Get The App

લાજવાબ લહેજતનો કાબિલે દાદ કસબ: જસવંતીબહેન પોપટ

Updated: Dec 4th, 2023


Google NewsGoogle News
લાજવાબ લહેજતનો કાબિલે દાદ કસબ: જસવંતીબહેન પોપટ 1 - image


- અંતર- રક્ષા શુક્લ

એકસ્ત્રી માત્ર ૧૭ વર્ષે લગ્ન કરીને સાસરે આવે છે. મોટાભાગની ભારતીયસ્ત્રીઓની જેમ કુટુંબની સેવામાં લાગી જાય છે. ત્રણ સંતાનો શાળાએ જતા થયા એટલે સમયની થોડી મોકળાશ મળી. અને એસ્ત્રી ઘરમાં કંઈક ને કંઈક નવી વાનગી બનાવવા લાગી. સમયનો સદ્ઉપયોગ કરવા કંઈક કામ કરવું જોઈએ એમ વિચારી તેણે ૧૯૫૦માં પોતાના ઘરમાં જ પાપડ બનાવવાનું શરૂ કર્યું. 

એકવાર બાજુમાં રહેતી એકસ્ત્રી બપોરે એને બોલાવવા આવી અને કહ્યું કે 'અમે બધા બપોરે બેસીને  અલકમલકની વાતો કરીએ છીએ, તમે પણ આવો.' 

તેણી ત્યાં ગઈ અને બધીસ્ત્રીઓને કહ્યું કે 'બપોરે બેસીને આડી-અવળી વાતો કરીએ એના કરતા કંઈક કામ કરીએ તો ?'

એકસ્ત્રીએ કહ્યું કે 'આખો દિવસ ઘરમાં કામ તો કરીએ છીએ, બેન, બપોરે તો થોડી શાંતિ લેવા દે.' 

આ સાંભળી બધીસ્ત્રીઓ હસવા લાગી. પણ એસ્ત્રી નિરાશ ન થઈ અને કહેતી ગઈ કે 'સાવ હળવું કામ છે, સાથે વાતો પણ કરી શકો અને રૂપિયા પણ મળે..જેની ઈચ્છા હોય એ મને મળે.' 

મહિલાઓ ગુજરાતી હતી. મુંબઈમાં પતિ કામે જાય અને બાળકો નિશાળે જાય એ પછી સવારથી ઠેઠ સાંજ સુધી આ મહિલાઓ પાસે ખાસ કશું કામ રહેતું નહોતું. વળી 'મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી'ની જેમ ત્યાં એ સમયે પાણી પણ વેચાતું મળતું. વળી, ખાવાવાળા ઝાઝાં ને કમાનારો એક હોય તો ગુજરાતણોને નવરું બેસવું પોસાય ? ૧૯૫૯નો એ માર્ચ મહિનો હતો. દક્ષિણ મુંબઇના ગિરગામ ઇલાકામાં રહેતી સાત મહિલાઓ એક ઇમારતની છત પર ભેગી થઈ. ૮૦ રૂપિયાની ઉધારીથી થોડો અડદનો લોટ, હિંગ અને કાળાં મરી જેવો કાચો માલ લાવી અડદનો લોટ બંધાયો અને અડદના પાપડ તૈયાર કર્યા. ૮૦ પાપડ બન્યા. નજીકના દુકાનદારને વેચ્યા. પાપડનો સ્વાદ સારો હતો એટલે વેચાઈ ગયા. દુકાનદારે વધારે માંગ્યા. અને પછી તો ધંધો ચાલી પડયો. પંદર દિવસમાં તો ઉધાર લીધેલા પરત કરી શકાય એટલો વકરો પણ થયો. લગભગ છ દાયકા પહેલાના આ ૮૦ રૂપિયા એટલે આંખ અંજાઈ જાય એટલી રકમ. ધીરે ધીરે મહોલ્લાની બહેનો જોડાતી ગઈ. રોજ બપોરે સામુહિક પાપડપ્રવૃત્તિ થવા લાગી. આસપાસના મહોલ્લામાંથી પણ બહેનો આવવા લાગી. શરૂઆતમાં વરસાદના કારણે પાપડ ન સૂકાતા કામ અટકી પડતું ત્યારે ખાટલા અને સ્ટવથી એ સમસ્યાને દૂર કરી. ખાટલા પર પાપડ પાથરતા ગયા અને નીચે રાખેલા સ્ટવથી તેને સૂકવતા ગયા. અમેરિકન પ્રોફેસર એચ.ઈ. લૂકોક કહે છે કે  “No one can whistle a symphony. It takes a whole orchestra to play it.” સ્વાદ અને સહકારની સરગમ પર સુરીલી સિમ્ફની સર્જનાર આસ્ત્રી એટલે જ જસવંતીબહેન પોપટ. વર્ષ ૨૦૨૧માં 'લિજ્જત પાપડ'ને ઘર-ઘરમાં લોકપ્રિય બનાવનાર, માત્ર બે ચોપડી ભણેલા ૯૫ વષય ગુજરાતી મહિલા જસવંતીબેન જમનાદાસ પોપટને 'ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ'માં પદ્મશ્રી પુરસ્કાર મળે છે. પોતાના કાર્યક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન બદલ દર વર્ષે રાષ્ટ્રપતિના વરદ્ હસ્તે આ પદ્મશ્રી સન્માન અર્પણ થતું હોય છે. 

