લક્ષ્મી પૂજન : ધનની દેવીની વરસમાં એકવાર તન-મન-ધનથી પૂજા કરવાનો અવસર
- લક્ષ્મી એક જગ્યાએ રોકાતી નથી. શુભ કાર્યોથી લક્ષ્મી પેદા થાય છે. કુશળતા અને હોશિયારીથી વધે છે અને ખર્ચમાં સંયમ કરવાથી એ સ્થિર રહી શકે છે. લક્ષ્મીની સુરક્ષા માટે અને એની વૃદ્ધિ માટે લક્ષ્મી પૂજા કરવામાં આવે છે.
હિન્દુ પુરાણો અને શાસ્ત્રો મુજબ લક્ષ્મી ધનની દેવી છે અને સાથે સાથે એ પણ કહ્યું છે કે લક્ષ્મી ખૂબ જ ચંચળ છે. એ ક્યારેય એક વ્યક્તિ પાસે ટકી રહેતી નથી. સદીઓથી ચાલી આવતી આ દુનિયામાં દરેક માણસની એવી ઈચ્છા હોય છે કે એની પાસે લક્ષ્મી હંમેશને માટે ટકી રહે. આ માટે એ લક્ષ્મીદેવીને રિઝવવા પોતાનાથી બનતું બધું જ કરી છૂટે છે. આસો સુદ અમાસની રાતે જ્યારે દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે ત્યારે લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે, કેમ કે એવું કહેવાય છે કે દિવાળીની રાતે લક્ષ્મી એક ખાસ હેતુથી આખીય દુનિયામાં ફરવા નીકળે છે અને જે ઘરમાં, જે જગ્યાએ અથવા તો જે મંદિરમાં પોતાની પૂજા, ઉપાસના અને સાધના થતી જુએ છે ત્યાં પોતાની કૃપા વરસાવતી જાય છે. એ પછી આખુંય વરસ એ જગ્યાએ લક્ષ્મીનો વાસ રહે છે.
દિવાળીના તહેવારોમાં લક્ષ્મીની પૂજાનું આ માન્યતાને કારણે જ ખૂબ મહત્ત્વ રહેલું છે. પૈસાદાર હોય કે ગરીબ દરેક લક્ષ્મીની પૂજા જરૂર કરે છે. લક્ષ્મીજીની કૃપા આખુંય વરસ એની ઉપર વરસતી રહે એ માટે અમીર હોય કે ગરીબ સહુ કોઈ પોતાનાથી બનતું બધું જ કરી છૂટવા તૈયાર હોય છે. જે ઘરમાં લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં પૈસા ઉપરાંત સુખ અને સમૃદ્ધિની રેલમછેલ રહે છે અને ચારે તરફ શાંતિ તથા આનંદ જોવા મળે છે. જો લક્ષ્મીદેવી કોઈક કારણસર નારાજ થઈ જાય તો ઘરમાંથી પૈસો તો જતો જ રહે છે પણ સાથે સાથે ઘરનું સુખચેન પણ છિનવાઈ જાય છે અને ઈર્ષ્યા, કલેશ, ઝઘડો, એકબીજા તરફનું મનદુ:ખ ઘર કરી જાય છે અને માણસ હેરાન થઈ જાય છે.
લક્ષ્મી એક જગ્યાએ રોકાતી નથી. શુભ કાર્યોથી લક્ષ્મી પેદા થાય છે. કુશળતા અને હોશિયારીથી વધે છે અને ખર્ચમાં સંયમ કરવાથી એ સ્થિર રહી શકે છે. પ્રાચીન ગ્રંથોમાં લક્ષ્મીને વિષ્ણુની પત્ની બતાવવામાં આવી છે. લક્ષ્મીનો જન્મ કેવી રીતે થયો એ વિશે અનેક લોકવાયકાઓ મશહૂર છે. લક્ષ્મીને પ્રજાપતિ દક્ષની દીકરી કહેવામાં આવી છે તો ક્યાંક એને ભૃગુની દીકરી તરીકે બતાવવામાં આવી છે. લક્ષ્મીના જન્મ વિશેની લોકકથાઓમાં સમુદ્રમંથનની લોકકથા ખૂબ જ મશહૂર છે. ભગવાન વિષ્ણુના આદેશ પર દેવ અને દાનવોએ ભેગા મળીને સમુદ્રમંથન કર્યું હતું. આ સમુદ્રમંથનમાં બીજી અનેક વસ્તુઓ સાથે લક્ષ્મીનો જન્મ થયો હતો. વિષ્ણુએ લક્ષ્મીને અર્ધાંગિનીના રૂપમાં સ્વીકારી હતી. ત્રેતાયુગમાં જ્યારે વિષ્ણુ રામના રૂપે પૃથ્વી પર જન્મ્યા ત્યારે લક્ષ્મીજી એમની સાથે સીતારૂપે પધાર્યા હતા અને દ્વાપરયુગમાં મહારાસના અવસરે કૃષ્ણની વામાંગી તરીકે લક્ષ્મીનો પુનર્જન્મ થયો હતો.
