કેરીની સીઝનમાં વસ્ત્રો-એક્સેસરીઝમાં કેરીએ કરી જમાવટ
ગ્રીષ્મ ઋતુ એટલે કેરી ખાવાની મસ્ત મસ્ત મોસમ. પણ કેરી ખાવા સાથે કેરીની ડિઝાઇનના વસ્ત્રો પહેરવાની પણ એક આગવી મઝા હોય છે. તેમાંય આ સીઝનમાં કેરીની ડિઝાઇનના કપડાં પહેરવામાં આવે તો તે સમયને અનુરૂપ ગણાય.તેથી જ ઘણાં આધુનિક ફેશન ડિઝાઇનરોએ તેમના વસ્ત્રોમાં કેરીની ડિઝાઇનને સ્થાન આપ્યું છે.
જોકે એવું નથી કે કેરીની ડિઝાઇન ધરાવતાં પોશાકની ફેશન આજકાલની છે. વાસ્તવમાં વસ્ત્રાભૂષણોમાં માત્ર કેરી જ નહીં, બલ્કે અન્ય ફળો, ફૂલો, પશુપક્ષીઓની ડિઝાઇન રચવાની આપણી પરંપરા પુરાણી છે. ફરક માત્ર એટલો કે સમયાનુસાર તેમાં વત્તાઓછા અંશે બદલાવ આવે છે. આપણા ફેશન ડિઝાઇનરો કહે છે કે કેરીની ડિઝાઇન ઓલ ટાઇમ ફેવરિટ ગણાય છે. આમ છતાં કેરી ખાવાની મોસમ ચાલતી હોય ત્યારે તેની ડિઝાઇન ધરાવતાં વસ્ત્રો સમયને અનુરૂપ ગણાય.
એક ફેશન ડિઝાઇનર કહે છે કે મેં મારા વર્તમાન કલેક્શનમાં કેરીની નવી અને જૂની ડિઝાઇનનો સંગમ કર્યો છે. કહેવાનો અર્થ એ છે કે મેં પરંપરાગત ભરતકામ અને આધુનિક બીડ્સનું મિક્સ એન્ડ મેચ કરીને કપડાં પર કેરીઓ રચી છે. જ્યારે અન્ય એક ફેશન ડિઝાઇનર પોતાની કેરી સાથે જોડાયેલી બચપણની સ્મૃતિને સાડી પર ઉતારતાં કહે છે કે હું અને મારી નાની બહેન નાના હતાં ત્યારે કાચી કેરી ખૂબ ખાતા. તેમાંય ચોમાસું બેસે અને સુસવાટાભેર પવન ફૂંકાય ત્યારે વૃક્ષ પરથી ખરી પડેલી કેરી ખાવાની મઝા જ કાંઇક ઓર હોય. મેં મારી આ યાદ તાજી કરીને પહેલા કેરી ઉપરાંત અન્ય ફળોના ચિત્રો દોર્યાં. અને પછી તેને ડિજિટલ પ્રિન્ટ કરીને સાડીઓ પર ઉતાર્યાં.
ગ્રીષ્મ ઋતુ એટલે લગ્નસરા પણ ખરી. અને આપણા વિવાહના પોશાકોમાં કેરીની ડિઝાઇન ન હોય એવું ભાગ્યે જ બને. આ વાતને ધ્યાનમાં રાખીને એક ફેશન ડિઝાઇનરે એક લહંગામાં આંસુના આકારમાં કેરી ડિઝાઇન કરી હતી. તે કહે છે કે કન્યા સાસરે જાય ત્યારે તેને પિયર છોડવાનુું જેટલુ દુ:ખ હોય એટલો જ આનંદ પિયા મિલનનો પણ હોય. આંસુના આકારમા ં કેરીની ડિઝાઇન અને કેરીના સ્વાદનો આનંદ, નવોઢાના મનના આ બંને ભાવ મારા લહંગાની ડિઝાઇનમાં બખૂબી રજૂ થયાં છે.
તાજેતરમાં અભિનેેત્રી કંગના રણૌતે એક જાણીતા ડિઝાઇનરની લીલા રંગની સાડીમાં ગોલ્ડન કેરી ડિઝાઇન કરેલી સાડી પહેરી હતી. ગ્રીન-ગોલ્ડનનું કોમ્બિનેશન કંગનાના સૌંદર્યને ઓર નિખારી રહ્યું હતું.
કેરીની ડિઝાઇન માત્ર પોશાક પર જ નહીં, બલ્કે એક્સેસરીઝમાં પણ એટલી જ જચે છે. એક પર્સ ડિઝાઇનરે તેની સ્લીંગ બેગ્સના કલેક્શનમાં કેરીની ડિઝાઇનને સરસ રીતે ઉતારી હતી.
ટૂંકમાં એમ કહી શકાય કે વસ્ત્રાભૂષણોમાં વર્ષોથી જોવા મળતી કેરીની ડિઝાઇનની ફેશન આજે પણ અકબંધ છે. એટલું જ નહીં,ે અન્ય એક્સેસરીઝ પર પણ કેરી જમાવટ કરી રહી છે.