Get The App

વાર્તા : પરિવર્તન .

Updated: Apr 21st, 2025

GS TEAM


Google News
Google News
વાર્તા : પરિવર્તન                                          . 1 - image


- મને કોઈએ નરભક્ષીઓ વચ્ચે ધકેલી દીધી હોય, એવું લાગતું હતું. ત્યાં મને મદદ કરનાર  કોઈ નહોતું. સસરા રૂમમાંથી બહાર ગયા કે તરત જ મેં બારણું અંદરથી બંધ કરી સાંકળ વાસી દીધી અને હું ત્યાં જ પડી ગઈ. જમીન પર પછડાવાથી મારા માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. હું ત્યાં જ પડી પડી આખી રાત રડતી હતી.

એક દિવસ હું મારી ઘડિયાળ રિપૅર કરાવવા જતી હતી ત્યાં અચાનક એ મારી સામે આવીને બોલી, ''નાનીબહેન કેમ છો? મજામાં?''

''તમે....?''

અચાનક એના મોંએથી  મારું  નામ સાંભળી હું કંઈક અચકાઈ ગઈ, એ જોઈ  એણે કહ્યું, ''અરે, મને ન ઓળખી? હું રૂપા, તમારી જૂની બહેનપણીને પણ ભૂલી ગયાં?''

''ઓહ્! રૂપા? ખરેખર, હું એકદમ તને ઓળખી ન શકી.''

''ચાલો, તમને યાદ તો આવી એટલું સારું પરંતુ તમે આમ આટલા થોડા સમયમાં જ મને ભૂલી જશો, એવી તો મેં કલ્પના પણ નહોતી કરી.'' રૂપાએ કહ્યું.

''ના, એવું નથી. તું અચાનક સામે આવીને ઊભી રહી ગઈ અને ભીડમાં મને દેખાયું નહીં કે તું સામેથી આવી રહી હતી. આકસ્મિક મુલાકાતમાં આવું તો થાય. વળી તારો પોશાક પણ... મારા કહેવાનો અર્થ એ છે કે, ડૉક્ટરોના કોટ જેવો આ સફેદ કોટ...'' મેં પ્રશ્નભરી દ્રષ્ટિએ એને ઉપરથી નીચે સુધી જોઈ.

''કેમ? હું ડૉક્ટર ન બની શકું?'' રૂપાએ રહસ્યમય સ્મિત સાથે મને પૂછ્યું.

''હા, બની શકે, પણ આપણી છેલ્લી મુલાકાત બે વર્ષ પહેલાં જ થઈ હતી અને એટલામાં ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસ? મને તો સમજાતું નથી, કેમ કે ડૉક્ટર બનવામાં પાંચ વર્ષનો સમય તો લાગે છે. તો પછી  આ કોટ અને ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસ?'' મેં રહસ્ય સમજવાનો પ્રયત્ન કર્યો, પણ કોણ જાણે કેમ, મને એ કંઈ સમજાતું નહોતું.

''શા માટે નાહક માથું દુખાડો છો? તમને આ બધું નહીં સમજાય'' તે ફરી રહસ્યમય સ્વરે બોલી.

''તો તું જ કહી દે ને કે આ બધું શું છે? આ કોટ  અને તારી ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસ પાછળ કયું રહસ્ય છુપાયેલું છે?'' મેં ચિડાઈને  મોટેથી પૂછ્યું.

''અહીં આમ રસ્તા વચ્ચે ઊભી રહીને તમને બધી વાત કેવી રીતે કહું? હા, તમે અત્યારે ક્યાં જઈ રહ્યાં છો?''

''મારી ઘડિયાળ રિપેર કરાવવા આવી છું.''

''ત્યાર પછી ઘેર જવાની ઉતાવળ તો નથી ને?''

''ના, ખાસ નથી.''

''બસ, જો અત્યારે સાડાચાર વાગ્યા છે. હું પાંચ વાગ્યે કિલનિક બંધ કરીને કૉફીહાઉસ પાસે આવીશ. ત્યાંસુધીમાં તમે ઘડિયાળ રિપેર કરાવીને સીધાં ત્યાં પહોંચી જજો. હું ત્યાં બહાર રાહ જોતી ઊભી હોઈશ બરાબર?'' એણે કહ્યું.