લક્ષ્મીને ચંચળ કહેવાય છે કે કારણ કે ભગવાન વિષ્ણુ સિવાય બીજું કોઈ લક્ષ્મીને કાબૂમાં રાખી શક્યું નથી. ગમે એવા સુરક્ષિત ભોંયરામાં દાટીને મૂકી રાખો તોય લક્ષ્મી જળવાઈ રહેતી નથી. એને જ્યારે પલાયન થવું હોય છે અથવા નાશ પામવું હોય છે ત્યારે ગમે તે રીતે સરકી જાય છે. લક્ષ્મીની સુરક્ષા માટે અને એની વૃદ્ધિ માટે લક્ષ્મી પૂજા કરવામાં આવે છે. યુગો યુગોેથી થતી લક્ષ્મીપૂજાના પ્રતીકમાં સમય સમય પર ફેરફાર થતા આવ્યા છે. પ્રાચીનકાળમાં લક્ષ્મી સાથે ઈન્દ્રની પૂજા કરવામાં આવતી હતી જ્યારે હાલમાં લક્ષ્મીસાથે ગણેશની પૂજા કરવામાં આવે છે. ગણેશજી શુભ-લાભનું પ્રતીક અને વિઘ્નહર્તા ગણાય છે એટલે એ ધન મેળવવામાં આડે આવતી બધી મુશ્કેલીઓને દૂર કરીને સમૃદ્ધિ લઈ આવે છે. લક્ષ્મી અને ગણેશની સહિયારી પૂજાથી ભૌતિક સમૃદ્ધિની સાથે આધ્યાત્મિક સમૃદ્ધિ આવે છે.
લક્ષ્મીની પૂજાની શરૂઆત થઈ ત્યારે શરદ પૂનમના દિવસે લક્ષ્મીની પૂજા થતી હતી. વરસાદની મોસમ પછી જ્યારે વેપાર-ધંધા શરૂ થતા હતા ત્યારે લક્ષ્મીની પૂજા થતી પણ પાછળથી દિવાળીના દિવસે પૂજા થવા લાગી જે પ્રથા આજ સુધી જળવાયેલી રહી છે. જો કે, બંગાળી લોકો આજે પણ શરદપૂનમના દિવસે જ લક્ષ્મીની પૂજા કરે છે.
લક્ષ્મીની પૂજા માટે જાતજાતના ચિત્રો અને મૂર્તિઓનો ઉપયોગ થાય છે. લક્ષ્મીની અનેક સ્વરૂપમાં પૂજા થાય છે. પત્નીના રૂપમાં ગૃહલક્ષ્મીની પૂજા, રાજાને મળનાર રાજ્ય લક્ષ્મીની પૂજા, ધન ધાન્ય રૂપમાં મળનારી ધનલક્ષ્મીની પૂજા, આ ઉપરાંત પશુ લક્ષ્મીની પૂજા, શ્રીલક્ષ્મીની પૂજા, સૌભાગ્યલક્ષ્મીની પૂજા, કીર્તિ લક્ષ્મીની પૂજા, અને યશ લક્ષ્મીની પૂજા જેવા અનેક સ્વરૂપમાં લક્ષ્મીની પૂજા થાય છે. એવું કહેવાય છે કે લક્ષ્મીને સાફસફાઈવાળી જગ્યા, સ્વચ્છતા અને સુંદર તથા સજાવેલી જગ્યાઓ ખૂબ જ પસંદ છે. આ ઉપરાંત ફૂલ અને અગરબત્તીની સુગંધને પણ એ ખૂબ જ પસંદ કરે છે. એટલે લક્ષ્મીની પૂજા કરતી વખતે આ બધી બાબતોનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. હવે તો વૈભવલક્ષ્મીની પૂજાનો પ્રભાવ પણ ઘણો વધ્યો છે.
