Get The App

લો-વેસ્ટ પેન્ટનાં વળતાં પાણી:'હાઈ-વેસ્ટ' ફરી ફેશનમાં

Updated: Oct 3rd, 2022


Google NewsGoogle News
લો-વેસ્ટ પેન્ટનાં વળતાં પાણી:'હાઈ-વેસ્ટ' ફરી ફેશનમાં 1 - image


- પાંસળીને અડતી આ પેન્ટ હવે ફેશનેબલ ગણાય છે

છેલ્લા  ઘણા સમયથી લો-વેસ્ટ જીન્સ કે ટ્રાઉઝર્સની ફેશન જોવા મળે છે. લો-વેસ્ટ પેન્ટને કારણે નાભિની નીચેના ભાગનો આકાર ઉપસી આવે છે અને નારીદેહ અત્યંત આકર્ષક દેખાય છે. પણ થોેભો, હવે આંતરરાષ્ટ્રીય ફેશન વિશ્વમાં 'હાઈ-વેસ્ટ' ટ્રાઉઝર્સની ફેશન ફરી શરૂ થઈ છે.  એટલે લો-વેસ્ટ જીન્સ ખરીદવામાં પૈસા વેડફવા નહિ.

૪૦'ના દાયકાની હોલિવૂડની ફિલ્મમાં અભિનેત્રી કેથરીન હેપબર્ન જે પ્રકારના ફિટિંગવાળા હાઈ-વેસ્ટ પેન્ટ પહેરતી હતી તે યાદ છે? હા, બિલ્કુલ તેવા જ એટલે કે કમર અને નિતંબના આકારને દર્શાવતા કમરથી થોડા ઉપર પહેરવામાં આવતા વી આકારના પેન્ટ. આંતરરાષ્ટ્રીય સ્ટાઈલ ગુરુઓ ફરી એકવખત હાઈ-વેસ્ટ પેન્ટની ફેશન લઈ આવ્યા છે. જિન્સ અને ટ્રાઉઝર્સ બનાવતી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડે આ ફેશનને અનુરૂપ વસ્ત્રોનું નિર્માણ કરવાનું શરૂ કરી દીધું છે. વળી હોલીવૂડમાં આ ટ્રેન્ડ ઝડપથી આગળ વધી રહ્યો છે. ક્રિસ્ટીના એગ્યુલેરા, મિશા બાર્ટન, લિન્ડસે લોહાન જેવી સેલિબ્રિટીઓ હાઈ-વેસ્ટ લુકમાં જ જોવા મળે છે.

કેટલાક ફેશન ડિઝાઈનરો હાઈવેસ્ટને 'હિપ વેસ્ટલાઈન' પણ કહે છે. હવે કમરની નીચેનો ભાગ કે નાભિ દર્શાવાને ફેશનેબલ ગણવામાં આવતું નથી.  નારીના ધડમાં કમરનું માપ એકદમ ઓછું હોય છે. અને હવે તે જ દર્શાવાની ફેશન જોર પકડી રહી છે. આથી હવે લાંબા અને ટાઈટ ફિટીંગના ડ્રેસ દ્વારા સુડોળ કાયાની સુંદરતા સહજતાથી ઉભરશે તેમાંય લાંબા પગ ધરાવતી માનુનીઓ તો હાઈ-વેસ્ટ  પેન્ટમાં અત્યંત સેક્સી દેખાય છે. છેલ્લા થોડા સમયથી શોર્ટ ડ્રેસ દ્વારા અંગપ્રદર્શન કરવાની જે ફેશન જોવા મળતી હતી તેના વળતા પાણી થયા છે. અને પેજ થ્રી સર્કલમાં પણ લાંબા અને ઘેરદાર ગાઉન કે ડ્રેસની ફેશન શરૂ થઈ છે.

હાઈવેસ્ટ પેન્ટ પર શર્ટની પેટર્નના ટોપ્સ સુંદર દેખાય છે. વળી ટોપ ઈન થયા પછી કમરની સુંદરતાને વધુ ઉજાગર કરવા બેલ્ટ પહેરવામાં આવે છે. હાઈવેસ્ટ પેન્ટથી પગ લાંબા દેખાય છે. થોેડા લુઝ ફિટિંગના બ્લાઉઝ અને સ્પિલેટો સાથે હાઈ-વેસ્ટ પેન્ટ પહેરેલી માનુની અત્યંત સુંદર દેખાય છે. સફેદ, બેઝ કે પેસ્ટલ રંગના લિનન, સિલ્ક-લિનન અને કોટનના હાઈ-વેસ્ટ પેન્ટ ખૂબ જ સુંદર દેખાય છે. જોકે આ પેન્ટની એક મર્યાદા એ છે કે તે પાતળી કમર ધરાવતી માનુની પર જ શોભે છે. એટલે આકર્ષક દેહયષ્ટિ ધરાવતી યુવતી જ હાઈ-વેસ્ટ પેન્ટની ફેશન અપનાવી શકે છે.

