ગાયકવાડ પરિવારનો શાહી વારસો સંભાળી સંસ્કૃતિને ઉત્તેજન આપે છે મહારાણી રાધિકા રાજે
- વિવિધ ક્ષેત્રમાં અગ્રેસર બની મહારાણી હવે મૂક સમુદાયોનો અવાજ બની રહ્યા છે
- ગરબા યોજવાથી શરૂ થયેલી આધ્યાત્મિક સફર હવે નારી કી સવારી બની ચૂકી છે
ભારતમાં હવે રાજઘરાનાઓ હવે ભૂતકાળનો હિસ્સો બની રહ્યા છે ત્યારે વડોદરાના ગાયકવાડ પરિવારના મહારાણી રાધિકા રાજેએ વિવિધ સામાજિક કાર્યોમાં અગ્રસર બની નોખો ચીલો ચાતર્યો છે. પોતાના આ નવા અવતારની કથા કહેતા ંમહારાણી રાધિકા રાજે કહે છે, મેં જ્યારે વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસમાં પહેલીવાર ૨૦૧૯માં ગરબાનું આયોજન કર્યું તે સાથે આ બધાંની શરૂઆત થઇ. આ એક એવું આયોજન હતું જેમાં હું સાવ નવીસવી હતી અને તેમાં કામનું દબાણ જબરદસ્ત હતું. ૪૦,૦૦૦ લોકોને ગરબાના તાલે ઝુમતાં કરવાનું કામ પડકારજનક હતું. વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં ભપકાદાર શાહી ખુરશી પર રાજકોટનાઇકતના પટોળાંમાં સજ્જ થઇ બિરાજેલાં રાધિકા રાજે કહે છે, મારું બાળપણ નિરંકુશ હતું એટલે કોઇપણ પડકાર સામે ઝુકવાનો સવાલ જ પેદાં થતો નથી. પણ મારા માટે આ એક ટર્નિંગ પોઇન્ટ બની રહ્યો છે તેમાં કોઇ શંકા નથી. એ સમયે મેં મારા અંતરમાં જઇ મારે શું કરવું જોઇએ એના જવાબો શોધ્યા. કેવી રીતે ટીમ ઉભી કરવી, સ્રોતોને એકત્ર કેવી રીતે કરવા અને ટીમને દોરવણી કેવી રીતે આપવી વગેરે સવાલોના જવાબ મેળવ્યા. આ બન્યું ત્યાં સુધી મને ખબર જ નહોતી કે મારી પાસે નેતૃત્ત્વના ગુણોનો ભંડાર છે. મને આત્મવિશ્વાસ, સ્થિરતા, તણાવ સહન કરવાની ક્ષમતા, સમુદાયની રચના અને અસરકારક સંવાદ સાધવાની કળા સહજ સાધ્ય બની રહી હતી. દેવીની કૃપાથી હું મારા ધ્યેયો સિદ્ધ કરી શકી તેનો મને આનંદ છે.
નવરાત્રિ દરમ્યાન પોતાની મનોદશા વિશે જણાવતાં રાધિકા રાજે જણાવે છે કે, આમ તો પૂજા કે વિધિ કરવાનું મને અંગત રીતે બહું ફાવતું નથી પણ નવરાત્રિ દરમ્યાન મારામાં જાણે એક પ્રકારની ઉર્જાનો ધોધ વહે છે. હું આધ્યાત્મિક યાત્રામાં સંપૂર્ણ શરણે થઇ જાઉં છું. મને આ દરમ્યાન એક અવાજ સાંપડયો જે શુભ, પોષક અને પાવન કરનારો બની રહ્યો. આ નારી શક્તિ મારે માટે ખૂબ અંગત અને સંતોષકારક બની રહી છે. માતાની ફરતે ૪૦,૦૦૦ લોકો એકતાલે ગરબા રમે એ નારી શક્તિનું મહાત્મ્ય છે. આ આધ્યાત્મિક યાત્રામાં મને મારું સ્થાન અને મારું સ્વત્વ પ્રાપ્ત થયું છે.
પોતાની ક્ષમતાઓનો પરિચય થવાને પગલે રાધિકા રાજે હવે તેંમનામાં રહેલાં નેત્તૃત્વના ગુણો અને સમુદાયની રચના કરવાના કૌશલ્યને પિછાણી લોકોને પ્રેરિત કરી તેમને અર્થપૂર્ણ ધ્યેય હાંસલ કરવા ભણી દોરી રહ્યા છે. રાધિકા રાજે કહે છે, મારા કામમાં જોખમ છે જે સમજી વિચારીને હું ઉઠાવું છું જેથી સીમાઓને વિસ્તારી શકાય. રાધિકા રાજેએ સમાજના હાંસિયામાં રહેલાં સમુદાયોને નેત્તૃત્વ પુરૂ પાડવાનું નક્કી કર્યું છે. તેઓ હવે મહિલાઓ અને જેમનો કોઇ અવાજ નથી તેમનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. રાધિકા રાજેનું એક મહત્વનું કામ એલજીબીટીક્યુઆઇ સમુદાય અને એચઆઇવી પોઝિટિવ લોકો સમાજના કાર્યબળનો હિસ્સો બની શકે તે જોવાનું છે. તેમણે મહિલાઓને વાહન ચલાવવાનું શીખી પગભર બનાવવા માટે નારી કી સવારી ઝૂંબેશ ચલાવી છે. એલજીબીટીક્યુઆઇ સમુદાયના લોકોને મંદિરોનું વ્યવસ્થાપન કરવામાં, પૂજા કરવામાં અને ગરબાના આયોજનમાં સામેલ કરી તેમનો અવાજ બનવાનું રાધિકા રાજેનું ધ્યેય બની રહ્યું છે.
રાધિકા રાજે પોતે રાજઘરાનાના સભ્ય તરીકે ભવ્ય સાંસ્કૃતિક વારસાના પ્રહરી પણ છે. તેમણે ચંદેરી અને બરોડાના શાલુના વણાટકામને ઉત્તેજન આપી તેમનું ગૌરવ વધારવાનું પણ કામ કર્યું છે. પરંપરાગત રીતે રાધિકા રાજે મરાઠા રાજઘરાનાની રસમ મુજબ બનારસની વિખ્યાત સાડીઓ પરિધાન કરે છે. રાજકોટના પટોળાં ધારણ કરવાનું પણ તેમને ગમે છે. રાધિકા રાજે વણકરોને ટેકનિકલ અને ડિઝાઇનને મામલે માર્ગદર્શન આપી તેમના ઉત્પાદનોને આધુનિક સ્પર્શ આપે છે. તેઓ આ પરંપરાગત વણકરોને તેમના વપરાશકારો સાથે જોડી આપે છે. સોશ્યલ મિડિયા દ્વારા આ પંરપરાઓ બાબતે તેઓ જાગૃતિ ફેલાવે છે. ભૂતકાળ અને ભવિષ્યના સેતુ બની રહી તેઓ વણાટકામના કસબીઓને શાહી આશ્રય પુરો પાડે છે અને આ ઉત્તમ વણાટના વસ્ત્રો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહેરી રાધિકા રાજે તેમને એક પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પુરું પાડે છે. રાધિકા રાજે રંગોના કસબીઓ માટે વિવિધ રંગોની આભામાં ચમકવાનો પ્રેરણાસ્રોત બની રહ્યાં છે.
-વિનોદ પટેલ