ઠંડીની ઋતુમાં પણ દેખાઓ ખૂબસુરત
- શિયાળામાં શી રીતે લેશો શુષ્ક ત્વચા-કેશની સારસંભાળ
શિયાળાની ફૂલગુલાબી ઠંડીની આગવી મઝા હોય છે. ગરમીના દિવસોમાં થતાં પરસેવાથી રાહત અને ચોમાસામાં ભીંજાઈ જવાના ડરથી મુક્ત કરતો શિયાળો આપણને ઝાઝો ગમે છે. પણ આ ઋતુમાં ત્વચા શુષ્ક થઈ જવાની સમસ્યા સૌને સતાવે છે. જોકે થોડી કાળજી રાખવામાં આવે તો ઠંડીની મોસમમાં પણ ત્વચા અને વાળને સુકા થતાં અટકાવી શકાય છે. નિષ્ણાતો તેના વિશે જાણકારી આપતાં કહે છે.
* ચહેરાને રોજ દિવસમાં બે વખત હળવા ફેસવૉશથી ધુઓ.
* તૈલીય ત્વચા માટે ઓઈલ ફ્રી અને સુકી ત્વચા માટે સૂધિંગ ક્લિન્ઝરનો ઉપયોગ કરો. જ્યારે સંવેદનશીલ ચામડી માટે એકને-ફાઈટીંગ ક્લિન્ઝર વાપરો.
* રાતના સુતી વખતે ચહેરો અચૂક સાફ કરો જેથી તેના રોમછિદ્રો પુરાઈ ન જાય.
* સાબુથી ત્વચા શુષ્ક થઈ જતી હોવાથી ભૂલેચૂકેય ચહેરા પર સાબુ ન લગાવો. ચહેરો ધોવા ફેસ વૉશ, દૂધ, દહીં અથવા બેસનનો વપરાશ કરો.
* સ્નાનથી પહેલા શરીર પર અને ચહેરા પર નાળિયેર અથવા જૈતુનના તેલથી હળવે હાથે માલીશ કરો જેથી નાહી લીધા પછી ત્વચા સુકી ન લાગે.
* સ્નાન કર્યા પછી પણ શરીર પર ઓઈલ બેઝ્ડ મોઈશ્ચરાઈઝર અથવા કોલ્ડ ક્રીમ લગાવો. આમ કરવાથી ચામડીની કુદરતી ભીનાશ જળવાઈ રહે છે.
* બેબી ઓઈલથી પણ ત્વચા મુલાયમ રહે છે.
* રાત્રે સૂતી વખતે શરીર પર ઓઈલી ક્રીમ અને ચહેરા પર નાઈટ ક્રીમ લગાવો. તેનાથી રાતભર ત્વચાને પોષણ મળે છે અને તેનું પુન:નિર્માણ થાય છે.
* ગ્લિસરીનમાં લીંબુ અને ગુલાબજળ ભેળવીને ગરદન તેમ જ હાથપગ પર લગાવો. આ મિશ્રણ કુદરતી મોઈશ્ચરાઈઝરનું કામ કરે છે.
* અતિશય ગરમ પાણીથી ન નહાઓ. તેનાથી ચામડીની પ્રાકૃતિક ભીનાશ ઓછી થઈ જાય છે. સ્નાન કરવા નવશેક પાણીનો વપરાશ કરો.
* રાત્રે સૂવાથી પહેલા નાભિમાં ઘી અથવા તેલ લગાવવાથી હોઠ ફાટતા નથી અને મુલાયમ રહે છે.
* શિયાળાના દિવસોમાં તરસ ઓછી લાગે છે તેથી પાણી ઓછું પીવાય છે. પરંતુ ચામડીને સુકી થતી અટકાવવા પૂરતું પાણી પીવું જરૂરી છે.