આપણે નાના હતા ત્યારે મિત્રો એકબીજાને કહેતા..'કાચો પાપડ, પાક્કો પાપડ' દસ વાર બોલ તો !' ને બે-ત્રણ વાર બોલીએ ત્યાં તો જીભ ગોળમટા ખાવા લાગતી ને સૌ ખડખડાટ નિર્ભેળ હસીએ. કોઈ મિત્ર જો આવું સતત  ઉચ્ચારી શકે તો 'હાઈ લા..તું તો ખરો !' કહીને બિરદાવતા પણ ખરા. પણ દુનિયામાં ન બિરદાવવા જેવા કેટલાય પુરુષો છે જે પત્નીની કમાણી પર જીવે છે. વ્યસન કરે છે અને દાદાગીરી કરી પરિવારને ત્રાસ આપે છે. શેક્યો પાપડ પણ ભાંગે નહીં એવા મરદોથી દુનિયા ભરી પડી છે. આવા સંજોગોમાં પરિવારના ભરણપોષણ માટેસ્ત્રીને લડવું પડે છે. પરંતુ 'નારી કદી ન હારી'. અગણિતસ્ત્રીઓ રોજીરોટી માટે નાનામોટા કામ કરી પરિવારનું આથક પાસું પણ સંભાળે છે. અનેક સામાજિક એકમો આવી મહિલાઓને દિશા ચીંધે છે અને સ્વનિર્ભર બનવા સહાય કરે છે. 

સમાજની મહિલાઓને સ્વાવલંબી અને સમૃધ્ધ બનાવવા નિરંતર અથાગ પ્રયત્ન કરનાર પુરુષોત્તમ દત્તાણીના માનદ્ માર્ગદર્શન હેઠળ સાત ગુજરાતણોએ ૮૦ રૂપિયાની ઉધારીમાં શરૂ કરેલ ધંધોે આજે ૪૫,૦૦૦ મહિલા વર્કર્સ સાથે ૧૬૦૦ કરોડ સુધી પહોંચ્યો છે. નોખી લહેજત આપતા આ પાપડની માત્ર ભારતમાં જ માંગ છે તેવું નથી. વિદેશમાં પણ આ પાપડનું ૮૦ કરોડનું નિકાસ બજાર છે. આ કલ્પનાતીત છે. આ અવિશ્વસનીય અને અજોડ ઘટના છે. મહાન કાર્ય કોઈ એકલદોકલ વ્યક્તિ દ્વારા ભાગ્યે જ સિદ્ધ થાય છે. એ ટીમવર્ક દ્વારા જ પરિપૂર્ણ થાય છે. જ્યારે ટીમની દરેક વ્યક્તિ એક લક્ષ્ય માટે પ્રતિબદ્ધ હોય છે ત્યારે સંગઠન ઝડપથી સફળતા તરફ આગળ વધે છે. સૌના વિચારોની મહેક તેમાં ભળી હોવાથી એ નાવીન્યપૂર્ણ પણ હોય છે. ટીમવર્કથી એનું ડ્રીમવર્ક આજે તો આસમાનની બુલંદીએ પહોંચ્યું છે. જહાં ચાહ, વહાં રાહ.

