Get The App

ટેન્શનમુક્ત રહેતા શીખો .

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
ટેન્શનમુક્ત રહેતા શીખો                                           . 1 - image


- ખોટી હાયવોય કરીને જીવનને નિરસ ન બનાવો

- નોકરી કરતી સ્ત્રીઓમાં માત્ર ૧૦ ટકા સ્ત્રીઓ એવી છે, જેને ઘરમાં સુખદ વાતાવરણ મળે છે. જેમને બહાર કામ કરીને ઘેર પાછા ફર્યા બાદ આરામનો અનુભવ થાય છે. એનો આધાર એ બાબત પર છે કે ઘરના અન્ય સભ્યો કામ પર જતી સ્ત્રીને કેટલો સહકાર આપે છે. અને સ્ત્રી કેટલું સામંજસ્ય સાધી તેમની  સાથે સંબંધો જાળવી રાખે છે.

માનસિક તાણનું બીજું નામ માનસિક થાક છે. આજના મુશ્કેલ અને સંઘર્ષભર્યા યુગમાં મોટાભાગના લોકો માનસિક તાણનો ભોગ બનતા હોય છે. માનસિક તાણ એ કોઈ પ્રકારનો શારીરિક રોેગ નહીં, પણ મસ્તિષ્ક પર પડતો વધારાનો બોજ છે.

દરેકને ઘર, બાળકો, ભવિષ્ય વગેરેની થોડી ઘણી ચિંતા તો હોય જ છે, કેમ કે જીવનમાં નાની-મોટી મુશ્કેલીઓ તો આવતી જ રહે છે, પરંતુ સંજોગોવશાત્ ઊભી થતી મુશ્કેલીઓનો શાંત ચિત્તે ઉકેલ લાવવાને બદલે એને મુસીબત માનીને મનમાં શંકા અને ચિંતા રાખવી, એના વિશે જ વિચારતાં રહેવું, પણ કોેઈ સંતોષકારક ઉપાય ન મળવો એ માનસિક તાણ કહેવાય છે.

નોકરી કરતી સ્ત્રીઓમાં માનસિક તાણ એકંદરે વધુ જોવા મળે છે. કેમ કે તેમને  દરરોજ વધારે સમય ઘરની બહાર રહેવું પડતું હોય છે. માનસિક અને શારીરિક વ્યસ્તતાને કારણે એમને આરામ કરવાનો સમય જ નથી મળતો. ઘર અને બહારનાં અનેક કાર્યોમાં ડૂબેલાં રહેવાને લીધે એમને બીજી વાતચીત કરવાનો મોકો નથી મળતો અને આમ માનસિક તાણની સ્થિતિ ઊભી થાય છે. પરિણામે ઘણી સ્ત્રીઓનો સ્વભાવ ક્રોધી અને ચીડીયો બની જાય છે. એનાથી બેચેની તેમ જ ઊંઘ ન આવવાની ફરિયાદ પણ ઊભી થતી હોય છે.

નોકરી કરતી સ્ત્રીઓમાં માત્ર ૧૦ ટકા સ્ત્રીઓ એવી છે, જેને ઘરમાં સુખદ વાતાવરણ મળે છે. જેમને બહાર કામ કરીને ઘેર પાછા ફર્યા બાદ આરામનો અનુભવ થાય છે. એનો આધાર એ બાબત પર છે કે ઘરના અન્ય સભ્યો કામ પર જતી સ્ત્રીને કેટલો સહકાર આપે છે. અને સ્ત્રી કેટલું સામંજસ્ય સાધી તેમની  સાથે સંબંધો જાળવી રાખે છે.

૯૦ ટકા વ્યવસાયિક સ્ત્રીઓ તાણગ્રસ્ત હોય છે, દરરોજ એમને ઘરમાંથી ફરિયાદ સાંભળવા મળે છે કે જમવાનું સમયસર નથી બનતું, ઘરમાં બધું અવ્યવસ્થિત રહે છે. પતિના શર્ટનું બટન તૂટી ગયું છે વગેરે. આવાં નાનાં નાનાં કામને સ્ત્રીઓ બોજ માની લે છે અને કામ પૂરું ન થતાં અકળાઈ જાય છે. એનું માથું ભમી જાય છે અને પરિણામે માનસિક તંગદિલી અનુભવે છે.