''ભલે, હું આવું છું.'' મેં કહ્યું.

એ તરત જ પોતાની ચંચળ ગતિએ ઝડપથી ચાલતી રોડ પરની ભીડમાં ખોવાઈ ગઈ. ઘડિયાળ રિપેર કરાવીને હું આરામથી ચાલતી ચાલતી કૉફીહાઉસ પહોંચી ત્યારે પાંચ વાગ્યા હતા. રૂપા નાં બારણાં પાસે મારી રાહ જોતી ઊભી હતી. હવે એણે સફેદ કોટ પહેર્યો નહોતો. એની પ્લાસ્ટિકની બૅગમાંથી સફેદ નેપ્કિન ડોકિયાં કરતા હતા.

એને ત્યાં રાહ જોતી ઊભેલી જોઈને મેં પૂછ્યું, ''ક્યારે આવી?''

''ખાસ વહેલી નથી આવી. તમારી ઘડિયાળ રિપેર થઈ ગઈ?''

''હા.''

''ચાલો, અંદર જઈને ગરમાગરમ કૉફી પીએ.'' એણે અંદર જવાનો ઈશારો કરતાં કહ્યું.

કૉફીહાઉસમાં સારી એવી ભીડ હતી, પણ અમને ખૂણામાં એક ખાલી ટેબલ દેખાતાં બંને ત્યાં જઈને બેસી ગઈ. રૂપાએ પોતાની પર્સ અને બૅગ ખુરશીના ટેકે ગોઠવી  વેઈટરને બે કપ કૉફી લાવવાનો ઑર્ડર આપ્યો. ત્યારબાદ અમે બંને ટેબલ પર હાથ ટેકવી, એકબીજા સામે જોઈ રહી. મારી દ્રષ્ટિમાં શ્રોતાનો ભાવ અને એની દ્રષ્ટિમાં વક્તાનો ભાવ જોવા મળતો હતો.

તેણે  મૌનભંગ કરતાં પૂછ્યું, ''તમે મુંબઈથી અહીં પાછાં ક્યારે આવ્યાં?''

''એપ્રિલમાં, હવે તો ત્રણચાર મહિના થવા  આવ્યા.''

''આટલા દિવસોથી અહીં હોવા છતાં આપણી એક વાર પણ મુલાકાત ન થઈ?''

''હા, સંજોગની વાત કહેવાય ને! હું થોડા દિવસ નડિયાદ ગયેલી હતી  એટલે પણ કદાચ આપણે મળી ન શક્યાં હોઈએ.'' મેં કહ્યું.

એ  નિસાસો નાખી મારા ચહેરા પરથી દ્રષ્ટિ ખસેડી શૂન્યમાં તાકી રહેતાં બોલી, ''હા, તમારી વાત સાચી છે. બધું સંજોગોને આધીન છે. સંજોગ જ સર્વસ્વ છે. જીવન પોતે પણ એક સંજોગ જ છે. મિલન-વિરહ, લેણ-દેણ આ બધું સંજોગો પર આધારિત છે.''

''અરે, તું તો ફિલોસૉફરની જેમ વાત કરવા લાગી ગઈ. ચાલ, હવે આ સંજોગોની વાત જવા દે અને મને તારા કોટનું રહસ્ય જણાવ.'' એને એકાએક ઉત્તેજિત થયેલી જોઈ મેં શાંત રાખવા માટે વાત બદલતાં કહ્યું.

એ વ્યંગ્યાત્મક છતાં ઉદાસ સ્વરે બોલી, ''કેમ? મને એ કોટ પહેરેલ જોઈ આશ્ચર્ય થયું? મને પોતાને પણ મારી જાત પર, મારી જિંદગી પર આશ્ચર્ય થાય છે. તારો દોષ નથી. એક ફોજી અધિકારીની પુત્રી, આશાસ્પદ અધિકારીઓની લાડલી નાનીબહેન, લખપતિ વેપારીની પત્ની, આજે એક ક્લિનિકમાં મામૂલી નોકરી કરે છે. એ જાણી કોઈને પણ આશ્ચર્ય થાય જ.

