બાળકોમાં ફેફસાંની બીમારી વધી રહી છે
- વાસ્તવમાં બાળકો માટે વ્યાયામ તથા રમતગમત માટે ખુલ્લી જગ્યાના અભાવને કારણે તેમ જ વાયુ પ્રદૂષણને કારણે બાળકોનાં ફેફસાંની ક્ષમતાને અસર પહોંચી રહી છે. શહેરોમાં તો સારાં ઘરનાં બાળકોનાં ફેફસાંની ક્ષમતા પણ કસોટીની એરણ પર પાર ઊતરી નથી.
થોડા વખત પહેલાં દેશનાં ચાર મોટાં શહેરોમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે ફક્ત સારી ખાણીપીણીથી જ સારું સ્વાસ્થ્ય હાંસલ કરી શકાય નહીં. સારી જીવનશૈલી પણ જોઈએ. આ મહાનગરોમાં ફેફસાંની બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. અસ્થમાથી પીડિત લોકોની સંખ્યા વધી રહી છે. ડાયાબિટિસ, હાઇ બ્લડપ્રેશર જેવી બીમારીઓથી વધુ સીઓપીડી એટલે કે ફેફસાં સંબંધી બીમારીઓ વધી રહી છે. શહેરોની હવા બગડતી રહી છે. આ ભયને સમયસર ઓળખવો ખૂબ આવશ્યક છે. મુંબઈની શાળાઓમાં તો દર ચોથો વિદ્યાર્થી ફેફસાંની બીમારીથી પીડાતો હોવાનો ચોંકાવનારો અહેવાલ છે.
વાસ્તવમાં બાળકો માટે વ્યાયામ તથા રમતગમત માટે ખુલ્લી જગ્યાના અભાવને કારણે તેમ જ વાયુ પ્રદૂષણને કારણે બાળકોનાં ફેફસાંની ક્ષમતાને અસર પહોંચી રહી છે. શહેરોમાં તો સારાં ઘરનાં બાળકોનાં ફેફસાંની ક્ષમતા પણ કસોટીની એરણ પર પાર ઊતરી નથી, પરંતુ એ કહેવું ઉચિત નહીં હોય કે આ સમસ્યા ફક્ત શહેરો પૂરતી સીમિત છે. ગામડાંમાં પણ આ સમસ્યાથી પુરુષોની સરખામણીમાં મહિલાઓ વધુ ઝઝૂમી રહી છે. ગામડાંમાં લાકડાં, ચૂલા, છાણાંનાં ઇંધણનાં કારણે ત્યાંની મહિલાઓ, બાળકોને મોટાં પ્રમાણમાં ઘરેલું પ્રદૂષણનો સામનો કરવો પડે છે જેની અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે.
ભારતનાં શહેરોમાં જેટલું જળ અને વાયુ પ્રદૂષણ છે, એટલું કદાચ દુનિયાનાં કોઈ શહેરોમાં નહીં હોય. બાળકોથી લઈ બધાએ દિનચર્યામાં વ્યાયામને સ્થાન આપવું જોઈએ. અહીં એ વાતની પણ નોંધ લેવી રહી કે આપણાં બાળકોમાં ફરવાની, દોડવાની કે પર્યટન પર જવાની આદત છૂટતી જાય છે. તેઓ પર ઇન્ડોર રમત હાવી થઈ ગઈ છે. તેઓ કૉમ્પ્યુટર કે ટીવી સામે કલાકોના કલાકો વ્યસ્ત રહેતાં હોય છે. બહાર નીકળી ખુલ્લી જગ્યામાં રમવા માટે બાળકોને વાલીઓએ કેળવવાં જોઈએ. આપણી પરંપરાગત રમતો- હુતુતુતુ, ગિલ્લીદંડા તથા ખો-ખો પર ભાર મૂકવો જોઈએ કારણ કે તેથી ફેફસાંનો સારો એવો વ્યાયામ મળે છે. આ ઉપરાંત બાળકોને જંક ફૂડથી પણ દૂર રાખવાં જોઈએ, નહીં તો ઊગતી કળીઓ અકાળે કરમાઈ જવાનો ભય રહે છે.
સામાજિક સ્તરે આ સંદર્ભમાં જનજાગૃતિની આવશ્યકતા છે, પરંતુ સરકારે પણ કાયદો બનાવી દસ વર્ષ જૂનાં વાહનોને રસ્તા પર દોડાવવાની પરવાનગી આપવી જોઈએ નહીં. મોટાં વાહનોને શહેરની હદમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આપણા દેશમાં વાહનોની સંખ્યા સતત વધી રહી છે, તેના પર રોક આવવી જોઈએ. વિદેશોમાં રસ્તા પર અલાયદી સાઇકલ ટ્રેક હોય છે. આપણા દેશમાં પણ આ સિસ્ટમ લાગુ કરવી જોઈએ, જેને લઈ સાઈકલનો ઉપયોગ કરવા ઇચ્છનારાને પ્રોત્સાહન મળશે. વિદેશમાં પર્યાવરણ સ્વચ્છ રાખવા પર ખૂબ ભાર મૂકવામાં આવતો હોય છે. માર્ગો ખૂબ પહોળા હોય છે, જેનાથી વાહનોની ગીચતા પણ ઘટે છે. હરિયાળી પર ભાર મૂકવામાં આવે છે, જેને લઈ પ્રદૂષણ ઓછું થાય છે અને જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરનારા માટે કડક સજાની જોગવાઈ હોય છે. ધૂમ્રપાન માટે અલગ ઝોન હોય છે. ભારતમાં પણ ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકવાની તાતી આવશ્યકતા છે. પહેલાં સીઓપીડી બીમારીઓ માટેની ઉંમર ૪૫ વર્ષ માનવામાં આવતી હતી, પરંતુ આજકાલ ૩૫ની થઈ ગઈ છે.