કાળા ડાઘવાળા કેળા ફેંકવાને બદલે ખાવામાં વધુ શાણપણ છે
મોટાભાગના લોકોને કાલા ડાઘવાળા કેળા જોવા પણ ગમતા નથી. એમાંય આવા ડાઘવાળા કેળા એકદમ પાકી ગયા હોય ત્યારે એ જોઈને રીતસર ચિતરી ચડે છે. આવા કેળા ખાવાને બદલે આપણે ફેંકી દઈએ છીએ. પરંતુ કોઈ તમને એમ કહે કે કાળા ડાઘવાળા (ડાઘી) કેળા તમારી હેલ્થ (તબિયત) માટે સારા છે તો? હેલ્થ એક્સર્ટ્સનું એવું મક્કમપણે માનવું છે કે આવા બ્લેક સ્પોટ્સ ધરાવતા બનાના (ડાઘી કેળા) પણ હેલ્થ માટે ગુણકારી છે. એટલે એ ખાવાનું ટાળવામાં શાણપણ નથી. એટલે તમે એને કાં તો છોલીને સીધીસીધા ખાઈ લો અથવા એનો સ્મૂધીઝમાં ઉપયોગ કરો. તાજેતરના એક સર્વેમાં ઘણાં લોકોએ કબુલ્યું હતું કે અમે એકદમ પાકી ગયેલા કાળા ડાઘ ધરાવતા કેળા ફેંકી દઈએ છીએ. ગેરસમજથી દોરવાઈને ડાઘી કેળાનો કચરા ટોપલીમાં ઘા કરવાને બદલે આપણે એના હેલ્થ બેનિફિટ્સ જાણી લેવા જોઈએ.
૧. સૌથી પહેલી વાત તો એ કે કાળા ડાઘવાળા કેળામાં પુષ્કળ ડાયેટરી ફાયબર (પાચનમાં મદદરૂપ થતા રેષાં) હોવાથી તમારું પાચન તંત્ર એકદમ સરસ અને સાબુત રહે છે. એમાનું ફાયબર મળ વિસર્જનને નિયમિત બનાવી આપણને કબજિયાતથી બચાવે છે.
૨. બીજું, કોઈને અલ્સરની તકલીફ હોય તો અમુક ખાદ્ય પદાર્થો એના પેટની અંદરના ભાગોને ઉત્તેજિત કરી પાચન ખોરવી નાખે છે. જ્યારે કેળા સહેલાઈથી પચી જાય છે. અને પાચનતંત્રને શાતા આપે છે.
૩. પાકેલા કેળામાં મોટા પ્રમાણમાં મળતું વિટામીન સી ઈમ્યુન સિસ્ટમ (રોગ પ્રતિકારક તંત્ર)ને સપોર્ટ કરે છે. એટલે નિયમિતપણે કેળા ખાવાથી આપણું બોડી બિમારીઓ અને ઈન્ફેક્શન્સ સામે આપણને વધુ સારી સુરક્ષા આપી શકે છે.
૪. એક બીજી બહુ મહત્ત્વની વાત. કાળા ડાઘવાળા કેળામાંનું ફાયબર અને પોટેશિયમ બ્લડ પ્રેશરનું નિયમન કરવા ઉપરાંત હેલ્ધી કોલેસ્ટેરોલનું લેવલ જાળવી રાખે છે.
૫. ડાઘી કેલામાં એન્ટી ઓક્સિડન્ટ્સ મોજુદ હોય છે જે બોડીને ઓક્સિડેટિવ સ્ટ્રેસનો સામનો કરવામાં મદદરૂપ થાય છે.
૬. કોઈને એસિડિટીની તકલીફ હોય તો વારંવાર એસિડિટીની ગોળીઓ ગળવાને બદલે એ ડાઘવાળા કેળા ખાઈને છાતીમાં બળતરાથી છૂટકારો મેળવી શકે છે.
૭. બહુ ઓછા લોકો જાણે છે કે કેળા એક એવું સોંઘુ ફળ છે જે મેન્ગનીઝનો સારો સ્ત્રોત છે અને હાડકાના સ્વાસ્થ્ય માટે મેન્ગનીઝ બહુ આવશ્યક મિનરલ છે. ખોરાકમાં યોગ્ય પ્રમાણમાં મેન્ગનીઝ લેવાય તો મજબૂત હાજકાના વિકાસ અને જાળવણીમાં મદદ મળે છે.
૮. મહત્ત્વનો મુદ્દો એ પણ કે પાકા કેળામાં રહેલા કમ્પાઉન્ડ્સમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી (સોજા ઘટાડવાનો) ગુણધર્મ હોય છે. એટલે રોજ કેળા ખાઈને શરીરના સોજા ઓછા કરી શકાય. એનાથી જેમને સોજા ચડી જવાની કાયમી તકલીફ હોય એમને રાહત મળી શકે છે.
૯. કેળામાં આયર્ન પણ હાજર છે. અને આપણા બ્લડ સેલ્સ (રક્ત કોષો) ને આયર્ન જોઈએ છીએ. એટલે કેળા ખાઈને એેનેમિયા (પાંડુરોગ) થી પણ બચી શકાય.
૧૦. અને છેલ્લી સૌથી મહત્ત્વની વાત એ કે કેળા ખાવાથી તરત આપણું એનર્જી લેવલ વધી જાય છે. અને બોડીમાં સક્તિ - સ્ફૂર્તિનો સંચાર થાય છે. શરીરના મસલ્સ (સ્નાયુઓ) માટે પણ કેળા ગુણકારી છે.
- રમેશ દવે