* ઠંડીની ઋતુમાં પણ દિવસ દરમિયાન બહાર જાઓ ત્યારે સનસ્ક્રીન લોશન લગાવવાનું ન ભૂલો. આ મોસમમાં ચહેરા પર પહેલાં મોઈશ્ચરાઈઝર લગાવો અને પછી સનસ્ક્રીન લગાવો.
શિયાળામાં ત્વચા પર લગાવવા માટે કેટલાંક પેક ઘરે પણ બનાવી શકાય છે. સુકી ત્વચા માટે ....
* બે ટેબલ સ્પૂન મધમાં બે ટી.સ્પૂન દૂધ ભેળવીને ચહેરા અને અને ગરદન પર ૧૦ મિનિટ લગાવી રાખો. ત્યારબાદ નવશેકા પાણીથી ગરદન-ચહેરા ધોઈ નાખો.
* એક ટી.સ્પૂન મધ, એક ટી.સ્પૂન તલનું તેલ અને પા ટી.સ્પૂનં લીંબુનો રસ મિક્સ કરી કોણી, હાથ, એડી જેવી વધારે સુકી થઈ જતી ત્વચા પર મસાજ કરો. ૧૦ મિનિટ પછી ધોઈ લો.
* પપૈયાનો ગર, મધ, વિટામીન 'ઈ' ની કેપ્સ્યુલ, દૂધની મલાઈ અને ગ્લિસરીનનું મિશ્રણ તૈયાર કરી ચહેરા અને ગરદન પર લગાવો. સુકાઈ જાય એટલે ધોઈ નાખો.
* ત્વચાને મુલાયમ રાખવા એક કપ ઉકાળેલા દૂધમાં અડધા લીંબુનો રસ અને એક ટી.સ્પૂન ગ્લિસરીન નાખો. સારી રીતે મિક્સ કરીને ચહેરા, ગરદન અને હાથ-પગ પર અડધા કલાક સુધી લગાવી રાખો. ત્યાર પછી નવશેકા પાણીથી ધોઈ લો.
* દહીં અને મધને સરખા ભાગે ભેળવીને ચહેરા પર ૨૦ મિનિટ લગાવી રાખો. જેમની ત્વચા ઠંડીની ઋતુમાં પણ ઓઈલી જ રહેતી હોય તેઓ બટાટાને ખમણીને તેમાં મુલતાની માટી તેમ જ લીંબુ નાખીને તૈયાર કરેલું મિશ્રણ ચહેરા પર લગાવી શકે છે. પેક સુકાઈ ગયા પછી ચહેરો ધોઈ નાખો. આ મિશ્રણથી ચામડી પરના મૃત કોષો દૂર થવાથી તાજગી અનુભવાય છે.
* ટામેટાના રસમાં બે થી ત્રણ ટીપાં લીંબુનો રસ નાખી આ મિશ્રણ ૧૫ મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો.
* કાકડીના રસમાં બે થી ત્રણ ટીપાં લીંબુ અને મુલ્તાની માટી નાખી પેક બનાવો. ચહેરા પર લગાવ્યા પછી સુકાઈ જાય એટલે ધોઈ નાખો.
* શિયાળાના દિવસોમાં પણ બપોરના સમયે વધારે સમય સુધી તડકામાં ફરવાથી ત્વચા કાળી પડી જાય તો ટામેટાનો રસ દિવસમાં બે વખત લગાવો. ટામેટામાં રહેલું વિટામીન 'સી' આ સમસ્યાનો અકસીર ઈલાજ છે. ટામેટાંના રસના સ્થાને સંતરાનો રસ પણ લગાવી શકાય.
* ચહેરા પરની મૃત ત્વચા દૂર કરવા જુવારનો લોટ અચ્છા સ્ક્રબની ગરજ સારે છે.
* ઠંડીની ઋતુમાં ચહેરા જેટલી જ કાળજી હાથ, પગ, હોઠ અને કેશની પણ કરવાની હોય છે.
* હાથને સુંવાળા રાખવા અઠવાડિયામાં એક વખત હર્બલ ઓઈલથી મસાજ કરો.
