Get The App

એક દીવો પ્રગટાવી દે ને... .

Updated: Nov 14th, 2022


Google News
Google News
એક દીવો પ્રગટાવી દે ને...                       . 1 - image


- અંતર - રક્ષા શુક્લ

નવી તાજી હવાની મહેક 

સાંગોપાંગ મળશે તો !

સુગંધી આવરણનો કેફ 

સાંગોપાંગ મળશે તો !

હું અશ્મિભૂત અવશેષો સમું 

મારું જીવન લઈને,

હજી શોધુંં વિધિના લેખ 

સાંગોપાંગ મળશે તો !

વરાળી શ્વાસનું સ્મારક અને 

તારા જ હસ્તાક્ષર,

હવે એ ફેફસાંમાં છેક 

સાંગોપાંગ મળશે તો !

જટા, ધૂણી, ભભૂતિ, 

આગ, ચીપિયા કે કમંડળમાં

અમારા પ્રેમની અહાલેક 

સાંગોપાંગ મળશે તો !

જળાશયની પ્રતિષ્ઠા આંખમાં 

અકબંધ રાખીને,

જુઓ ભીનાશનો આલેખ 

સાંગોપાંગ મળશે તો !

                                    - સંજય પંડયા

દીવાળીના દિવસો હતા. એક કુંભારના વાડામાં ચાર કોડિયા અંદરોઅંદર વાત કરી રહ્યા હતા. 

પહેલું કોડિયું બોલ્યું, 'હું સુંદર ઘડો બનવા માગતું હતું પણ કુંભારે મને નાનું કોડિયું બનાવ્યું. હવે ક્યાંક ખૂણામાં બળ્યા કરીશ.'

બીજું કોડિયું બોલ્યું, 'હું મૂત બનવા માગતું હતું'

ત્રીજું કોડિયું બોલ્યું, 'મારા પણ નસીબ પણ ખરાબ જ છે. હું પૈસા રાખવાનો ગલ્લો બનવા માગતું હતું પણ હવે કોઈના દરવાજે મારે ટમટમવું પડશે.'

ચોથું કોડિયું બોલ્યું, 'આપણા શરીરનો આકાર કેવો બને એ આપણા હાથમાં નથી. પરંતુ આપણે જે પરિસ્થિતિમાં છીએ એમાં આપણું ઉત્તમ આપીએ. તહેવારના દિવસોમાં આપણે કેટલા બધા ઘરમાં અજવાળાં કરશું એ કંઈ નાનીસૂની વાત નથી.'

હજારો વર્ષ પહેલા સૂર્યપ્રકાશ સિવાય અજવાળાં માટેનો કોઈ વિકલ્પ માણસ પાસે ન હતો. એ કાળમાં સૂર્યાસ્ત થતા અંધકાર છવાતો અને લોકોને ઘરમાં કે બહાર સઘળી ક્રિયાઓ કે કામો બંધ કરવા પડતા. આથી કૃત્રિમ પ્રકાશ મેળવવા માણસે અલગ અલગ માર્ગ શોધ્યા તેમાંથી દીવાની શોધ થઈ. પ્રકાશ માટે અંધકાર જરૂરી છે. એટલે અંધકાર જેટલો ગાઢ એટલો પ્રકાશ વધુ તેજસ્વી. પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિ સાથે વણાયેલા દીવાનું મૂળ તાત્પર્ય મોટાભાગે અંધકારમાં ઉજાસ ફેલાવવાનું હતું. પરંતુ અગ્નિને પવિત્ર માની દૈવીભાવથી તેની પૂજા થતી હોવાથી, સભ્યતાના ઉદય સાથે દીવો ધામક પ્રક્રિયાનો એક અનિવાર્ય અને મહત્વનો હિસ્સો બન્યો જેનો પ્રકાશ જ્ઞાાન, સુખ, સમૃદ્ધિ, ઉર્જા, અર્ઘ્ય, હકારાત્મકતાનું પણ પ્રતીક છે. દીવાની શોધ પછી મશાલ, ફાનસ, ગેસના દીવા અને અન્ય માધ્યમો પણ આવ્યા જે પ્રકાશનો વિકલ્પ બની રહ્યા. વર્ષોે પહેલા  લોકો રાત્રીના સમયે મુસાફરીમાં પણ હાથમાં ફાનસ રાખતા હતા.

