ચુંબન : પવિત્ર પ્રેમની નિશાની કે રોમાંસની તકવાદી ચેષ્ટા
- સંસારના લગભગ પ્રત્યેક ધર્મે એકવાર તો ચુંબન પ્રત્યે નફરત બતાવેલ છે. રોમનોએ ઇજીપ્ત સર કર્યું ત્યારથી ઇજીપ્તમાં પણ ચુંબનની મનાઇ પ્રવર્તે છે. પશ્ચિમના દેશોમાં ચુંબન ચા પીવા જેટલું સાહજિક છે. જ્યારે આપણે ત્યાં ચુંબનને પવિત્ર પ્રેમની નિશાની ગણવામાં આવે છે. જેના હક્ક માત્ર યુગલોને એકબીજા માટે જ હોય છે. અને તેથી જ આપણા પ્રેમમાંનું ચુંબન એક પ્રણય-પૂજા છે નહીં કે રોમાંસનું તકલાદી સાધન.
પ્રેમવૃક્ષનું અમૃતફળ એ ચુંબન મનાય છે અને તોય દુનિયાના ઘણા દેશોમાં ચુંબનને રોમાંચિત તો મનાય છે પણ તેની તરફ સમાજની નજર નફરતભરી હોય છે. જો કે સમાજના ઘણાય સદસ્યોને તેનો રસાસ્વાદ થયેલ હોય છે !
તમને જાણીને કદાચ નવાઇ લાગશે કે જાપાની ભાષામાં ચુંબન માટે કાંઇ ખાસ શબ્દ જ નથી. બીજા વિશ્વયુદ્ધ બાદ જાપાન ખાતેના અમેરિકન લશ્કરના સંપર્કને કારણે જુવાન જાપાનીઓમાં ચુંબને પગપેસારો તો કર્યો સાથેસાથે અંગ્રેજી શબ્દ 'કિસ'નો અપભ્રંશ 'ક્રેઝ' અથવા 'કાઝ' જાપાનમાં થયો પણ આ શબ્દ જાપાનના મુખ્ય શહેર સુધી જ સીમિત રહ્યો.
યુદ્ધમાં હાર્યા ત્યાં સુધી જાપાનીઓ અમેરિકાથી આવતી પ્રત્યેક ફિલ્મમાંથી ચુંબનનું દ્રશ્ય કાપી નાખતા હતા. આવી ફિલ્મની પટ્ટીઓ 'અનિતીના સંગ્રહસ્થાન' નામની વખારમાં રાખવામાં આવતી. અમેરિકનોએ યુદ્ધ બાદ તપાસ કરી તો લગભગ ૩૦૦ ટન ફિલ્મની પટ્ટીઓ મળી હતી.
નાસિકા ચુંબન
બોનિસ્લો માલિનોવ્સકી એના પ્રસિદ્ધ પુસ્તક 'ધ સેક્સયુલ લાઇફ ઓફ સેવેજીઝ' (જંંગલી લોકોનું જાતીયજીવન !)માં જણાવે છે કે, પશ્ચિમ પેસિફિકમાં આવેલા ટ્રાંબ્રાયન ટાપુઓમાં વસતાઆદિવાસીઓ ચુંબન કરવાને સ્થાને નાક સાથે નાક કે ગાલ સાથે ગાલ ઘસે છે.
'નાસિકા ચુંબન' ન્યુઝીલેન્ડના માઓરી ટાપુઓ, એસ્કિમો લોકો અને મલાયનવાસીઓમાં પણ પ્રચલિત છે. નાક સાથે નાક ઘસવાનું ચુંબન 'મલાયન ચુંબન' તરીકે પણ ઓળખાય છે.