આજે દરેક ઘરના ભોજનમાં પોતાની અણનમ હાજરી નોંધાવી ઊચ્ચ ગુણવત્તાની છડી આ પાપડ પોકારે છે. સસ્સારાણાની કુર્રમ કુર્રમ કાયનાતથી ભોજન ભાતીગળ બન્યું છે. ક્રિસ્પી બન્યું છે જે દુબારાનો દરબાર સર્જે છે. લિજ્જત એક સહકારી સંગઠન છે, તેનો મૂળ વિચાર ભલે જસવંતીબેનનો હતો. ૯૫ નોટઆઉટ જસવંતીબા આજે પણ સક્રિયતાની મિસાલ છે. તેમણે ૨૦૦ રૂપિયાની લોન લઈને મૂડી ઊભી કરી અને પાપડનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યોે. દત્તાણીબાપાના માર્ગદર્શનમાં ગૃહઉદ્યોગનું રજિસ્ટ્રેશન કરાવ્યું. ખાદી ગ્રામઉદ્યોગે પણ સહયોગ આપ્યો. સારી ભાવના હોય તો તમારી મદદ કરવા ઈશ્વર પણ ઊતરી આવતો હોય છે. ૬૬ વર્ષ પહેલાનો અડદનો દાણો આજે દોમદોમ ફાલી દમામભેર ઊભો છે. આજે એ ભારતના ૧૭ રાજ્યોમાં ૮૨ બ્રાન્ડ ધરાવે છે. ગિરગામ મુંબઈમાં તેનું હેડ ક્વાર્ટર છે. એકસરખા સ્વાદ, કદ અને ગુણવત્તા લિજ્જત પાપડની ઓળખ છે. તેની પ્રસિદ્ધિ અને પ્રતિા એટલે જ બુલંદીએ છે. પાપડ બનાવવા માટેનો અડદની દાળમાં મસાલો ભેળવેલો લોટ તો કંપની પર જ બનાવવામાં આવે છે. પાપડ માટે ખૂબ જરૂરી એવો મસાલો હિંગ તો છેક અફઘાનિસ્તાનથી મગાવવામાં આવે છે ! કંપનીનો મુખ્ય ઉદ્દેશ આથક પછાત મહિલાઓ માટે રોજીરોટીની તકો ઊભી કરવાનો છે. પણ ઘરની મહિલા કામ માટે બહાર જાય તો ઘરની સંભાળ કોણ લે એ અત્યંત મહત્વની વાતને પ્રાધાન્ય આપી આ કંપનીએ લાજવાબ અને સરાહનીય વ્યવસ્થા ઊભી કરી છે. વાત મુંબઈની જ કરીએ તો કંપનીમાં કામ કરતી મહિલાઓ માટે સવારમાં કંપનીની બસ લેવા માટે આવે છે. ફેકટરીએ જઈને મહિલા કર્મચારી પાપડ માટે બાંધેલો તૈયાર લોટ જોખીને ઘરે લઈ જાય છે. કંપનીની જ બસ દ્વારા એ ઘરે જાય છે અને પોતાના ફ્રી સમયમાં ઘરે જ પાપડ વણે છે. બીજે દિવસે એ પાપડ કંપનીમાં જમા કરાવી, બદલામાં ટોકન મેળવી પેમેન્ટના કાઉન્ટર પર એ ટોકન જમા કરાવે છે અને કરેલા કામનું ઈન્સ્ટન્ટ પેમેન્ટ મેળવે છે. 