ઘણીવાર એવું બને છે કે, કેટલીક સ્ત્રીઓ તો પોતાનું માનસિક સમતોલન પણ ગુમાવી બેસે છે. આવી સ્ત્રીઓ જો સહેજ ગુસ્સો કરે કે જોરથી બોલે તો પણ તેમનું માથું દુઃખવા લાગે છે અને હૃદયના ધબકારા વધી જાય છે. ઘરમાં અશાંતિને કારણે બધો ગુસ્સો બાળકો પર ઉતરે છે કે વિનાકારણ આડોશી-પાડોશી સાથે ઝઘડો કરી બેસે છે. આ લક્ષણો આગળ વધતાં માંદગીનું સ્વરૂપ ધારણ કરે છે. થાક, અનિદ્રા, ગભરામણ, ચિંતા વગેરેને લીધે હતાશા, ન્યુરોથીનિયા (મજ્જાતંતુની નબળાઈ) વગેરે રોગ થાય છે. જેનો ઈલાજ ફક્ત મનોચિકિત્સક જ કરી શકે છે.

ેમાનસિક તાણ ઉત્પન્ન થવાનાં અનેક કારણો છે, જેમ કે બાળક અભ્યાસમાં  નબળું હોય, પતિ કે બાળકો દ્વારા નશીલા પદાર્થોનું સેવન, પૈસાની અછત, સંતાન ન થવું, અસાધ્ય માંદગી વગેરે. અંધવિશ્વાસભરી માન્યતાને કારણે પણ સ્ત્રીઓ માનસિક વ્યથાગ્રસ્ત રહેતી હોય છે.

તાણ  ગમે તે કારણસર ઉદ્ભવે પણ વધારે પડતા માનસિક બોજથી મુશ્કેલી ઊભી થાય જ છે, એનાં કારણે વ્યક્તિ જીવન પ્રત્યે ઉદાસીન બની જાય છે.  મનોમન દુઃખી રહે છે. કામ કરવાનો ઉત્સાહ અને ઉમંગ ધીમેધીમે ઘટતા જાય છે અને માનસિક થાક ઉત્પન્ન થાય છે. તાણ વધતાં વ્યક્તિને ક્યારેક શારીરીક થાક અને નબળાઈ પણ લાગે છે.

શારીરિક અને માનસિક રોગમાં ચોક્કસ અંતર છે. શારીરિક રોગનાં લક્ષણો એક સરખાં હોય છે, જ્યારે માનસિક રોગનાં લક્ષણો બદલાતાં રહે છે. જેમ કે થોડા દિવસ ઊંઘ ન આવવી, પછી ગભરામણ, હતાશા અનુભવવી અને  ચીડિયા થઈ જવું આ બધા લક્ષણો માનસિક તાણનાં છે.

નીચે લખેલા ઉપાયો અજમાવી જોવાથી માનસિક તાણમાંથી અવશ્ય બચી શકાશે ઃ

* રોજ સવારે કસરત કરો, જેથી આખો દિવસ કામ કરવામાં સ્ફૂર્તિ રહેશે.

જી  તમે ભલે ગૃહિણી હો કે નોકરી કરતી સ્ત્રી, દરેક કામને સમયસર ઝડપથી પૂરું કરવાની ટેવ પાડો. જેથી મનોરંજન અને આરામ માટે પણ થોડો સમય મળે.

ુ  પાંચ દિવસના અઠવાડિયા મુજબ કામ કરતી સ્ત્રીઓને શનિવાર અને રવિવાર એમ બે રજા મળતી હોય છે. એમાંથી એક દિવસ ઘરનું બધું કામ કરો અને એક દિવસ બાળકો સાથે હરવા-ફરવામાં આનંદથી પસાર કરવામાં ગાળો.

