Get The App

સમર્પણ .

Updated: Feb 17th, 2025


Google NewsGoogle News
સમર્પણ                                                      . 1 - image


- વાર્તા

- મારી જ ભૂલ હતી કે ઘર અને બાળકો સિવાય મેં બીજી કોઈ બાબતને મહત્ત્વ નહોતું આપ્યું. મારે પણ કેટલીક એવી બહેનપણી તો હોવી જ જોઈએ, જેની સાથે હસીબોલીને હું મારું મન પણ ફ્રેશ કરી શકું. પછી મેં અનુષ્કા, જયા, રીના, મીનાક્ષી આ બધા સાથે ફ્રેન્ડશિપ કરી. હવે તો ક્યારેક તેમની સાથે મૂવી જોવા પણ જાઉં છું, ક્યારેક શોપિંગ પણ કરું છું  

''મોમ, ડિનરમાં શું છે?'' ''દાળ અને શાક છે?'' 

'ક્યું શાક છે?''

''બટાટા-પરવળ.''

''છિઃ, આ બકવાસ ખાવાનું કોણ ખાશે?''

''જેને ભૂખ હશે તે.''

''હું આ ખાવાનું બિલકુલ નહીં ખાઉં.''

''સારું.'' મેં વોટ્સએપ પર મારી બહેનપણી અનુષ્કા સાથે ચેટિંગ કરતા કહ્યું.

''મોમ, ફોનને બાજુ પર મૂકો, મારી વાત સાંભળો.''

''વાત કાનથી સાંભળવાની હોય છે, મોઢા સામે જોવું જરૂરી નથી. ભૂલી ગયો, તેં જ કહ્યું હતું. મને?''

મારો ૨૦ વર્ષનો દીકરો પગ પછાડતો આટલું બોલીને જતો રહ્યો, ''બસ, ફોનમાં જ બિઝી રહો તમે.''

મેં તેની વાત પર કંઈ ખાસ ધ્યાન ન આપ્યું. હું અનુષ્કાએ મોકલેલા જોક્સની મજા માણી રહી હતી.

૧૦ મિનિટ પછી યશ ફ્રેશ થઈને આવ્યો અને બોલ્યો, ''મોમ, ભૂખ લાગી છે જમવાનું આપ.''

હું ફોન મૂકીને કિચન તરફ જતી રહી, યશ પાછળ પાછળ આવ્યો.

''મોમ, મારા માટે બીજું કંઈ બનાવી આપો?'' તે બોલ્યો.

''બિલકુલ નહીં.'' મેં કડક શબ્દોમાં કહ્યું.

તેણે મોઢું બગાડયું, ''તમે પહેલાં આવા નહોતા.''

મેં તેના ગાલને ચૂંટલી ભરતા કહ્યું, ''સાચું બોલે છે તું, દીકરા, તું જ કહેતો હતો ને, મોમ તમારે બદલાવું જોઈએ.''

હું ડિનર પીરસી રહી હતી ત્યાં મારા પતિ કલ્પેશ અને મારી ૨૩ વર્ષની દીકરી નેહા પણ આવી ગયા. યશનો ગંભીર ચહેરો જોતા કલ્પેશે શરૂ કર્યું, ''શું થયું સાહેબને, આજે ફરી ડિનર તેની પસંદનું નથી કે શું?''

''હા ડેડ, જુઓ ને, આ પણ કંઈ ખાવાનું છે?''

કલ્પેશે તેનો પક્ષ લેતા કહ્યું, ''મંજરી, બાળકોને જે ભાવતું હોય તે જ બનાવતી હોય તો.''

''કેમ, આ ભોજનમાં શું વાંધો છે?'' મારા અવાજની કડકાઈએ બધાને ચોંકાવી દીધા. પછી કોઈએ મારી સાથે મગજમારી કરવાની હિંમત ન કરી. નેહાએ જ થોડી વાર પછી હિંમત કરી, ''મોમ, તમે પહેલાં આવા તો નહોતા.'' મેં કોઈ જ જવાબ ન આપ્યો.

