પતિ-પત્નીએ લગ્નજીવન નામના છોડને પ્રેમ, વિશ્વાસ અને ત્યાગનું જળ સિંચવું જોઈએ
- લગ્નજીવનમાં રસ જાળવી રાખવા પતિ-પત્ની વચ્ચે મીઠો કલહ થવો જરૂરી છે. અને આમ પણ લગ્નરૂપી સફર અનેક રહસ્ય અને રોમાંચથી ભરપૂર છે. સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતી બે વ્યક્તિ એકબીજા સાથે જીવનભર રહેવાના સમ ખાય છે. તેમના સ્વભાવ, માન્યતા, ઉછેર, આદર્શો વચ્ચે આસમાન-જમીનનો ફેર છે.
લગ્ન એ લાકડાના લાડું છે, ખાય એ પણ પસ્તાય અને ન ખાય એ પણ પસ્તાય' વાત સાચી છે એમ કહેનારા લોકોની સંખ્યા ઘણી મળી આવશે. લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે. પરંતુ તેને સફળ બનાવવાનું કામ પૃથ્વીવાસીઓનું છે. અને આ કામ ધારીએ છીએ એટલું આસાન પણ નથી.
પરીકથાની જેમ વાસ્તવિક જીવનમાં લગ્ન કર્યા પછી ખાધુ, પીધુ ને રાજ કર્યું જેમ બનતું નથી. દરેક સંબંધ ઊતાર-ચઢાવમાંથી પસાર થાય છે. પતિ-પત્નીનો સંબંધ પણ આમાંથી બાકાત નથી. પસ્તાવો, અસલામતી, શંકા, ઘર્ષણ જેવી ઘણી સમસ્યામાંથી દરેક સંબંધે પસાર થવું પડે છે. પરંતુ આ વાદળો પણ પસાર થઈ જાય છે. કેટલાંક રસિકો તો એટલે સુધી કહે છે કે લગ્નજીવનમાં રસ જાળવી રાખવા પતિ-પત્ની વચ્ચે મીઠો કલહ થવો જરૂરી છે. અને આમ પણ લગ્નરૂપી સફર અનેક રહસ્ય અને રોમાંચથી ભરપૂર છે. સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતી બે વ્યક્તિ એકબીજા સાથે જીવનભર રહેવાના સમ ખાય છે. તેમના સ્વભાવ, માન્યતા, ઉછેર, આદર્શો વચ્ચે આસમાન-જમીનનો ફેર છે. આમ અલગ અલગ સ્વભાવવાળી બે વ્યક્તિ એકબીજા સાથે રહેવાનો પ્રયાસ કરે ત્યારે મુશ્કેલીનો અનુભવ તો કરવો જ પડવાનો. એમાં પણ બંને વ્યક્તિ પોતપોતાનો કક્કો ખરો કરવાની જીદ પકડે, સામેવાળાને પોતાને રંગે રંગવાનો પ્રયાસ કરે ત્યારે તકલીફ વધવાની જ છે. પરંતુ આ બંને પોતાના માર્ગ પર ચાલતા-ચાલતા એકબીજાને અડધે રસ્તે આવીને મળે તો સમસ્યા ઉદ્દભવશે નહીં. અડધે રસ્તે આવીને મળવાનો અર્થ અહીં બાંધછોડ કરવાની વૃત્તિ સૂચવે છે. બંને પક્ષ થોડી-ઘણી બાંધછોડ કરશે તો 'મારા ક્યા ભોગ લાગ્યો કે હું તને પરણી ( કે પરણ્યો) કહેવાનો વખત આવશે નહીં. લગ્ન પછી 'સેટલ' થવાનું કામ ઘણું અઘરું છે એ વાતની સાબિત પૂર્ણા અને વિવેક કરતા સારી રીતે બીજું કોણ આપી શકે તેમ છે.
