વાસ્તુ અનુસાર અરીસાની ગોઠવણીનું મહત્વ
કોઈપણ સ્થળના વાસ્તુ સંરેખણ નક્કી કરવા માટે અરીસો મહત્વનો ભાગ ભજવે છે, પછી તે ઘર હોય, ઓફિસ હોય, હોટલ અથવા રેસ્ટોરન્ટ હોય. ઘરમાં સંતુલન અને તાલમેલ જાળવવા પ્રતિબિંબ પાડતી સપાટી સાથેના પૂર્ણ લંબાઈના કદથી લઈને વેનિટી અરીસાઓ અને સજાવટના અરીસા વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોને અનુરૂપ ધ્યાનપૂર્વક રાખવા જોઈએ. ખોટી જગ્યાએ મુકેલા અરીસા ઘરની ઊર્જામાં વિક્ષેપ પાડીને તેમાં રહેતા લોકો તેમજ વાતાવરણ પર નકારાત્મક અસર કરી શકે છે. અરીસા અને જળતત્વ વચ્ચેના સંબંધ, અરીસા મુકવાની યોગ્ય જગ્યા અને વાસ્તુ ઉપાય તરીકે અરીસાના ઉપયોગ વિશે થોડુ જાણી લઈએ.
અરીસો જળ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે
કોઈપણ સ્વરૂપ, આકાર અથવા કદનો અરીસો જળ તત્વ (પાંચ તત્વોમાંથી એક)નું પ્રતિનિધિત્વ કરે છે. આથી તેને જળ તત્વ માટે અનુકૂળ હોય તેવી એટલે કે ઉત્તર અને પૂર્વ દિશાઓમાં મુકવો જોઈએ. ઉપરાંત અગ્નિ સંબંધિત પ્રતિકૂળ દક્ષિણ-પૂર્વ દિશામાં મોટા અરીસાઓ મૂકવાનું ટાળવું જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર મુજબ અરીસા માટે યોગ્ય સ્થળ
વાસ્તુ શાસ્ત્રની ભલામણ મુજબ વિશેષ કરીને અરીસા ઉત્તર અને પૂર્વ દિશામાં હોવા જોઈએ. દક્ષિણ પૂર્વ તેમજ દક્ષિણ પશ્ચિમ દિશામાં મોટાકદના ખુલ્લા અરીસા મુકવાની સખત મનાઈ છે. મહત્વનું છે કે આ દિશાઓની ગણતરી ઘરના કેન્દ્રમાંથી થાય છે, રૂમના કેન્દ્રમાંથી નહિ. ઉદાહરણ તરીકે બેડરૂમની દક્ષિણ દિવાલ પર અરીસા મુકવા સલાહભર્યું નથી એવું કહેવું ખોટું છે. સાચી બાબત છે કે અરીસો ઘરની દક્ષિણ દિશામાં ન મુકવો જોઈએ.
વાસ્તુ ઈલાજ માટે અરીસાનો ઉપયોગ
પ્રતિબિંબ પાડવાના પોતાના કુદરતી ગુણને કારણે અરીસાનો ઉપયોગ ઘણીવાર ખોટા વાસ્તુના ઉપાય માટે કરવામાં આવે છે. એપાર્ટમેન્ટનો આકાર અનિયમિત હોય અથવા કોઈ દિશામાં કટઆઉટ અથવા શાફ્ટ હોય ત્યારે આ ક્ષતિ દૂર કરવા જગ્યાના પ્રતિબિંબ તરીકે અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે આ અતિશય સંવેદનશીલ બાબત છે અને કોઈ વાસ્તુ નિષ્ણાંતની સલાહ વિના અરીસાનો આવા કામ માટે પ્રયોગ ન કરવો જોઈએ. જગ્યાની વાસ્તુ ક્ષતિ દૂર કરવા અરીસાનો ઉપયોગ કરવા પહેલા તેના કદ, આકાર વગેરેની ગણતરી ચોક્કસ રીતે કરવાની હોય છે.
