Get The App

શું તમારું માસિક આઘું-પાછું થઈ રહ્યું છે? .

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
શું તમારું માસિક આઘું-પાછું થઈ રહ્યું છે?                               . 1 - image


- તો નાખો નજર તમારી જીવનશૈલી પર

આપણે મહિલાઓને અવારનવાર એવી ફરિયાદ કરતાં સાંભળીએ છીએ કે તેમનું માસિક ચક્ર ખોરવાઈ ગયું છે. તેમને ક્યારેક માસિક જલદી આવે છે તો ક્યારેક થોડું મોડું. આવી સ્થિતિમાં માસિકનો સમય નિકટ આવે ત્યારે તેઓ ચિંતામાં પડી જાય છે. પરંતુ તેમને એ વાત નથી સમજાતી કે આવું કેમ થાય છે? આના જવાબમાં નિષ્ણાત તબીબો કહે છે કે તમારી જીવનશૈલીની સીધી અસર તમારા માસિક પર પડે છે. જો તમારી લાઈફસ્ટાઈલ ખોટી હશે, એટલે કે તમે પોષક આહાર નહીં લેતા હો, નિયમિત વ્યાયામ નહીં કરતા હો, પૂરતો આરામ નહીં કરતા હો, તમને ધૂમ્રપાન કે આલ્કોહોલ લેવાની ટેવ હશે અથવા તમે સતત ચિંતામાં રહેતા હશો તો તેની સીધી અસર તમારા પિરિયડ્સ પર પડશે. બહેતર છે કે તમે તમારી જીવનશૈલી સુધારો. તેઓ આ વાત વિગતવાર સમજાવતાં કહે છે..,

પોષક આહાર લો : તમારા આહારમાં પૂરતા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને અન્ય પોષક તત્વો હોવા જોઈએ. ઘણીવાર યુવતીઓ વજન ઘટાડવા પોતાની જાતે જ, સમજ્યા-વિચાર્યા વિના રોજિંદા આહારમાં બદલાવ કરી નાખે છે. તેઓ જરૂર કરતાં સાવ ઓછું ખાય છે અને ભોજનમાંથી કાર્બને કાઢી જ નાખે છે. જ્યારે શરીરને પૂરતા પ્રમાણમાં કાર્બ ન મળે ત્યારે તેમાં લેપ્ટિનનું સ્તર ઘટવા લાગે છે. લેપ્ટિન રિપ્રોડકિટવ હોર્મોનને અંકુશમાં રાખવાનું કામ કરે છે. તેવી જ રીતે રોજિંદા આહારમાંથી પોષક તત્વો ઓછાં થઈ જાય ત્યારે હાઇપોથેલેમસ અને પિટયુટરી ગ્લેન્ડ પર દબાણ આવે છે. આ ગ્લેન્ડ શરીરમાં હોર્મોન્સનું સંતુલન જાળવી રાખવાની જવાબદારી નિભાવે છે. આમ પોષક તત્વો અને કાર્બની ઊણપ પેદા થતાં શરીરમાં હોર્મોન્સનું સંતુલન ખોરવાય છે જે માસિક ચક્ર અનિયમિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. બહેતર છે કે આડેધડ ડાયટ કરવાને બદલે ડાયટિશિયનની સલાહ અનુસાર આહાર નિયોજન કરવામાં આવે.

યોગ્ય વજન જાળવી રાખો : વજન અચાનક વધવાથી કે ઘટવાથી પણ પિરિયડ્સ અનિયમિત બને છે. વાસ્તવમાં વજનમાં અચાનક વધ-ઘટ થવાથી એસ્ટ્રોજનના સ્તરને અસર પહોંચે છે જેને પગલે માસિક ચક્ર ખોરવાય છે. જો તમારું વજન વધે છે તો વધારાની ચરબીને કારણે એસ્ટ્રોજનનું સ્તર વધે છે. અને ઝડપથી વજન ઘટે ત્યારે એસ્ટ્રોજનનું સ્તર નીચે ઉતરે છે જે માસિકને સીધી અસર કરે છે.

નિયમિત રીતે વ્યાયામ કરો : નિયમિત રીતે કસરત કરવાથી માસિક દરમિયાન પેટમાં થતાં દુખાવામાં રાહત મળે છે. દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક વ્યાયામ માટે ફાળવો. ચાહે તમે ચાલો, દોડો, તરો કે સાઇકલ ચલાવો.

ધૂમ્રપાન અને આલ્કોહોલથી દૂર રહો : સિગરેટમાં રહેલું નિકોટીન પીએમએસના લક્ષણોમાં ખલેલ પહોંચાડે છે. જ્યારે આલ્કોહોલ શરીરમાં રહેલા હોર્મોન્સના સ્તરને અસર પહોંચાડે જે છેવટે માસિક ચક્ર ખોરવવા માટે જવાબદાર બને છે. તો પછી આવી લતથી દૂર રહેવામાં શું ખોટું?

માસિક તાણને અંકુશમાં રાખો : 'ચિંતા બડી અભાગિની, ચિંતા ચિત્તા સમાન' અમસ્તા જ નથી કહેવાયું. વધારે પડતી ચિંતા કરવાથી શરીરમાં રહેલા હોર્મોન્સનું સ્તર ઉપરતળે થઈ જાય છે. અને જ્યારે હોર્મોન્સનું સંતુલન બગડે ત્યારે માસિક ચક્ર અનિયમિત બને છે. વળી ચિંતા કરવાથી કોઈ સમસ્યાનો ઉકેલ નથી આવતો. તેથી ફિકર પર અંકુશ રાખો.

તેના સિવાય અપૂરતી નીંદ્રા, અપૂરતો આરામ, થાયરૉઈડમાં અસંતુલન પણ માસિક આઘું-પાછું કરવામાં કારણભૂત બને છે. સ્વસ્થ જીવનશૈલી તમારા માસિક ચક્રને નિયમિત રાખવામાં સહાયક બને છે.

- વૈશાલી ઠક્કર


Google NewsGoogle News