ફરી પાછી પાપડનો લોટ લઈ ઘરે પહોંચે છે. અહીં પાપડ મશીનથી નહીં હાથથી જ બનાવવામાં આવે છે. સ્વચ્છતા બાબતે લિજ્જતને કોઈ બાંધછોડ, કોઈ સમાધાન માન્ય નથી. ભારતભરની દરેક શાખાની ઉપર એક ખાસ મહિલા ટીમ મોજુદ હોય છે. એ ગમે ત્યારે કોઈ પણ કર્મચારીના ઘરે ઓચિંતી પહોંચી જાય છે અને તેમના આંગળાં સુધ્ધાં ચેક કરી લે છે. ફેક્ટરી પર પણ કાચા માલની લેવડદેવડ વખતે પણ આવું ચેકિંગ કરવામાં આવે છે. કંપનીમાં એક સુંદર નિયમ પણ છે કે અહીં કર્મચારીઓએ જે વાતો કરવી હોય તે મોટેથી જ કરવાની. કાનાફૂસીથી નહીં. આના કારણે ત્યાં કોઈ ગોસીપ કે ઝગડા થતા નથી. 

પાપડના આ મિલેનિયમ માર્કેટ ધરાવતા કારોબારની માલિકી કોઈ એક ચોક્કસ વ્યક્તિની નથી પરંતુ તેમાં કામ કરતી દરેક મહિલાઓની છે. મુંબઈના મુખ્ય હેડકવાર્ટરમાં ૨૧ મહિલાઓની કમિટી છે. જે સૌહાર્દપૂર્ણ વાતાવરણથી બધોે જ કારોબાર સંભાળે છે. ખૂબી તો એ છે કે તેઓ કોઈ હાઇપ્રોફાઇલ બેકગ્રાઉન્ડમાંથી આવતી હોય તેવું નથી. બલ્કે, જેણે અહીં વર્ષોેથી કામ કર્યું હોય, સ્વાનુભવથી જેમની સૂઝબૂઝ કંઈક વધારે હોય તેવી જ મહિલાઓ અહીં ઉચ્ચ હોદ્દા પામી છે ! એ ભણેલી ન પણ હોય. પોતાના કૌવત અને કૌશલ્યથી અમુક મહિલાઓ કંપનીના પ્રેસિડેન્ટ કે વાઇસ-પ્રેસિડેન્ટના હોદ્દા સુધી પણ પહોંચી છે. અમેરિકન એટર્ની, રાજકારણી અને પ્રખર વક્તા પેટ્રિક હેનરી કહે છે કે ‘I have but one lamp by which my feet are guided, and that is the lamp of experience’. માત્ર બે ચોપડી ભણેલા જસવંતીબેનનું મેનેજમેન્ટ એટલું તો પાવરફૂલ છે કે એ MBAના વિદ્યાર્થીઓને ભણાવી શકાય. સંસ્થાના નિયમ મુજબ એક ઘરમાંથી એક જ બહેન સભ્ય બની શકે છે. સભ્ય બહેનોને કોઈ પગાર નથી પરંતુ તમામ બહેનો સંસ્થામાં ભાગીદાર છે એટલે સૌને સરખે ભાગે નફો મળી રહે છે. બાકી પરોક્ષ રીતે આ સંસ્થાની પ્રોડક્ટ સાથે લગભગ ૧,૫૦,૦૦૦ બહેનો જોડાયેલી છે કેમ કે એક ઘરમાં ચાર કર્મચારી મહિલાઓ હોય તો પણ સભ્ય એક જ છે. સંસ્થાના પ્રમુખ શ્રીમતી સ્વાતિબેન પરાડકર છેલ્લા બાર વર્ષથી પ્રમુખ તરીકે સેવાઓ આપે છે. ભૂતકાળમાં પાપડ વણાઈ કરી તે ઉપરાંત સંસ્થાના અનેક ઉત્પાદનનો અનુભવ લીધા પછી સ્વાતિબેન પોતાની ક્ષમતા અને અનુભવ સાથે પ્રમુખ પદ સુધી પહોંચ્યા છે.