આપણા વડીલો દ્વારા ગોખમાં, ઓસરીની કોરે, પાણિયારે કે ઉંબર મૂકાતા દીવા આસપાસ કોઈને કોઈ રિવાજ કે માન્યતાઓ વણાયેલી હોય છે. મંદિરની ગોખમાં રહેલો, મંદમંદ અજવાળું રેલાવતો દીવો માણસને કોઈ નોખી જ ઉર્જાથી ભરી દે છે. એ ઈશ્વર તરફ વધુુ શ્રદ્ધાવાન બને છે અને મનુષ્ય અવતાર આપવા બદલ ઈશ્વર માટે વારંવાર કૃતજ્ઞાતા અનુભવે છે. દીવાની આવી અમૃતમય જ્યોતને નમસ્કાર કરતા પુરાણના મંત્રોથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. પુરાણમાં આ જયોતનો મહિમા કરતા લખાયું છે કે...

શુભં કરોતુ કલ્યાણમારોગ્યધનસંપદ। 

શત્રુ બુદ્ધિવિનાશાય દીપજ્યોતિ નમોસ્ત।।

દીપ જયોતિથ પરબ્રહ્મ 

દીપજ્યોતિ જનાર્દન: 

દીપો હરતુ મે પાપં દીપજ્યોતિ નમોસ્તુતે

શુભ અને કલ્યાણ કરનારી, આરોગ્ય અને ધન-સંપત્તિ આપનારી, શત્રુ બુદ્ધિનો વિનાશ કરનારી દીવાની જ્યોતિને નમસ્કાર છે. દીવાની જ્યોત જ બ્રહ્મા અને પરમેશ્વર છે. પાપનો નાશ કરનાર દીવાની જ્યોતને મારા નમસ્કાર. દીવાની આ જ્યોત આપણને મૌન ઓઢીને સત્કર્મોે કરવાનું શીખવાડે છે.  

દીવો માત્ર ઘી-તેલથી જ પ્રદીપ્ત હોય છે તેવું નથી. જગતમાં માણસાઈના, અનુભવના, પરોપકારના, સારપના, ત્યાગના કે સમજણના અનેક દીવાઓ સતત જલતા હોય છે જે અનેક જીવનને અજવાળતા હોય છે. આવા સઘળા મૂઠી ઊંચેરા માનવીઓને આપણે માણસાઈના દીવા કહી શકીએ. મેઘાણીએ રવિશંકર મહારાજને 'માણસાઈના દીવા'નું બિરુદ આપ્યું હતું. કારણ કે મહીકાંઠા વિસ્તારની ગુનેગાર ગણાતી કોમોના જીવનમાં રહેલી માણસાઈની મહત્તાને રવિશંકર મહારાજે સ્વાનુભવે મૂલવી જાણી હતી. તેમના એ અનુભવોની રસપ્રદ કથાઓ મહારાજના મુખે જ સાંભળીને તેનો ઉત્તમ સંચય મેઘાણીએ પોતાના નવલિકા સંગ્રહ 'માણસાઈના દીવા'માં કર્યોે છે. કાકાસાહેબ કાલેલકરે 'માણસાઈના દીવા'ને 'સંસ્કૃતિ સુધારનો કીમતી દસ્તાવેજ' ગણાવ્યો છે. અન્યમાં રહેલા સદગુણોને જોઈ શકનાર ગુણીજન એવા રવિશંકર મહારાજનો તો જીવનમંત્ર જ 'ઘસાઈને ઉજળા થઈએ' હતો.  

અમદાવાદમાં રહેતી કોઈ પણ વ્યક્તિ ભાગ્યે જ એવી હશે કે જે ડા. ભરત ભગતના નામ અને કામથી અજાણ હોય. 'હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન'ના સંસ્થાપક અને પ્રમુખ ડો ભરત ભગત સાચા અર્થમાં ભગત છે, સંત છે જે વિના મૂલ્યે પોલિયોથી પીડાતા બાળકોનાં ઓપરેશન કરી, કેલિપર આપી તેમને ચાલતા કરે છે. તેઓ બાળદર્દીઓને સારી શકિયા સાથે સારા શબ્દો, સાચી હુંફ અને નિથસ્વાર્થ પ્રેમ પણ આપી જાણે છે જે  દર્દી માટે અકસીર દવા બની જાય છે. ડા. ભગત માને છે દર્દીના માતા-પિતા, ભાઈ-બહેન કે વાલી બની બાળકને માત્ર પ્રેમ અને હિમ્મત આપી તેઓને આનંદમાં રાખવા જોઈએ. બીજાને આ વાત સામાન્ય લાગતી હશે પરંતુ તેમના માટે આ સારવારનું હૃદય છે.  

