નિ:સંતાનતા અને આયુર્વેદ .
- આરોગ્ય સંજીવની
આ દુનિયામાં નિ:સંતાન રહેવું એ કુદરતનો મોટામાં મોટો અભિશાપ છે, પણ હવે ઘણી બધી પધ્ધતિઓથી આ સુખ પ્રાપ્ત કરવું શક્ય બન્યું છે. આયુર્વેદ પણ આમાંની એક ઉત્કૃષ્ટ ચિકિત્સા પધ્ધતિ છે.
આજની આ ઝડપી અને તનાવગ્રસ્ત જીવનશૈલીમાં નાની-નાની ઉંમરના યુવક-યુવતીઓ નિ:સંતાનપણાનો શિકાર બનતા જોયા છે, પણ તેની પાછળનું કારણ તેઓ પોતે જ હોય છે, જેની તેમને જાણ સુધ્ધા હોતી નથી. આજકાલ અનિયમિત જીવનશૈલી, માનસિક કારણો, વ્યસન તથા જંકફૂડ-ઠંડાપીણા વગેરેનો ક્રેઝ પણ મહત્વનો ભાગ ભજવે છે.
સામાન્ય રીતે ૧ વર્ષના સમયગાળા દરમિયાન સંતતિ નિયમનનાં કોઈ પણ સાધનનાં ઉપયોગ વગર દંપતી વૈવાહિક જીવન જીવતું હોય છતાં જો તેને સંતાન પ્રાપ્તિ ન થતી હોય તો તે દંપતીએ નિષ્ણાંત વૈદ્યની સલાહ અવશ્ય લેવી જોઈએ. આપણા સમાજમાં આજે પણ મોટા ભાગે સ્ત્રીઓને જ વંધ્યત્વ માટે જવાબદાર ગણવામાં આવે છે. જે બાબત હકીકતથી જોજનો દૂર છે. સંતાનપ્રાપ્તિ માટે જેટલું મહત્વ સ્ત્રીનું છે તેટલું જ પુરુષનું પણ છે તેથી જ વંધ્યત્વ રહેવામાં ૪૦ ટકા સ્ત્રીગત કારણો, ૪૦ પુરુષગત કારણો અને ૨૦ ટકા નસીબ (ભાગ્ય) જવાબદાર હોય છે. વંધ્યત્ત્વની સારવાર કરતા પહેલાં વંધ્યત્વ માટે કયું કારણ જવાબદાર છે, તેનું વિશ્લેષણ કરવું પણ ખૂબ જ જરૂરી છે. વંધ્યત્વ માટે પુરુષગત કારણોની તપાસ અને સારવાર પ્રમાણમાં સરળ હોવાથી તે પ્રથમ કરવી જોઈએ. તે માટે ''સીમેન એનાલીસીસ'' નામનું લેબોરેટરી પરીક્ષણ કરવાથી શુક્રાણુની ગતિશીલતા અને શુક્રાણુનાં બંધારણ વિશે જાણકારી મળી જાય છે અને તે સંબંધી કઈ ખામી હોય તે તેની સરળતાથી સારવાર કરી શકાય છે. આયુર્વેદમાં કોકિલાક્ષ, કપિકચ્છુ, તાલમૂલી જેવા ઘણાં વાજીકર અને શુક્રવર્ધક ઔષધો બતાવ્યા છે કે જેનું સેવન નિષ્ણાત વૈધની સલાહ મુજબ કરવામાં આવે તો પુરુષની શુક્રાણુગત દરેક સમસ્યા હલ થઈ શકે છે.
હવે, વંધ્યત્વનાં સ્ત્રીગત કારણોની ચર્ચા કરીએ તો તેમાં માસિક સંબંધી સમસ્યા, બીજ ન બનવા, બીજ છૂટા ન પડવાં, ગર્ભાશયની દિવાલ નબળી બનવી, બીજવાહિનીઓની સમસ્યા, બીજવાહિનીનું મુખ અંડાશયમાં ન ખૂલવું, અંત:સ્ત્રાવ સંબંધી કોઈ ખામી હોવી, અંડાશયમાં ગાંઠ હોવી વગેરે કારણો સ્ત્રી વંધ્યત્વ માટે જવાબદાર હોઈ શકે છે.
ઘણી વખત પ્રોપર ટાઈમીંગ પણ સંતાનપ્રાપ્તિ માટે ઘણાં જ જવાબદાર હોય છે. મોટાભાગની સ્ત્રીઓમાં માસિક ૧૦માં દિવસથી લઈને ૨૦માં દિવસની અંદર જ બીજ બનવાની, વિકસિત થવાની અને છૂંટુ પડવાની પ્રક્રિયા પૂર્ણ થતી હોય છે. બીજ છૂટું પડે ત્યારબાદ તેનું આયુષ્ય સામાન્ય રીતે ૨૪ કલાકનું માનવામાં આવતું હોય છે અને આ સમય દરમિયાન જો સંતાનપ્રાપ્તિ માટે પ્રયત્ન કરવામાં આવે તો, તેમાં સફળતા મળવાની શક્યતાઓ ઘણી જ વધી જાય છે.
આયુર્વેદમાં વંધ્યત્વની સારવાર વ્યક્તિની પ્રકૃતિ અને દોષ મુજબ કરવા માટેનું કથન છે જે તે વ્યક્તિની પ્રકૃતિ અને વંધ્યત્વનાં કારણ ઉપર ટ્રીટમેન્ટનો આધાર રહેલો હોય છે. આ સિવાય ઘણીવાર અતિ મેદસ્વીતાનાં કારણે પણ ઘણી સ્ત્રીઓમાં સંતાનપ્રાપ્તિમાં સમસ્યાઓ સર્જાતી હોય છે. જેથી આયુર્વેદમાં બતાવેલ મેદોહર ઔષધોથી વજન ઘટાડી ત્યારબાદ વંધ્યત્વની સારવાર શરૂ કરવી જોઈએ. આ સિવાય આયુર્વેદમાં બતાવેલા જાત્યાદિતેલથી પિયુધારણ, ઉત્તરબસ્તિ વગેરે પણ યોનિગત-ગર્ભાશયગત સમસ્યાઓ માટે ઉત્તમ સારવાર છે. આ સિવાય ઔષધ સારવારમાં નાગકેસર, બંગભસ્મ, પુષ્પધન્વારસ, વૈક્રાન્તરસ જેવા ઘણાં આયુર્વેદોક્ત ઔષધો બતાવ્યા છે જેનો ઉપયોગ વૈદ્યની સલાહ મુજબ કરવો.
ગર્ભાધાન થાય તે માટે પંચકર્મમાં બતાવેલ ઉત્તરબસ્તિ ખૂબ જ ઉત્તમ પરિણામ આપે છે. પ્રથમ સેશનમાં ક્વાથની ઉત્તરબસ્તિ અને પાછળથી ઉપયુક્ત ઔષધ સ્નેહની ઉત્તરબસ્તિથી ગર્ભાશયગત દોષો દૂર થઈ ગર્ભાશયની ગાદી ગર્ભસ્થાપન માટે તૈયાર થાય છે. અને સરળતાથી ગર્ભાધાન શક્ય બને છે, આ બાબતમાં બે મત નથી.
- જહાનવીબેન ભટ્ટ