વાસ્તુ મુજબ અરીસા મુકવાના લાભ
વાસ્તુ શાસ્ત્ર મુજબ અરીસાની ગોઠવણી કરવાથી ઘરમાં તત્વીય સંતુલન અને સામંજસ્ય જળવાઈ રહેવાની તેમજ તેનાથી ઘરમાં કોઈપણ ઊર્જામાં વિક્ષેપ ન થવાની ખાતરી થાય છે. ઉદાહરણ તરીકે અરીસો દક્ષિણ અથવા દક્ષિણપૂર્વ જેવી ખોટી દિશામાં મુકાયો હોય તેનાથી ઘરમાં અગ્નિ તત્વમાં વિક્ષેપ પડે છે જેના પરિણામે નુકસાન, અકસ્માત અથવા ચોરી જેવી ઘટના બને છે. અરીસો ઓછી ઊર્જાની દિશા, ખાસ કરીને વાડની દિવાલ તરફ મુકાયો હોય તો આવી દિશામાંથી આવતી નકારાત્મક ઊર્જામાં તે વધારો કરે છે જે કોઈપણ રીતે નુકસાનકારક સાબિત થઈ શકે.
અરીસાની ખોટી ગોઠવણીના વાસ્તુ ઉપાય
વ્યવારિક રીતે આપણા માટે અરીસા ડ્રેસિંગ રૂમ અથવા ટોયલેટ જેવી પ્રત્યેક દિશામાં મૂળભૂત જરૂરીયાત હોય છે. અહીં આપણે અરીસા પૂર્વ અથવા ઉત્તર દિશામાં જ હોવા જોઈએ તેવા વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોનો આગ્રહ નથી રાખી શકતા. આથી આપણે તેના ઉપાય તરીકે વાસ્તુ સંતુલન અથવા વાસ્તુ સુધાર કરવો જરૂરી થઈ પડે છે. ડ્રેસિંગ અરીસાની જરૂર દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં હોય તો આપણે પડદા દ્વારા તેનું આવરણ કરી શકીએ છીએ. વોશ બેસિન અથવા ટોયલેટ માટેના વેનિટી મિરર પર દિશા સંબંધિત રંગની ફ્રેમ અથવા બોર્ડર લગાવીને તેની ખોટી દિશાનો ઈલાજ કરી શકાય. ઉદાહરણ તરીકે દક્ષિણ અથવા દક્ષિણ પશ્ચિમમાં ટોયલેટ હોય તો પીળા અથવા સોનેરી રંગની ફ્રેમ લગાડવી જોઈએ. આવી જ રીતે પ્રત્યે દિશા માટે એક ચોક્કસ રંગ હોય છે જે અરીસાની ખોટી દિશાની અસરને નિયંત્રિત કરી શકે.
આમ વાસ્તુના સિદ્ધાંતો મુજબ અરીસાની ગોઠવણી જગ્યાની ઊર્જામાં નોંધપાત્ર વધારો કરીને ઘરમાં સુમેળ, સમૃદ્ધિ અને સુખાકારી જાળવી રાખવામાં સહાય કરે છે. ઉત્તર અને પૂર્વ જેવી અનુકૂળ દિશામાં યોગ્ય ગોઠવણીથી અરીસા પ્રાકૃત્તિક તત્વોનું સંતુલન બગાડયા વિના સકારાત્મક ઊર્જા જાળવી રાખે છે. અગ્નિ સંબંધિત દક્ષિણ-પૂર્વ અથવા દક્ષિણ દિશામાં અરીસાની ગોઠવણી ધ્યાનપૂર્વક ટાળીને તેમજ જરૂર પડે ત્યાં સુધારાત્મક પગલા લઈને સંભવિત વિપરીત અસરો નિવારી શકાય છે. રહેણાંક જગ્યા હોય કે કમર્શિયલ જગ્યા, વાસ્તુના નિયમોના પાલનથી અરીસાની લાભકારક અસરોમાં વધારો કરી શકાય છે અને તે સકારાત્મક્તા તેમજ સંતુલનના સાધનો તરીકે કામ કરે તે સુનિશ્ચિત કરી શકાય છે.
- ઉમેશ ઠક્કર