''તમે આ બૅગમાં સફેદ નેપ્કિન જુઓ છો ને? એ બધા ક્લિનિકના છે. ડૉક્ટરો તથા દર્દીઓએ ગંદા હાથ લૂછેલા નેપ્કિન આજે હું ઘેર લઈ જઈશ અને કાલે ધોઈને લેતી આવીશ. આ કામ કરવાથી દર મહિને  મારી આવકમાં ૫૦ રૂપિયાનો વધારો થાય છે. આ સિવાય, હું ક્લિનિકની સાફસૂફી પણ...''

મને એની વાતનો વિશ્વાસ ન આવતાં મેં પૂછ્યું, ''રૂપા, તું આ શું કહે છે? મને ગાંડી કરી નાખવાના ઈરાદાથી તું અહીં લાવી છે? મને તો તારી એક પણ વાત સમજાતી નથી. તું શું કહે છે? વેપારીની પત્ની? તેં લગ્ન કરી નાખ્યાં છે? જો, મને વધારે ભરમાવ્યા વિના જે સાચી વાત હોય, તે કહે.''

''આમાં, તમારે ગાંડા થવાની કે ભરમાવાની વાત જ ક્યાં  આવી? જીવનની આ કટુ વાસ્તવિક્તાનો સામનો કરવા છતાં હું પોતે પણ હજી સ્વસ્થ છું, ગાંડી નથી થઈ ગઈ. તમને યાદ છે કે હું  મારા નામ સાથે 'સવેરા' ઉપનામ ધારણ કરતી હતી? 'સવેરા' એટલે જીવન પ્રત્યે આશાવાદી દ્રષ્ટિકોણ...''

ત્યાં સુધીમાં વેઈટર કૉફી લઈ આવ્યો. રૂપાએ મને પૂછ્યા વિના જ બંને કપમાં એક એક ચમચી ખાંડ નાખી તેમાંનો એક કપ મને આપ્યો.

''બધી વાત બરાબર છે, પણ લાગે છે કે તું તારાં લગ્ન વિશે જણાવવા નથી ઈચ્છતી.'' મેં ચમચીથી કૉફી હલાવતાં કહ્યું.

''ચોક્કસ જણાવીશ. જો તમને એ બધું જાણવાની આટલી બધી આતુરતા હોય, તો હું અવશ્ય જણાવીશ. એ લગ્ન મારી જિંદગીની એવી દુર્ઘટના છે, જેણે મારા અસ્તિત્વના ટુકડેટુકડા કરી નાખ્યા.

બી.એ. પાસ કર્યા પછી થોડા જ સમયમાં મારાં લગ્નની વાત નક્કી કરી દેવામાં આવી. હું ઘરમાં બધાં ભાઈબહેનો કરતાં સૌથી નાની હતી. મારી વય માત્ર ૨૦-૨૧ વર્ષની જ હતી. ખૂબ ધામધૂમથી મારાં લગ્ન કરવામાં આવ્યા અને કરિયાવર પણ એટલો આપવામાં આવ્યો કે બધાં આશ્ચર્યચકિત બની ચર્ચા કરવા લાગી ગયાં. સાસરે આવ્યા પછી સૌ કોઈ નવવધૂ અને કરિયાવરની ખૂબ પ્રશંસા કરતાં હતાં.

હું નાજુક, લજામણીના છોડ જેવી નવવધૂ પ્રથમ રાતનાં સોહામણાં સોણલાં આંખોમાં સજાવી પ્રિયતમના મિલન માટે આતુર હતી, પણ મારા જીવનમાં એ રાત ક્યારેય ન આવી. પ્રથમ રાતે આખી રાત મારા પતિ એમના મિત્રો સાથે ગપ્પાં મારતા બેસી રહ્યા. બીજા દિવસે રાતે એમની તબિયત સારી નહોતી અને ત્રીજી રાતે વેપારના કામ અંગે એમને બહારગામ જવું પડયું.

ચોથી રાતે અચાનક મારા સસરા મારા રૂમમાં આવ્યા. હું શિષ્ટાચારવશ એમને માન આપવા ઊભી થઈ અને મેં માથે ઓઢ્યું. પરંતુ એ નજીક આવને મારો હાથ પકડી મને પલંગ પાસે લઈ ગયા. કોણ જાણે કેમ, એમનું વર્તન મને શંકાસ્પદ લાગતું હતું. એમણે મને પલંગ પર બેસાડી અને મારી બાજુમાં એ બેસી ગયા. ત્યાર પછી મારા માથા પરથી સાડીનો છેડો ખસેડી દઈ એ મારી તરફ તાકી રહ્યા, તો હું મનોમન ગભરાઈ ગઈ. એકદમ ઊભી થઈને હું એક ખૂણા તરફ જતી રહી.

