વેલન્ટાઈન ડે ને રોમાન્ટિક બનાવતો મેકઅપ
- આધુનિક પેઢીમાં 'વેલેન્ટાઈન ડે' નું મહત્ત્વ વધી ગયું છે. પ્રેમીને ભેટ આપવાથી લઈ કેવા પરિધાન મેકઅપ હોવા જોઈએ તેની સલાહ સૂચનો સહેલીઓ એકબીજાને આપતી હોય છે. અહીં વેલેન્ટાઈન મૂડને 'ફ્રેશ અને ફૂલ' કરતા મેકઅપની માહિતી આપવામાં આવી છે.
એસપીએફ યુક્ત ફાઉન્ડેશન :
ત્વચા સાથે મેળખાતા ફાઉન્ડેશન જ વાપરવું જેથી સૂર્યના કિરણોના દુષ્પ્રભાવ ત્વચા પર ન પડે.
ડાર્ક શેડ ફાઉન્ડેશન :
માસૂમ અને મુલાયમ ચહેરાવાળાએ ત્વચાના ટોનથી મેચ કરતા જ ફાઉન્ડેશનનો આગ્રહ છોડવો. જેમ જેમ વય વધે છે તેમ વાન ફીકો પડતો જાય છે તેથી મેચિંગ સ્કિન ટોન લગાડવાથી ફાઉન્ડેશન ચહેરા પર થપેડા કર્યાં હોેય એમ લાગે છે. ૨૪-૨૫ની વયે આઈવરી શેડનો ઉપયોગ કરનારી ૪૦ ઉંમરમાં એ જ શેડ વાપરે તે યોગ્ય નથી. ત્રીસી વટાવ્યા બાદ પહેલા વાપરતા ફાઉન્ડેશનના શેડ કરતા સ્કીન ટોનથી ઘેરો રંગ પસંદ કરવો.
લિક્વિડ ફાઉન્ડેશન :
પાવડર ફાઉન્ડેશનના સ્થાને ક્રીમ ફાઉન્ડેશન વાપરવું. તેમાંય હાઈડ્રેટિંગ અથવા સ્ટેન ફિનિશ લિક્વિડ ફાઉન્ડેશન વાપરી જોવું.
કેક કન્સિલર :
ખીલના ડાઘા તેમ જ ચહેરા પરની ઝીણી રેખાઓ છુપાવવા કન્સિલર ફાયદાકારક છે. મોટા ભાગની યુવતીઓ સંપૂર્ણ ચહેરા પર કન્સિલર લગાડવાની ભૂલ કરે છે. કન્સિલરને આંખની નીચેના કાળા ડાઘા પર લગાડવું. કેક કન્સિલરના સ્થાને હાઈલાઈટ પેનના ઉપયોગ કરવો. તે હળવું અને મોઈશ્ચરાઈઝરયુક્ત હોય છે. જેનાથી આંખ સુંદર દીસે છે ઉપરાંત આસપાસની ત્વચા મુલાયમ રહે છે.
પાવડર ટચ :
પાવડરની સરખામણીમાં ક્રીમ આઈ શેડો અને ક્રીમ બ્લશ ઓન લગાડવાથી આંખ તથા ગાલની ત્વચા વધુ રૂક્ષ દીસે છે. થોડા સમય બાદ આંખની ત્વચા પર ડ્રાઈ પેચ દેખાય છે. અને ગાલ પર કરચલી સ્પષ્ટ દેખાય છે. લાઈટ પાવડર આઈ શેડો અને પાવડર બ્લશઓન લગાડવું.
ચીક્સ લિફ્ટર :
મોટી વયની મહિલા વેલેન્ટાઈનની ઉજવણી કરી રહી હોય તો ધ્યાન રાખવું કે વયની સાથે સાથે ગાલ ધીરે ધીરે લચી (લબડી) પડતા હોય છે. ગાલની ત્વચા અમુક વયે ઢીલી પડી જતી હોય છે. કાન સુધી બ્લશઓનના સ્ટ્રોક આપવાની બદલે ગાલના થોડા ઉપરના ભાગ પર બ્લશઓનના સ્ટ્રોક્સ આપવા જે 'ચીક્સ લિફ્ટર'નો ભાસ ઉત્પન્ન કરશે.
ઑવર મેકઅપ :
તૈલીય મેકઅપ પર કદી પણ આઈશેડો ટકતો નથી. ઓઈલી આઈ મેકઅપનો વપરાશ જરૂરિયાતથી વધી જાય તો પાંપણ ભારી તેમ જ મેકઅપ ભદ્દો દીસે છે. આઈશેડો લગાડતા પૂર્વે પાંપણ પર કોમ્પેક્ટ પાવડરનો ટચ થયો છે કે નહીં તે ધ્યાન આપવું. ફાઉન્ડેશન અને કન્સિલરનો જરૂરિયાતથી વધુ પડતો ઉપયોગ ન કરવો. ઑવર મેકઅપથી ચહેરો સુંદર દેખાવાને બદલે ભદ્દો દેખાય છે.
