કોલ્ડ ક્રિમને ઓળખો .
- ઠંડીમાં ત્વચાને સુંવાળી રાખે ચામડીને અનુરૂપ ક્રિમ
શિયાળાના આગમન સાથે કોલ્ડ ક્રિમની માર્કેટમાં ગરમાવો આવી જાય છે. જોકે થોડાં વર્ષ પહેલાની વાત કરીએ તો કોલ્ડ ક્રિમ એટલે ત્વચાને ચીકણી બનાવી દેતું ઉત્પાદન. વળી કેટલીક કોલ્ડ ક્રિમ મલ્ટિપરપઝ રહેતી તેથી સમગ્ર પરિવાર આ એક જ કોલ્ડ ક્રિમથી કામ ચલાવી લેતું અને બધાના ચહેરા એકસમાન ચીકણા દેખાતા. પણ સૌંદર્ય પ્રસાધનોમાં આવેલી ક્રાંતિ પછી કોલ્ડ ક્રિમનુ રુપ સંપૂર્ણપણે બદલાઇ ગયું. સૌંદર્ય નિષ્ણાતો કહે છે કે આજે બજારમાં હેન્ડ ક્રિમ, બોડી લોશન, ફેસ ક્રિમ, ફૂટ ક્રિમ, પ્લેન મોઇશ્ચરાઇઝર, નાઇટ ક્રિમ જેવી સંખ્યાબંધ વિવિધતા ઉપલબ્ધ છે. તેથી જે તે વ્યક્તિ પોતાની જરુરિયાત અનુસાર તેની ખરીદી કરી શકે છે. પરંતુ મોટાભાગના લોકોને કઇ ક્રિમ લેવી તેની સમજ નથી પડતી. જો તેમને તેના વિશે પૂરતી જાણકારી હોય તો તેઓ પોતાની આવશ્યક્તા અનુસાર તેનો ઉપયોગ કરી શકે. આજે આપણે અલગ અલગ પ્રકારની કોલ્ડ ક્રિમની વાત કરીશું.
કેક ક્રિમ : કેક ક્રિમ એટલે ઘટ્ટ ક્રિમ. ચોક્કસ બ્રાન્ડની કેક ક્રિમો ભારતીય ઘરોમાં ખાસ્સી જાણીતી છે. આ ક્રિમમાં વોટર અને ઓઇલનું વ્યવસ્થિત મિશ્રણ હોવાથી તે ત્વચા પર લાંબા સમય સુધી ટકી રહે છે. વધારે પડતી શુષ્ક ત્વચા પર આવી ક્રિમ સારું કામ આપં છે.
કોલ્ડ ક્રિમ : મોઇશ્ચરાઇઝિંગ કોલ્ડ ક્રિમ ઠેડીના દિવસોમાં ત્વચાને ભીની ભીની રાખવા સાથે ચામડીના કુદરતી મોઇશ્ચરાઇઝરને જાળવી રાખવામાં મદદ કરે છે. તેમાં રહેલું અલ્ફા હાઇડ્રોક્સી એસિડ મુરઝાઇ રહેલી ત્વચાને પુન:જીવિત કરે છે. પરિણામે ત્વચા સ્વસ્થ દેખાય છે. શિયાળામાં કોઇપણ ફેસપેકથી ચહેરો ધોયા પછી ભીના મોઢા પર જ કોલ્ડ ક્રિમ લગાવી દો. હવે તેને હળવા હાથે થપથપાવો. આમ કરવાથી કોલ્ડ ક્રિમ ત્વચાની અંદર સુધી ઉતરીને તેની અસર દેખાડે છે.