કોઈ એવું વિચારે કે આજના જમાનામાં ખબર કેમ પડે કે કોને ખરેખર રિયલ હેલ્પની જરૂર છે કે કોણ સાચી સહાનુભૂતિને લાયક છે. આવું શોધવા પણ ક્યાં જવું. તો એનો જવાબ એ જ કે માણસને તેના રોજ જીવાતા જીવનમાં એવા કેટલાયે જરૂરિયાતમંદોને મળતો હોય કે જેને તમારા હૂંફાળા શબ્દોની, થોડા પ્રેમની કે થોડી મદદની જરૂર હોય. પરોપકારનો દીવો પેટવવા તમારે ખાસ કોઈ તક કે મોકાની રાહ જોવાની જરૂર નથી હોતી. એવા અવસર આપણી સામે જ હોય છે. એના માટે વ્યક્તિમાં સાચી દાનત અને દૃષ્ટિ જોઈએ. કદીક કોઈને વણમાગ્યું આપી જુઓ. પછી તેના ચહેરા પર પ્રગટતી ખુશાલી જુઓ. તમારા સાતે કોઠે પરમ સંતોષના દીવા પ્રગટશે. એક બહેન તેમના ઘેર આવતા શાકવાળા, કપડાંવાળા કે કચરો લેવાવાળા જે કોઈ આવે તેને થોડી બદામ અને ઠંડુ પાણી આપતા. કેવી મનનીય વાત ! ૧૯મી સદીના તિબેટીયન માસ્ટર, સ્વપ્નદ્રષ્ટા સંત અને તિબેટીયન લામા સોગ્યાલ રિનપોચે કહે છે કે  "Light must come from inside. You cannot ask the darkness to leave; you must turn on the light.” જાણીતા ગઝલકાર હરદ્વાર ગોસ્વામી એટલે જ અંતરમાંથી સહજ પ્રગટતા પરહિતના એ દીવામાં તેલ પૂરતા કહે છે કે...

અમથા અમથા રાતે ફરતા, 

એક દીવો પ્રગટાવી દે ને.

અંધારાને કોસ્યા કરતા, 

એક દીવો પ્રગટાવી દે ને.

મદિરમાં તો ઝળાહળાંનાં ઝુમ્મર, 

ઉપર સૂરજ ચમકે,

એક ઝૂંપડા બાજુ સરતા, 

એક દીવો પ્રગટાવી દે ને.

બુદ્ધે આધ્યાત્મિક માર્ગદર્શન સાથે કુરિવાજોનો વિરોધ કરી મહાન સામાજિક ક્રાંતિ કરી હતી. તેમણે ઈશ્વરના અસ્તિત્વ વિશે તથા આત્મા-પરમાત્મા વિશે બહુ કશું કહ્યું નથી. તેના બદલે બુદ્ધે પ્રેમ, કરુણા, અહિંસા તથા મૈત્રી પર વધુુ ભાર મૂકયો. વળી તેમણે શિષ્યોને જીવનની અગત્યતાનો પાઠ  શીખવતા કહ્યું હતું કે 'અપ્પો દીપ્પો ભવ' અર્થાત તું જ તારો દીવો થા. એટલે કે માણસ જ્યારે  પોતીકી સમજણથી જીવશે, જાત બાળીને જો જગતને અજવાળશે ત્યારે તેની આસપાસના સઘળા અંધકારનાં થર આપોઆપ ઓગળવા માંડશે. જે પળે આપણી ભીતર દીવો પ્રગટે છે તે પળ શાશ્વત થઈ જતી હોય છે. આ જ વાતને કેન્દ્રમાં રાખીને કવિશ્રી ભોગીલાલ ગાંધી 'ઉપવાસી' તેમના અતિ સુંદર કાવ્યમાં લખે છે કે, 'તું તારા દિલનો દીવો થાને રે... ઓ ભાયા. આભના સૂરજ ચન્દ્ર ને તારા, મોટા મોટા તેજરાયાત આતમનો તારો દીવો પેટવવા, તું વિણ સર્વ પરાયા !'

ઈશ્વરે આપેલા આશીર્વાદ સમી દીકરી બે પરિવારને અજવાળતી દીવડી છે. સંસ્કારી દીકરી પોતાની સમજણ, ડહાપણ અને સદગુણોથી પિયર અને સાસરાના બંને પરિવારને જોડે છે, ઉજાળે છે અને સૌને સહૃદયી સુકૂન અર્પે છે. દીકરીની આવી સમજણમાં જતું કરવું, સૌને અનુકુળ થવું, ત્યાગ કરવો કે પરિવારના સૌ સભ્યો વચ્ચે મજબૂત કડી બનવું જેવી બધી જ બાબતોનો સમાવેશ થાય છે. તો દીવાનો એક અર્થ કુળદીપક એટલે કે કુળને યશ અપાવનાર પુત્ર એવો પણ થાય છે. જો કે આજે તો આવો પુત્ર શોધવા દીવો લઈને નીકળવું પડે. 