* જેટલી વાર હાથ ધુઓ એટલી વખત મોઈશ્ચરાઈઝર લગાવો.
* વ્હીટજર્મ ઓઈલમાં તમારી પસંદગીનું એસેંશિયલ ઓઈલ મિક્સ કરી હાથ પર લગાવો.
આ ઋતુમાં પગની એડીઓ સૌથી વધુ પ્રમાણમાં ફાટે છે. ઘણીવાર તેમાં ચીર પણ પડી જાય છે જે ખરાબ લાગે છે અને તેનાથી પીડા પણ થાય છે. આને માટે....
* પગને સારી રીતે સાબુથી ધોઈને ટુવાલ વડે કોરા કરી લો. પાલકને પાણીમાં ઉકાળીને ગાળી લો. આ પાણીમાં પગને થોડીવાર ડૂબાડી રાખો. પગ એકદમ સરસ થઈ જશે.
* મૃત ત્વચા દૂર કરવા ફૂટ સ્ક્રેપર અથવા પ્યૂમિક સ્ટોનનો ઉપયોગ કરો. બહારથી આવીને તરત પગને એકદમ સાફ કરી લો. ત્યારબાદ ગ્લિસરીન અને વેસેલીન સમાન માત્રામાં મિક્સ કરીને એડીં પર લગાવો.
* રાત્રે સૂતી વખતે કોટનના મોજાં પહેરી રાખો.
* કોણી અને ઘુંટણની સુકાઈ ગયેલી ત્વચાને મુલાયમ બનાવવા પાકા કેળાં છૂંદીને તેમાં સાકર નાખો. આ મિશ્રણ કોણી અને ઘુંટણ પર ધીમે ધીમે ઘસો. નિયમિતરૂપે આ પ્રયોગ કરવાથી કોણી અને ઘુંટણની ત્વચા મુલાયમ થઈ જશે.
* ઠંડીમાં ફાટી ગયેલા હોેઠને મુલાયમ રાખવા મધ, લીંબુનો રસ, જૈતુનનું તેલ અને ગ્લિસરીન સમાન ભાગે મિક્સ કરી રોજ અધર પર લગાવો.
* સ્ટ્રોબેરી, દૂધની મલાઈ અને મધને સમભાગે ભેળવીને હોઠ પર લગાવવાથી પણ ફાયદો થાય છે.
સુકા કેશની સમસ્યાથી મુક્તિ મેળવવા
* કેશ શેમ્પૂ કર્યા પછી અચૂક કંડિશનર લગાવો.
* માથાની ત્વચા પર એલોવેરા જ્યૂસથી માલીશ કરો. તેનાથી વાળની કુદરતી ભીનાશ પાછી ફરે છે.
* જૈતૂનના તેલને નવશેક ગરમ કરીને અઠવાડિયામાં બે વખત માલિશ કરવાથી આશ્ચર્યજનક પરિણામ મળે છે.
* વાળને વારંવાર ધોવાનું ટાળો.
* બહાર જાઓ ત્યારે માથા પર સ્કાર્ફ બાંધી રાખો જેથી ઠંડી હવાથી વાળનું રક્ષણ કરી શકાય.
* આ દિવસોમાં વાળ મહેંદી ન લગાવો.
* બેમોઢાળા કેશને ટ્રીમ કરી લો.
* વાળ ખુલ્લા ન રાખો.
* ઠંડીની ઋતુમાં બ્લો ડ્રાયર કે આયર્નનો ઉપયોગ ટાળો. જો કરવું જ હોય તો વાળને કંડિશન કર્યા પછી જ.
* વાળને એકદમ ગરમ નહીં પણ નવશેકા પાણીથી ધુઓ.
* કેશમાં વિનેગર લગાવી પંદર મિનિટ પછી ધોઈ નાખો. તેનાથી વાળ ચમકી ઉઠશે.