એક અગ્રણી ડિઝાઈનરના મતે હાઈ-વેસ્ટ પેન્ટ સાથે ટાઈટ ફિટીંગનું ટી-શર્ટ પણ સુંદર દેખાય છે. હાઈ-વેસ્ટ પેન્ટ અને શર્ટની ડિઝાઈનના શોર્ટ બ્લાઉઝ કોર્પોરેટ કંપનીમાં કામ કરતી માનુનીઓ માટે ઉત્તમ પરિધાન બની શકે છે. જોકે ભારે નિતંબ ધરાવતી યુવતીઓએ હાઈ-વેસ્ટ પેન્ટ પહેરવાનો અખતરો કરવો નહિ.

- અવન્તિકા

સ્ત્રીઓને અલગ લુક આપતી હાઇ-વેસ્ટ પેન્ટ

થોડાં સમય પહેલા કોલેજ જતી મોટાભાગની કન્યાઓ લો-વેસ્ટ જીન્સમાં જોવા મળતી. ડુંટીથી ખાસ્સી નીચે આવતી જીન્સ અને ટૂંકુ ટી-શર્ટ જાણે કે વીસીમાં રહેલી છોકરીઓ માટે ફરજિયાત બની ગયા હોય એવો તાલ જોવા મળતો હતો. પણ ઉઠતી-બેસતી વખતે આ પેટર્ન બૂમરેંગ પુરવાર થતાં મીડરીફ કે નાભિથી સહેજ નીચે આવતી જીન્સની ફેશન શરૂ થઈ હતી જે આજે પણ યાથાવત્ છે. સામાન્ય રીતે પેટ, કમર અને નિતંબનો ઘેરાવો વધુ હોય એવી યુવતીઓને આવી જીન્સ અને ટ્રાઉઝર બહુ સુવિધાજનક લાગે છે. પણ આજની તારીખમાં તેનાથી એકદમ વિરુદ્ધ કહી શકાય એવી છેક પાંસળીને અડે એટલી હાઈ-વેસ્ટ પેન્ટ પહેરવાની ફેશન શરૂ થઈ છે.

ફેશન ડિઝાઈનરો કહે છે કે ડુંટીથી સહેજ ઉપર આવતી જીન્સ કે ટ્રાઉઝર પહેરવાનું સહેલું છે. પણ છેક પાંસળી સુધી પહોંચે એટલી ઊંચી પેન્ટ પહેરવાનું ખાસ્સુ મુશ્કેલ છે. સૌથી પહેલા તો આવી પેન્ટ પહેરતી માનુનીના પેટ-કમર-નિતંબ પુષ્ટ હોય તે ન ચાલે. ઉપસેલું પેટ તો બિલકુલ જ ન ચાલે. પરંતુ જો તમારો બાંધો આકર્ષક હોય તો ફોર્મલ લુક માટે ડાર્ક કલરના શર્ટ સાથે બેઝિક પેન્ટ અને તેના ઉપર સરસ મઝાનું બેલ્ટ પહેરો. પરંતુ જો તેના ઉપર બ્લેઝર પહેરી લેવામાં આવે તો તેને કોર્પોરેટ લુક મળી જાય. બાકી કેઝ્યુઅલવેર તરીકે હાઈ-વેસ્ટ પેન્ટ પર તમે ચાહો એવી પ્રિન્ટના તેમ જ ઘેરા રંગના શર્ટ પહેરીને આકર્ષક દેખાઈ શકો. હા તમારા શર્ટના કલર ટ્રાઉઝર કરતાં તદ્દન વિરોધી હોવા જોઈએ જેથી હાઈ-વેસ્ટ સારી રીતે હાઈલાઈટ થઈ શકે.

આ પરિધાન સાથે ગળામાં સરસ મઝાનું નેકલેસ અને પગમાં પમ્પ્સ પહેરો.


Google NewsGoogle News