વિસામો : વાર્તા .
- બહેન આવ મારી પાસે આવ, આજે તો હું મારા ઘરની સાફસુફી કરી રહી છું, જે નકામી ચીજો, કચરો વગેરે છે તે સૌને ઉકરડામાં ફેંકી દેવાના.... અને ઘર સ્વચ્છ રાખવાનું, અમે એ રીતે તારા માર્ગની આડે આવનારા તારા મનને કચડનારા, તારા વિકાસને રૂંઘનારા એવા તમામ પરિબળોને જ્યાં સુધી હું બહાર નહિ ફેંકી દઉં ત્યાં સુધી હું જંપીને બેસીશ નહિ....
આજે રવિવારનો દિવસ ઓફિસમાં રજા હતી. ઘરનું ઘણું કામ ચડી ગયેલું હોવાથી સાફસૂફીમાં પડી હતી. ઘરના તમામ લોકો ચીડાતા હતા. આજે રજા છે જરા શાંતિથી તો સૌને સુવાદે પણ સ્ત્રી જેનું નામ ઘર જેવું બીજું કોઇ સ્થાન નથી એમ માનતી. હું મારા ઘરને સુંદર અને સાફ રાખવા આજે કટિબધ્ધ હતી.
ત્યાં તો એક ધીમો મૃદુ અવાજ મારા કાન પર અથડાયો. અવાજ ખૂબ જ પરિચિત હતો, કુમળો હતો, મંદ મંદ વહેતી નદી જેવો હતો.... ''બહેન આવું?''
''કોણ?''
''હું પ્રમિલા....''
અને હું દોડી.... બારણું ખોલ્યું... એક નાનકડી.... પાતળી.... યુવતી ઊભી હતી..... આમ તો એ પૂરા પચીસ વર્ષની હતી, પણ એના શરીરે કાડું કાઢ્યું જ ન હતું અને તેથી એ પોતે પણ પોતાની ઉંમર છુપાવતી હતી. છતાં અનુભવી નજર કહી શકે કે આ કન્યા ખાદેપીધે સુખી હોય તો જરૂર રૂપયૌવના દેખાય.
''આવ પ્રમિલા... આવ....'' મેં એને પાસે બોલાવી એનું કુમળું લંબગોળ મુખ, પાણી ભરી આંખો, શ્યામ વર્ણની કાયા.... સમતા ભરેલો ચહેરો પ્રથમ દ્રષ્ટિએ જ સૌને ગમી જાય એવી એ છોકરી હતી. એને યુવતી કહી શકાય તેવા ફિચર્સ હતા પણ કોઇ કારણસર શરી ઓગળી ગયેલું લાગ્યું.
એ અનાથ હતી. પિતા કોણ હતો તેની તેને ખબર ન હતી. માતા તો જન્મ આપી કપડામાં વીંટી કોઇ ખેતરમાં એને મુકી ચાલી ગઇ હતી. જેને ખબર પડી તેણે પોલીસમાં ખબર આપી અને સોંપી દીધી કોઇકને.
જ્યાં એ ગઇ ત્યાં એ ઉછરી. ઉછરી પણ અનાથની જેમ.
જેમ જેમ મોટી થતી ગઇ તેમ તેમ સમાજનો અનુભવ થવા લાગ્યો.... ક્યારેક નિરાધારી, ક્યારેક ગરીબાઇ, ક્યારેક સમાજની પાશવતા એને સતાવવા લાગી કોઇકે કહ્યું, ''અલિ, આમ ઘરબાર વગરની છું, તો ઘર લઇને બેસી જા.... ઘર અને વર બન્ને મળશે ને સુખનો રોટલો ખાઇશ, કંઇ નહિ તો વર તો મળશે ને કુટુંબ પોતાનું થશે.''
એમ વિચારી એને કોઇકે ઘર દેખાડયું, વર દેખાડયો અને વર પક્ષવાળાએ મંદિરમાં લઇ જઇ વરઘોડિયો પરણાવી દીધા.
''કેમ પ્રમિલા, તું તો પરણી હતી ને, કંકોતરીય ન મોકલી, સુખમાં છેને!''
અને સ્ત્રીનું લાચારીનું હથિયાર આસું એની આંખોમાંથી ટપ.... ટપ.... આંસુ સરી પડયા.
કેમ એક જ મહિનામાં પરણેતર....
પૂરું.....
બહેન, એક જ મહિનો નહિ, એક પળમાં જ તો મારું જીવતર ધૂળ થઇ ગયું.
