આહારમાં લીલોતરી અપનાવી રહો કુલ.. કુલ..
- સ્વાસ્થ્ય અને સુંદરતાને જાળવી રાખવા માટે જરૂરી છે લીલા શાકભાજી અને સેલડ..
આજની વ્યસ્ત જિંદગીમાં સ્વયંને ફિટ રાખવી ખૂબ જરૂરી છે, પરંતુ શું આપણે ખરેખર ફિટ રહેવા માટે કોઈ ઉપાય કરીએ છીએ? કદાચ ના. ભારતમાં મહિલાઓના સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો આંકડા પરથી સ્પષ્ટ જણાય છે કે આંગળીના વેઢે ગણાય તેટલી મહિલાઓ ખરેખર હેલ્થ અથવા ફિટનેસ જેવા મુદ્દાને લઈને સચેત છે. જો ભારતમાં મહિલાઓની સ્થૂળતાના આંકડા પર એક નજર નાખીએ તો અત્યારે લગભગ ૧૬ ટકા મહિલાઓ સ્થૂળતાથી પીડાય છે.
ભારતીય માહોલમાં મહિલાઓ ભલે ગૃહિણી હોય કે વ્યવસાયી ખાવામાં ખૂબ ઓછું ધ્યાન આપે છે. તેનો અર્થ એ બિલકુલ નથી કે તેઓ ખોરાક લેવામાં બેદરકારી દાખવે છે, બલકે તેઓ ખોરાકનાં સાત્ત્વિક ગુણો તરફ આંખ આડા કાન કરે છે. દિવસભરમાં જે કંઈ પણ મળે, જેવું પણ મળે તેઓ ખાઈ લે છે. તેનાથી એ થાય છે કે સ્થૂળતા અને શરીર સાથે જોડાયેલી અન્ય સમસ્યાઓ તેમને ઘેરી વળે છે. ભારતમાં લગભગ ૫૦ ટકા મહિલાઓ જરૂરી પોષક તત્ત્વોની ઊણપથી પીડાઈ રહી છે, જેનું એકમાત્ર કારણ છે રોજિંદા ખોરાકમાં સમતોલ આહારની ઊણપ.
તે પછી સ્થૂળતા અને અન્ય બીમારીઓ સામે લડવા માટે મહિલાઓ ડાયટિંગ કરવા લાગે છે. આજે ફિટનેસ સેન્ટર અથવા હેલ્થ ક્લબ ખૂબ ચાલી રહ્યા છે, પરંતુ અહીં એક પ્રશ્ન, જે સૌથી મહત્ત્વનો છે કે શું ડાયટિંગ અથવા ઓછો ખોરાક ફિટનેસ માટે પૂરતો છે? હકીકતમાં મુદ્દો એ નથી કે તમે કેટલું ખાઈ રહ્યા છો, બલકે એ છે કે તમે શું ખાઈ રહ્યા છો.
આજે દરેક જગ્યાએ શાકાહાર અથવા ગ્રીન ડાયટ પર વધારે ભાર મુકાઈ રહ્યો છે. દેશીવિદેશી સેલિબ્રિટિઝ પણ હવે માંસાહાર છોડીને શાકાહાર અપનાવવા લાગ્યા છે. ડોક્ટર પણ માને છે કે લીલા શાકભાજીને જુદી જુદી રીતે ઉપયોગમાં લઈ શકાય છે. તેમાં સેલડથી માંડી ફૂડ આઈટમ સુધીમાં કોઈપણ રીતે બનાવી શકાય. જ્યારે ભારતમાં ખોરાકમાં અનાજનો વધારે ઉપયોગ કરવામાં આવે છે.
પરંતુ સંશોધન પરથી જાણવા મળ્યું છ કે પાંદડાંવાળા અને લીલા શાકભાજીનું ડાયટ મહિલાઓ માટે ઘણું અક્સીર પુરવાર થાય છે. જાણીતા ન્યૂટ્રિશનિસ્ટ ડો. શિખા શર્મા કહે છે કે જો મહિલાઓ ખરેખર ફિટ રહેવા ઇચ્છતી હોય તો લીલા શાકભાજી પર વધારે ધ્યાન આપવું જોઈએ. તેમની પાસે જે મહિલાઓ આવે છે તેઓ માત્ર બાહ્ય સુંદરતા પર જ ધ્યાન આપે છે. કોઈ પણ મહિલા આંતરિક ફિટનેસ કે હેલ્ધિ લિવિંગની વાત નથી કરતી. મહિલાઓ રોજિંદા ખોરાકમાં કાપ મૂકવાને કે ડાયટિંગને જ હેલ્ધિ હોવાનું માધ્યમ માની લે છે. જ્યારે આ માન્યતા બિલકુલ ખોટી છે. માત્ર પાતળા દેખાવું જ ફિટનેસની વ્યાખ્યા નથી. બલકે આંતરિક ફિટનેસ પણ ખૂબ જરૂરી છે.
