અનુભવીઓની શીખ: પહેલો વેલેન્ટાઈન યાદગાર બનાવો
પ્રેમીઓ માને છે કે નજદીકીઓ અને એકાંતની પળો હંમેશા ઉત્કટ હોવી જોઈએ અને જો જીવનમાં અમુક પળો આ રીતે ન ગાળી હોય તો એ જીવનનો કશો અર્થ નથી. અનેક લોકો આ દિવસની ઉજવણી ખરા અર્થમાં કરે છે અને 'વેલેન્ટાઈન ડે' ને ખરા અર્થમાં સાર્થક કરે છે. કેટલાંક દંપતીઓની પ્રેમકહાણી અને એમના અનુભવો.
* રિત્વિક ધનજાની : આશા નેગી : રિત્વિક કહે છે કે એ લોકો બન્ને જ્યારે પહેલીવાર આ દિવસે મળ્યા ત્યારે એ ખૂબ ચિંતિંત અને નર્વસ હતો. તેઓ એક શૂટિંગના સેટ પરથી ઘરે ઓટોરિક્ક્ષા દ્વારા જઈ રહ્યાં હતાં. એ લગભગ નિ:શબ્દ હતો. પરંતુ વચ્ચે વચ્ચે બન્નેની આંખોનું તારામૈત્રક ઘણુ સૂચવી જતું હતું. બન્નેએ એ લાંબો સમય એકધારું એકબીજાની આંખમાં નિષ્પલક તાક્યા કર્યું ત્યારે એને લાગ્યું કે તીર નિશાને લાગી ગયું છે. એ દિવસે આખા દિવસના થકવી નાખનારા શૂટિંગ છતાં નેગી ખુબ જ સુંદર લાગતી હતી. નેગી કહે છે કે રિત્વિક એ વાતનું સદૈવ ધ્યાન રાખે છે કે મોમાંથી દુર્ગંધ ન આવે. આ બાબત એને સ્પર્શી ગઈ હતી. એનું માનવું છે કે તમે સંબંધમાં હો કે ન હો, એકબીજાને ખાનગી ખૂણે મળતા હો કે પાર્ટીમાં મહાલતા હો, તાજો અને સુગંધી ઉચ્છવાસ હંમેશા આવકારદાયક છે. એનું કહેવું છે કે કોઈ પણ સંબંધ તરોતાજા ત્યારે જ રહી શકે જ્યારે એની શરૂઆત દુર્ગંધ રહીત હોય. નેગી કહે છે કે 'વેલેન્ટાઈન ડે' ના દિવસે તમને કોઈ અન્ય પાત્ર ગમતુ હોય તો પહેલ કરવામાં રાહ ન જુઓ. રિત્વિકનું પણ આ બાબતમાં કંઈ ક આવું જ માનવું છે કે પહેલ કરવા માટે ઝાઝો વિચાર ન કરવો. રાહ ન જુઓ. રિત્વિકનું માનવું છે કે પહેલ કરવામાં રાહ ન જોવી અને તમારું ગમતીલું પાત્ર પહેલ કરે એ પહેલા તમે પ્રપોઝ કરી દો.
* ઈન્દ્રનીલ સેનગુપ્તા : બરખા બિશ્ત
બરખા કહે છે એ અને ઈન્દ્રનીલ એક શોમાં સાથે કામ કરી રહ્યાં હતાં. આ શોનો અંત આવ્યો એના થોડાંક દિવસો અગાઉ એ જાણતી હતી તે ઈન્દ્રનીલ એનો વેલેન્ટાઈન છે. જોકે ઈન્દ્રનીલ પણ એની સાથે 'ડેટ' પર જવા ઉત્સુક હતો એ પોતે મનોમન જાણતી હતી. આને કારણે એને માટે પ્રપોઝ કરવું બિલકુલ મુશ્કેલ ન હતું. ઈન્દ્રનીલ કહે છે કે એ પહેલા પ્રપોઝ કરવા ઈચ્છતો હતો. પરંતુ એ નકારથી ડરતો હોવાને કારણે એ ડરનો માર્યો મૂંગો રહ્યો હતો.
* રાકેશ વશિષ્ઠ : રિધ્ધી ડોગરા
રાકેશ આમ તો રિધ્ધીથી અગાઉથી પરિચીત હતો. પરંતુ એને ડર હતો કે એ રિધ્ધીને વેલેન્ટાઈન્સ ડેને દિવસે ડિનરની ઑફર કરશે તો સામાન્ય અને ઔપચારિક મૈત્રી પણ હાથમાંથી જશે. પરંતુ સદ્નસીબે આવંન ન થયું. રિધ્ધી કહે છે કે જે પણ કોઈ દિવસ રાકેશ એને ઓફર કરત એ દિવસ એના માટે વેલેન્ટાઈન હોત. જોકે સદ્નસીબે એ દિવસ એક્ચ્યુઅલ વેલેન્ટાઈન હોવાનો એને આનંદ છે. રિધ્ધી માને છે કે જો કોઈ પાત્ર મનગમતું હોય તો સંકોચ છોડીને તમારી લાગણીથી એને અવગત કરાવો.
* જય ભાનુશાળી
- ભાનુ વીજ : જય કહે છે કે એ જ્યારે ભાનુને પહેલી વાર મળ્યો ત્યારે જ એના પ્રેમમાં પડી ગયો. જય કહે છે કે એ બોલતા પહેલા લાંબો વિચાર નથી કરતો અને એટલે એણે તત્કાળ પ્રપોઝ મારી દીધું. જયનું માનવું છે કે પ્રથમ મુલાકાતમાં વસ્ત્રો આકર્ષક પણ ડીસન્ટ હોવા ઘટે. એ કહે છે કે એને ફાટેલાં જીન્સની ફેશનનો પણ વાંધો નથી. પરંતુ પ્રથમ મુલાકાતનું મહત્ત્વ અદકેરું હોય છે. અને એટલે શાલીનતાપૂર્વક પેશ આવવું ઉભયપક્ષે અત્યંત મહત્ત્વનું છે. માહીનું માનવું છે કે આજે અભિવ્યક્તિના અનેક માધ્યમો ઉપલબ્ધ છે અને આથી સંકોચ સખ્યાં વગર વિના વિલંબે પ્રપોઝ કરી દેવામાં શાણપણ છે.