'અરે, આવું કા બોલે? તું તો આટલી સુંદર છે તે!''
''બહેન'' પ્રમિલા ગળગળા અવાજે બોલી, ''શું કહું! હું જ્યાં કામ કરતી હતી તેમની પાડોશમાં એક છોકરો હતો. તેમણે મને કહ્યું લગ્ન કરવા છે? ઘરબાર વગરની ને ઘર અને વર બન્ને મળશે, મે તો હા પાડી. તેની સાથે જ માત્ર ચોવીસ કલાકમાં એના જ ઘરમાં મારા લગ્ન થઇ ગયા, એને મે દૂરથી જોયો હતો, ન તો અમે મળ્યા હતા કે ન તો અમે કોઇ વાતો કરી હતી. મેં અનું માત્ર ઘર જોયું હતું, ઘરનું ઘર, માબાપ સારા એટલે મને એમ કે માબાપ વગરની મને માબાપ મળશે. એટલું હું તો આનંદે સમાઇ નહિ મને થયું મારા સાસૂ-સસરાની હું એવી સેવા કરીશ કે જેથી તેઓ મને ચાહે ને દીકરીની જેમ રાખે.''
ફેરા ફર્યા બાદ હું છેડાગંઠન છૂટયું એટલે સાસુ પાસે આવી. એમના પગ દબાવવા બેઠી મને આંખોમાં ઉંઘ ભરાઇ હતી. એ ક્યારે અંદર બોલાવે એની રાહ જોતી હતી. મારા સાસુ વારેઘડિયે પડખું ફેરવતા હતા, પણ એક અક્ષરેય બોલતા ન હતા, છેવટે મોડે મોડે મને કોઇનો કણસવાનો નીચે અવાજ આવ્યો. નીચે જ અમારી રૂમ હતી, હું તો ધીરે રહી ઊભી થઇ ત્યાં જ સાસુએ આંખો ખોલી ક્યાં જાય છે? પુનમ તો ક્યારનોય સૂઇ ગયો હશે.... હવે તું અહીં મારી પાસે જ સૂઇ રહે. સાસુનું વચન એટલે બ્રહ્મવચન. એ ઉથાપાય જ નહિ, છતાંય કપડાં કાઢી બદલીને આવું છું એમ કહી સડસડાટ ઉતરીને મારા રૂમમાં પહોંચી ગઇને અંદરથી બારણું મેં બંધ કરી દીધું.
પરણ્યાની પહેલી રાત, પ્રથમ મિલન પૂરું. એકાંત સ્ત્રી-પુરુષને એકમેકમાં સમાઇ જવાની કેટલી બધી ઇચ્છા થાય? પણ આ તો તેને બદલે પુનમ તો ગાંડાની પેઢે આખા શરીરે ખણતો હતો, ધુ્રજતો હતો અને ન તો બેસી શકતો હતો કે ન તો સૂઇ શકતો હતો... એણે લાચારીથી કરુણ આંખે મારી સામે જોયું....
''કેમ? તમને આ બધું શું છે?'' એમનો બરડો જોવા મેં ખમીસ ઊચું કરવા પ્રયત્ન કર્યો.....
''કશું નથી.... કશું નથી....''
મારો હાથ તરછોડી પુનમે ખમીસ પહેરી લેવા પ્રયત્ન કર્યો પણ બળજબરીથી મેં એના બરડા પરથી ખમીસ હટાવ્યું.... જોયું તો ત્યાં પોપડ પોપડા બાઝેલા હતા, એ બોલતો હતો પણ તોતડું, હાથ સતત ધુ્રજતા હતાં.
''મને કહે.... તુ જતી રહે..... જતી રહે..... મારી પાસેથી...... જા....''
પણ હું ક્યાં જાઉ? હવે મને ખ્યાલ આવ્યો કે સાસુના રૂમમાં એક બીજી પથારી હતી તે મારે માટે હતી. અને આ રૂમમાં તો કાંઇ હતું જ નહિ ન શેતરજી ન ઓશીકુ અંધારુ ધોર અને આ માણસ ભૂત જેવો લાગે, મને તો થયુ કે મને પરણનાર શું આવો માણસ હતો? શંકા ગઇ પણ પૂછું કોને? મનમાં ગાંઠવાળી કારણ શોધવું જ પડશે.... મેં સીધુ એને જ પૂછ્યું
''તમે મારી સાથે નહોતા પરણ્યા?
તમે મને એમ કેમ પૂછો છો?
હું કોણ છું? હું તો તમારી પત્ની છું, વહુ છું.....''