જો ગ્રીન ડાયટિંગની વાત કરીએ તો આ ડાયટિંગથી વધારે અક્સીર અને ઉત્તમ વિકલ્પ છે. તેમાં તમારી પાસે ઘણી એવી ફૂડ આઈટમ છે, જેનો ઉપયોગ કરીને તમે રોજિંદા ખોરાકને હેલ્ધિ અને ટેસ્ટી બનાવી શકો છો. શાકભાજીમાં ફુલેવર, બ્રોકલી, ગાજર, ટમેટાં, બાફેલા લીલા વટાણા, પાલક વગેરેનો ઉપયોગ કરી શકાય છે. જો સવારતી શરૂ કરીએ તો તમે નાસ્તા સમયે શાકભાજીનો જ્યૂસ લઈ શકો છો. તેમાં ટમેટાં, બીટ, ગાજર, આદુંનો જ્યૂસ ખાસ લઈ શકાય છે. તેમાં મીઠું, કાળું મીઠું અથવા અજમાને પણ સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.
બપોરના સમયે સૂપમાં અથવા સેલડની જેમ શાકભાજીને ખાઈ શકાય છે. જો સૂપ લઈ રહ્યા હો તો કોર્ન, પાલક, ટમેટાં કે મિક્સ વેજિટેબલ સૂપ ઘણો પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. તે ધીમેધીમે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
જો સેલડની જેમ લીલા શાકભાજીને ઉપયોગમાં લેવા ઇચ્છતા હો તો ઘણા પ્રકારના શાકભાજીને મિક્સ કરીને સેલડ બનાવી શકો છો. તેમાં બ્રોકલી, પાલક, ટમેટં, ડુંગળી, લીલી ડુંગળી, ફ્લેવર, કોથમીર, સિમલા મરચા જેવા શાકભાજીનો ઉપયોગ કરી શકાય છે. સેલડમાં ઓલિવ ઓઈલ, ક્રીમ, સરકો અથવા મસ્ટર્ડ સોસનો ઉપયોગ સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે.
મોટાભાગે સાંભળવા મળે છે કે શાકભાજીને કાચા જ ખાવા જોઈએ, તેમને બાફવાથી તેના પૌષ્ટિક ગુણો નાશ પામે છે. જો શાકભાજીને કાચા જ ખાવા ઇચ્છતા હો, તો તેને પાણીથી બરાબર સાફ જરૂર કરી લો જેથી તે બેક્ટેરિયા મુક્ત થઈ જાય.
લીલા શાકભાજીનું ડાયટ તમને ફિટ રાખવામાં મદદરૂપ તો થશે જ, બલકે તેના ઉપયોગથી કેટલીય બીમારીઓ સામે પણ લડી શકાય છે.
ડો. શિખા જણાવે છે કે ફાઈબર આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. દરરોજ ૧૦થી ૧૫ ગ્રામ ફાઈબરની માત્રા શરીર માટે ખૂબ જરૂરી છે. લીલા શાકભાજીમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. તેનો યોગ્ય માત્રા કેન્સરથી પણ બચાવે છે. તે સિવાય લીલા શાકભાજીમાં ઘણા પ્રકારના વિટામિન પણ હોય છે. તે પણ પુરવાર થયું છે કે લીલા શાકભાજીમાંથી ફોલિક એસિડ અથવા ફોલેટ જેવા વિટામિન મળે છે, જે શરીરમાં રેડ બ્લડ સેલ બનાવવામાં સહાયક છે, સાથે જ ડિપ્રેશન જેવા જોખમથી પણ છુટકારો અપાવે છે.