પૂર્ણા અને વિવેકે એકબીજાને પસંદ કરી લગ્ન કર્યા હતા. લગ્ન પછી બંનેના અહમ ટકરાતા તેમની વચ્ચે રોજને રોજ ઝગડા થવા માંડયા. આ ઝગડા દરમિયાન તેમની વચ્ચે 'છૂટાછેડા' શબ્દ સામાન્ય બની ગયો હતો. મોટેભાગે તેમના ઝગડાનો અંત આ જ શબ્દ દ્વારા આવતો. છેવટે એક દિવસ બંને મમતે ચઢ્યા અને છૂટાછેડા લેવાનો નિર્ણય લઈ લીધો. મગજ શાંત થતા બંનેને પસ્તાવો થયો અને તેઓ છૂટાછેડાના વિચારથી ગભરાઈ ગયા. આ પછી તેમણે 'છૂટાછેડા' નામનો શબ્દ તેમના શબ્દકોષમાંથી છેકી નાંખ્યો. અને ક્યારે પણ તેમની વચ્ચેના ઝગડામાં આ શબ્દનો ઉલ્લેખ ન કરવાના સમ ખાધા., ધીરે ધીરે તેઓ એકબીજાને સમજતા થયા અને એકબીજાને ટેકો અને સ્વતંત્રતા આપવાનું મહત્વ સમજી ગયા. અને હા, લગ્ન પછીની સફર દરમિયાન ખાડા-ટેકરાનો અનુભવ કરવો જ પડે છે. એ વાત પણ તેમને હવે સમજાઈ ગઈ છે.
તમને જાણીને કદાચ નવાઈ લાગશે અને તમે આ વાત માનવા તૈયાર પણ થશો નહીં પરંતુ એક નિષ્ણાંત સેક્સોલોજીસ્ટે જણાવ્યા પ્રમાણે ખરા અર્થમાં બેમાંથી એક બનતા દંપતીઓને ૧૫ વર્ષ લાગે છે. ત્યાર પછી તમારા સાથીના સ્વાર્થ કે મર્યાદાને મોટો મુદ્દો બનાવવાનું છોડી દો છો. અને આ પછી જ તમે તમારી જાતને તમારા સાથી સાથે સાંકળી શકો છો. તેને સમજી શકો છો.
પરંતુ આ ૧૫ વર્ષ દરમિયાન તમારે ડગલે પગલે મુસીબતોનો સામનો કરવો પડશે. દરેક પગલું સમજી-વિચારીને ભરવું પડશે. મોટા ભાગના કિસ્સામાં જોવા મળે છે કે એક પક્ષ પોતાનું ધાર્યુ થાય એમ ઈચ્છે છે અને આ કારણે સામેની વ્યક્તિ અકળાઈ જાય છે. આવે સમયે પતિ કે પત્નીમાંથી એક વ્યક્તિએ મગજ પર કાબુ રાખવાની જરૂર છે. સાથે બેસીને સમાધાન શોધવાની જરૂર છે.
લગ્ન પૂર્વે જોયેલા સુખી લગ્નજીવનના શમણાં પૂરાં ન થાય તો નિરાશા ઘેરાઈ વળે છે. પતિ-પત્નીએ એકબીજા પાસેથી રાખેલી અપેક્ષા પૂર્ણ ન થાય તો બંને વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા છે આ ઘર્ષણ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો છૂટાછેડા જેવું ભયંકર પરિણામ આવવાની શક્યતા છે.
નિષ્ણાંતોએ જણાવ્યા પ્રમાણે લગ્નજીવન દરમિયાન દરેક દંપતીએ લાગણીઓની ભરતી અને ઓટનો અનુભવ લેવો જ પડે છે. લગ્નજીવન દરમિયાન પોતાની સ્વતંત્ર ઓળખનો ભોગ આપવો પડશે એવો ડર રાખવાની જરૂર નથી. મુશ્કેલીથી ગભરાયા વગર સાથે મળીને એનો સામનો કરો. અને આમ કરવાથી તમે એકબીજાને સારી રીતે સમજી શક્શો. અને ઓળખી શક્શો.
મોટે ભાગે પુરુષ સમજે છે કે તે તેની પત્નીને ઓળખે છે અને સ્ત્રી સમજે છે કે તે તેના પતિને પૂરેપૂરો ઓળખી ગઈ છે. પરંતુ આ એક ભ્રમ છે.અને આને કારણે ઘણી ગેરસમજ ઉત્પન્ન થઈ શકે છે.
