ચોક્કસ રીતે શ્વાસ લેવાની ટેવ પાડીને રાખો તન-મન હળવાંફૂલ
જ્યારે આપણને કોઇપણ વસ્તુ બહુ આસાનીથી મળી જાય ત્યારે આપણે તેને બહુ હળવાશથી લઇએ છીએ, તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ઊણા ઉતરીએ છીએ. વગર માગ્યે મળેલી વસ્તુની કિંમત નથી થતી. આવું જ કાંઇક આપણે આપણા શ્વાસ સાથે કરીએ છીએ.ઇશ્વરે માનવીના શરીરને નિરંતર પ્રાણવાયુ પૂરો પાડવા શ્વસન પ્રક્રિયા આપી છે જ ે આપોઆપ ચાલતી રહે છે. આપણને દરેક પળે શ્વાસ લેવાનો પ્રયાસ નથી કરવો પડતો. અને આ શ્વાસોચ્છવાસની પ્રક્રિયાથી જ આપણું જીવન ચાલતું રહે છે. પરંતુ શું તમે જાણો છો કે ચોક્કસ પ્રકારે, ખાસ કરીને ઊંડા શ્વાસ લેવાથી આપણા શરીરને પ્રાણવાયુનો અનેકગણો લાભ મળે છે.
ડૉ. હંસા જે. યોગેન્દ્ર જણાવે છે કે હઠયોગ પ્રદીપિકામાં કહેવામાં આવ્યું છે...'ચલેવાતેચલંચિત્તંનિશ્ચલેનિશ્ચલંભવેત્', એટલે કે જેમ શ્વાસ ચાલે છે તેમ મન પણ ચાલે છે. જ્યારે એક સ્થિર થઇ જાય ત્યારે બીજું પણ સ્થિર થઇ જાય છે. શ્વાસ શરીર અને મન વચ્ચેના ે સેતૂ છે.તે ભાવનાઓને સંતુલિત કરીને ઉશ્કેરાટને અંકુશમાં રાખવામાં મદદ કરે છે.( તેથી જ કોઇ વ્યક્તિ ગભરાઇ કે ઉશ્કેરાઇ જાય ત્યારે તેને ઊંડા ઊંડા શ્વાસ લેવાનું કહેવામાં આવે છે.)અને એ રીતે શરીર અને મન વચ્ચે સમન્વય સાધે છે.
તેઓ વધુમાં કહે છે કે ભારતીય દર્શનમાં તેને 'પ્રાણ' કહેવાય છે. યોગ ઇન્સ્ટિટયુટમાં ૧૦૦ વર્ષથી પણ પહેલા યોગેન્દ્રજીએ 'પ્રાણ'ને બાયોએનર્જી કહી હતી. તેમણે જ સૌપ્રથમ વખત પરંપરાગત પ્રાણાયમ (શ્વાસ નિયંત્રણ ટેકનિકો)ને સામાન્ય લોકોને અનુરૂપ બનાવ્યાં હતાં.કહેવાનો અર્થ એ છે કે તેમણે શ્વાસ લેવા માટેની કેટલીક સરળ પધ્ધતિઓ શોધી કાઢી જેથી સામાન્ય લોકો પણ તેઆસાનીથી કરી શકે.યોગેન્દ્ર પ્રાણાયમના નામે ઓળખાતી ેઘણી પધ્ધતિઓ આપણને ઊંડા શ્વાસ લેવામાં મદદ કરે છે. તેઓ આમાંની કેટલી ટેકનિક વિશે જાણકારી આપતાં એમ પણ કહે છે કે તેનો પ્રયોગ કરવાથી પહેલા અમુક સાવધાની રાખવી આવશ્યક છે. જેમ કે જેમને હાઇ બ્લડ પ્રેશર,હૃદયને લગતી કે શ્વસન સંબંધિત કોઇ સમસ્યા હોય અથવા જે ડિપ્રેશનમાં હોય તેણે શ્વાસ રોકવાની પ્રક્રિયા ન કરવી.
પ્રાણાયમ-૧ :
* ખભાને હળવા રાખીને ટટ્ટાર બેસો અથવા ઊભા રહો. જો ઊભા રહો તો બંને પગ વચ્ચે થોડી જગ્યા રાખો.
* હવે નજરને આગળ તરફ એક જગ્યાએ સ્થિર કરો.
