પરફેક્ટ ફિગરનો અભાવ .
- સંકોચ રાખ્યા વિના કાયાની ઉણપ ઢાંકી દો
આજનો યુગ ભૌતિક સૌંદર્યનો છે. આજે લોકો આંતરિક સૌંદર્ય કરતા બાહ્ય સૌંદર્યને વિશેષ મહત્ત્વ આપે છે. પોતાની ખુબસુરતીને કલંકરૂપ ક્ષતિઓ દૂર કરવા નારીઓ જાતજાતના વિકલ્પો અજમાવે છે. કેટલાંક દાયદાઓ પૂર્વે 'નવા નાકે દિવાળી' એ માત્ર એક કલ્પના જ હતી જ્યારે આજે કોસ્મેટિક સર્જનોના પ્રતાપે આ કલ્પના એક હકીકતમાં ફેરવાઈ ગઈ છે. નાક ઉપરાંત શરીરના વિવિધ અંગોને પણ આપણો મનપસંદ ઘાટ આપી શકાય છે. પરંતુ આ માટે સારાં એવા પૈસા ખર્ચવા પડે છે જે સામાન્ય આવક ધરાવતા લોકોને પરવડતા નથી. આ મોંઘા વિકલ્પો માત્ર શ્રીમંત લોકોને જ પરવડી શકે છે.
પરંતુ સામાન્ય લોકોએ વસ્ત્રો કે વ્યાયામ દ્વારા પોતાના અંગની બદસુરતી ઢાંકવાના પ્રયાસ કરવા પડે છે. થોડી- ઘણી હોશિયારીથી કામ લેવામાં આવે તો આ કામ ઘણું આસાન છે.
નિતંબ અને કમર ફરતે ફેલાયેલા મેદના થરથી પરેશાન થનાર નારીઓની સંખ્યા ઘણી છે. નિતંબને સુડોળ બનાવવા માટે ઊઠ- બેસ શ્રેષ્ઠ વ્યાયામ છે એ વાત જગજાહેર છે. આ વ્યાયામ નિયમિત કરવાથી નિતંબ અને કમર ફરતે વીંટળાયેલા ચરબીના થર તમારો પીછો છોડી દેશે એ એક હકીકત છે. બીજો એક સહેલો ઉપાય પણ છે. સમય મળે ત્યારે તમારા બંને હાથ કમરથી નીચે રાખી જોરથી દબાવવાનો પ્રયાસ કરો. આ સરળ વ્યાયામ કોઈને નજરે ચઢશે નહીં પરંતુ તમારું આ અંગ સુડોળ થશે અને તમે જીન્સ પહેરી બહાર નીકળશો ત્યારે સૌની નજર ત્યાં પડશે ખરી.
નિતંબ ઉપરાંત સ્તનના કદને કારણે પણ ઘણી નારીઓ પરેશાની અનુભવે છે. આમ પણ પોતાના કુદરતી સૌંદર્યથી સંતોષ ધરાવતી નારી મળવી મુશ્કેલ છે. દરેકને પારકે ભાણેજ મોટો લાડવો દેખાય છે. ખેર, મૂળ વાત પર પાછા ફરીએ તો સ્તનનું સૌંદર્ય વધારવા માટે યોગ્ય સાઈઝની બ્રા પહેરવી જરૂરી છે. સારી બ્રા પાછળ પૈસા ખર્ચવાથી નિરાશ થવાનો વારો આવશે નહીં એ વાત લખી રાખજો. સામાન્ય રીતે બ્રેસ્ટ ટીશ્યુ ચરબીયુક્ત હોય છે. કોઈપણ પ્રકારનો વ્યાયામ તમારા સ્તનનું કદ બદલી શકે તેમ નથી. પરંતુ નિયમિત રીતે પુશ- અપ કરવાથી ફાયદો જરૂર થશે. ટોનિંગને કારણે મોટા સ્તન ફર્મ થશે તેમજ અલ્પઉરોજ થોડી ઘણી ક્લિવેજ જરૂર પ્રાપ્ત કરશે.
અંડરવેરને કારણે નિતંબની ત્વચા પર મોઈશ્ચરની અસર થાય છે. આ કારણે નિતંબ પર લાલ ચકામા જોવા મળે છે. આ સમસ્યાથી છૂટવા માટે સ્નાન પછી શરીર ખાસ કરીને નિતંબને કોરા કરી ત્યાં પાવડર છાંટો.