આફ્રિકા તેમજ દક્ષિણ અમેરિકામાં ચુંબન અજ્ઞાાત રહ્યું છે કારણ કે, ત્યાંની જાતિઓના રીતરિવાજોે તેને દેખીતું જ અશક્ય બનાવી દે છે. આફ્રિકાની બેચુઆનાની 'બુશ' જાતિની યુવતીઓનાં દાંત પાડી નાખવાનો અને હોઠં સોંસરવા ધારદાર સળિયા ભેરવવાનો રિવાજ છે. તો બોલીવિયાની માકોકોલો યુવતીઓ ફક્ત હોંઠ સોસરવા સળિયા જ ભેરવતી નથી, પણ તે સાથે ધાતુના ચગદાઓ પણ લટકાવે છે.
સંસારના લગભગ પ્રત્યેક ધર્મે એકવાર તો ચુંબન પ્રત્યે નફરત બતાવેલ છે. રોમનોએ ઇજીપ્ત સર કર્યું ત્યારથી ઇજીપ્તમાં પણ ચુંબનની મનાઇ પ્રવર્તે છે. અરે ! જાહેરમાં તો પોતાની પત્નીને પણ ચુંબન કરનારની પોલીસ ધરપકડ કરી શકે છે. મારા ખ્યાલ મુજબ ભારતમાં પણ આવી મનાઇ છે.
અમેરિકામાં પણ ચુંબનની એક પ્રકારની મનાઇ છે. હવે તો ફિલ્મમાં ચુંબન વીસ સેકન્ડથી લાંબુ ચાલે તો અમેરિકનો સહન કરી શકતા નથી. તેથી હાલમાં કાયદા દ્વારા ચુંબનનું પણ નિયમન કરવામાં આવેલ છે.
ફ્રાન્સમાં નાટક-મંચ પરની અભિનેત્રીઓને ખાસ કાયદા દ્વારા ચુંબન સામે રક્ષણ આપવામાં આવ્યું છે કે જો કોઇ અભિનેતા અભિનેત્રી કે દિગ્દર્શકની રજા વગર તેને ચુંબન કરે તો તે વ્યક્તિ દંડ અન ેજેલની સજાન ેપાત્ર ઠરે છે.
ચીનમાં ચુંબન
ચીનાઓના રીતરિવાજો પર બે હજાર વર્ષોથી શાસન ચલાવતી તેમની આચારસંહિતા 'લી-કી'માં ચુંબનનું મહત્વ તો શું પણ તેનો નામોલ્લેખ પણ નથી, તેટલી હદે ચુંબન તેમને માટે અજાણ્યું હતું.
યુરોપિયનોના સંસર્ગથી આખરે ચુંબન તેમને માટે જાણીતું થયું. ત્યારબાદ તોચુંબનને એક સામાજિક ગુનો ગણવામાં આવતુ ંહતું.
અરે ! ઓગણીસમી સદીના પ્રારંભમાં ચીનમાં એક ફરમાન બહાર પાડવામાં આવેલ તેમાં જણાવ્યું હતું કે, ચુંબનના ગુનાપાત્ર બનેલા પુરુષોની જીભ જ ખેંચી લેવામાં આવશે અને સ્ત્રીઓના હોઠ જ સીવી દેવામાં આવશે !
ભારે ફી
ચીનાઓના ચુંબન તરફના અણગમાના પુરાવા લેખે ઓલિવર કેનમોર એના 'ટ્રાવેલ્સ ઇન ધ ઓરિયેન્ટ' (પૂર્વની સફરો) નામના પુસ્તકમાં આ વાત જણાવે છે. તે આગળ જણાવે છે કે, ત્યાંની કેટલીક વેશ્યાઓ પશ્ચિમની વિચિત્ર ચુંબનકળાની પોતે નિષ્ણાત હોવાનો દાવો કરતી અને એવા એક નમૂનાના ચુંબનની ભારી ફી પડાવતી હતી.
વહેમ
ચુંબનની મનાઇ માટેનું વિચિત્ર કારણ હિમાલય પ્રદેશની લેપ્ચા કોમે પુરું પાડયું છે. આ લેપ્ચા લોકો માને છે કે જો કોઇ પુરુષ સ્ત્રીના મોંઢામાં મોઢું મૂકે તો સ્ત્રી એ પુરુષનું પુરુષત્વ ચૂસી લે અને તેના બદલામાં તેનું સ્ત્રીત્વ અર્પણ કરે ! વળી લેપ્ચા કોમના પુરુષોને તેની ખાતરી પણ છે કે જરાક પણ તક મળતા સ્ત્રીઓ આમ કર્યા વગર રહે જ નહીં !