પણ એ અંધારામાયે મને એની ગભરાયેલી આંખો જોવા મળી જાણે મારાથી ભાગતો ન હોય?
મને દયા આવી.... સાથે સાથ વિમાસણમાં પણ પડી. કોણ હશે મારો વર....? આ તો ગાંડો લાગે છે. પૂરું બોલતા પણ નથી આવડતું શું કરું? એક તરફ કરુણા ઊભરાતી હતી બીજી તરફ નફરત થતી હતી. કદાચ આની સાથે મને પરણાવી દીધી હોય તો? કારણ કે એને હાથે મીઢળ તો બાંધેલું જ હતું મેં એને હાથ પકડી બેસાડીને પૂછ્યું.
''ક્યાં છે તમારી દવા? હું લગાડી દઉ'' કહી મેં મહામહેનતે એને દવા લગાડી.
''જુઓ હું તમારી પત્ની છું, તમારે બધું કામ મને કહેવું હું તમને દવા પણ લગાડી દઇશ.''
પણ દવા શી ને વાત શી? તેમનો કોઇ ઇલાજ થતો જ નહોતો. રોજ રોજ આવું બનતું. એ બોલે જ નહિ, ગાંડા કાઢે પૂરું બોલતાયે ન આવડે મારી સાથે બોલે નહિ, મને જોઇને દૂર ભાગે.... ગભરાય. ચીંસાચીસ કરે.
એટલે મને થયું હવે અહીં રહેવાય તેમ નથી. જો જીવવું હોય તો સાસુના સહારે જ જીવવું પડશે. એટલે એકવાર સાસુ પાસે જઇ રાત્રે પગ દબાવતા મેં કહ્યું.
''બા, મને તમારી પાસે રાખો. તમે કહેશો તે બધું જ કામ કરીશ, પણ મને તરછોડશો નહિ. મારે મા-બાપ નથી. તમેજ મારા મા-બાપ છો. અનાથની માતા બનશો? મને દીકરી ગણી તમારે પડખે રાખશો? મારી સાસુએ હા તો પાડી, પણ મારી પાસે શરતો કરાવી. પુનમ આવો રોગી છે એ વાત તારે કોઇને કહેવાની નહિ, પુનમને બદલે તને ચંદન પરણવા આવ્યો હતો એ વાત તો તારે પેટમાં જ રાખવાની, આ ઘરનું તમામ કામકાજ તારે જ કરવાનું અને મારા કહ્યા વગર ક્યાંય જવાનું નહિ.''
હું જીવતું દોજખ ભોગવતી હતી. લાચારીએ મારું મોં સીવી લીધું હતું હતું એમને પૂછી શકતી પણ નહતી કે મારી જિંદગી એક સ્ત્રી થઇને તમે કેમ બગાડી? પણ આ વાતનો એમણે પરણ્યાની પહેલી જ રાત્રે મને કહી દીધી હતી કે અમે તારા જેવી અનાથ છોકરી લાવ્યા છીએ તે માટે કે મારો દીકરો પરણે અને સંતાન થાય ને અમારો વંશ ચાલુ રહે.
પણ આ અજ્ઞાાન સ્વાર્થ સ્ત્રી-માતા એટલીયે શું દીકરા પ્રત્યેના આંધળા પ્રેમમાં શું એટલી આંધળી બની ગઇ હતી કે એને એક જુવાન કોડ ભરી નારીના સૌભાગ્યને નંદી રહી એની ભાન ન પડે? એમને હું શું કહું? હું જ લાચાર હતી. જો આ ઘરને છોડીને હું ક્યાંય ચાલી જઇશ તો પણ ક્યાં જવાનું? મને એક પરિણીતાને ગૃહત્યાગિનીને સ્વયં ગૃહ ત્યજાયેલીને રાખશે પણ કોણ? ભક્ર સમાજમાં આજે પણ શું ગૃહત્યાગિનું સ્થાન છે ખરું?
મેં બહું વિચાર કર્યો. પરણતી વેળા.... બહેને જે શીખ આપી હતી તે યાદ આવી ઘર અને વર બન્ને મળશે. આજે વર છે ને નથી. ઘર તો છે, એવું મન મનાવી છેવટે ઘરમાં જ રહેવાનો મેં નિર્ણય કર્યો, સાસુના પગ પકડીને મેં કહ્યું ''બા, મને તમારી પાસે રાખો મને ઘર ચલાવતા, રસોઇ કરતા શીખવશો. મારે મા નથી તમે મને દીકરી બનાવો મારે મા જોઇએ છે....'' એમ કહીને હું રડી પડી.