*  ઘરનું કામ પતાવીને થોડી વાર આરામ કરો. શરીરને થોડી વાર માટે એકદમ ઢીલું છોેડી દો. અને મનમાં કોઈ જાતનો વિચાર ન કરો. એનાથી માનસિક તાણ મહદ્અંશે ઓછી થઈ જશે. ઓફિસમાં રિસેસ સમયે ભોજન કર્યા પછી થોડીવાર માટે ખુરશી પર જ માથું પાછળ ટેકવી પગ લાંબા કરી આરામથી બેસો.

*  વધારે પડતી માનસિક તાણગ્રસ્ત સ્ત્રીઓ માટે ધ્યાનમુદ્રામાં થોડો સમય બેસવાથી લાભ થાય છે.

*  પ્રતિકૂળ પરિસ્થિતિઓને સહન કરતાં શીખવું જોઈએ. નાની વાતોને મોેટું સ્વરૂપ આપીને ખોટો વિવાદ કરવો યોગ્ય નથી. ક્રોધમાં જેમતેમ બોલી નાખવાથી પાછળથી પોતાને જ સહન કરવું પડે છે.

*  બહારથી આવ્યા હો અને માથું દુઃખતું હોય તો ચા પીને થોડીવાર આરામ કરવો જોઈએ. પગ થાકી ગયા હોય તો થોડીવાર પગને ઊંચે ટેકવી રાખીને  આરામ કરો, જેથી દુઃખાવો ઓછો થશે. મીઠાવાળા પાણીમાં પગ બોળી રાખવાથી પણ થાક ઊતરી જશે. થાકેલી આંખો પર ગુલાબજળનાં પોતાં મૂકી આરામ કરો. માત્ર દસ-પંદર મિનિટ પછી તમે બીજા કાર્યો કરવા માટે જરૂરી સ્ફૂર્તિ અનુભવી શકશો.

* ઘરમાં થતાં ઝઘડાની કે આર્થિક પરિસ્થિતિ વિશેની વાત ઘનિષ્ઠ કે વિશ્વાસુ વ્યક્તિને જ કહો. અન્યને કહેવાથી લોકો સહાનુભૂતિ દર્શાવવાને બદલે મજાક ઉડાવશે, પરિણામે વધારે માનસિક તાણ ઊભી થશે.

* જે કોઈ કામ કરો, તે રસપૂર્વક કરો. જ્યારે કામ કરવાનું જ છે તો અકળામણ શા માટે? દરેક કામ પ્રસન્નચિત્તે કરો. જીવનને ભારરૂપ ન માનો. ચિત્રકામ, ભરતકામ, સંગીત વગેરે કામમાં પણ રસ લેતાં શીખો.

*  અણગમતાં કાર્યો ન કરો, તેમ જ બાળકોને પણ તેમ કરવાની ફરજ ન પાડો. દા.ત. બાળકોની રુચિ કળા અને સાહિત્ય પ્રત્યે હોય અને તમે એને ડોેક્ટર બનાવવા માટે વિજ્ઞાાન વિષય લેવડાવો, તો બાળક આ અભ્યાસને બોજરૂપ માનશે અને નાપાસ થશે. પરિણામે બાળક અને મા-બાપ બંનેની માનસિક તાણ વધશે.

* અમુક કામ કરવાથી લોકો શું કહેશે એ વાતની ચિંતા છોડી દો. કોઈ કામ નાનું કે મોટું નથી હોતું.

આમ ખોટી માનસિક તાણને લીધે તમારું જીવન બોજરૂપ ન બનાવો. બને ત્યાં સુધી માનસિક તાણથી બચો. કારણ કે આ એક એવું ધીમું ઝેર છે જે ધીરે ધીરે શરીરમાં પ્રસરી ગયા પછી માણસને મૃતઃપ્રાય બનાવી દે છે.



Google NewsGoogle News