પ્રસિદ્ધ હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. કે. કે. અગ્રવાલ જણાવે છે કે બધા પ્રકારના લીલા અને રેસાવાળા શાકભાજી રોજિંદા ઉપયોગમાં લેવાથી શરીરમાં તાજગી જળવાઈ રહે છે. તે સાથે તે ડાયટિંગનો ઉત્તમ વિકલ્પ છે. મહિલાઓના સ્વાસ્થ્ય માટે તે ખૂબ જરૂરી છે.
બ્રિસ્ટલ યુનિવર્સિટીના વૈજ્ઞાાનિકો દ્વારા મેળવેલા આંકડા પણ કહે છે કે રોજિંદા લીલા શાકભાજીને ખોરાકમાં ઉપયોગમાં લેતી મહિલાઓનો ચહેરો ગુલાબી થઈ જાય છે અને અનોખી ચમક આવી જાય છે. એટલું જ નહીં તેનાથી તે આકર્ષક પણ દેખાય છે.
તે સાથે જ લીલા શાકભાજી એન્ટિઓક્સિડન્ટનો એક ઉત્તમ વિકલ્પ પણ છે. એન્ટિઓક્સિડન્ટ આપણા શરીરને રોગ સામે લડવાની શક્તિ આપે છે. ગ્રીન ડાયટની ખાસિયત હોય છે કે તેનાથી ન તો ચરબી એટલે કે ફેટ વધે છે અને કોલેસ્ટેરોલ. આ બંને કંટ્રોલમાં રહેવાથી સ્થૂળતા હજારો ગાઉ દૂર રહે છે અને હૃદયની બીમારી પણ નથી થતી. તે સિવાય લીલા શાકભાજીનો રોજિંદા ઉપયોગથી મહિલાઓમાં કેલ્શિયમની કમી પણ દૂર કરી શકાય છે. લીલા પાંદડાંયુક્ત શાકભાજીના ઉપયોગથી બોન ફેક્ચર થવાનું જોખમ ૪૫ ટકા સુધી ઘટાડી શકાય છે. એટલું જ નહીં, ગ્રીન ડાયટથી સ્કિન અને વાળને પણ ભરપૂર પોષણ મલે છે.
જે મહિલાઓ કોઈ પ્રકારનો ડાયટ પ્લાન કે જિમ નિયમિત ન ફોલો કરી શકતી હોય તેમના માટે ડો. શિખા જણાવે છે કે ખોરાકમાં લીલા શાકભાજી વધારે લેવાથી પણ હેલ્ધિ લાઈફ મળી શકે છે. તેમના માટે સૌથી જરૂરી છે ખોરાકમાં ખાંડનું પ્રમાણ ઘટાડવું અને તળેલી ચીજવસ્તુઓને વધારે પ્રમાણમાં ન લેવી કે અઠવાડિયામાં એક વાર લેવી. તે સિવાય મહિલાઓએ થોડા થોડા સમયના અંતરે કંઈ ને કંઈ જરૂર ખાતા રહેવું જોઈએ, પરંતુ તેમાં તેમણે હેલ્ધિ ચીજો જ લેવી. બને છે એવું કે જ્યારે તમે લાંબા સમય સુધી ભૂખ્યા રહો છો તો ખાતી વખતે એકસાથે ઘણું બધું ખાઈ લો છો, જેનાથી શરીરમાં સ્થૂળતા માટેનો માર્ગ ખૂલી જાય છે. તે સિવાય મહિલાઓએ યોગના વ્યાયામ પણ જરૂર કરવા જોઈએ. તેનાથી તેમના શરીરમાં બીમારીનું જોખમ ઘટી જાય છે.
ડો. કે. કે. અગ્રવાલનું કહેવું છે કે ખાંડ, ચોખા અને મેંદામાંથી બનેલી ચીજવસ્તુઓ ખાવાનું ટાળો. તમારી જીવનશૈલીમાં બદલાવ લાવો અને જંક ફૂડ બિલકુલ ન લો. દરરોજ લગભગ ૮૦ મિનિટ પગપાળા ચાલો અને અઠવાડિયામાં એક દિવસ અનાજ ખાવાનું ટાળો.
ડો. શિખા પણ માને છે કે જો તમે સુંદર દેખાવા ઇચ્છતા હો તો ગ્રીન ડાયટને ફોલો કરો, કારણ કે ગ્રીન ઇટિંગને રોજિંદા જીવનમાં અમલી બનાવવાથી સહેલાઈથી સ્વાસ્થ્ય અને સુંદરતા બંને પ્રાપ્ત કરી શકાય છે.