ત્યારે ધડ દઇને સાસુએ જવાબ આપ્યો. ''મારે દીકરો જોઇએ છે... બોલ આપીશ.''
''હાય.... રે....'' હું છળી ઉઠી. આ મારો પતિ. આખા શરીરે ખરજવું. એક મોડું જ બાકી... હાથે અને પગે ધુ્રજતો અર્ધ ગાંડો, પૂરું બોલે પણ નહિ અને બોલે તોય થૂક ઉડે, ન બેસી શકે ન સૂઇ શકે, એને હરપળે સાચવવો પડે, કોઇ મહેમાન આવે તોય જેને કાંઇ ગતાગમ ન પડે એવો આ મારો પતિ.... એને જોઉં ને મને તિરસ્કાર છૂટે.... શું કરું? એની પાસેય જ્યારે હું જઇ શકતી નથી તો એનાથી મને બાળકો થાય એ સંભવ છે ખરો?
બા, મને તમારો પ્રેમ આપો. હું અનાથ છું એ વાત સાચી પણ ગુલામ તો નથી જ ને! શું તમારા દીકરાને ખાતર તમે મને બલિ બનાવો છો? એક યુવાન નારીનો ભોગ!
મને સૂઝ પડતી નહતી.....
ઘર અને વર... અહીં તો.... ગાંડા ગંદા, કહેવાઇ ગયેલા ફળની જે બદબૂ આવે એવી બદબૂવાળા માણસ સાથે... દીકરો આપવા માટે.... માટે બલિદાન આપવાનું.... માણસ... પતિ.... મૃત્યુ પામે તેની પાછળ સતી થવું વધુ સારું કે એકવાર દાઝ્યા એટલે ખતમ.... પણ આ કદરૂપા દેહ સાથે.... ઓહ.... ત્યારે વળી વિચાર આવતો.... અરેરે.... બિચારા એનો શો વાંક....? એણે તો ઘણીય ના પાડી હતી અને અન્ય કોઇને એની માએ પરણાવી દેવા બેસાડી દીધો હતો.
મેં સાસુ સામે દયામણી નજરે જોયું અને કોણ જાણે એના હૈયામાં દેવ વરસ્યા હોય એમ લાગ્યું એ બોલ્યા, ''જો એક શરતે તને અહીં રાખું, તારે મારા દીકરાને રોજ સવાર સાંજ બે વાર દવા લગાડી આપવાની. રોજ એને નવરાવવાનો, એના કપડા ધોવાના અને એને જમાડવાનો, અમારે તો ઘણાય માગા આવતા હતા, એકનો એક દીકરો અને અમારા ઘર મોટા, પડાપડી થતી હતી કન્યાઓની. પણ અમારે તો એવી કન્યા જોઇતી હતી કે જે મારા દીકરાને સાચવે. પણ જો ઘરની બહાર એકવાર પગ મૂકીશ તો ફરીવાર પ્રવેશ નહિ પામે સમજી?''
મેં માથું હલાવી રડતે ચહેરે હા તો પાડી પણ એનું બધુ કામ કરતી હોવા છતાંય મારું મન સુંગાતું, જાણે જીવતાજીવન નરકમાં હું સબડતી હતી. પછી તો મેં જોયું કે એ તમાકુ ખૂબ ખાતો. અને સંડાસમાં બે કલાક બેસી રહેતો અને આખા શરીરે ચૂનો ચોપડતો. મારી સાથે કદીયે બહાર આવતો નહિ, ઘણીવાર કામકાજ અંગે સાસુ મને બહાર મોકલે ત્યારે ે ઘરમાં ભરાય જતો અને એ બહાર જાય તો મારાથી છાનોમાનો જાય.