દિવાળીના તહેવારોમાં લક્ષ્મી પૂજાની શરૂઆત ધનતેરસના દિવસથી થાય છે. આ દિવસે એક દીવો સળગાવીને લક્ષ્મીની પૂજાની શરૂઆત કરવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે ૧૪ દીવા સળગાવીને ધનલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને દિવાળીના દિવસે પણ લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. દિવાળીના તહેવારની જેમ જ લક્ષ્મીપૂજાના અવસરને પણ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. ઘણા ગામો અને શહેરોમાં લક્ષ્મીપૂજાના અવસરે મહિલાઓ સ્નાન વગેરે કરીને સાફ થઈને પૂજા માટે ચણાના લોટના મઠિયા અને નમકિન બનાવે છે. લક્ષ્મીજીને પહેરાવવા માટેના ઘરેણાં પણ ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે. આ ઘરેણાંઓને ઘી અથવા તેલમાં તળી દઈ દોરીમાં ભરાવી લક્ષ્મીજીને પહેરાવવામાં આવે છે. લક્ષ્મીનો સાજ-શણગાર થઈ જાય એ પછી ઘરના આંગણામાં લક્ષ્મીપૂજા શરૂ થાય છે. જે જગ્યાએ લક્ષ્મીની પૂજા થાય છે એ કાચી જગ્યા હોય તો એને ગોબર અને માટીથી લીંપવામાં આવે છે. કંકુ, ચોખા, હળદર, મરચાં અને ચૂનો જગ્યાએ જગ્યાએ છાંટવામાં આવે છે. રાજસ્થાનમાં તો દિવાળીના દિવસે જાતજાતના માંડવા બનાવવામાં આવે છે. દિવાળીના દિવસે લક્ષ્મીની માટીની મૂર્તિઓની પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે. માટીની મૂર્તિઓની પૂજાને પાર્થિવ પૂજન તરીકે પણ ઓળખવામાં આવે છે. પાર્થિવ પૂજન કરવાનું કારણ એ છે કે અમીર વ્યક્તિ તો ઠીક પણ ગરીબ માણસ પણ લક્ષ્મીની માટીની મૂર્તિ ઘરે બનાવી શકે છે અથવા તો એને ખરીદી શકે છે. એટલે અમીર હોય કે ગરીબ દરેકના ઘરમાં એક સરખી જ લક્ષ્મી પૂજા થાય છે. વળી, માટીની મૂર્તિ હોય તો એનું વિસર્જન કરવામાં પણ આસાની રહે છે. જો મૂર્તિ ધાતુની કે આરસપહાણની કે બીજી કોઈ વસ્તુની બનાવેલી હોય તો એનું વિસર્જન થઈ શકે નહીં. દિવાળીના દિવસે લક્ષ્મીપૂજા કરીને એનું વિસર્જન કરી નાખવું યોગ્ય માનવામાં આવે છે. જો મૂર્તિનું વિસર્જન નહિ થાય તો એને ઘર અથવા દુકાનમાં રાખવી પડશે અને દરરોજ વાર કે ઘડી ચૂક્યા વગર નિયમિતરૂપે એની પૂજા કરવી પડશે. આ ક્રમમાં સહેજપણ ચૂક થઈ તો અશુભ થઈ જશે. લક્ષ્મીદેવી રિસાઈ જશે અને તરત જ એ ઘર કે દુકાનમાંથી નીકળી જશે. આમ માટીની મૂર્તિઓનું પૂજા પછી વિસર્જન કરી નાખવાથી આવી કોઈ અશુભ ઘટના બનવાનો ડર રહેતો નથી. માણસ માત્ર ભૂલને પાત્ર હોવાથી કોઈપણ માણસ નિયમિતરૂપે એકધારી લક્ષ્મીપૂજા કરી શકતો નથી અને સહેજ ચૂક થઈ જવાની પૂરેપૂરી શક્યતા હોય છે.