અનુભવ એ આપણા ભવિષ્યને અજવાળતો દીવો છે. જીવનમાં અનુભવેલા સારા-માઠાં પ્રસંગોએ પરિવારના વડીલોને કે કોઈ પણ વ્યક્તિને મોટી શીખ આપી હોય છે કે તેણે કેવા સમયમાં કેવું વર્તન કરવું, કેવા નિર્ણયો કરવા, ક્યાં, કોના પર, કેટલો ભરોસો કરવો કે ન કરવો કે જીવનમાં ક્યાં, કેટલો ખર્ચ વગેરે કરવા. અમેરિકન એટર્ની, રાજકારણી અને વક્તા પેટ્રિક હેનરી કહે છે કે  “I have but one lamp by which my feet are guided, and that is the lamp of experience.”  ઘણા અનુભવ અંગાર જેવા હોય છે જે માણસને દઝાડે. ત્યારે વડીલોની વાતોમાંથી માણસે આવા અનુભવોનો ધડો લેવો જોઈએ. ક્રોધ માણસનો સૌથી મોટો દુશ્મન છે જે માણસની બુદ્ધિના દીવાને ઓલવી નાખે છે. પરંતુ આપણા જીવતરને હંમેશા અજવાળતા, સત્યનો માર્ગ બતાવતા અને માર્ગદર્શક એવા ઉત્તમ પુસ્તકો સતત બળતા દીવડા જેવા છે જે ક્રોધ કે ઈર્ષા જેવા દુર્ગુણોનો નાશ કરે છે અને બુદ્ધિના એ બાપીકા દીવાને ઓલવાઈ જતા અટકાવે છે,આ દુનિયામાં દરેક વ્યક્તિ પોતાનું સુખ ઈચ્છે છે. આ દુનિયામાં કેટલાક એવા  વ્યક્તિવિશેષ પણ છે જે પોતાનું નુકસાન કર્યા પછી પણ બીજાનું ભલું કરે છે. આ ભાવનાનો ઉદય સમાજ અને દેશની પ્રગતિ તરફ દોરી જાય છે. કોરોનાના કપરા કાળમાં માનવતાના અનેક દીવડાઓ પ્રગટી ઉઠયા હતા. ડોક્ટર્સ, નર્સ, સફાઈ કામદારો, પોલીસ કે સામાજિક કાર્યકરો જેવા કોરોના વોરીયર્સે જીવના જોખમે એટલી નિષ્ઠા અને નિસ્વાર્થપણે સેવાનો દીપક જલતો રાખ્યો કે રમેશ પારેખે દીવાની મૂક સેવાને સલામ આપતા શબ્દો યાદ આવે કે...

જાત પ્રજાળીને ઝૂઝવાનું તેં રાખ્યું છે વ્રત,

હે દીવા ! તું ટકે ત્યાં સુધી ટકે દૃષ્ટિનું સત !

તું બુઝાય તે સાથ બુઝાઈ જાતી ચીજ તમામ

હે દીવા ! તને પ્રણામ...

કોરોના વાયરસ રૂપી અંધકારને મ્હાત આપવા-કરવા માટે તેની સામે કલ્યાણકારી પ્રકાશ પૂંજ પ્રજ્વલિત કરવા અને તેના દ્વારા સૌમાં આંતરિક ઊર્જા અને આધ્યાત્મિક દિવ્ય તાકાત પેદા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને એકીસાથે એક સમયે દીપપ્રાગટય માટે અપીલ કરી હતી. સમગ્ર દેશમાં પ્રચંડ પ્રતિસાદ સાથે લોકોએ એકજુટ થઈને 'સંઘે શક્તિ યુગે યુગે' ઉક્તિ સાબિત કરી પોતાના ઘરની બધી જ વીજળી ગુલ કરીને દીવાઓનો ઉજાસ ફેલાવ્યો હતો. 

ઇતિ

તમે સારા માણસ બનવાની ઈચ્છા રાખતા હો, તો તમે ખરાબ છો એમ સ્વીકારવાની શરૂઆત કરો...             

- એપિકટિટસ 

Tags :
Sahiyar-Magazine

Google News
Google News