ડિનર પછી અમે રોજની જેમ આંટો મારવા ગયા. ત્યારે કલ્પેશે કહ્યું,

''બોલ મંજરી, આજનો દિવસ કેવો રહ્યો?''

''જેવો હંમેશાં હોય છે.''

''શું કર્યું?''

''બસ એ જ રોજનું કામ.''

''કોઈ નવી વાત?''

''ના.''

''પહેલાં તું કેટલી વાતો કરતી હતી, હવે તારી વાતો ક્યાં જતી રહી?''

મેં તેમની તરફ જે રીતે જોયું તે જોતા તે ઘણું બધું સમજી ગયા હતા. પહેલાં પણ આવું જ થતું. આ જ પ્રશ્નો અને આ જ જવાબો. ફરક માત્ર એટલો હતો કે પ્રશ્નો મારા હતા અને જવાબો તેમના.

ઊંઘવાનો સમય થઈ ગયો. હું આડી પડી પણ મને ઊંઘ ન આવી. કલ્પેશ ઊંઘી ગયા હતા. મન થયું કે બાળકો પાસે થોડું બેસું, પણ પછી મારી જાતને મેં રોકી લીધી. એવી જ રીતે જે રીતે આજકાલ ઘણી બધી વાતો કરતા પોતાની જાતને રોકી લઉં છું. બાળકો અને કલ્પેશ સાચું જ કહેતા હતા કે હું પહેલાં જેવી નહોતી રહી, પણ કેટલાંય મહિનાઓથી જે હું અનુભવી રહી હતી તે બાબતોના કારણે કાં તો હું માનસિક રીતે થાકીને બીમાર થઈ જતી અથવા તો ઘરમાં બધા સાથે ઝઘડતી.

ઘણા દિવસો વિચાર્યા બાદ મેં મારી જાતને બદલવાનો પ્રયાસ કર્યો છે. વિચાર્યું કે આ ત્રણેય પોતાની લાઇફમાં વ્યસ્ત રહે છે, તો શું મારે મારું આખું જીવન આ વાત પર દુઃખી રહેવાનું? ના, આ તો બરાબર ના કહેવાય. પહેલાં ઘણીવાર એવું થયું હતું કે બાળકો પોતાના મિત્રો સાથે ચેટ કરતા રહેતા અને હું તેમની પાસે થોડી વાતચીત કરવા બેસતી, તો તેઓ ફોન પરથી નજર જ નહોતા હટાવતા. પહેલી વારમાં તો ભાગ્યે જ યશે મારી વાત સાંભળી હોય. આખી વાત પૂરી થઈ જાય ત્યારે પૂછે, ''શું?''

પછી હું બધું રિપીટ કરતી અને ગુસ્સો કરતી, ''ફોન બાજુ પર મૂકીને નથી સાંભળી શકતો?''

તેનો જવાબ હોતો, ''કાનથી જ તો સાંભળવાનું હોય છે. આંખો જ તો ફોન પર છે.''

હું ખૂબ ગુસ્સે થઈ જતી, ''શું તું થોડીવાર ફોન બાજુ પર મૂકી મમ્મી સાથે વાત ના કરી શકે?''

ત્યારે સાહેબ જવાબ આપતા, ''મોમ, તમારી સાથે તો ગમે ત્યારે વાત કરી શકું છું. અત્યારે ફેન્ડ્સ સાથે કરવા દો. ગ્રુપમાં ચેટિંગ ચાલી રહ્યું છે.''

કલ્પેશ ટૂર પર હોય તો નેહાને ક્યારેક કહેતી, ''થોડું કામ છે, માર્કેટ આવીશ મારી સાથે?''

''ના, મોમ.''

''કેમ? તારા ફ્રેન્ડ્સ સાથે તો તરત જ નીકળી પડે છે.''

''અરે મોમ, તમે તમારી ફ્રેન્ડ્સ સાથે કેમ નથી જતા.''

''કોની સાથે જઉં?''

''વાહ મોમ, તે પણ હું જ જણાવું, અરે, તમારું કોઈ સર્કલ બનાવો. તેમની સાથે લાઇફ એન્જોય કરો.''