ઘણા લોકો ગણેશ અને લક્ષ્મીની પૂજા સાથે સાથે કરે છે. જેમાં ગણેશને પુરુષદેવ અને લક્ષ્મીને નારીદેવી સમજીને ગણેશને જમણે અને લક્ષ્મીને ડાબે બેસાડે છે. મૂર્તિ સ્થાપનાની આ પધ્ધતિ તદ્ન ખોટી છે. ગણેશ અને લક્ષ્મી વચ્ચે મા-દીકરાનો સંબંધ હોવાથી હંમેશાં ગણેશની મૂર્તિને લક્ષ્મીની મૂર્તિથી ડાબે રાખવી જોઈએ. ઘણીવાર લક્ષ્મીપૂજામાં સામગ્રી ઓછી હોવાને કારણે બન્નેની મૂર્તિને એક જ કપડાં અને એક જ ફૂલમાળા ચઢાવવામાં આવે છે. આ પધ્ધતિ પણ ભૂલભરેલી છે. ઓછી સામગ્રીથી પૂજા કરવી ખોટું નથી, પણ ખોટી પધ્ધતિથી પૂજા કરવી ખોટી છે. દેવીદેવતાની મૂર્તિ સામે ભૂલથીય કડવા તેલનો દીવો નહિ રાખવો અને હંમેશાં દેશી ઘીનો દીવો પ્રગટાવવો. જો પૈસાની તકલીફ હોય તો મીઠા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ.
લક્ષ્મી પૂજામાં લાલ ફૂલોનો ઉપયોગ કરવો જોઈએ. લક્ષ્મીજીને કમળનું ફુલ ખૂબ જ પસંદ હોવાથી પૂજામાં કમળનું ફૂલ અચૂક રાખવું. મૂર્તિને સ્નાન આપવા માટે દૂધનો અથવા તો ગંગાજળનો ઉપયોગ કરવો જોઈએ. લક્ષ્મીપૂજામાં ધૂપ, દીપ, ફળ, પાન, સોપારી જેવી પૂજામાં હરહંમેશ વપરાતી વસ્તુઓ તો અચૂક રાખવી જોઈએ. લક્ષ્મીજીને કેસરનો પ્રસાદ ખૂબ જ પ્રિય છે અને ગણેશજીને બુંદીના લાડુ ખૂબ જ ભાવે છે એટલે પ્રસાદ તરીકે બન્ને વસ્તુ રાખવી સારી રહે છે. લક્ષ્મી પૂજામાં જો હવન કરવામાં આવે તો હવન હંમેશા ઊંચે ભડકતી અગ્નિમાં જ કરવો જોઈએ.
લક્ષ્મીપૂજા કર્યા પછી સહુથી છેલ્લે ક્ષમાપ્રાર્થના કરવી જોઈએ. આ પ્રાર્થના પૂજા કરવામાં જો કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો એની માફી માગવા માટે કરવામાં આવે છે લક્ષ્મીપૂજામાં લક્ષ્મીજીને જો વધુ રીઝવવા હોય કે ખુશ કરવા હોય તો કેટલાક ખાસ શ્લોક અને મંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. પણ આવા શ્લોક અને મંત્રોનો ઉપયોગ સાધક વ્યક્તિઓએ જ કરવો જોઈએ. બાકી સામાન્ય માણસોએ તો સાદી લક્ષ્મીપૂજાથી જ કામ ચલાવવું જોઈએ. સામાન્ય લક્ષ્મીપૂજા ઉપરાંત જો માણસ આખુંય વરસ ખૂબ મહેનત અને ખંતથી કામ કરશે અને ઈમાનદારીથી પોતાની ફરજ નિભાવશે તો હંમેશાં લક્ષ્મીદેવી પ્રસન્ન રહેશે અને બન્ને હાથોથી પોતાની કૃપાવર્ષા કરતી રહેશે. આ ઉપરાંત સત્કાર્યો કરવા પણ એટલા જ જરૂરી છે. સત્કાર્યો અને સદાચારથી લક્ષ્મીજી હંમેશા ખુશ રહે છે. આથી હે લક્ષ્મી ઈચ્છુકો! લક્ષ્મીપૂજાની સાથે સાથે આ બધી વસ્તુઓનું પણ ખાસ ધ્યાન રાખો!