આપણા ભારતમાં મોટા મોટા શહેરોમાં પશ્ચિમી દુનિયાની જેમ ચુંબનનો ફેલાવો થયો છે. જો કે, મધ્યયુગ બાદ તેનો પ્રચાર પશ્ચિમી સંસ્કૃતિને આભારી છે. આમ તો ચુંબનનું ઊદ્ભવસ્થાન ભારત જ મનાય છે. જાતીયજીવનની વિવિધ વાતોની છણાવટમાં વાત્સ્યાયન મુનિએ ચુંબનને પણ મહત્વ આપ્યું છે જ.
આમ છતાંય ભારતમાં ઘણીય જગ્યાએ ચુંબનને અણગમા તેમજ અવગણનાની નજરે જ જોવામાં આવે છે. એક પાદરી એનો અનુભવ ટાંકતા કહે છે કે, પોતે જો જાહેરમાં પોતાની પત્નીને ચુંબન લે તો તે જોઇને આજુબાજુના ભારતીયો જાણે જાહેરમાં જાતીય ક્રિડા કરતો હોય તેવા ભડકી ઊઠયા હતા.
આજકાલ ચીન-જાપાનમાં ચુંબન બિભત્સ ગણાય છે. જ્યારે અમેરિકા અને ઇંગ્લેન્ડમાં ચુંબને અભિવાદન પ્રથામાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
વિક્રમ
ઓસ્ટ્રેલિયાના પરથ શહેરમાં બે તરૂણ યુગલોએ ચુંબનનો એક નવો જ વિક્રમ સ્થાપ્યો છે. આ યુગલોએ એકબીજાના હોઠ પર ૨૪ કલાક સુધી પકડ જમાવી રાખી હતી અને અગાઉનો ૧૮ કલાકનો વિક્રમ તોડી નાખ્યો હતો !
સેલ્સમેનશીપ
વિયેના શહેરમાં માત્ર સ્ત્રીઓ માટેનાં એક ફેશન હાઉસના માલિકોએ ભારે પગાર આપીને કાર્લ નામના વિખ્યાત અભિનેતાને નોકરીએ રાખેલ. શા માટે ખબર છે ? જેમ આપણે ત્યાં અમુક રૂપિયાની ખરીદી પર ભેટ અપાય છે તેમ વિયેનામાં આ ફેશન હાઉસમાં અમુક રૂપિયાની ખરીદી પર કાર્લનું ગાઢ ચુંબન સ્ત્રીઓને મળતું !તમે માનશો ! આ ફેશન હાઉસની આવકમાં ત્રણસો ટકાનો વધારો થયો હતો !
તો ડુરાન્ગો નગરના એક સિનેમા હોલમાં પ્રેક્ષકોની હાજરી ઓછી રહેતી હતી. તેથી સિનેમા હોલના મેનેજરે જાહેરાત કરી કે પુરુષ પ્રેક્ષકોને ડોરકીપર યુવતી મફત ચુંબન આપશે. પછી તો થિયેટર પર 'હાઉસફૂલ'નું પાટિયું જ લટકતું રહ્યું.
ગમે તેમ હોય એક વાત તો નોંધવા જેવી જ છે કે, પશ્ચિમના દેશોમાં ચુંબન ચા પીવા જેટલું સાહજિક છે. જ્યારે આપણે ત્યાં ચુંબનને પવિત્ર પ્રેમની નિશાની ગણવામાં આવે છે. જેના હક્ક માત્ર યુગલોને એકબીજા માટે જ હોય છે. અને તેથી જ આપણા પ્રેમમાંનું ચુંબન એક પ્રણય-પૂજા છે નહીં કે રોમાંસનું તકલાદી સાધન.