Get The App

દાવત - ફરાળી વાનગીઓ-ભાગ-૨

Updated: Aug 4th, 2020


Google NewsGoogle News
દાવત - ફરાળી વાનગીઓ-ભાગ-૨ 1 - image


બટાટાની ફરાળી ભાખરવડી

સામગ્રી: 

બટાટા ૨૫૦ ગ્રામ, મીઠું પ્રમાણસર રાજગરાનો લોટ ૫૦૦ગ્રામ

ભાખરવડી માટે: નાળિયેરનું ખમણ, ૫૦ગ્રામ, તલ થોડાક, વાટેલા આદુ-મરચાં ૧ ચમચી, કોથમીર એક ઝુડી, ખાંડ, મીઠું પ્રમાણસર, ૧ લીંબુનો રસ

ચટણી માટે સામગ્રી: કોથમીર એક ઝુડી, જીરું એક ચમચી, તજ, લવિંગ, એલચી, ખસખસ થોડા, મીઠું પ્રમાણસર, શીંગદાણા ૫૦ ગ્રામ.

રીત: 

 એક વાસણમાં પાણી ગરમ મૂકી તેમાં બટાટાને બાફવા. બટાટા બફાઈ જાય એટલે તેની છાલ ઉતારીને તેનો છૂંદો કરવો.

આ માવામાં મીઠું વાટેલા આદુ-મરચાં તલ નારિયેરનું ખમણ, ખાંડ અને લીંબુનો રસ મિક્સ કરીને પૂરણ તૈયાર કરવું,  ત્યારબાદ રાજગરાના લોટને ચાળીને તેમાં મીઠુ અને તેલનું મોણ નાખીને પાણી વડે પૂરી જેવો લોટ બાંધવો, રાજગરાના લોટની પુરી વણવી. જરૂર પડે રાજગરાના લોટનું અટામણ લેવું. પછી આ પૂરીમાં બટાટાનું પુરણ ભરીને તેનો રોલ વાળવો. અને રોલને ચપ્પા વડે ગોળ ગોળ સ્લાઈસના રૂપમાં કાપવો.

ત્યારબાદ એક કડાઈમાં તેલ લઈને તેને ગેસ ઉપર ગરમ કરવા મુકવું. અને તેલમાં સ્લાઈસને સોનેરી એવી  તળી લેવી. અને ગરમ પીરસવી.

ચટણી માટેની બધી સામગ્રીને વાટીને તૈયાર કરવી. અને તેને ગરમ ગરમ ભાખરવડી સાથે પીરસવી.

દાવત - ફરાળી વાનગીઓ-ભાગ-૨ 2 - imageસૂરણનો દૂધપાક

સામગ્રી: 

 સૂરણ ૩૦૦ ગ્રામ, દૂધ અઢી લીટર, ચારોળી સવા ચમચી, જાયફળનો ભૂકો અડધી ચમચી, ખાંડ પ્રમાણસર, ઘી પ્રમાણસર, એલચીનો ભૂકો ૧ ચમચી.

રીત: 

સૂરણને પાણીમાં રાખીને છોલવું. પછી એને બહાર કાઢીને છીણી નાખવું. પછી સૂરણના આ ખમણને નીચોવી નાખવું. પછી ચૂલા ઉપર એક વાસણમાં ઘી ચડાવી એને સાંતળવું. દૂધને ચૂલે ચડાવવું અને ઉકાળવું. પછી સૂરણનું છીણ એમાં નાખીને બાફવું. છીણ બફાઈ જાય એટલે એમાં ખાંડ નાખવી.પછી ખાંડ ઓગળે અને દૂધપાક  જાડો થાય એટલે એને નીચે ઉતારી લેવો. પછી એમાં એલચી અને જાયફળનો ભૂકો તથા ચારોળી નાખવા. બટાટાની સૂકી ભાજી અને રાજગરાની પૂરી સાથે સારો લાગે છે.




દાવત - ફરાળી વાનગીઓ-ભાગ-૨ 3 - imageશીંગોડાંના લોટની ખાંડવી

સામગ્રીઃ  

૨૫૦ ગ્રામ શીંગોડાંનો લોટ ૫૦૦ મિલિ છાશ. ૧।. ચમચી મીઠું. સોપારી જેટલું આદું, ૫ નંગ લીલા મરચાં, ચપટી હળદર,  કોથમીર, અર્ધો કપ લીલું કોપરું વઘાર માટે ૧ ચમચો તેલ, ૧ ચમચી જીરું ચપટી હીંગ.

રીત: 

લોટ અને છાશ ભેગાં કરવાં તેમાં મીઠું, આદુ અને લીલાં મરચાં વાટીને અને હળદર નાંખવા પછી ધીમે તાપે મુકી હલાવ્યા કરવું ઘટ્ટ થાય એટલે ઉતારી લેવું. પછી થાળીમાં તેલ ચોપડીને ઘટ્ટ થયેલું મિશ્રણ પાતળું પાથરવું ઠંડુ પડે એટલે કાપા પાડી પીંડા વાળવા.  પછી તેલ,જીરુ અને હીંગનો વઘાર કરી પીંડા પર રેડવો. પછી તેના પર કોપરાની છીણ કરીને અને કોથમીરને ધોઈ ઝીણી સમારીને ભભરાવવાં. 





દાવત - ફરાળી વાનગીઓ-ભાગ-૨ 4 - imageશિંગોડા-બટાટાનાં ઢોકળા 

સામગ્રી: 

બટાટા ૧૨૫ ગ્રામ, શિંગોડાનો લોટ ૨૫૦ ગ્રામ, સાબુદાણા ૫૦ ગ્રામ, ખાટું દહી ૫૦ ગ્રામ, મરચા ૨ નંગ, આદુ ૧ ટુકડો, મીઠું પ્રમાણસર. પાણી પ્રમાણસર.

રીત:  

એક વાસણમાં પાણી લઈ એમાં બે કલાક સાબુદાણા પલાળી રાખવા. પછી તેમાંથી પાણી નિતારી લેવું. પછી એક વાસણમાં પાણી લઈને તેમાં બટાટા નાંખવા. અને પછી તેને ચૂલે ચડાવીને તેને બાફવા. પછી એની છાલ ઉખેડી નાંખવી અને પછી એને છૂંદી નાખીને એનો માવો બનાવવો. ત્યારબાદ બધી સામગ્રી ભેગી કરી એમાં દહી નાંખીને ઢોકળાનું ખીરું તૈયાર કરવું. પછી તેને ત્રણ-ચાર કલાક રાખી મૂકવું. આમ કરવાથી એમાં આથો આવશે. પછી એના ઢોેકળા બાફવા અને બફાઈ જાય એટલે ખાવા.


Google NewsGoogle News