આમ મને એક જ મહિનામાં ત્રીસ ભવો થઇ ગયા. એક એક ઘડી એક એક પળ, કલા, દિવસ જામે મારે માટે વેરણ બની ગયા. સાસુએ એકવાર તો મને કહી દીધું, ''આ મારો દીકરો આજસુધી નોકરી કરી કમાતો હતો, તારા આવ્યા બાદ એની નોકરી બંધ થઇ ગઇ'' મને ખૂબ ખરાબ લાગ્યું? શું જે સ્ત્રી પ્રેમથી પોતાના સાસરે નદીના પૂરની જેમ ધસમસતી પતિને પામવા આવી હોય એ પતિનું સ્વપ્નમાંયે શું ખરાબ ઇચ્છે ખરી? અરે, જે સાસુએ કપટ કરી એક નિર્દોષ નવોઢાંના જીવનને કચડી નાખ્યું હોય, નંદવી નાખવું હોય એ સાસુની પુત્રવધુ એના પતિને પ્રેમથી નવરાવતી, ખવરાવતી, દવા ચોપડતી હોય એ નિર્દોષ નારી શું પોતાના જ હાથે પોતાનું સૌભાગ્ય લૂંટાવે ખરી? અને જેણે મને અનાથ આશ્રમની કન્યા લેવા માટે ઉતાવળા થયા ત્યારે મને સાચવવાના અનેક વચનો આપ્યા છતાંય છેવટે ''તું અનાથ આશ્રમની, ખરાબકુળની, માબાપ વિહોણી, દુહિતા છો.'' એમ કહી હરપળે મારું અપમાન કરતા તોય એ પતિને સાચવતી એ સ્ત્રી શું પતિને ત્યજે ખરી? અને આટલું મોટું ઘર ને ધંધો હોવા છતાંય મને લગ્ન સમયની એક જ સાડી આપી હતી ને મેં મારા કમાણીના પૈસે ચાંદીના ઝાંઝર, ગળાનું મંગળસૂત્ર, કાનની બુટ્ટી લીધા હતા. એ સ્ત્રીનું આટલું અપમાન આવી ઉપેક્ષા, આવી ઘોર અવહેલના!
રોજરોજ સાસુનો ત્રાસ વધતો જતો હતો. દિવસ રાત મને ગુલામની જેમ રાખતા, થાકને કારણે મારી આંખો મિચાતી તો મને મારતા, મારા રોગી પતિ પાસે મોકલતા અને મને એની પાસે બેસાડી રાખતા... આ બધું અસહ્ય હતું. માનવતાની પેલે પાર હતું. ઘાતકી અતિ ધાતકી હતું. જાણે હું સાતમી નરકમાં રીબાતી હતી.... ઓહ... હવે સહન થતું ન હતું.... ના.... સહન કરવાની પણ હદ હોય ને! હું સ્ત્રી હતી. પણ માનવ હતી, મારેય લાગણી હતી. મનેય સુખઃ શાંતિ જોઇતા હતા.... કોઇનો વિસામો જોઇતો હતો... હું વિસામો શોધતી હતી અને તમે મને યાદ આવ્યા.... બહેન વહેલી પરોઢે જ્યારે સૌ પઢિયા હતા ત્યારે હું ઘરમાંથી નીકળી ગઇ મંદિરમાં એક કલાક ગાળી અંતે હું તમારી પાસે આવી છું..... ડુબતો માનવી જેમ તરણું શોધે તેમ કા તો મને બચાવો ને કા તો મારો.....'' કહી થાકેલી. નિરાશાની અંધકારમય પરિસ્થિતિમાં અટવાયેલી પ્રમિલા ધબ લઇને બેસી પડી.
થોડીવાર રહીને એ બોલી ''નથી હું મરવા માંગતી કે નથી હું પરવશ જીવવા ચાહતી, માત્ર હું જે પ્રમિલા... મારા માર્ગમાં જે કાંટા પથરાયા છે તેને સાફ કરવા માટે માત્ર તમારો સહકાર જોઇએ છે, માત્ર સાથ.... માર્ગદર્શન .... કહીએ ચિંતિત નજરે મારી સામું જોઇ રહી.
એકદમ મેં એને મારી પડખે લીધી.
''બહેન આવ મારી પાસે આવ, આજે તો હું મારા ઘરની સાફસુફી કરી રહી છું, જે નકામી ચીજો, કચરો વગેરે છે તે સૌને ઉકરડામાં ફેંકી દેવાના.... અને ઘર સ્વચ્છ રાખવાનું, અમે એ રીતે તારા માર્ગની આડે આવનારા તારા મનને કચડનારા, તારા વિકાસને રૂંઘનારા એવા તમામ પરિબળોને જ્યાં સુધી હું બહાર નહિ ફેંકી દઉં ત્યાં સુધી હું જંપીને બેસીશ નહિ, આવ, આજથી તું મારી નાની બહેન છે.... હા મારી નાની લાડલી બહેન....!!''
અને પ્રમિલા ખડકોથી ખડકાયેલા પહાડ જેવા બોજાને હળવો કરતી મારા હૈયામાં સમાઇ ગઇ..... મને લાગ્યું કે મારા ઘરની જ સફાઇ નહિ પણ સમાજના કઢંગા રિતરિવાજોની સફાઇ હું મગરૂબીથી કરી રહી છું.