ત્યારે મારું મન દુભાઈ જતું, મનમાં કંઈક ખૂંચતું હતું, પછી વિચારતી હતી કે મારી જ ભૂલ હતી કે ઘર અને બાળકો સિવાય મેં બીજી કોઈ બાબતને મહત્ત્વ નહોતું આપ્યું. મારે પણ કેટલીક એવી બહેનપણી તો હોવી જ જોઈએ, જેની સાથે હસીબોલીને હું મારું મન પણ ફ્રેશ કરી શકું. પછી મેં અનુષ્કા, જયા, રીના, મીનાક્ષી આ બધા સાથે ફ્રેન્ડશિપ કરી. બધાને પહેલાંથી જ ઓળખતી હતી, પણ તેમના પ્રોગ્રામ્સથી દૂર રહેતી હતી. હવે તો ક્યારેક તેમની સાથે મૂવી જોવા પણ જાઉં છું, ક્યારેક શોપિંગ કરું છું તો ક્યારેક-ક્યારેક લંચ પણ કરું છું. અમે એકબીજા સાથે ઘણું સુખદુખ વહેંચીએ છીએ. સૌથી મોટી વાત એ કે હવે હું ઘરમાં કોઈની પાસે કંઈ જ અપેક્ષા નથી રાખતી. તેથી મને ગુસ્સો પણ નથી આવતો. હવે ચોવીસ કલાક ઘરમાં બધાએ બરાબર ખાધું, કોણ ક્યારે ઊંઘે છે, ક્યારે ઊઠે છે, કોણે અભ્યાસ કર્યો, કોણ ફોન પર છે જેવી વાતો મારું મગજ નથી ખાતી. બાળકો મોટા થઈ ગયા છે.

કલ્પેશ એક વ્યસ્ત જનરલ મેનેજર છે. હું તેમને જ્યારે ચિંતિત જોતી તો તરત જ કારણ પૂછી લેતી. ત્યારે તે ચિડાઈને તે જ જવાબ આપતા જે હું આજકાલ તેમને આપું છું. હું તો માત્ર એટલું જ ઇચ્છતી હતી કે તેઓ પોતાની ચિંતાઓ મારી સમક્ષ વ્યક્ત કરે, પણ નાની વાતો જે મને પ્રસન્ન કરતી હતી તે જ હવે મારી તાણનું કારણ બની ગઈ હતી.

ધીમેધીમે મને એકલતા ઘેરવા લાગી. કદાચ આ ઉંમરનું મનોવિજ્ઞાાન કંઈક અલગ હોય છે. હોર્મોન્સ બદલાવા અને શારીરિક પરિવર્તનથી વ્યક્તિનો સ્વભાવ ન ઇચ્છવા છતાં પણ બદલાઈ જાય છે. મેં જ તો મારા બાળકોને એક નવી દિશા આપી હતી અને હું જ મારી જાતને દિશાહીન અનુભવતી હતી. વ્યર્થની ભાવના મને ઘેરવા લાગી. ક્યારેક ક્યારેક મારું જીવન મને નિરર્થક લાગતું હતું.

પહેલાં જ્યારે હું ક્યારેક બુકસ્ટોલ પર પુસ્તકોના પાના ફેરવતી અથવા કોઈ  એન્ટિક વસ્તુ જોવામાં વ્યસ્ત રહેતી, તો કલ્પેશ પોતાના ફોનમાં ફોટા પાડવા, મોકલવા, સ્ટેટસ અપડેટ કરવા અથવા વોટ્સએપ પર ચેટ કરવામાં વ્યસ્ત રહેતા હતા. હું દુઃખી થઈ જતી કે કેવી રીતે કોઈ વ્યક્તિ પોતાની સાથેની વ્યક્તિની આવી ઉપેક્ષા કરે અને કેટલાય ગામ દૂર બેઠી વ્યક્તિ સાથે સતત સંપર્કમાં રચીપચી રહે? પછી વિચારે કે તેમનો સ્વભાવ એવો હશે, જે તેમને ગમે તે કરે, તેમની મરજી.