મને ચક્કર આવતાં હતાં. મહામહેનતે હું દીવાલનો ટેકો લઈ ઊભી રહી હતી. મારું આખું શરીર ધુ્રજતું હતું. મોંમાંથી એક અક્ષર પણ નીકળી શકતો નહોતો. બારણું અંદરથી બંધ કરેલું હતું.

મારી સ્થિતિ જોઈ મારા સસરા નફટાઈથી હસીને બોલ્યા, 'ડરી ગઈ લાગે છે બાપડી. કંઈ વાંધો નહીં. આજે તો જાઉં છું' અને એ બારણા તરફ આગળ વધ્યા. બારણું ખોલતાં અચાનક થંભી જઈ એ પાછા ફર્યા અને એમણે મને તમામ મર્યાદાઓનું ઉલ્લંઘન કરી વર્તમાન તથા ભાવી સ્થિતિ વિશે જે કંઈ જણાવ્યું, તે સાંભળીને મારા પર જાણે આભ તૂટી પડયું.

મારાં લગ્ન એક નપુંસક સાથે થયા હતાં. ઘરમાં બધાંને આ વાતની જાણ હતી. લગ્ન પહેલાં જ એમણે નક્કી કર્યું હતું કે સસરા અથવા જેઠ પતિની ભૂમિકા અદા કરશે. કુટુંબની  અન્ય સ્ત્રીઓ પણ લાચારીવશ આ તમાશો જોતી હતી. મને પણ પરિસ્થિતિ સમજીને માની જવા માટે કહેવામાં આવ્યું હતું. વાત ન માનવાથી કે જાહેર કરી દેવાથી મારે એનું ખરાબ પરિણામ ભોગવવું પડશે, એવી ધમકી પણ આપવામાં આવી હતી.

મને કોઈએ નરભક્ષીઓ વચ્ચે ધકેલી દીધી હોય, એવું લાગતું હતું. ત્યાં મને મદદ કરનાર  કોઈ નહોતું. સસરા રૂમમાંથી બહાર ગયા કે તરત જ મેં બારણું અંદરથી બંધ કરી સાંકળ વાસી દીધી અને હું ત્યાં જ પડી ગઈ. જમીન પર પછડાવાથી મારા માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. હું ત્યાં જ પડી પડી આખી રાત રડતી હતી.

બીજા દિવસે હું રૂમમાં જ ભરાઈ રહી. મારી સાસુ અને જેઠાણી મને મનાવવાં આવ્યાં, પણ મેં બારણું ખોલ્યું જ નહીં. મરવાનો કોઈ ઉપાય સૂઝતો નહોતો અને સાચું કહું તો મને મૃત્યુની બીક પણ લાગતી હતી. એ રાતે મારા જેઠનો અવાજ સંભળાયો. તે મને બારણું ખોલવાનું કહેતા હતા. મારા હૃદયના ધબકારા વધી ગયા.

હું ગભરાઈને દોડીને બારણાને પીઠ અડાડી ઊભી રહી ગઈ. લગભગ અડધા-પોણા કલાક સુધી બારણું ખખડાવ્યા છતાં મેં ન ખોલ્યું. આખરે એ જતા રહ્યા, ત્યારે મારા જીવમાં જીવ આવ્યો, નિર્ણય કર્યા મુજબ વહેલી સવારે ચાર વાગ્યે મેં અવાજ ન થાય એમ બારણું ખોલ્યું. બધાં ઘસઘસાટ ઊંઘતાં હતાં. મારાં ચંપલ હાથમાં લઈ હું લાંબા ડગલે ઘરની બહાર નીકળી ગઈ.

રસ્તા પર આવતાંની સાથે જ મેં દોટ મુકી અને સવાર થતાં સુધીમાં બસસ્ટેન્ડ પર પહોંચી જઈ મારી પાસે જે રૂપિયા હતા, તેનાથી મારા પિયરના શહેરની ટિકિટ લઈ લીધી.

