સહિયર સમીક્ષા .
- અમારો ફ્લેટ મારા પતિની ઑફિસથી બિલકુલ નજીક છે, તેથી પતિ લંચ ટાઈમમાં ઘરે આવીને જમે છે. મુશ્કેલી એ છે કે અવારનવાર તેમના ૧-૨ મિત્ર પણ સાથે આવે છે.
* હું ૧૬ વર્ષનો ૧૨મા ધોરણનો વિદ્યાર્થી છું. મમ્મી-પપ્પા વચ્ચે સતત અણબનાવ રહેતો હતો, તેથી મમ્મી મને લઈને મોસાળ આવી ગઈ. તે નાનીનું એકનું એક સંતાન છે અને સરકારી નોકરી કરે છે, એ કારણથી અમારે કોઈ જ પ્રકારની આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડયો નથી. નાનીએ અમને મુશ્કેલીના સમયે સાથ આપ્યો માટે હું તેમનો આભારી છું, પરંતુ હવે ઉંમર વધવાની સાથેસાથે તેઓ વધારે ચીડિયા અને ઉગ્ર સ્વભાવના બનતા જાય છે. વાતવાતમાં ટોણાં મારે છે. ઘણીવાર તો ઘરમાંથી જતાં રહેવાનું પણ કહી દે છે. તેનાથી હું ઘણો પરેશાન થઈ જાઉં છું. મનમાં થાય છે કે સાચે જ ક્યાંક જતો રહું, ભલેને મહેનત-મજૂરી કેમ ન કરવી પડે, પણ તેનાથી ભવિષ્યમાં મહેણાં-ટોણાં અને ઠપકાથી છુટકારો તો મળી જશે.
એક વિદ્યાર્થી (ભૂજ)
* તમારાં નાની ઘરડાં છે. આ ઉંમરમાં વ્યક્તિનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે, તેથી તેઓ કંઈક કડવું બોલે છે તો તેનું ખોટું લગાડશો નહીં. એવી કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરશો નહીં, જેનાથી તેમને અને તમારી મમ્મીને ખોટું લાગે. તમારા પપ્પાના સાથસહકાર વગર એકલા હાથે તેમણે તમારું પાલનપોષણ કર્યું છે, જે કરવું સરળ નહોતું. તેથી મન લગાવીને તમારી પરીક્ષાની તૈયારી કરો કારણ કે તેની પર તમારી પૂરી કરિયર આધારિત છે.
* હું ૩૮ વર્ષની પરિણીતા છું. લગ્નને ૧૬ વર્ષ થયાં છે. મારે ૧૪ વર્ષની એક દીકરી છે. મારા ૪૩ વર્ષના પતિ આમ તો સરકારી નોકરીમાં ઊંચા હોદ્દા પર છે, પરંતુ ઘરપરિવારને કોઈ જ મહત્ત્વ આપતા નથી. કોઈ વસ્તુ માટે પૈસા માગીએ તો ૧૦ વાર વિચારે છે. હજી સુધી અમારું પોતાનું ઘર પણ નથી. મારા પતિ સેક્સ પ્રત્યે પણ ઉદાસીન છે. પહેલાં મને લાગતું હતું કે કદાચ તેઓ હસ્તમૈથુન કરતા હશે અને એટલે તેમને સેક્સની ઇચ્છા થતી નહીં હોય, પરંતુ એક દિવસ મને તેમની ડાયરી વાંચવાથી લાગ્યું કે તેઓ કદાચ સમલૈંગિક છે.
એ વાતની હું વધારે ને વધારે ચિંતિત થઈ ગઈ છું, ખાસ કરીને મારી દીકરીને લઈને. જો તેઓ ખરેખર સમલૈંગિક હશે એટલે જ તેઓ પોતાની દીકરીને પણ પ્રેમ કરતા નહીં હોય. હું શું કરું?
એક પત્ની (જામનગર)
* તમે ઢંગધડા વગરની વાતો વિચારી રહ્યા છો અને એમાં જ ગૂંચવાયેલા રહો છો. તેમાંથી બહાર આવો. તમારી દીકરી કિશોરાવસ્થામાં પ્રવેશ કરી ચૂકી છે. ઉંમરના આ મુકામ પર હોર્મોનમાં ફેરફાર થવાના કારણે શારીરિક ફેરફાર થાય છે, જેનાથી ઘણીવાર તે ગભરાઈ જાય છે. એવામાં મમ્મીએ તેને માર્ગદર્શન પૂરું પાડવાનું હોય છે. રહી વાત પપ્પાના મનમાં દીકરી પ્રત્યેના પ્રેમની, તો દરેક પુરુષ પોતાના સંતાન પ્રત્યે વહાલ રાખે છે. તમારા પતિ પ્રતિષ્ઠાવંત હોદ્દા પર કાર્યરત છે. તેમણે દીકરીના ભવિષ્ય માટે કંઈક વિચારી રાખ્યું હશે. તમે કારણ વગરની ચિંતાને મનમાંથી દૂર કરી તાણમુક્ત જીવન જીવો.
* અમારા નવાંનવાં લગ્ન થયાં છે. અમારો ફ્લેટ મારા પતિની ઑફિસથી બિલકુલ નજીક છે, તેથી પતિ લંચ ટાઈમમાં ઘરે આવીને જમે છે. મુશ્કેલી એ છે કે અવારનવાર તેમના ૧-૨ મિત્ર પણ સાથે આવે છે. સાંજે પણ આ ક્રમ એ જ રીતે ચાલતો રહે છે. શરૂઆતમાં તો પતિને સારું લાગતું હતું, પણ હવે તેઓ મારી તકલીફ સમજવા લાગ્યા છે. મિત્રોથી ઘેરાયેલા રહેવાના કારણે અમને બંનેને અમારા પોતાના માટે ઘણો ઓછો સમય મળે છે, પણ શું કરે, ઇચ્છવા છતાં પણ તેઓ પોતાના વહાલા મિત્રોથી દૂર રહી શકતા નથી. એવું શું કરીએ કે રોજબરોજની મહેમાનગતિથી બચી પણ જઈએ અને તેમના મિત્રો નારાજ પણ ન થાય?
એક પત્ની (નવસારી)
* તમારે પોતાના માટે ઑફિસથી થોડે દૂર ફ્લેટ લઈ લેવો જોઈએ. ઑફિસથી એકદમ નજીક હોવાના કારણે જ ગમે ત્યારે પતિના મિત્રો તેમની સાથે ચાલ્યા આવે છે. મિત્રતાને તકાદો છે માટે પતિ તમારી મુશ્કેલી સમજવા છતાં પણ તેમને ના પાડી શકતા નથી. ઘર ઑફિસથી દૂર હશે, તો મિત્રોની અવરજવર ઓછી થઈ જશે અને તમે બંને પોતાના માટે સમય આપી શકશો. આમ પણ અત્યારે તમારા નવાંનવાં લગ્ન થયાં છે, તો તમારો સમય રોમાન્સમાં વીતવો જોઈએ, નહીં કે વખત-વખતની મહેમાનગતિમાં.
- નયના