સહિયર સમીક્ષા .
- એક યુવતી સાથે મને પ્રેમ છે. તેનાથી છૂટા પડવાનો વિચાર જ મને ધુ્રજાવી મૂકે છે. જો કે અમને ખાતરી છે કે અમારા વડીલો અમારા લગ્નને માન્ય કરશે નહીં.
* હું ૫૦ વર્ષનો છું. મારી પત્ની ૪૪ વર્ષની છે. અમારે ૨૨ અને ૨૦ વર્ષના પુત્રો છે. છેલ્લાં બે-ત્રણ વર્ષથી મારી પત્નીના વર્તનમાં ઘણો ફેર પડી ગયો છે. તે ગમે તેવા શબ્દો બોલી મને ઊતારી પાડે છે તેમ જ સેક્સમાં પણ તેને રૂચિ નથી. આ બાબતે તે ઘણી નિષ્ક્રિય છે. હું સેક્સ માટે માંગણી કરું તો તે કહે છે કે તો બીજી સ્ત્રી સાથે સંબંધ રાખી શકો છો અને છૂટાછેડાની માંગણી કરે છે. તેને પિયરમાં પણ કોઈ રાખવા તૈયાર નથી. મારા પુત્રોના ભવિષ્ય ખાતર હું તેને છૂટાછેડા આપવા તૈયાર નથી અને પર સ્ત્રી સાથે સંબંધ બાંધવો મને નૈતિકતાની દ્રષ્ટિએ યોગ્ય લાગતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક ભાઈ (ભાવનગર)
* મેનોપોઝ દરમિયાન હોર્મોન્સમાં થતા બદલાવને કારણે મૂડમાં ફેર પડી શકે છે. તમારી પત્ની આમ કેમ કરે છે એ જાણવાનો તમે પ્રયત્ન કર્યો છે ખરો? આટલા વરસ સુધી તે સારી રીતે રહી અને હવે અચાનક જ તેને શું થયું? ખરું કારણ જાણી ઉપાય કરો. શક્ય હોય તો તેને કોઈ સેક્સોલોજીસ્ટ કે મનોચિકિત્સક પાસે લઈ જાય. તમે નૈતિક મૂલ્યો જાળવી રાખ્યા છે એ માટે તમને ધન્યવાદ આપવા ઘટે છે. પર સ્ત્રી સાથે સંબંધ બાંધવા કરતા તમે કોઈ સેક્સોલોજીસ્ટની સલાહ લઈ તમારા મનનો આવેગ સમાવવાનો પ્રયાસ કરો. તમારી પત્ની મૂડમાં હોય ત્યારે શાંતિથી એની સાથે ચર્ચા કરી કોઈ એક માર્ગ પસંદ કરો. આ પત્રમાં તમે એમ પણ કબૂલ કર્યું છે કે તમારો સમાગમ સંતોષજનક રહે છે અને તમારી પત્નીને સંતોષ પણ મળે છે. આમ એક જ પત્રમાં તમે વિરોધાભાસી નિવેદન કર્યું છે. મનનો આવેગ દૂર કરવાનો હસ્તમૈથુન પણ એક માર્ગ છે.
* મારા લગ્નને છ વર્ષ થાય છે. હું અને મારી પત્ની એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. પરંતુ હજુ સુધી અમે શરીર સંબંધ બાંધી શક્યા નથી. હું તેને ઉત્તેજીત કરવાના બધા જ પ્રયત્ન કરું છું પણ તે મને તેનાથી દૂર જ રાખે છે. ડોક્ટરની સલાહ લેવા પણ તે તૈયાર નથી. શું તેના જીવનમાં બનેલી કોઈ ઘટનાને કારણે તે આમ કરતી હશે? એ બાબતે પણ મેં તેને પૂછ્યું પરંતુ તે કંઈ કહેતી નથી યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક ભાઈ (નડિયાદ)
* શક્ય છે એના જીવનમાં બનેલી કોઈ ઘટનાને કારણે તે આમ કરતી હોય. આપણા સમાજમાં સેક્સ ખરાબ હોવાનું છોકરીઓને શીખવવામાં આવે છે એ કારણે પણ આમ હોઈ શકે છે. તેને સમજાવી-ફોસલાવીને કોઈ સારા મનોચિકિત્સક કે સેક્સોલોજીસ્ટ પાસે લઈ જાવ. તમે તેને છોડી દેશો એ કારણે કદાચ તે તમને તેના મનની વાત કહેતા ડરતી હશે આથી પહેલા તેને વિશ્વાસમાં લઈ તેના મનની વાત જાણો. તેની મમ્મી અથવા મોટી બહેન પાસેથી આનું કારણ જાણવાનો પ્રયાસ કરો. સુખી લગ્નજીવન માટે સેક્સ જરૂરી હોવાનું તેને સમજાવો. આ જ પરિસ્થિતિ રહેશે તો લગ્નજીવન જોખમમાં મૂકાશે એ પણ તેને સમજાવો. કોઈપણ પ્રકારે તમારી પત્ની તમને સાથ આપવા તૈયાર ન હોય તો પછી બંને પક્ષના વડીલોની સલાહ લઈ યોગ્ય નિર્ણય લો.
* હું ૨૦ વર્ષનો છું. એક યુવતી સાથે મને પ્રેમ છે. તેનાથી છૂટા પડવાનો વિચાર જ મને ધુ્રજાવી મૂકે છે. જો કે અમને ખાતરી છે કે અમારા વડીલો અમારા લગ્નને માન્ય કરશે નહીં. અમારે તેમને દુઃખી કરવા નથી અને એકબીજાથી છૂટા પણ પડવું નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવક (સુરત)
* તમારા વડીલો આ લગ્નને માન્ય નહીં કરે એ પાછળનું કારણ શું છે? શું તમોે લગ્ન કરવા માટે ગંભીર છો! લગ્ન કરતા પૂર્વે પગભર બનો. લગ્ન પછી આવતી જવાબદારી ઉપાડી શકશો એની ખાતરી થયા પછી જ લગ્ન કરો. તમારા વડીલોની લાગણીને તમે ઠેસ પહોંચાડવા માગતા નથી એ વાત સારી છે. પરંતુ તમારું દિલ શું કહે છે એનો વિચાર કરો. આમ પણ હજુ તમારી ઉંમર નાની છે આથી થોડા વરસ સુધી રાહ જુઓ. આ વરસ દરમિયાન તમારો પ્રેમ મજબૂત રહે તોે વડીલોને સમજાવી આગળ વધો. લગ્નનો નિર્ણય ઘણો મહત્ત્વનો છે. આ જિંદગીભરનો સાથ છે આથી ખૂબ જ સમજી-વિચારીને નિર્ણય લેજો. વડીલોની મરજી પણ જરૂરી છે.
- નયના