નઝાકતથી જાળવો નાજુક સંબંધો .
- માણસને સૌથી વધુ સતાવે છે લાગણીભીના સંબંધો તૂટવાનો ભય
કહેવાય છે કે સંબંધો બાંધવા સહેલા છે, પણ તેને નિભાવી રાખવાનું આસાન નથી. આપણે જે સંબંધ મજબૂતીથી જાળવી રાખવા ઈચ્છતા હોઈએ તે સંબંધ તૂટવાનો ડર હમેશાં મનને સતાવતો રહે છે. ખાસ કરીને પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકાના સંબંધો એકદમ નાજુક હોય છે. પણ બંને તેને મજબૂતીથી પકડી રાખવા માગે છે. આમ છતાં તે તૂટી જવાનો ભય સતત ઝળુંબતો રહે છે.
વિવાહ પછી કોડિલી કન્યા સાસરે પગ મુકે પછી તે પતિ અને પરિવારજનોને દરેક રીતે ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે. તે બધાના મનમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લે ત્યાર પછી પણ જો થોડાં વર્ષ સુધી બાળકને જન્મ ન આપી શકે તો બધા સંબંધો તૂટી જવાનો ભય તેને ડારે છે. પતિ અને પરિવારજનોને તેમનો વંશજ જોઈતો હોય છે. પણ બાળક ન થતાં તેમની આશા પર પાણી ફરી વળે છે. આવામાં સંબંધિત માનુનીને સૌથી પહેલા એમ જ લાગે છે કે તેને કુટુંબમાંથીમ ફેંકી દઈને તેના પતિના બીજા વિવાહ કરાવી દેવામાં આવશે તો?
પણ આજની શિક્ષિત કે અશિક્ષિત યુવતીઓને આ બાબતે ગભરાવાની જરૂર નથી. હવે કૃત્રિમ ગર્ભાધાનની સંખ્યાબંધ પધ્ધતિઓ ઉપલબ્ધ છે. સૌથી પહેલા તો ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરો. સમસ્યા મટી હોય તો આઈવીએફ ક્લિનિકનો સંપર્ક પણ કરી શકાય. છેવટે પરિવારજનોને સમજાવીને કોઈ અનાથ બાળકને દત્તક લઈ શકાય.
આધુનિક યુગની ખુલ્લા વિચારો ધરાવતી યુવતી પણ પોતાના પતિને કોઈ મહિલા સાથે વધારે પડતું ભળતો નથી સાંખી શકતી. આ સ્ત્રીમાં તેને પોતાની હરીફ દેખાય છે. જોકે આ વાત પુરુષોને પણ એટલી જ લાગુ પડે છે. આ વાત તેમના દામ્પત્યજીવનની ખુશીઓ પર ગ્રહણ લગાવે છે.
બહેતર છે કે પતિ-પત્નીએ એકમેકને એવો વિશ્વાસ અપાવવો જોઈએ કે તેમની મિત્રતા કોઈ સ્ત્રી સાથે હોય કે પુરુષ સાથે, પણ તે માત્ર મૈત્રી પૂરતી સીમિત છે. તેમાં એવું કોઈ તત્વ નથી ભળવાનું જેનાથી તેમનું પારિવારિક જીવન છિન્નભિન્ન થઈ જાય. તેઓ તેમના પોતાના જીવનસાથીને જ પ્રેમ કરે છે.
લગ્ન પછી આરંભના વર્ષોમાં દંપતી વચ્ચે પ્રેમ-રોમાન્સ ચરમસીમા પર રહે છે. પણ પછી તેની તીવ્રતા મંદ પડતી જાય છે. આવી સ્થિતિમાં બંનેને એમ લાગે છે કે તેમની વચ્ચે હવે પહેલાં જેવો પ્રેમ નથી રહ્યો. તેથી વાત વાતમાં વાદવિવાદ અને શંકાકુશંકાનો માહોલ પેદા થાય છે. ખાસ કરીને જ્યારે પતિની વય પત્નીની ઉંમર કરતાં ઘણી વધારે હોય ત્યારે આવું બનવું સ્વાભાવિક છે.
પરંતુ જો પતિ-પત્ની તેમની બધી વાતો એકબીજાને કહે, એકબીજા સાથે સમજણ અને વિશ્વાસનો સેતુ સાધી રાખે તો રોેમાન્સ મંદ પડે તોય આવી સમસ્યા નથી સર્જાતી. વળી બેમાંથી એક જણ રોમાન્સનો આરંભ કરે અને બીજો તેને ઈચ્છા ન હોય તોય પ્રયત્નપૂર્વક સહકાર આપી તાદાત્મ્ય સાધવાનો પ્રયત્ન કરે તો સમસ્યા આપોઆપ હલ થઈ જાય છે.
પતિ-પત્નીના સંબંધોમાં પૈસા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જીવનસાથીની જીવનશૈલી, બિઝનેસના ચડાવ-ઉતાર, ક્રેડિટ કાર્ડના બિલ જેવી અનેક આર્થિક બાબતો લગ્નજીવનનો અસર કરે છે. તેમાંય જો પત્ની પણ નોકરી કરતી હોય અને તેનેે પોતાની કમાણીનું અહમ્ હોય, તે પોતાના પૈસા મનફાવે તેમ ખર્ચ કરતી હોય તો વાત વણસવાની ભીતિ રહે છે.
આવી સ્થિતિમાં આર્થિક બાબતોને લગતા નિર્ણયો પતિ-પત્ની સાથે મળીને લે અને દર મહિને ચોેક્કસ બચત કરવાનું અચૂક રાખે તો તેમના સંસારનું ગાડું સરસ રીતે ચાલે. આ ઉપરાંત પત્ની કમાતી હોય તોય તેણે વિનમ્રતા જાળવી રાખવી જોઈએ. સંબંધમાં સંતુલન સાધી રાખવા આ વાત અત્યંત આવશ્યક છે.