તમારી કોણીની જેમ તમારા ઉરોજની ત્વચામાં પણ તૈલી ગ્રંથિ નહીંવત્ છે. આ કારણે અહીંની ત્વચા ઝડપથી શુષ્ક બની જાય છે. ત્વચા સૂકી ન થાય એ માટે લેનોલિન ધરાવતું બોડી લોશન નિયમિત વાપરવું જરૂરી છે. આ ઉપાય અજમાવ્યા પછી ઉરોજ પર સ્ટ્રેચ માર્ક થવાનો ડર રહેતો નથી. સ્ટ્રેચ માર્ક પડયા જ હોય તો પણ ગભરાવાની જરૂર નથી. રોજ જ મોઈશ્ચરાઈઝર વાપરવાથી આ માર્ક હળવા બની જશે. દર સપ્તાહે એકવાર શરીરને ઘસી ઘસીને લૂંછી ત્વચાના મૃત કોષો દૂર કરવાનો પ્રયાસ કરો. આ માટે તમે મધ્યમ સોફટ નેચરલ બ્રિસ્ટલ બ્રશ અથવા ટેરી ક્લોથનો ટુવાલ વાપરી શકો છો. પગની આંગળીઓથી ઉપરની તરફ શરીર લૂંછતા જાવ. આમ કરવાથી રૂધિરાભ્રમણને પણ વેગ મળશે, ચરબી ઓગળી જશે અને નિતંબ પર પડેલા ડાઘા પણ દૂર થશે. શરીર કોરું કર્યા પછી ત્વચા પર મોઈશ્ચરાઈઝર લગાડો. આ કારણે ત્વચા તેની કોમળતા અને તાજગી જાળવી રાખશે.
તમારા અંગોની ઉણપ ઢાંકવાનો શ્રેષ્ઠ અને હાથવગો ઉપાય હાસ્ય છે. તમારો હસમુખો ચહેરો લોકોને તમારી આ ક્ષતિઓ ભૂલાવી દેશે. તમારા સ્મિત ભર્યા ચહેરા પર સ્થિર થયેલી નજર ત્યાંથી હટશે જ નહીં એ વાત ધ્યાનમાં રાખજો. હા, તમારી અંગમુદ્રા પણ તમારા સૌંદર્યના નિખાર માટે મહત્ત્વની છે. ખભા સીધા રાખી પેટ અંદર રાખી ટટ્ટાર ચાલો. ખરાબ અંગમુદ્રા સારા ફીગરને પણ ખરાબ બનાવે છે અને ધ્યાનમાં રહે સામે ચાલીને તમારી ક્ષતિઓ લોકોને જણાવો નહીં. તેમની સમક્ષ તમે આ વાતના રોદણાં રડયા કરશો તો તેમની નજર ત્યાં ખેંચાયા વગર નહીં રહે. આમ પણ લોકો પોતાનામાં જ એટલા મગ્ન હોય છે કે બીજાની ઉણપો જોવાનો તેમની પાસે સમય જ ક્યાં છે. તમારા નેગેટીવ પોઈન્ટ જોઈને હતાશ થવાને બદલે પ્લસ પોઈન્ટથી ખુશ થવાની આદત પાડો. તમારા અંગેની ઊણપ ઢાંકવામાં તમારા વસ્ત્રો પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. આથી વસ્ત્રોની પસંદગી પણ સમજી વિચારીને જ કરો. 'યુ' અને 'વી' ગળાના ડ્રેસ ઊરોજનું કદ નાનું હોવાના આભાસ કરાવે છે જ્યારે ટર્ટલ નેક પહેરવાથી નાના સ્તનો મોટા લાગશે.
એ લાઈન, રેપ અરાઉન્ડ, પ્લીટેડ સ્કર્ટ, મોટા નિતંબ ઢાંકવામાં ઉપયોગી થશે. જ્યારે 'ગેધર્ડ અને સ્ટ્રેઈટ સ્કર્ટ નાના નિતંબ ધરાવતી યુવતીઓ પર શોભાશે. તમારા નિતંબ બેડોળ હોય તો તમારે ચેક્સ ફલોરલ અને હળવા રંગના ટોપ્સ પહેરવા જોઈએ. કાળા રંગનો પોશાક સ્લીમ હોવાનો આભાસ પેદા કરે છે. ચોકર નેકલેસ ભારેખમ કાયાનો જ્યારે લાંબા નેકલેસ લાંબુ અને પાતળું ફીગર હોવાનો આભાસ ઉત્પન્ન કરશે. એ જ પ્રમાણે સ્થૂળ નારીઓએ ઉભી રેખાવાળી ડિઝાઈનના વસ્ત્રો પસંદ કરવા જ્યારે આડી રેખાઓવાળી ડિઝાઈનથી તેમણે દૂર રહેવું.
- નીપા