લગ્ન પછી પહેલી વાર મને આ રીતે ગભરાયેલી હાલતમાં જોઈને મારાં માતાપિતાની સ્થિતિ કેવી થઈ હશે, એ વિશે તમે અનુમાન કરી શકો. એમણે મને કંઈ ન પૂછ્યું અને મેં પણ એમને કંઈ ન જણાવ્યું. છતાં મારા જીવન વિશે એમને ખ્યાલ આવી ગયો હતો. એક-બે દિવસમાં જ મારી માતા દ્વારા ઘરમાં સૌને મારી અવિશ્વસનીય વ્યથાકથાની ખબર પડી ગઈ.

દુ:ખ અને શરમને કારણે હું મારા રૂમમાંથી જવલ્લે જ બહાર નીકળતી. પિતાજી તથા ભાઈઓ તો મારાં સાસરિયાં વિરુદ્ધ અનેક પગલાં લેવા ઈચ્છતા હતા, પરંતુ લોકલાજ અને સમાજમાં બદનામીના ભયથી છૂટાછેડા માટેની અરજી કરી, મન મારીને બેસી રહ્યા.

હું ધીમે ધીમે સંજોગો સાથે સમાધાન કરી જીવવા લાગી. થોડા મહિના પછી મોટાભાઈની બદલી થવાથી ભાભી અને બાળકો સાથે અહીં આવી. ભાભીની એક બહેનપણીના કહેવાથી મેં માનસિક સ્થિતિના પરિવર્તન માટે એક ખાનગી ક્લિનિકમાં નોકરી કરવાની શરૂઆત કરી.

સમય વીતવાની સાથે હું આ આઘાતમાંથી બહાર લાવવા મારી જાતને વધુ દ્રઢ બનાવતી ગઈ. એક વર્ષ સુધી તો મારાં પિયરિયામાં સૌએ મારી સાથે સહાનુભૂતિભર્યું વર્તન રાખ્યું. પણ જેમ જેમ હું આત્મનિર્ભર બનતી ગઈ, તેમ તેમ તેમની મારા પ્રત્યેની રૂચિમાં ઘટાડો થતો ગયો. બધાં પોતપોતામાં મગ્ન છે. હવે  મારા પરિવારમાં મારું સન્માનનીય સ્થાન નથી રહ્યું, એવા ઘણા કટુ અનુભવ થયા.

જોકે હવે મેં પણ ધૈર્યથી આ કડવી હકીકતને સ્વીકારી લીધી છે. ક્યારેક તેઓ કોઈ વિધુર કે છૂટાછેડા લીધેલ પુરુષ સાથે મારાં પુનર્લગ્ન કરાવવાની વાત પણ કરે છે.

ઘરમાં એકમાત્ર મા જ મારા દુ:ખને સમજી શકે છે, પરંતુ નિવૃત્ત પતિ અને યુવાન દીકરાઓ સામે એ બિચારી શું બોલી શકે? હું પણ હવે ખાસ ત્યાં મળતા જતી નથી. ભાભી અને બાળકોના ગયા પછી થોડા દિવસ હૉસ્ટેલમાં રહી. હવે આ ક્લિનિકમાં ડૉક્ટરસાહેબના ઘેર 'પેઈંગ ગેસ્ટ' તરીકે છું.

ડૉક્ટરસાહેબનાં બા અને પત્ની ઉદાર અને સારા સ્વભાવનાં છે. તેઓ ઉચ્ચ વિચાર ધરાવે છે. મને પોતાને પણ અહીં સલામતીનો અનુભવ થાય છે. મારી કામ કરવાની ધગશ અને મહેનતથી ડૉક્ટરસાહેબ પણ ખુશ છે. મારા જીવનની પ્રત્યેક જરૂરિયાતની પૂર્તિ મારે જાતે જ કરવાની છે, એટલે જે કામ મળે, તે કરી લઉં છું. શું થાય? જીવનમાં સમાધાન તો કરવું જ પડે છે.'' આટલું કહ્યા બાદ રૂપા ચુપ થઈ ગઈ. એની કૉફી ઠંડી થઈ જવાથી એણે કૉફીનો બીજો કપ મંગાવ્યો.

જોકે એની વાત પૂરી થઈ જવા છતાં, મારી સ્થિતિ તો પહેલાં હતી તેવી રહી.

Tags :