ધ્યાનથી સંબંધોમાં સકારાત્મક પરિવર્તન આવે
ધ્યાન એક એવી ક્રિયા છે જેને નિયમિત કરવામાં આવે તો તે આપણા જીવનમાં આમૂલ પરિવર્તન લાવી શકે છે. ધ્યાનના ફાયદા અસંખ્ય છે કારણ કે તે ચોક્કસ જીવનશૈલી અને તણાવ-પ્રેરિત બિમારીઓની સારવાર કરીને શારીરિક સુખાકારીમાં સુધારો કરે છે. તે ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્યને પણ સુધારે છે. આ આપણા સંબંધો પર સકારાત્મક અસર કરે છે. જો આપણે ખરેખર તેના વિશે વિચારીએ, તો આપણી મોટાભાગની ચિંતાઓ અને રોજિંદા સંઘર્ષ સંબંધોના સંદર્ભમાં થાય છે.
આપણે સ્વસ્થ, વધુ પરિપૂર્ણ સંબંધો કેવી રીતે વિકસાવી શકીએ? વર્તમાન ક્ષણની સંપૂર્ણતા સાથે સ્વનો પરિચય આપીને અને આપણા અંદાજો અને અપેક્ષાઓ વિશે વધુ જાગૃત રહેવાનો અવકાશ આપીને, માઇન્ડફુલનેસ મેડિટેશન આપણને આપણી કુદરતી ભલાઈ સાથે સુમેળમાં પાછા આવવામાં મદદ કરી શકે છે. તે જ આપણે ખરેખર છીએ.
ધ્યાન શું છે?
મનને સ્થિર કરવું તેને ધ્યાન કહેવાય છે. આપણે મેન્ટલ થોટ રેટ એટલે કે માનસિક વિચારની સંખ્યા(એમટીઆર)ને ૫૦ વિચારો પ્રતિ મિનિટથી ઘટાડીને એક વિચાર પ્રતિ મિનિટ સુધી લાવવાની જરૂર છે. પણ આવું કરવા માટે આપણે મનનું નિરીક્ષણ કરવું પડે છે. જેટલી વાર મન ભટકે તેટલી વાર એને પાછું લાવવું પડે છે.
ધ્યાન આપણા સંબંધો પર કેવી રીતે અસર કરે છે?
ધ્યાન મૂડને નિયંત્રિત કરે છે
ધ્યાનને કારણે આપણું મન શાંત અને સ્થિર બને છે. આપણે પરિસ્થિતિ અને સંજોગો પ્રત્યે તીવ્ર પ્રતિસાદ નથી આપતા જેના કારણે અનિવાર્યપણે આપણા સંબંધો સારા રહે છે. આપણે ગુસ્સાને કાબુમાં રાખી શકીએ છીએ.ધ્યાનને કારણે આપણે ભાવાનાત્મક રીતે સ્થિર રહીએ છીએ. તેથી એ વાતનું આશ્ચર્ય નથી કે ધ્યાન વિવિધ રીતે સંબંધો સુધારવા માટે સક્ષમ છે. પ્રથમ, તે મૂડને વધુ સારી રીતે નિયંત્રિત કરે છે. તે તમને વધુ પ્રભાવશાળી, વધુ કેન્દ્રિત, વધુ ઉત્પાદક અને વધુ સર્જનાત્મક બનાવે છે.
ધ્યાનથી તાણ અને વ્યગ્રતામાં ઘટાડો થાય છે
નિયમિત ધ્યાન કરવાથી આપણે માત્ર શાંત જ નથી થતા પણ ખુશ પણ રહીએ છીએ. આપણા સંબંધો વધુ સૌહાર્દપૂર્ણ, મિલનસાર, ઓછા તાણવાળા બને છે.
ધ્યાનથી આપણે અન્યો સાથે સરળતાથી મનમેળ સાધી શકીએ છીએ
આપણે જ્યારે શાંત અને ખુશ રહીએ છીએ ત્યારે લોકો આપણી સાથે વધુ સરળતાથી સંપર્ક કરી શકે છે. આખરે કોઈપણ એવી વ્યક્તિ સાથે રહેવા નથી માગતુ જે ચીડિયું અને વ્યગ્ર હોય. બીજી તરફ સકારાત્મક લોકો, ખુશખુશાલ લોકો જ્યાં પણ જાય ત્યાં સકારાત્મક ઊર્જા ફેલાવતા હોવાથી વધુ લોકોને આકર્ષે છે. તબીબી નિષ્ણાંતો પણ માને છે કે તણાવ અને ચિંતાને કારણે અનેક રોગો વધુ વકરી જાય છે. ધ્યાનથી આવી સમસ્યાનું નિરાકરણ થાય છે.
સ્વ-જાગૃતિ
ધ્યાન ચેતનાની સ્થિતિમાં હોવા વિશે છે, જે વધેલી અથવા ઉન્નત, બંને આધ્યાત્મિક અને વ્યક્તિગત જાગૃતિ દર્શાવે છે. આપણે આપણી જાત વિશે, આપણી આદતો વિશે સભાન બનીએ છીએ. આપણે આપણી ખામીઓ અને ત્રુટીઓને નિરપેક્ષપણે જોઈ શકીએ છીએ અને તેમાં સુધારો પણ લાવી શકીએ છીએ. પરિણામે અન્ય સાથેના આપણા વર્તનમાં સકારાત્મક પરિવર્તન આવે છે.
ધ્યાનથી આપણે સ્વ વિશે જ નહિ પણ અન્યો વિશે પણ સજાગ બનીએ છીએ. તેથી આપણે વધુ સ્વીકાર્ય, સહાનુભૂતિશીલ, દયાળુ અને કરૂણામય બનીએ છીએ.
ધ્યાનના લાભ
ધ્યાનથી આપણામાં સકારાત્મક અને બહેતર પરિવર્તન આવતું હોવાથી આપણા સંબંધો વધુ મજબૂત બને છે. ધ્યાન આપણને એવી ચેતનામય સ્થિતિમાં લઈ જાય છે જે આપણને આપણી ખરી ઓળખ કરાવે છે અને આપણે સ્વ સાથે સંપર્ક કરી શકીએ છીએ. આપણે અનાસક્ત જીવન જીવવાનું શરૂ કરીએ છીએ. આપણને જાણ થાય છે કે આ તમામ સંબંધો ક્ષણિક છે. સાથે જ આપણે વિશ્વ, બ્રહ્માંડ અને લોકો સાથે એકાત્મતા સ્થાપી શકીએ છીએ. આપણે જાગતિક બંધુત્વ અને આંતરજોડાણની ભાવના અનુભવીએ છીએ.
- ઉમેશ ઠક્કર