* શ્વાસ લેવાનું શરૂ કરીને ત્રણ સુધી ગણો.
* શ્વાસ છોડવાનું શરૂ કરીને ત્રણ સુધી ગણો.
* શ્વાસ રોકો નહીં.
* શ્વાસોચ્છવાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ધીમે ધીમે શ્વાસ લેવાનું અને મૂકવાનું જારી રાખો.
* આ રીતે ચારથી પાંચ રાઉન્ડ અભ્યાસ કરો.
* પ્રેક્ટિસ વધારવા સાથે ક્ષમતા અથવા આરામના આધારે શ્વાસોચ્છવાસનો અનુપાત ૪.૪ કે પછી ૫.૫ સુધી વધારી શકાય.
પ્રાણયમ-૨ :
* ઊંધા સુઇને ઘૂંટણ વાળો.દરમિયાન તમારા પગ નિતંબની નિકટ હોવા જોઇએ.
* ઘૂંટણ અને પગને એકબીજાની નજીક રાખો.
* એક હાથ નાભિ પર અને બીજો હાથ બાજુ પર રાખો.
* તમે ચાહો તો આંખો બંધ રાખો.
* પેટ બહારની તરફ આવે એ રીતે પાંચ ગણવા સાથે ધીમે ધીમે શ્વાસ લો.
* પેટ અંદર તરફ ધકેલાય તે રીતે પાંચ ગણવા સાથે ધીમે ધીમે શ્વાસ છોડો.
* શ્વાસ લેવા-મૂકવાની ગણતરી એકસમાન રાખો અને શ્વાસ રોકો નહીં.
* લગભગ પાંચથી ૧૦ વખત આ પધ્ધતિની પ્રેક્ટિસ કરો.
પ્રાણાયમ-૩ :
* કોઇપણ ધ્યાન મુદ્રામાં ટટ્ટાર બેસો.
* હાથ ઘૂંટણ પર રાખો અને હથેળીઓ નીચે તરફ.
* આંખો બંધ રાખો અથવા નજરને આગળની તરફ એક બિંદુ પર સ્થિર કરો.
* સામાન્ય રીતે શ્વાસ લો.
* શ્વાસને ધીમે-ધીમે છોડો.ે જ્યાં સુધી એમ ન લાગે કે અંદરની બધી હવા બહાર નીકળી ગઇ છે ત્યાં સુધી શ્વાસ છોડો.
* પેટ અંદર તરફ ખેંચો અને પાંચ સેકંડ માટે હાલ્યાચાલ્યા વિના સ્થિર સ્થિતિમાં રહો.
* આગામી શ્વાસ લેવાથી પહેલા પેટને આરામ આપો.
* દર એક પછી બીજી વખત આ પ્રયોગ કરો તેની વચ્ચે બે વાર સામાન્ય રીતે શ્વાસ લો.
* આ પ્રેક્ટિસ ચારથી પાંચ વખત કરો.
પ્રાણાયમ-૪:
* કોઇપણ ધ્યાન મુદ્રામાં ટટ્ટાર બેસી જાઓ.
* હાથ ઘૂંટણ પર રાખો અને હથેળીઓ નીચે તરફ.
* આંખો બંધ રાખો અથવા સામેની તરફ એક બિન્દુ પર સ્થિર કરો.
* થોડીવાર સુધી શ્વાસ છોડયા પછી ધીમે ધીમે પૂર્ણ શ્વાસ લો.શ્વાસ લેવાની અવધિને ધ્યાનમાં રાખી લો.
* શ્વાસ લેવાની અવધિ બમણી કરવા શ્વાસને અંદર તરફ રોકી રાખો.હા,ક્ષમતાથી વધુ વાર સુધીશ્વાસ રોકવાનો પ્રયાસ ન કરવો.
* સામાન્ય સ્વરૂપે શ્વાસ છોડો.
* ફરીથી આ પધ્ધતિથી શ્વાસ લેવાથી પહેલા થોડો સામાન્ય શ્વાસ લો.
આ રીતે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા કરવાથી એકાગ્રતા વધે છે,મન અને શરીરની સ્થિરતામાં વૃધ્ધિ થાય છે,તન-મનની શુધ્ધિ થાય છે,ઊર્જા પ્રવાહના માર્ગો શુધ્ધ થાય છે, મગજ શાંત રહે છે અને વિચારો સ્પષ્ટ બને છે.
- વૈશાલી ઠક્કર