શુક્રાણુદોષ નિવારવા માઈક્રોસર્જરી .

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
શુક્રાણુદોષ નિવારવા માઈક્રોસર્જરી                        . 1 - image


લગ્ન પછી લગભગ દરેક દંપતીની  હાર્દિક ઈચ્છા હોય છે કે તેમના ઘરમાં પણ પા પા પગલી પાડનારનું આગમન થાય. કોઈની કાલીઘેલી કિલકારીઓથી ઘર ગુંજી ઊઠે. આમાંના લગભગ ૮૦-૮૫ ટકા દંપતી એવાં હોય છે જેમની ઈચ્છા એક-બે વર્ષમાં જ પૂરી થઈ જાય છે, પરંતુ ૧૫-૨૦ ટકા દંપતી સંતાનપ્રાપ્તિમાં નિષ્ફળ જાય છે.

આવાં દંપતીઓમાંથી લગભગ અડધાં દંપતી નિ:સંતાન હોવા પાછળ પતિના વીર્યમાં શુક્રાણુઓનો અભાવ કારણભૂત હોય છે. બીજી રીતે એમ પણ કહી શકાય કે લગભગ અડધા કિસ્સાઓમાં સંતાન ન થવા માટે સ્ત્રી નહીં, પણ પુરુષ જ જવાબદાર હોય છે.

ગર્ભધારણ હેતુ શુક્રાણુ તેમ જ અંડાણુનું મિલન થવું અનિવાર્ય છે. સામાન્ય પુરુષના ૧ મિ.લી. વીર્યમાં લગભગ  ૮-૧૦ કરોડ શુક્રાણુ હોય છે. સામાન્ય રીતે એક વખતના વીર્યસ્ખલનનું પરિમાણ ૩-૫ મિ.લી. જેટલું હોય છે.

વીર્યમાં શુક્રાણુના અભાવનાં નિમ્નલિખિત કારણો હોઈ શકે છે

 વૃષણોમાં શુક્રાણુ બનતાં જ ન હોય.

 શુક્રાણુ બનતા હોવા છતાં શુક્રવાહિનીમાં અવરોધને કારણે બહાર ન નીકળી શકતાં હોય.

શુક્રવાહિનીમાં અવરોધ

શુક્રવાહિનીમાં અવરોધ હોય તો શુક્રાણુ બનતાં હોવા છતાં તે બહાર નીકળી શકતાં નથી. આવી સ્થિતિ માટે થોડાં વર્ષો પહેલાં સફળ સારવારની શક્યતા નહોતી, કેમ કે શુક્રવાહિનીનો વ્યાસ લગભગ ૧ મિ.મી. જેટલો હોવાથી તે નસને ખોલીને અવરોધ દૂર  કરવાનું કાર્ય મુશ્કેલ હતું. હવે તો માઈક્રોસર્જરીને લીધે આની સારવારમાં આશાસ્પદ સફળતા મળી છે.

માઈક્રોસર્જરી દ્વારા શુક્રવાહિનીમાંના અવરોધને દૂર કરીને તેને ફરી જોડી દેવાથી શુક્રાણુ વીર્યમાં આવવા લાગે છે. આમ, નિ:સંતાન દંપતી સંતાન પ્રાપ્ત કરી શકે છે.

આ પધ્ધતિમાં જે રીતે સ્ત્રીઓમાં બંધ ફેલોપિયન ટયૂબો ખોલી શકાય છે, તે જ રીતે પુરુષમાં પણ શુક્રવાહિનીમાંનો અવરોધ દૂર કરી શકાય છે. તદુપરાંત, સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોમાં માઈક્રોસર્જરી દ્વારા સફળતાપ્રાપ્તિની આશા વધારે રહેલી હોય છે.

શુક્રાણુ બનતાં જ નહોય

શુક્રાણુ બનતાં જ ન હોય તો આવી પરિસ્થિતિમાં પણ દંપતીએ નિરાશ થવાની જરૂર નથી. હવે શુક્રાણુ બેંકમાંથી શુક્રાણુ મેળવીને સ્ત્રીનાં જનનાંગોમાં તેમનો પ્રવેશ કરાવવામાં આવે છે. આ પધ્ધતિ કૃત્રિમ  ગર્ભાધાન તરીકે ઓળખાય છે. કૃત્રિમ ગર્ભાધાન ત્રણ પ્રકારે થાય છે : 

 સામાન્ય

 ગર્ભાશયમાં

 ફૅલોપિયન ટયૂબમાં (સિફ્ટ પધ્ધતિ) 

સામાન્ય ગર્ભાધાનની પ્રક્રિયામાં બીજા પુરુષના વીર્યનો સ્ત્રીના જનનાંગમાં પ્રવેશ કરાવવામાં આવે છે.

ગર્ભાધાન દરમિયાન ગર્ભાશયમાં વીર્ય નહીં, પણ માત્ર શુક્રાણુનો જ પ્રવેશ કરાવવામાં આવે છે. તે માટે સૌપ્રથમ વીર્યમાંથી શુક્રાણુને છૂટાં પાડવામાં આવે છે અને એક ખાસ નળી દ્વારા તેમને ગર્ભાશયમાં નાખવામાં આવે છે. જો કે બેંકમાંથી મેળવેલા શુક્રાણુઓને વીર્યમાંથી છૂટાં પાડવાની પ્રક્રિયા કરવી પડતી નથી.

સિફ્ટ પદ્ધતિમાં એક અત્યંત વિશિષ્ટ નળી  દ્વારા શુક્રાણુઓનો પ્રવેશ ફૅલોપિયન ટયૂબોમાં કરાવાય છે.

સિફ્ટ પદ્ધતિથી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્તિ

એક વખતના વીર્યસ્ખલનમાં શુક્રાણુઓની સંખ્યા કરોડો જેટલી હોય છે. સંતાનોત્પત્તિ માટે તો માત્ર એક જ શુક્રાણુની જરૂર છે, તો પછી આટલાં બધાં શુક્રાણુઓની જરૂર શી? વાસ્તવમાં આમાંથી ઘણાંખરા શુક્રાણુ ગર્ભાશયમાં પ્રવેશી શકતાં નથી. ગર્ભાશયમાં પ્રવેશતાં શુક્રાણુઓ હજારોની સંખ્યામાં હોય છે, જે ઘટીને ફૅલોપિયન ટયૂબમાં સેંકડો જેટલાં જ રહે છે. આ જ કારણસર સિફ્ટ પદ્ધતિમાં શુક્રાણુઓને ફૅલોપિયન ટયૂબમાં પ્રવેશ કરાવવાથી ગર્ભધારણની શક્યતા સૌથી વધુ હોય છે, જ્યારે ગર્ભાશય તથા જનનાંગમાં ગર્ભાધાન કરાવવામાં સફળતાની સંભાવના પ્રમાણમાં ઓછી હોય છે.

કૃત્રિમ ગર્ભાધાનની કોઈ પણ પદ્ધતિ દ્વારા એક અથવા બે માસમાં જ સ્ત્રી ગર્ભધારણ કરે, તે જરૂરી નથી, પરંતુ સતત એક વર્ષ સુધી ગર્ભાધાન કરાવવાથી લગભગ ૯૦ ટકા દંપતી સંતાન પ્રાપ્ત કરી શકે છે.   


Google NewsGoogle News