ઢીંગલાં અને રમકડાંની કારને બદલે લેપટોપથી રમે છે આજનાં બાળકો

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
ઢીંગલાં અને રમકડાંની કારને બદલે લેપટોપથી રમે છે આજનાં બાળકો 1 - image


- બદલાતી માનસિકતાને કારણે હવે બાળકોના રમકડાં પણ એકદમ આધુનિક થઈ ગયા છે

ઘાટકોપરમાં રહેતા મંથન શાહ પાસે પોતાની માલિકીનો કેમેરો, વોકી-ટોકી, બારકોડ રિડર તથા લેપટોપ છે. પહેલી નજરે ભલે આ વાતમાં કંઈ નવું લાગે, પણ જ્યારે ખબર પડે કે મંથનની વય માત્ર ચાર વર્ષની છે ત્યારે ચોક્કસ આશ્ચર્ય થાય. મંથનને અત્યારથી જ બાળકોના પરંપરાગત રમકડાંથી રમવું નથી ગમતું અને આ મુદ્દે પોતાનો મત વ્યક્ત કરતા તે કહે છે કે બધા રમકડાં તો નાના બાળકો અને છોકરીઓ માટે છે અને મને તો મારા લેપટોપની મદદથી રમવું જ ગમે છે.

જોકે હવે સાદા રમકડાંથી માત્ર છોકરીઓ જ રમે છે એ વાતમાં પણ કંઈ દમ નથી. હવે તો આધુનિક સમયમાં છોકરાઓનું જોઈને છોકરીઓ પણ હાઇટેક રમકડાં માગતી થઈ ગઈ છે. બીજા ધોરણમાં ભણતી દ્રષ્ટિ મહેતા પોતાના રમકડાં વિશે વાત કરતા કહે છે કે ''મારી પાસે નાનકડું એક્ટિવિટી સેન્ટર છે જે મારા દાદા અમેરિકાથી મારી માટે લઈ આવ્યા છે. એની મદદથી હું એના સ્ક્રીન પર ચિત્રો દોરી શકું છું, રંગો પૂરી શકું છું, ગણિત અને ભૂમિતિ શીખી શકું છું અને ભાષા તથા ભૂગોળનું જ્ઞાાન પણ મેળવી શકું છું.''

આ મુદ્દે વાત કરતા મંથન અને દ્રષ્ટિની માતાઓ એકસૂરમાં જણાવે છે કે હવે સમયની સાથે બધી વાતમાં ભારે પરિવર્તન આવ્યું છે અને હવે નાના બાળકો પણ સરળતાથી કોમ્પ્યુટર ચલાવતા થઈ ગયા છે. હવેના બાળકો ટેક્નિકલી એટલા બધા એડવાન્સ્ડ થઈ ગયા છે તેમને હવે સાદા રમકડાંમાં રસ નથી પડતો. આ મુદ્દે વાત કરતા એક જાણીતા મનોચિકિત્સક કહે છે કે ''સામાન્ય રીતે બાળકોને મોટા જે વસ્તુઓ કરતા હોય એ તમામ વસ્તુઓનું અનુકરણ કરવાનું ગમતું હોય છે. પહેલાં આધુનિક રમકડાં હતા, પણ આખરે તો એ જ રમકડાં જ છે ને. બદલાતા સમય સાથે હવે આ માનસિકતામાં પરિવર્તન આવ્યું છે અને હવે બાળકોને રમકડાંને બદલે સાચી વસ્તુઓ પર જ હાથ અજમાવવો ગમે છે. વળી, અત્યારના બાળકોની આસપાસ એટલી બધી ટેકનોલોજી છે કે તેઓ નવી ટેકનોલોજીને બહુ સરળતાથી અપનાવી લે છે અને આ કારણે જ મોટી વ્યક્તિઓ કરતા તેઓ બહુ ઝડપથી નવી ટેકનોલોજીને ઓપરેટ કરી શકે છે. આ કારણે જ તમારું છ-સાત વર્ષનું બાળક જેટલી ઝડપથી તમારા ફોનના જટિલ ફંક્શન સમજી શકે છે એટલી ઝડપથી આ ફંક્શન તમે ક્યારેય નથી સમજી શકતા.''

બાળકોની આ બદલાતી માનસિકતાનું પ્રતિબિંબ રમકડાંની દુકાનમાં પણ જોવા મળે છે. જો તમે શહેરની કોઈપણ રમકડાંની દુકાનની મુલાકાત લેશો તો તરત જ તમને આ ફેરફાર ઉડીને આંખે વળગશે. આ દુકાનમાં પરંપરાગત રંગબેરંગી રમકડાંની જગ્યાએ આધુનિક રમકડાં પોતાનું સ્થાન જમાવી રહ્યા છે. દક્ષિણ મુંબઈની એક રમકડાંની દુકાને તો એક સમયે ભારે લોકપ્રિય ગણાતી બાર્બી ઢીંગલીઓ માટે એક પર એક મફતની સ્કીમ બહાર પાડી છે કારણ કે હવે ભાગ્યે જ કોઈ ગ્રાહક બાર્બી ડોલ ખરીદવા આવે છે અને આ કારણે વધારાના જથ્થાનો નિકાલ કરવા માટે આવી યોજના જાહેર કરવી પડે છે. 

રમકડાંના ઉત્પાદકો પણ આ પરિસ્થિતિને પારખી ગયા છે. બાર્બી ડોલ બનાવતી જાણીતી આંતરરાષ્ટ્રીય રમકડાંની ઉત્પાદક કંપની ટુંક સમયમાં બજારમાં ટીનએજ કન્યા માટે પ્રિપેઇડ ફોન લોન્ચ કરવાની છે. બાળકને જીઆઈ જોય જેવું રમકડું આપનારી એક અન્ય કંપની આઠથી દસ વર્ષના બાળકો માટે વીકેમ તરીકે ઓળખાતા ડિજિટલ વીડિયો કેમેરા બજારમાં મુકવાની તડામાર તૈયારી કરી રહી છે. આ સિવાય બજારમાં રમકડાં તરીકે આધુનિક રોબો પણ લોકપ્રિય બન્યા છે. આ રમકડાંના રોબો બેટરી લગાવવાથી એ તમામ કાર્યો કરી શકે છે.


Google NewsGoogle News