આઈબ્રોઝ શેપિંગ અને લેશર્કલ :
કુદરતી આકારની આઈબ્રોઝથી જ આંખ સુંદર લાગે છે. વધુ પડતી પાતળી કે જાડી આઈબ્રોઝ ન રાખવી. ભ્રમર પર આઈબ્રો પેન્સિલના ઘેરા સ્ટ્રોક્સ ન લગાડવા. હળવા સ્ટ્રોક્સ લગાડયા બાદ આઈ શેડો બ્રશથી સ્મજ કરવું. આઈલેશિઝ પર મસ્કરા લગાડવું. આઈલેશિસને લેશબ્રશથી જ બ્રશ કરવી. ત્યારબાદ ફરી એકવાર મસ્કરાનો કોટ લગાડી બ્રશ કરવું. અંતમાં લેશ કર્લરથી ધીરે ધીરે કર્લ કરવાથી આંખ ખૂબસુરત દેખાય છે.
લિપ બ્રશ :
પહેલા એવું મનાતું હતું કે લિપ પેન્સિલ હોઠ પર લાગેલી લિપસ્ટિકને ફેલતા રોકે છે અને હોઠને આકાર આપી ઉભારે છે. પરંતુ વાસ્તવમાં આમ કરવાથી ઉંમર મોટી દેખાય છે. ચહેરાની માસૂમિયત તેમની તેમ રાખવા લિપસ્ટિક બ્રશથી હોઠની આઉટલાઈન કરવી. જેથી લિપસ્ટિકનો થપેડો નહીં લાગે. તેમ જ હોઠની આસપાસ નહીં ફેલાય. હોઠનો આકાર સારો ન હોય તો લિપ લાઈનરથી હોઠને 'શેપ' આપવો. હા, પણ એક વાતનું ધ્યાન રાખવું કે લિપસ્ટિકના રંગને મેળ ખાતી લિપ પેન્સિલ હોવી જોઈએ.
શિમર ગ્લૉસ :
આ એક લિપસ્ટિકનો જ પ્રકાર છે. લિપસ્ટિકમાં પ્રવાહી લિપસ્ટિક, વિટામીન રિચ, એસપીએફ યુકત અને શિમર ગ્લોસ જેવા વૈવિધ્ય જોવા મળે છે. પ્રસંગાનુસાર લગાડી શકાય છે. વેલેન્ટાઈન ડેના દિવસે કલરફુલ શિમર ગ્લૉસ લગાડવાથી હોઠ સેક્સી તેમ જ આકર્ષક લાગે છે.
આઈલાઈનર :
વ્યવસ્થિત રીતે લગાડેલ આઈલાઈનરથી આંખ સુંદર આકર્ષક લાગે છે. આંખની કિનારીથી ખેંચી લાઈનર ન લગાડવું. આ રીતે લગાડવાથી આંખની કિનારી પર કરચલી વળે છે. ઉપરાંત આઈ લાઈનર લગાડવા છતાં આંખ સ્મૂધ નથી દેખાતી. આનાથી બચવા માટે હડપચીને થોડી ઊંચી કરવી અને આંખને અધખુલી રાખી લિક્વિડ આઈલાઈનર લગાડવું.
આઈ પેન્સિલ :
આઈ લાઈનર ન લગાડવું હોય તોે કલરફૂલ પેન્સિલ લગાડી શકાય છે.
બ્રાઉન શેડ્સ :
આંખ પર બ્રાઉન આઈશેડો લગાડવોે સલાહભરેલું નથી. આ શેડમાં પીળા અથવા લાલ રંગના થોડા અંશ હોય છે. જેનાથી આંખ થાકેલી દેખાય છે. કત્થઈ રંગનો પ્યોર બ્રાઉન શેડ લગાડવો તેનાથી કુદરતી લુક આવે છે.
આઈલેશ કર્લર :
આઈલેશ કર્લર પાંપણને ઘટ્ટ દેખાડવામાં મદદરૂપ છે. આઈલેશ કર્લર કરતી વખતે પાંપણની જડને ૧૫ સેકન્ડ સુધી પકડી રાખવી. આઈ મેકઅપ કરવાનો સમય ન હોય તો ફક્ત મસ્કરા અને સ્મુધ કાજળ જ લગાડવું. આઈ શેડો લગાડયા વિના મસ્કરા અને કર્લર લગાડવાથી આંખની પાંપણ ઘટ્ટ અને મોટી દેખાશે.
સ્પેશિયલ લિપ કલર :
ચહેરા પર તાજગી લાવવા લિપસ્ટિકનો રંગ બદલવો જરૂરી છે. કુદરતી રંગની લિપસ્ટિક લગાડનારે લાલ શેડ્સ અજમાવવા.
સ્માર્ટ બ્રોન્ઝ :
ચહેરા, ગરદન તથા પીઠ પર ફાઉન્ડેશન કે બ્રોન્ઝ લગાડતી વખતે ડ્રેસનો નેક ખરાબ થઈ જવાની શક્યતા રહે છે. ખુલ્લા અંગો પર સેલ્ફ ટોનર અથવા બ્રોન્ઝ લગાડયા બાદ મેકઅપ બ્રશથી વધારાનો બ્રોન્ઝ અને સેલ્ફ ટેનર કાઢી નાખવું વધુ પડતા તડકામાં સેલ્ફટેન અને બ્રોેન્ઝનો ઉપયોગ સારો પડે છે.