ક્રિમ બેઝ્ડ સાબુ : ખાસ શિયાળા માટે ઘણી કંપનીઓ ક્રિમ બેઝ્ડ સાબુ બનાવે છે. તેમાં રહેલા ગ્લિસરીન અને મધ જેવા તત્વો ત્વચાને ભીનાશ બક્ષે છે. પરિણામે ચામડી ઓછી શુષ્ક બને છે. ત્વચા રોગ તજજ્ઞાો પણ શિયાળામાં રેશીસ, એક્સીમા, સોરાયસિસ જેવી સમસ્યાઓમાં રાહત મેળવવા ગ્લિસરીનયુક્ત સાબુ વાપરવાની સલાહ આપે છે. આ ઉપરાંત ઠંડીની ઋતુ માટે બદામના તેલ, ઓલિવ ઓઇલ, કોકા બટર જેવી સામગ્રીનો ઉપયોગ કરીને સાબુ તૈયાર કરવામાં આવે છે જે ત્વચા માટે ખરેખર ખૂબ ઉપયોગી પુરવાર થાય છે. ત્વચા નિષ્ણાતો કહે છે કે શિયાળામાં કોકોનટ ક્રિમ અને એવોકેડોનો ઉપયોગ કરીને પણ સાબુ બનાવવામાં આવે છે. આવા ઉત્પાદનો ત્વચાને શુષ્ક થતી અટકાવે છે.વયસ્ક મહિલાઓની ત્વચાને શુષ્કતાથી બચવવા આવા સાબુ સુરક્ષિત માનવામાં આવે છે.
એન્ટિ એજિંગ ક્રિમ : વય વધવા સાથે માનુનીની ત્વચા પર કરચલીઓ પડવા લાગે છે. વળી આજની પ્રદૂષિત હવા ત્વચાની ભીનાશ ચોરી લે છે એમ કહીએ તો તે વધારે પડતું નહીં ગણાય આવી સ્થિતિમાં માત્ર મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ અપૂરતો થઇ પડે છે. તેના સ્થાને સમૃધ્ધ તત્વોથી ભરપૂર મોઇશ્ચરાઇઝરની જરુર પડે છે. તેથી જ વધતી જતી વયમાં એન્ટિએજિંગ ક્રિમનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.
બોડી બટર : જો બોડી ઓઇલનો ઉપયોગ કરવો હોય તો તે અઠવાડિયામાં માત્ર એક જ વખત કરવો જોઇએ. પણ બોડી લોશન અને બોડી બટરનો ઉપયોગ દરરોજ કરી શકાય છે. આનું કારણ એ છે કે તેમાં કોકા બટર, શિયા બટર અને કુદરતી તેલ જેવા તત્વો હોય છે જે ત્વચાની ભીનાશ જાળવી રાખવામાં મદદ કરે છે. વળી તેના ઉપયોગથી ચામડી પર મૃત કોષો જામતા નથી પરિણામે ત્વચા સુંવાળી રહે છે. મોટાભાગના બોડી લોશનમાં અલ્ફા હાઇડ્રોક્સી અને હેલોરોનિક એસિડ હોય છે જે ત્વચાના કુદરતી તેલને જાળવી રાખવામાં મદદ કરે છે. જેથી ે ઠંડી કે પ્રદૂષણને કારણે શુષ્ક થતી ત્વચાની ભીનાશ જળવાઇ રહે છે.
કઇ ક્રિમ ખરીદવી : એવી ક્રિમ ખરીદો જેમાં ગ્લિસરીન, લેનોલિન અને પેટ્રોલિયમ જેલી જેવા તત્વો હોય. જોકે લેનોલિનની તુલનામાં ગ્લિસરીનથી એલર્જી થવાની ભીતિ ઓછી રહે છેે.ેઆ સિવાય એ વાત પણ ધ્યાનમાં રાખવી જોઇએ કે ચહેરાની ત્વચા શરીરના અન્ય ભાગોની ચામડી કરતાં વધુ સંવંેદનશીલ અને પાતળી હોય છે તેથી જે લોશનનો ઉપયોગ બોડી પર કરવામાં આવતો હોય તે ચહેરા પર લગાવવાની ભૂલ ન કરવી.
શાવર મોઇશ્ચરાઇઝર : શાવર મોઇશ્ચરાઇઝરમાં ત્વચાની સફાઇ કરવાની ક્ષમતા નથી હોતી તેથી પહેલા શાવર જેલનો ઉપયોગ કર્યા પછી શાવર મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.
જેવી રીતે શેમ્પૂથી વાળ ધોયા પછી કંડિશનર લગાવવાથી વાળ સુંવાળા બને છે તેવી જ રીતે શાવર જેલથી સ્નાન કર્યા પછી શાવર મોઇશ્ચરાઇઝર બે મિનિટ લગાવી રાખો અને પછી પાણી વડે સ્નાન કરો. આમ કરવાથી ત્વચા મુલાયમ બને છે.