જસવંતીબેન મૂળે પાક્કા ગુજરાતી પણ જન્મ મહારાષ્ટ્રના ખપોલી ગામમાં થયો હતો. સામાન્ય પરિવારમાં ઉછેર. પણ સપનાંઓ બાળપણથી જ મોટા. નાની ઉંમરે લગ્ન થતા એ સપનાં રસોઈના ચૂલામાં ભસ્મ થઈ ગયા પણ થોડા વર્ષો બાદ ફિનિક્સ પક્ષીની જેમ ફરી બેઠા થયા. અને આજે આપણી સામે એ સપનાં જાયન્ટ વટવૃક્ષની જેમ વટ્ટથી હિલ્લોળા લે છે. આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ પણ જસવંતીબેનના ઉલ્લેખ સાથે ટ્વીટ કરતા લખેલું કે  ‘Jasuben Pizza, induben’s khakhra, Lijjat Papad, Amul, Ganga Ba’s spinning wheel are all inspiring examples of women’s excellent works !’  આ જાણીતી પાપડની કંપનીને ૨૦૦૨માં ઇકોનોમિક ટાઈમ્સનો બિઝનેસ વુમન ઓફ ધયર એવોર્ડ, ૨૦૦૩માં દેશનું સર્વાેત્તમ કુટીર ઉદ્યોગ સન્માન, ૨૦૦૫માં રાષ્ટ્રપતિ ડા. એ.પી.જે. અબ્દુલ કલામના હસ્તે બ્રાંડ ઇક્વિટી એવોર્ડ જેવા સન્માન પણ મળી ચુક્યા છે. 

ફળો આવતા વૃક્ષ વધુ નમે છે તેમ પદ્મશ્રી સન્માનથી ખૂબ નામ અને દામ મળ્યા હોવા છતાં જસવંતીબેન સહજ અને સરળ રહ્યા. તેમના ચહેરા પર કર્મયોગનું અદભૂત ઓજસ છે. તેઓ ચંપલ નથી પહેરતા કેમ કે એમને જમીન સાથે જોડાયેલું રહેવું ગમે છે. એ બિનજરૂરી ખર્ચ પણ નથી કરતા. અરજન્ટ ન હોય તો ટ્રેનમાં જ મુસાફરી કરે છે. દરેક કર્મચારી સાથે જસવંતીબેન લાગણીથી જોડાયેલા છે. એમના દરેક પ્રસંગે સાથે ઊભા હોય છે. નાની ઉંમરે વિધવા બન્યા છતાં એમણે રિવાજ પ્રમાણે ખૂણો પકડવાને બદલે ચાર દિશાઓને આંખમાં આંજી હતી. નવી શાખા ખોલે ત્યારે પોતે જાતે જઈ ત્રણ મહિના સાથે રહી બહેનોને ટ્રેનિંગ આપે છે. આટલી નિષ્ઠા હોય તો જ બ્રાંડ નેમનું બેન્ડ ગાજતું થાય છે. ઘરબેઠાં રોજીરોટી આપતા આ પાપડની લાજવાબ સફર ખરેખર, મહિલા સશક્તિકરણનું ઉત્તમ દ્રષ્ટાંત છે જે સંસ્કૃત ઉક્તિ 'સંઘે શક્તિ કલૌયુગે'ને સુપેરે ફલિત કરે છે. લિજ્જત પાપડની સફળતાની કહાની હવે જલ્દી આશુતોષ ગોવારીકર દ્વારા નિર્દેશિત એક ફિલ્મ દ્વારા સૌને જોવા-જાણવા મળશે. ગરીબ ઘરની છતાં ખાનદાન ખોરડાની મહિલાઓને રોજગાર મળતો જોઈને જસવંતીબેન અંતરથી આનંદિત થઈ ઉઠી કહે છે: 'મહિલાઓને ખુદ પોતાની શક્તિ બનતી જોઈને મને થાય છે કે મારું જીવન ધન્ય થઈ ગયું. મહેસૂસ કરું છું કે મારા દરેક પ્રયત્નોનું ફળ ઈશ્વરે મને આપી દીધું.'

ઇતિ 

'મજૂર એ સમાજનો વાસ્તવિક નિર્વાહક છે'

-શહીદ ભગતસિંહ


Google NewsGoogle News