથી ઠંડી ઉતરી જાય છે. ઉકાળામાં ગોળ નાખવો અને ગેસ પરથી ઉતારીને લીંબુ નીચોવી પિવડાવવાથી મેલેરિયામાં ઘણો જ ફાયદો થાય છે.

(૨) ૧ ચમચી મીઠું ગરમ પાણીમાં મેળવી દિવસમાં ત્રણ વાર પીવું તેથી તાવ ઉતરી જશે. તાવ ઉતર્યા પછી પણ ૨ દિવસ સુધી સવાર-સાંજ ગરમ પાણીમાં ચપટી મીઠું નાંખી પીવું.

(૩) લસણની પાંચ કળી વાટી તલનાં તેલમાં કે ઘી માં સાંતળી સિંધવ ભભરાવી ખાવું.

(૪) એક ચમચી પીપરીમૂળનું ચૂર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દૂધ પીવું. તેનાથી પણ મેલેરિયાના રોગમાં ઘણો જ ફાયદો થાય છે.

(૫) ડીકામારીનાં પાનનું ચૂર્ણ અને મરી સરખા ભાગે ચૂર્ણ કરી ૧/૪ - ૧/૪ ચમચી પાણી સાથે ૩ દિવસ સુધી લેવું. આ પ્રયોગથી ઠંડી અને તાવ બંનેમાં ફાયદો થાય છે.

(૬) સુદર્શન ચૂર્ણ અને સૂંઠનો ક્વાથ બનાવી થોડો ગોળ નાખી તે દર્દીને પીવડાવવાથી પણ મેલેરીયા અને શરદીનો તાવ મટે છે.

ઉપરોક્ત બતાવેલાં પ્રયોગોમાંથી જે પ્રયોગ સુલભ લાગે તે કોઈ પણ એક પ્રયોગ કરવો. આયુર્વેદીક ઔષધોપચારમાં લક્ષ્મીનારાયણ રસ, વિષમ જવરદની વટી, ત્રિભુવન કીર્તીરસ, વિષમ જવરાન્તક રસ વગેરે ઔષધો વૈદ્યની સલાહ મુજબ આપી શકાય છે.

આ રોગમાં રોગીની ધાતુઓનો ક્ષય થતો હોઈ રોગીને ઘઉં, ચોખા, મગનું પાણી, ગાયનું દૂધ વગેરે જેવો લઘુ, બલ્ય અને સુપાચ્ય આહાર આપવો જોઈએ.


Google NewsGoogle News