દરેક વ્યક્તિની અંદર આકાંક્ષા,અપેક્ષા, સપનાં છૂપાયેલા છે. અને મનની અંદર ધૂંધવાતો આ દાવાનળ ભભૂકી ઊઠે છે ત્યારે સામેની વ્યક્તિના કેવો પ્રતિભાવ આપે છે એ વાત પર ઘણો આધાર રહેલો છે. આ સમયે સામેની વ્યક્તિ સાથ સહકારની જરૂર છે. જે ન મળતા બંને વચ્ચેની ખાઈ વધુને વધુ ઊંડી બની જાય છે.
નંદીનીએ નોકરી કરવાની ઈચ્છા જાહેર કરતા જ તેના પતિ વિનયે માથે આભ તૂટી પડયું હોય એવું વર્તન કર્યું. ઘર કોણ સંભાળશે? છોકરાઓ પર કોણ ધ્યાન આપશે? એવા પ્રશ્નો દ્વારા તેણે નંદીનીને મૂંઝવી નાખી. ''નોકરી કરવાની કોઈ જરૂર નથી, છાનીમાની ઘરમાં બેસી ઘર જ સંભાળ.'' એમ કહી તેણે નંદીનીની ઈચ્છા પર રોલર-કોસ્ટર ફેરવી દીધું. આવે સમયે કોઈ સમાધાન પૂર્વકનો રસ્તો ખોળી વિનયે નંદીનીને તેનું સપનું પૂરું કરવા સાથ આપ્યો હોત તો? વેલ તો નંદીનીની નજરમાં તેનું માન વધી ગયું હોત અને તેનાં ભાવિ શમણાં પૂર્ણ કરવા નંદીની પણ તેની પડખે ઊભી રહી હોત.
લગ્નજીવનની સફળતા માટે એક વાત ઘણી મહત્વની છે અને એ વાત એ છે કે દરેક વાતે સામેની વ્યક્તિનો વિરોધ કરી તેના પર હુકમ કરવાની વૃત્તિ સંબંધોમાં તડ પાડવા મહત્વનો ભાગ ભજવે છે. તમે તમારા સાથી સાથે તમારી જાતને સાંકળી શક્તા નથી ત્યારે તમારા સંબંધ મજબૂત કેવી રીતે બનશે? એકબીજા સાથે સાંકળી શકવાનો અર્થ એ નથી કે તમારા બંનેના સપના એક જ હોવા જોઈએ. પરંતુ આનો અર્થ એ છે કે તમારા સાથીને કોઈ વસ્તુની ઈચ્છા હોય તો તમારે એ ઈચ્છા પૂરી કરવા પૂરેપૂરો સહયોગ આપવો જોઈએ.''હું તારી પડખે છું.'' એ વાતનો વિશ્વાસ લગ્નજીવનના પાયાને મજબૂત બનાવવામાં મહત્વનો ફાળો આપે છે.
પરિવારને બાનમાં લઈ સામેની વ્યક્તિની મહત્વાકાંક્ષા રગદોળી દેવાની વૃત્તિ સારી નથી. આ વૃત્તિ પતિ-પત્નીને એકબીજાથી દૂર કરવા પૂરતી છે.
લગ્નજીવનને સફળ બનાવવા માટે જતું કરવાની ભાવના તેમ જ એકબીજાને માફ કરવાની ઉદારતા જરૂરી છે. બે વ્યક્તિઓનો સંબંધ મજબૂત બનાવવા આ ગુણો સિમેન્ટનું કામ કરે છે. એ વાત સૌ જાણી જશે તો સંબંધો તૂટશે નહીં. અને ફેમિલિ કોર્ટમાં છૂટાછેડાઓની અરજીઓનો મોટો ખડકલો અદ્રશ્ય થઈ જશે એમ નથી લાગતું? પતિ-પત્ની લગ્નજીવન નામના છોડને પ્રેમ, વિશ્વાસ અને ત્યાગનું જળ સિંચે તો સમય જતાં તે છોડ લીલુંછમ ઘટાટોમ વૃક્ષ બની જશે.