હું પરાણે બાળકો અને કલ્પેશને મજબૂર ન કરી શકું ને, તો પછી હું મારી જાતને જ કેમ ન બદલી નાખું? મારું પણ કોઈ અસ્તિત્વ છે.

નવી વિચારસરણી, નવા વિચારો સાથે તાલમેલ બેસાડવો થોડો અઘરો હતો, પણ અશક્ય નહોતો. મારી પ્રાથમિકતા તો હંમેશાં ઘરની ચિંતા જ રહી હતી. શિક્ષિત હોવા છતાં પણ હું નોકરીના પક્ષમાં નહોતી રહી, મારું વિચારવું હતું કે શિક્ષિત હોવાનો અર્થ એવો નથી કે નોકરી કરવી જરૂરી છે અથવા ગૃહિણીનું જીવન અર્થહીન છે. શિક્ષિત વ્યક્તિ ઘરગૃહસ્થી સંભાળે કે ખેતીવાડી પણ કેમ ન કરે, પરંતુ જીવનમાં જે પણ કરે તે સારી રીતે કરી શકે તે જ મારા માટે શિક્ષણની સાર્થકતા છે. પછી મેં મારા પર જ કામ કર્યું. મારા વિચારો, મારી વિચારસરણીને નવી દિશા આપી. કેટલીય નવી વસ્તુઓ તેમજ કમ્પ્યુટરની બેઝિક બાબતો શીખી છું. પછી શું હતું, મને પણ પાંખો આવી ગઈ અને મેં પણ ઇન્ટરનેટના આકાશનો ખૂણેખૂણો ખંખોળવાનું શરૂ કરી દીધું. પહેલાં બ્લોગિંગ શીખી, પછી ફેસબુક પર મારી પ્રોફાઇલ બનાવી અને પછી મારી નવીજૂની બહેનપણીઓ અને હું.

બાળકો હવે મને મારી દુનિયામાં વ્યસ્ત જોઈને ચકિત હતા. કહેતા કે  મોમ, તમારી આટલી બહેનપણીઓ? અને મજા તો ત્યારે આવતી જ્યારે ઘરમાં કોઈ મારી સાથે વાત કરવા માગતું હોય ત્યારે હું મારા ફોન પર ચેટિંગમાં વ્યસ્ત રહું છું. તેમને કહું છું એક મિનિટ ઊભા રહો હમણાં વાત કરું.

આટલા વર્ષથી જે મનમાં હતું તે બધું મેં શીખી લીધું. સ્વિમિંગ, ડાન્સિંગની સાથે સાથે બીજું ઘણું બધું, જે બધાને આશ્ચર્યમાં મૂકી દેતું. સારાં મેગેઝિન, પુસ્તકોમાં તો હું ખોવાઈ જાઉં છું. એક દિવસે તો કંઈક વાંચતાંવાંચતાં આ પંક્તિઓ પર નજર ખોડાઈ ગઈ. એવું લાગ્યું જાણે કોઈએ મારા મનની વાત શબ્દોમાં ઢાળી લીધી હોય-

ઘોર નિરાશા તેમજ અંધકારમાં,

ગૂંગળાઈ રહ્યો હતો હું.

ભટકતો હતો સુખની શોધમાં,

બસ જીવ્યે જતો હતો હું.

કોણ જાણે એક દિવસે કેવી રીતે,

ચમત્કાર થઈ ગયો.

બેઠાબેઠા મારી જાત સાથે,

મનમેળ થઈ ગયો.

શોધ થઈ પૂરી મારી જાતમાં, 

તો જીવનનો સાર મળ્યો.

તે જ તો થયું મારી સાથે. પછી તો આ ત્રણે જે કહેતા રહ્યા કે હું બદલાઈ ગઈ છું, તો હું બીજું શું કરતી? નવો સમાજ, નવો માહોલ તેમજ પોતાના વ્યક્તિત્વ માટે બદલાવું તો જરૂરી હતું જ અને મને લાગે છે આ પરિવર્તન બધા માટે સારું છે.



Google NewsGoogle News